પપ્પા રાહ જોતા હશે..

તાપસ મનુભાઇ અને અનુબેનનો એક નો એક પુત્ર. લગ્નના પાંચ વરસ પછી  આવેલા તાપસે તેમના સંસારમાં ખુશી છલકાવી દીધી હતી. ખાસ કરીને અનુબહેને થોડી રાહત  અનુભવી હતી. કેમકે મનુભાઇ  પહેલેથી ગરમ પ્રકૃતિવાળા.. તેમના  મિજાજનો કોઇ ભરોસો નહીં..કયારે કઇ નાનકડી વાતમાં પણ તેમનું મગજ છટકી જાય એ કોઇ કળી  ન શકે. અલબત્ત દિલના સાફ અને નિખાલસ માણસ..મનમાં  કોઇ મેલ નહીં. પરંતુ ગુસ્સે થાય ત્યારે તેમની જીભ કાતરની જેમ ચાલે. પોતે શું બોલે છે એનું ભાન પણ તેમને ન હોય. તેજાબી શબ્દો ભલભલાને જખમી કરી દે. કોઇ કોઇના મનમાં અંદર  ઘૂસીને થોડું જોવા જાય છે કે તેમના દિલમાં કશું નથી. બહું નજીકથી ઓળખતા લોકો તેમનો સ્વભાવથી પરિચિત ખરા..પણ કોઇ તેમની  બહું નજીક જવાની હિમત ન કરે.

પતિના સ્વભાવને શાંત  કરવા અનુબહેને ઘણાં પ્રયત્નો કરેલા..પણ  પરિણામ શૂન્ય. થોડા દિવસ ગાડી બરાબર ચાલે અને કઇ ઘડીએ પાછી પાટા ઉપરથી ઉતરી જાય ..અને મનુભાઇની જીભ ચાલુ થાય. ન બોલવાના શબ્દો બોલાતા  રહે. અનુબહેન આંસુ સારતા રહે અને મૌન રહીને અંદર ચાલ્યા જાય. જોકે કલાક પછી એ જ મનુભાઇ અનુબહેનને પ્રેમથી મનાવતા પણ જોવા અચૂક મળે. બસ.. વરસોથી આ જ તેમનું રૂટિન હતું.

તેથી પુત્રનું આગમન થયું ત્યારે અનુબહેનને હતું કે હવે પતિનો સ્વભાવ કદાચ બદલાશે. અને થોડો  સમય તો એમની એ ધારણા સાચી પણ  પડી. મનુભાઇ દિલના તો  લાગણીવાળા જ. દીકરાના લાડકોડમાં કોઇ કમી ન રહી. અનુબહેનને હાશકારો થયો.

દિવસે દિવસે તાપસ મોટો થતો ગયો. દસેક વરસ સુધી તો બહું વાંધો ન આવ્યો.પણ તાપસ ટીન એજ માં આવ્યો. ત્યારે પિતા પુત્ર વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઇ. તાપસની કોઇ વાત ન ગમે ત્યારે મનુભાઇ માટે  શાંત રહેવું અશકય બની જતું. અને તાપસ પણ ચૂપ ન રહી શકતો. પિતાને સામે જવાબ દઇ દેતો. પરિણામે  પિતા પુત્ર વચ્ચે  વાકયુધ્ધ ચાલતું રહેતું. ધીમે ધીમે આ રોજિંદી વાત બનતી ગઇ. અનુબહેન ન પુત્રને કહી શકતા ન પતિને..તાપસમાં પણ પિતાનો જ સ્વભાવ ઉતર્યો હતો.

હવે તાપસ કોલેજમાં આવ્યો હતો. યુવાન લોહી તો વધારે જ ગરમ હોય. એ ન્યાયે તાપસ ના સ્વભાવની ઉગ્રતા દિવસે દિવસે વધતી જતી હતી. જાણે અસલ બીજા મનુભાઇ.    

 આજે  તાપસ અને મનુભાઇ વચ્ચે ફરી એકવાર તણખા ઝરી રહ્યા. બાપ દીકરા વચ્ચે અવારનવાર શાબ્દિક યુધ્ધ થતું રહેતું. હવે તો પરિસ્થિતિ એવી આવી હતી કે જે દિવસે બંને વચ્ચે  બોલાચાલી ન થાય તે દિવસે અનુબહેનને નવાઇ લાગતી. પિતા, પુત્રની બોલાચાલીથી  ટેવાઇ ગયા હોવા છતાં અનુબહેનના  મનમાં હમેશા એક ફડક રહેતી. હવે દીકરો યુવાન થયો હતો. પિતાના ખભ્ભા સુધી પહોંચતો દીકરો મિત્ર જ કહેવાય.. એવું માનતા અનુબેન પતિને વારવાનો પ્રયત્ન કરતા રહેતા. પણ.. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ કહેવત કદાચ સાચી જ હશે.

આજે મનુભાઇએ  તાપસની કોઇ વાત પર ગુસ્સો આવવાથી તોરમાં ને તોરમાં  તાપસને કહી દીધું..

‘ જા..આવું જ કરવું હોય તો  મારા ઘરમાંથી નીકળી જા..

અને આવેશમાં આવીને તાપસ પણ “ નથી રહેવું તમારા ઘરમાં “  એવું કહીને ઘરની બહાર નીકળી ગયો. અનુબહેન પુત્રને રોકવા પાછળ દોડયા.. પણ તાપસ આજે મમ્મીની વાત  સાંભળવા પણ  ન રોકાયો.

 શું કરવું તે  અનુબહેનને સમજાયું નહીં. પતિને કંઇક કહેવા જતા હતા ત્યાં જ તે બોલ્યા..

કંઇ ચિંતા કરવાની જરૂર નથી. એની મેળે ઠેકાણે આવશે..નહીં આવે ને જશે કયાં ? કોણ સંઘરવાનું હતું તેને ?

