ચપટી ઉજાસ.. 155

ચપટી ઉજાસ.. 155

                                                                              ટ્રેન ચાલતી રહી..

થોડીવાર તો મને ને જયને બંનેને બહું મજા આવી. અમે બંને નવી નવી વાતો કરતા રહ્યા. એકબીજાને બારીમાંથી દેખાતી  વસ્તુઓ બતાવતા રહ્યા. ગાડીની સાથે સાથે બધી વસ્તુઓ પણ ચાલતી જતી હતી.તે જોવાની કેવી મજા આવતી હતી. ત્યાં  એક સ્ટશન આવ્યું. ગાડી ઉભી રહી. કોઇ આઇસ્ક્રીમવાળા ભાઇ આવ્યા..

એ જોઇને જયે મમ્મીને કહ્યું,

‘ મમ્મી..આઇસ્ક્રીમ.. ખાવો છે.

ના..બેટા, આવો આઇસ્ક્રીમ ન ખવાય.અહીંનો આઇસ્ક્રીમ ખાઇએ ને તો બીમાર પડાય.  આપણે ઘેર પહોંચીશું એટલે તને સરસ આઇસ્ક્રીમ આપીશ.

પણ જયે તેની જિદ ચાલુ રાખી. મારું મન પણ  લલચાઇ રહ્યું હતું. પણ હું ચૂપ રહી કેમકે મને ખબર હતીકે જો જયને આઇસક્રીમ નહીં મળે તો મને પણ નથી જ મળવાનો .. અને જો જયને મળશે તો મને આપોઆપ મળવાનો જ ને ?

પણ મને લાગ્યું નહી કે આજે જયની વાત મમ્મી માને..

’ જય, પપાએ બિસ્કીટ અને ફૈબાએ કેડબરી આપ્યા છે.. એ ખા..

જયની જિદ થોડીવાર ચાલુ રહી..પણ ત્યાં આઇસ્ક્રીમવાળા ભાઇ ચાલ્યા ગયા. જયે મોઢું  ફૂલાવ્યું. મમ્મીએ બિસ્કીટનું પેકેટ ખોલીને એમાંથી બે  બિસ્કીટ જયને આપ્યા.. આ ક્રીમવાળા બિસ્કીટ આમ તો જયને બહું ભાવે છે એની મને પણ ખબર હતી..પણ આજે જયે બિસ્કીટ હાથમાં લઇને બારીની બહાર ઘા કરી દીધો. મમ્મી ગુસ્સે થઇ ગઇ. ને જયને ખીજાવા લાગી.

હવે મેં જયને મનાવ્યો. જય, તારે આ  મારો મોબાઇલ જોઇએ છે ? મારી પાસે એક બ્લુ રંગનો મોબાઇલ હતો. એમાંથી ફોન તો નહોતા થતા..પણ એનો અવાજ સાંભળવાની મને મજા આવતી હતી. અને એને કાન પાસે રાખીને હું મને મન થાય એની સાથે વાત કર્યા કરતી હતી. હમણાં  થોડીવાર પહેલાં જ મેં એમાંથી ફૈબા સાથે વાત કરી હતી. જયનો ફોન તૂટી ગયો હતો. અને મારો ફોન હું એનાથી સંતાડીને રાખતી હતી. પણ આજે મમ્મી જયને બહું  ખીજાઇ એટલે મેં એને ફોન આપ્યો. જય તો મારો ભાઇલો છે ને ?

જયે  આઇસ્ક્રીમ ભૂલીને મારો  ફોન લીધો. અને ફોનમાં દાદીમા  સાથે વાત કરીને મમ્મીની ફરિયાદ કરતો રહ્યો.મમ્મી તો હસતી હતી. મમ્મીએ મને ધીમેથી કહ્યું,

‘ જૂઇ, સારું કર્યું તેં એને મનાવી લીધો..તું તો મારી ડાહી દીકરી છો..’  

