ચપટી ઉજાસ..156

 

ચપટી  ઉજાસ..156

                                                                                    માસી કેમ રડયા ?  

અંતે ટ્રેન ઉભી રહી. હવે અમારે ઉતરવાનું હતું. મમ્મી જલદી જલદી ઉભી થઇ. અને અમને બંનેને આગળ કર્યા. પેલા અંકલે અમારો સામાન ઉતારવામાં મદદ કરી. મમ્મીએ તેને થેંકયુ કહ્યું. અને અમે સૌ નીચે ઉતર્યા.

બહેન, પહોંચી ગઇ ? ‘

અમે નીચે ઉતર્યા ત્યાં જ મામા ઉભા હતા. મમ્મી તેમને જોઇને બહું ખુશ થઇ. હું તેમને ઓળખી ગઇ હતી. મામાના ફોટા તો મમ્મીએ કેટલી બધી વાર બતાવ્યા હતા.

જૂઇ, જય બંને  મને ભૂલી તો નથી ગયા ને ?

મેં માથું હલાવીને ના પાડી. જય કંઇ બોલ્યો નહીં.

થોડીવારમાં અમે ઘેર પહોંચ્યા. ઘેર નાનીમા અને નાનાજી  અમારી રાહ જોઇને જ બેઠા હતા. મેં નાનીજી  અને નાનાજીને જે જે કર્યા. મમ્મી કહે,

મામીને જે જે કર્યા ?  મામી કયાં ? ત્યાં તો બીજા પણ કોઇ ઉભા હતા. મને કેમ ખબર પડે કે મામી કોણ છે ? મને તો કશું  યાદ નહોતું.

જૂઇ, જો આ મામી છે. ને આ તારા નિયતિ માસી..અને આ સ્વરા માસી.. બધાને જે જે કરો.

હું બધાને પગે લાગી. જય તો કયાંક અંદર ચાલી ગયો હતો. કદાચ કોઇ સાથે રમવા ચાલી ગયો હતો. અહીં તો કેટલા બધા લોકો હતા.

મમ્મી તો બધા સાથે વાતો કરવામાંથી નવરી જ નહોતી થતી. નિયતિમાસી કહે,

જૂઇ, કેવડી મોટી થઇ ગઇ. જૂઇ આ તારી મોટી બહેન પલક..

પલકે કહ્યું,   હું તો જૂઇને ઓળખું છું.

‘ જૂઇ,  મને કેવી રીતે ઓળખે ? હું તો એને નહોતી ઓળખતી. માસી કહે, સ્વરાના લગ્નમાં જૂઇ નાની હતી અને એ પછી તમે મળ્યા જ નથી.. એટલે એ ભૂલી ગઇ હોય . જયારે તું તો ત્યારે થોડી મોટી હતી.આ જૂઇ અત્યારે છે એના જેવડી.. તું  જૂઇ  કરતા ત્રણ વરસ મોટી છે ને ? એટલે તને યાદ હોય ..જૂઇને  નહીં ..પણ હવે જૂઇ પણ નહીં  ભૂલે.

પલક કહે, ‘ જૂઇ, ચાલ, આપણે બહાર રમીશું ?

નાનીમા કહે, ‘ પલક..એ હમણાં જ આવી છે. પહેલાં એને કંઇક ખાઇ પી લેવા દે..પછી રમવાનું જ છે ને ?

ઓકે..નાનીમા.. પલક હસીને બોલી. મને પલક બહું ગમી ગઇ.

‘ જૂઇ, તું જમી લે..પછી આપણે રમીશું ..અહીં તારી ને મારી મમ્મી કંઇ આપણી સાથે વાતો કરવા નવરી જ નહીં થાય.. એ બધી બહેનો વાતો કરશે..ને આપણે બહેનો આપણી વાત કરીશું. આપણને મજા આવશે..સાગર ભાઇ પણ સાંજે સ્કૂલેથી આવી જશે.

સાગર આવશે તો ખરો..પણ એને કંઇ  વેકેશન નથી હોં.. એને તો ભણવાનું હોય..

