ચપટી ઉજાસ..158

 

ચપટી ઉજાસ… 158

                                                                                                   રીંગ વાગતી રહી..

 એ દિવસે ફૈબા સાથે અસદ અંકલ ઉભા હતા. એમને હું ઓળખતી હતી. તે ઘણીવાર ફૈબા સાથે ઘેર  આવતા હતા. બધા તેમને ઓળખતા હતા. બહું મજાના અંકલ હતા. ઘરમાં આવે ત્યારે બધાને હસાવતા હતા. અને મારા  અને જય માટે તો હમેશા ક્શુંક લાવતા હતા. જોકે દાદીમાને  બહું  ન ગમતા પણ ત્યારે અંકલની હાજરીમાં  કંઇ બોલતા નહીં.. પણ અસદ  અંકલ જાય પછી અચૂક કહેતા,

‘ ઉમંગી, હિંદુ થઇને તું એક મુસ્લીમને ઘરમાં ઘાલ છે  એ મને જરાયે નથી ગમતું.’  

‘ મમ્મી, તને કેટલી વાર સમજાવ્યું છે કે હિન્દુ મુસ્લીમ એ બધી નાત જાત ઇશ્વરે નથી બનાવી. માણસ માત્ર સરખા..

પણ એમનો ધરમ અને આપણો ધરમ સાવ જુદા..

મમ્મી, રસ્તા જુદા..પણ ઇશ્વર અને અલ્લાહ આખરે એક જ..

પણ એ લોકો કેવું કેવું ખાય ? પાપ લાગે અપણને તો..

’ મમ્મી તને તો ખબર છે ને આ અસદ એવું કશું જ નથી ખાતો. આપણી જેમ જ શુધ્ધ  શાકાહારી છે. માટે એની ચિંતા ન કર.. અરે, એને તો આપણી ગીતાજીના શ્લોક પણ મૉઢે છે. અને આપણા મંદિરમાં પણ એ દર્શન કરવા આવે છે.

બાપ રે.. આપણા હિંદુના મંદિરમાં એક મુસ્લીમ ? કેવો જમાનો આવ્યો છે ?

પછી તો દાદીમા અને ફૈબા વચ્ચે કયાંય સુધી ચર્ચા ચાલતી રહેતી.

આજે એ જ અસદ અંકલ ફૈબા સાથે આ રીતે  આવ્યા હતા.

એમણે અસદ અંકલ સાથે લગ્ન કરી લીધા હતા તે સમજ તો મને પાછળથી પડી હતી.

તે દિવસે થોડી ક્ષણો એમ જ મૌન વીતી હશે. પછી ફૈબા અને  અસદ અંકલ બંને દાદીમાને પગે લાગવા આગળ આવ્યા.. પણ ત્યાં જ..

‘ ખબરદાર છે..છોકરી મને અડી છે તો.. કહેતા દાદીમા આઘા ખસી ગયા.

મમ્મી.. પ્લીઝ.. મને બોલવાનો મોકો તો આપો..

બોલવા જેવું કંઇ બાકી રાખ્યું છે તેં ? શરમ ન આવી અહીં તારું ડાચુ બતાવતા.. જા જ ઇને ડૂબી મર.. દાદીમા ક્રોધથી હાંફતા હતા અને કેટલું યે બોલતા હતા. હું તો સાવ હેબતાઇને એક ખૂણામાં ઊભી ગઇ હતી.

દાદીમા અને ફૈબા બંનેની આંખમાંથી આંસુ નીકળતા હતા.

ફૈબા હવે મારા પપ્પા પાસે આવ્યા.. પણ…  પપ્પા પણ દાદીમાની જેમ જ ગુસ્સે થઇને ફૈબાને ઘણું ખીજાયા..

મમ્મી પાસે તો આવવાની હિમત જ ન કરી ફૈબાએ..

સમીર, જો ઉમંગી સાથે એક શબ્દ પણ બોલ્યો છે તો મને મરતી જોઇશ..

ફૈબાએ મને બોલાવી પણ..

‘ જૂઇ, અંદર જા.. ખબરદાર છે અહીં ઉભી છે તો..ટાંટિયો ભાંગી  નાખીશ.. મને શું કરવું તે સમજાતું નહોતું. ફૈબા પાસે જવાનું મન થતું હતું..પણ દાદીમાની બીક લાગતી હતી. હું ન  અંદર ગઇ કે ન હમેશની જેમ  ફૈબા પાસે  દોડી ગઇ.

ફૈબા  રડતા હતા ને કહેતા હતા,

મમ્મી,,પ્લીઝ..મારી ભૂલ છે.એ હું કબૂલ કરું છું..પણ મારી વાત એક વાર તો સાંભળ..પછી તું જે સજા આપીશ એ મને કબૂલ છે.

નિશા, થોડું  પાણી લાવ તો..

અચાનક દાદીમાએ બૂમ પાડી..કદાચ દાદીમાને બહું તરસ લાગી હતી એમ મને લાગ્યું.  

મમ્મી દોડીને પાણીનો ગ્લાસ લઇ આવી.

ગ્લાસ નહીં એક મોટું તપેલું ભરીને લાવ.. દાદીમાએ બૂમ પાડી.

કોઇને કશું સમજાયું નહીં કે દાદીમા અત્યારે આટલું બધું પાણી લાવવાનું કેમ કહે છે ?

પણ તેમનો ગુસ્સો જોઇને  અત્યારે  કોઇએ કશું પૂછવાની હિમત ન કરી.

દાદીમાને ગુસ્સે થતા તો મેં અનેકવાર જોયા હતા..નાનપણથી જોતી આવી  હતી..પણ  આજની વાત કંઇક જુદી હતી એટલું મને જરૂર સમજાયું હતું.

મમ્મી પાણીનું તપેલું ભરીને આવી.

દાદીમાએ આખું તપેલું પોતાની પર જ ઢોળી દીધું અને બોલ્યા..

આજથી મેં આ છોકરીના નામનું નાહી નાખ્યું છે.. હવે કોઇએ એનું નામ લેવાની જરૂર નથી.. કે હું કદી એના  વિશે  કોઇને પૂછીશ નહીં કે મને કોઇએ એના વિશે કહેવું નહીં.. એના ક્રિયાકરમ પણ હું કરી નાખીશ..

બધા સ્તબ્ધ બનીને  ઉભા રહી ગયા.

પપ્પા એટલું જ બોલી શકયા..

‘  ઉમંગી, પ્લીઝ તું અહીંથી જતી રહે.. ‘

ફૈબા રડતા રડતા અસદ  અંકલ સાથે ચાલ્યા ગયા.

મમ્મી મને ને જયને ખેંચીને અંદર લઇ ગઇ. કદાચ તે પણ દાદીમાથી  ડરી ગઇ હતી.

દાદીમા તે દિવસે કયાંય સુધી રડતા રહ્યા હતા..અને કેટલું બધું બોલતા રહ્યા હતા.

તે દિવસે ઘરમાં કોઇ જમ્યું નહોતું.

રાત્રે પપ્પાએ જયને  દાદીમા પાસે મોકલ્યો. જય ગયો તો ખરો  પણ આજે દાદીમાએ તેને પણ ન બોલાવ્યો. ને પાછો કાઢયો.

જય રોતલ મોઢે પાછો આવ્યો.

બરાબર ત્યારે જ કોઇના ફોનની રીંગ  વાગી. પરંતુ આજે તે વાગતી રહી..બસ વાગતી રહી..  આજે કોઇએ ફોન ઉપાડયો નહીં. 

3 thoughts on “ચપટી ઉજાસ..158

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s