આજે મને મમ્મીની વાત ગમી. આમ તો ડાહ્યા થવું  એટલે મારે મારી કોઇ વસ્તુ ભાઇને આપી દેવાની.  તો જ હું ડાહી કહેવાતી હોઉં છું. આજે પણ આમ તો એ જ વાત હતી..ભાઇને મારો ફોન આપ્યો એટલે હું ડાહી બની ગઇ. પણ છતાં આજે મને સારું લાગ્યું કેમકે આજે મેં મારી મરજીથી આપ્યો હતો. કોઇએ મને કહ્યું નહોતું.

થોડીવાર ફોનમાં વાતો કરીને જયે મમ્મી પાસે બિસ્કીટ માગ્યા.

મમ્મીએ કશું બોલ્યા સિવાય આપ્યા. જય ચૂપચાપ બિસ્કીટ ખાવા લાગ્યો.

ત્યાં એક છોકરો અને એક મારા જેવડી છોકરી આવ્યા અને કોઇક  ગીત ગાવા લાગ્યા. છોકરો જય જેવડો નહોતો. એ તો મારાથી યે કયાંય  મોટો હતો. હું ધ્યાનથી તેની સામે જોઇ રહી.એણે બે  ગીત ગાયા.  પછી બધા એને પૈસા આપતા હતા. મમ્મીએ પણ આપ્યા. મને થયું વાહ..આને કેવી મજા.. ટ્રેનમાં ફરવાનું અને ગીતો ગાવાના.. અને બધા પૈસા પણ આપે. મોટા થઇને હું પણ આવું કંઇક કરીશ. રોજ ટ્રેનમાં ફરીશ. ને ગીતો ગાઇશ..

હું તો અત્યારે જ  મને આવડતા ગીતો ગાવા લાગી. મારી બધી પોએમ્સ એક પછી એક ગાતી ગઇ. મારું  જોઇને જય પણ મારી સાથે સાથે ગાવા લાગ્યો. અમારી સામે બેસેલા અંકલે  મમ્મીને કહ્યું,

‘ પ્લીઝ, તમારા બાળકોને શાંત રહેવાનું કહો. મને ડીસ્ટર્બ થાય છે. જોતા નથી હું વાંચું છું ?

મમ્મી  કંઇ જવાબ આપે તે પહેલાં જ ત્યાં બેસેલા એક આંટીએ  કહ્યું,

છોકરાઓ તો મૂડ આવે તે પ્રમાણે કરે.. આ કંઇ કોઇની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. અને આ તો બાળકો છે. આ બીજો આટલો અવાજ થાય છે એને રોકી શકો છો ? તો પછી આ બાળકોને શા માટે કહો છો ?

તે બાળકો તમારા છે ?  તમે વચ્ચે કેમ બોલો છો ? જેના બાળકો છે એ તો કંઇ બોલતા નથી.

જેવો જેનો સ્વભાવ.. હું કોઇને અન્યાય થતો સહન કરી શકતી નથી.

પછી તો તે આંટી  અને અંકલ એકબીજા સામે ઘણું બધું બોલવા લાગ્યા. મમ્મીએ મને કહ્યું,

જૂઇ, જય પ્લીઝ ધીમેથી ગાવ..અંકલને ડીસ્ટર્બ થાય છે. પણ અમે તો કયારનું ગાવાનું જ બંધ કરી દીધું હતું.

મેં કહ્યું, મમ્મી અમે કયાં ગાઇએ છીએ ? અમે તો ખાલી  આ આંટી અને અંકલ બોલે છે એ સાંભળીએ છીએ.

ત્યાં  બેસેલા બધા હવે  જોશથી હસી પડયા.  મને ખબર ન પડી કે બધા કેમ હસ્યા ?

પેલા અંકલ અને આંટી હવે કશું બોલ્યા નહીં. બધા ચૂપ થઇ ગયા. અને ટ્રેન તો બસ દોડતી રહી…દોડતી રહી.       

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s