મામી બોલ્યા.

‘ ઓકે..મામી..હું ને જૂઇ રમીશું. ને સાથે અમીને પણ રમાડીશું . સાગરભાઇ ભલે વાંચે.અમે એમને હેરાન નહીં કરીએ.. પલક બહું મીઠું બોલતી હતી. મને બહું ગમ્યું.

મામીએ કશો જવાબ ન આપ્યો.

મમ્મીએ નિયતિમાસી સામે જોયું.

એ બધું એવું જ હોય બહેન..બહું ગણકારવાનું નહીં. જેને જે બોલવું હોય તે બોલે..આપણે અહીં કોના માટે આવીએ છીએ ? આપણા માબાપ માટે બરાબર ને ?

હા..એ વાત સાચી. પણ આ સ્વરા કેમ કંઇ બોલતી નથી ? નહીંતર એની જીભ તો ચાલુ જ હોય.. કેમ ભાઇ અમે બધા દેશી લાગીએ છીએ..એટલે ? લગ્ન પછી પહેલીવાર અમેરિકાથી આવી છે એટલે ? અમેરિકાનો અસાંગરો લાગ્યો છે કે પછી બીજા કોઇનો ?

સ્વરામાસી ધીમેથી બોલ્યા..

મને તો કોઇનો અસાંગરો નથી લાગ્યો.

સ્વરા, તું વળી આવી ગંભીર કેમ કરતા અને કયારથી થઇ ગઇ ?

ત્યાં  ન  જાણે કેમ પણ સ્વરા માસી અચાનક રડી પડયા..

અરે..અરે.. આ સ્વરાને શું થયું ?

સ્વરામાસી કેમેય શાંત નહોતા થતા. નિયતી માસી અને નાનીમા પણ રડતા હતા.

હું તો સ્તબ્ધ બનીને ઊભી રહી ગઇ. આ વળી શું થયું ? આવડા મોટા લોકો આમ રડે ? શા માટે ? શું થયું ?

મમ્મીએ સ્વરામાસીને અને બધાને શાંત કર્યા.. પછી પૂછયું.. .

હવે મને કોઇ કહેશો..થયું છે શું ?

દીદી, મારા નસીબ ફૂટેલા નીકળ્યા..બીજું શું ?

અરે, પણ સરખી રીતે કોઇ વાત કરો તો ખબર પડે ને ? 

નિશા, વાત કરવા જેવું ક્શું બચ્યું જ નથી. આપણે .વિદેશ..વિદેશ  કરીને ખુશ થતા હતા.. વિદેશના દેખાતા વૈભવનો મોહ..ચળકાટ કેટલો ખોટો હોય છે અને કયારેક કેવો મોંઘો પડે છે એ તો અનુભવ વિના કેમ સમજાય ? જાત  અનુભવ વિના એ મોહમાંથી છૂટવું પણ સહેલું નથી હોતું. પરંતુ  સાચી વાતની જાણ થાય ત્યારે  બહું મોડું થઇ ગયું હોય છે. આપણી સ્વરાની જિંદગી બરબાદ થઇ ગઇ.. કેવી હોંશથી વળાવી હતી દીકરીને પણ….

બોલતા બોલતા નાનીમા ફરીથી રડી પડયા..  

અચાનક નિયતીમાસીનું ધ્યાન મારા ને પલક તરફ ગયું. અમે બંને ત્યાં ઊભા રહી ગયા હતા.

માસીએ તુરત કહ્યું,

જૂઇ, પલક, જાવ તમે બંને બહાર રમો..જુઓ તો બહાર કોઇ આવ્યું લાગે છે. જુઓ તો સાગર આવ્યો કે શું ?

 માસીએ આમ કહીને અમને બહાર કાઢયા હતા એ તો મને ને પલકને બંનેને સમજાઇ ગયું..પણ શું કામ ? એ ન સમજાયું. કે બધા રડતા કેમ હતા એ પણ ન સમજાયું..

પણ એવું તો કેટલું યે અમને..બાળકોને  કયાં સમજાતું હોય છે ? 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s