અને બોલતા બોલતા હમેશની જેમ હીંચકા પર જઇને બેઠા.

એકાદ કલાક એમ જ પસાર થયો. હવે મનુભાઇ  શાંત થયા હતા. તેમના  મનમાં દીકરાની  ચિંતા થવા લાગી. પોતે કેવી ભૂલ કરી બેઠા હતા એનું ભાન થયું. ચપ્પલ પહેરી દીકરાને શોધવા નીકળી પડયા.અનુબહેને તેમને નાસ્તો કરીને જવા કહ્યું. પણ તાપસ પાછો ન આવે ત્યાં સુધી મનુભાઇને..એક પિતાને ગળે નાસ્તો ઉતરી શકે એમ નહોતો. પોતે ગુસ્સામાં આવીને ન બોલવાના શબ્દો  બોલી બેસતા હતા.. એ વાત સાચી,  પણ તેથી દીકરા માટે કંઇ પ્રેમ નહોતો એવું થોડું હતું ?

તાપસના મિત્રોને તે ઓળખતા હતા. નક્કી એમાંના કોઇ પાસે જ તાપસ ગયો હશે.

અને ભૂખ્યો  તરસ્યો એક પિતા દીકરાને શોધવા એક પછી એક મિત્રને ઘેર દોડી રહ્યો.

બે ચાર મિત્રોને ઘેર ગયા બાદ તે એક બીજા મિત્રને ઘેર તપાસ કરવા જતા હતા..ત્યાં જ તાપસ અને તેનો એક મિત્ર એક જગ્યાએ વાતો કરતા ઉભા હતા તે દેખાયું.

દીકરાને જોતા જ મનુભાઇના જીવમાં જીવ આવ્યો.

દીકરાની પાછળ ઉભા રહીને તેને બોલાવવા જતા હતા ત્યાં તાપસનો મિત્ર કશુંક કહેતો હતો તે સાંભળવા છાનામાના ઉભા રહી ગયા.

અરે, તાપસ..મારા પપ્પાએ એવું કહ્યું હોય અને આમ વારંવાર ગુસ્સો કરતા હોય તો હું એવા બાપનું મોં ન જોઉં. આ લોકો આપણને સમજે છે શું ? આવા નાલાયક લોકો બાપ થવાને લાયક  જ નથી હોતા. તાપસનો મિત્ર મન ફાવે તેમ તાપસના પપ્પા વિશે બોલતો રહ્યો. મનુભાઇ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા.

ત્યાં   તાપસ બોલી ઉઠયો.

મનન, સ્ટોપ ઓલ ધીસ નોનસેન્સ.. મારા પપ્પા વિશે ગમે તેમ બોલવાનો તને કોઇ હક્ક નથી. ઠીક છે..મેં તારી પાસે મારો ઉભરો ઠાલવ્યો. પણ  એનો અર્થ એ હરગિઝ નથી કે મને મારા પપ્પા માટે લાગણી નથી. આઇ લવ માય ફાધર.. અંડરસ્ટેંડ ? અને ખાલી એ જ બોલે છે એવું નથી. હું પણ બોલવામાં કયાં પાછળ રહું છું. હું પણ એમનો જ  દીકરો છું ને ?  અમારી પ્રકૃતિને લીધે અમારું આ યુધ્ધ બની શકે જીવનભર ચાલતું રહે પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો..સમજયો ? ચાલ, હું જાઉં છું..મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા જ હશે..

મનુભાઇની આંખો ભીની  બની ઉઠી. .. તે મનોમન બોલી ઉઠયા..

‘ ના..બેટા, હવે આપણું યુધ્ધ ચાલુ નહીં રહી શકે..હવે આપણો સ્નેહ જ જીવનભર ચાલશે..    

   ( સંદેશમાં પ્રકાશિત વાત એક નાનકડી ) 

8 thoughts on “પપ્પા રાહ જોતા હશે..

 1. ‘ ના..બેટા, હવે આપણું યુધ્ધ ચાલુ નહીં રહી શકે..હવે આપણો સ્નેહ જ જીવનભર ચાલશે..

  વાર્તાનો આવો સુખાંત ગમ્યો।

  પિતા પુત્રના સંબંધને મધ્યમાં રાખીને લખેલ સરસ વાર્તા .

  એકનો એક પુત્ર ગુમાવવાનું ક્યા માં-બાપને ગમે .ગુસ્સાનો ઉભરો બેસી જતા પિતા અને પુત્ર

  બન્નેને પોતાની ભૂલનો અહેસાસ થતા બધું સારે સારું પરિણામ આવ્યું .

  સુંદર બોધદાયક પ્રેરક વાર્તા માણી . ધન્યવાદ .

  Like

 2. અમારી પ્રકૃતિને લીધે અમારું આ યુધ્ધ બની શકે જીવનભર ચાલતું રહે પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો..સમજયો ? ચાલ, હું જાઉં છું..મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા જ હશે..
  સરસ

  Like

 3. ઉંઘ આવતી હતી, પણ આ વાર્તાના અંત સુધી ખેચાઈને વાંચી તો લીધી.
  સુંદર વાર્તા.
  ગમી.
  ‘ચમન”

  Like

 4. જય શ્રી કૃષ્ણ। આજનો આપનો દિન સુહાનો પસાર થાય। વાર્તાનો છેડો સુખાન્ત માં
  એટલે હું તો આનંદીત થઈ!!

  Like

 5. અમારી પ્રકૃતિને લીધે અમારું આ યુધ્ધ બની શકે જીવનભર ચાલતું રહે પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો..સમજયો ? ચાલ, હું જાઉં છું..મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા જ હશે..
  સરસ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s