નવી પેઢી..

બહારનું છોડી  સઘળું.. ભીતર નીરખીએ,

એક ઝલક અમીભરી અંદરની   પામીએ

 

બે પેઢી વચ્ચેના વિચારોના તફાવતને..મતભેદને આપણે જનરેશન ગેપ એવું નામ આપતા હોઇએ છીએ…અને સહજતાથી સ્વીકારતા પણ હોઇએ છીએ.. જૂની પેઢીને આજના યુવાનો ઘણીવાર  ઉછાંછળા , બિન્દાસ લાગે છે. એના પહેરવેશ પરથી એના વ્યક્તિત્વનું અનુમાન કરવામાં આવતું હોય છે. કયારેક એ સાચું પણ હોય છે. પરંતુ દરેક વખતે બહારથી જે  દેખાતું હોય તે દરેક વખતે  સનાતન સત્ય જ હોય એવું જરૂરી નથી હોતું.અને ફર્સ્ટ  ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન ..એ વાત પણ દરેક સમયે સાચી નથી હોતી.

 થોડા સમય પહેલાં થયેલો એક  અનુભવ આ  ક્ષણે  સ્મ્રતિના કેન્વાસ પર ઝબકી ઉઠે છે.

 

ગયા વરસે હું  ઓખાથી બોમ્બે જતા સૌરાષ્ટ્ર મેઇલમાં મુસાફરી કરી રહી હતી.   ટ્રેન ઉપડવાને  હજુ વાર હતી. હું   બારીમાંથી  બહાર જોઇ રહી હતી. અચાનક મારી નજર  સ્ટેશન પર ઉભેલા  એક ટોળા પર પડી. ત્રણ ચાર યુવકો અને બે યુવતીઓએ મોટેથી કોઇ હસીમજાક કરી રહ્યા હતા. કદાચ કોઇકની મજાક ઉડાવતા હતા. એકદમ બેપરવા અને બિન્દાસ.. અતિ આધુનિક કપડાં, માથા પર ચડાવેલા મોટા ગોગલ્સ, અને ચહેરા પર એક નફકરું હાસ્ય.મને થોડો અણગમો થઇ આવ્યો. નક્કી આ લોકો કોઇની ફિરકી ઉડાડતા હશે.. આ નવી પેઢીના જુવાનિયાઓ સમજે છે શું પોતાના મનમાં ? જાણે કોઇની પરવા જ ન હોય એમ કેવા બેપરવા બનીને ઘૂમતા રહે છે.  

 

ગાડીની વ્હીસલ સંભળાતા જ  એમાંથી એક યુવતી અને એક યુવકે એ બધાને બાય કર્યું અને  બંને ગાડીમાં અંદર ચડયા. પેલી  અલ્લડ દેખાતી છોકરીએ જીંસ અને સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. ઉંચી હીલના સેન્ડલ, મોંઘો મોબાઇલ, રે બેનના ગોગલ્સ પહેરેલી છોકરી પૂરી આધુનિકા હતી.  સુંદર પર્સતેની સાથેનો છોકરો  તેનો મિત્ર હતો એ  જણાઇ આવતું હતું.  બનેં અંગ્રેજીમાં હસી મજાક કરતા હતા. મારી સામેની બર્થ પર જ તેમની સીટ હતી. 

 

તેમની થોડી વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે બંને અહીં ટાટા કંપનીમાં ટ્રેનીંગ માટે આવ્યા હતા. અને હવે એક મહિનાની ટ્રેનીંગ પૂરી થતા પાછા બોમ્બે ઘેર જઇ રહ્યા હતા. હું વિચારતી હતી.. આજના સમયમાં છોકરીઓ એકલી એકલી કયાંથી કયાં જતી હોય છે ? આજે સ્ત્રીનું સ્થાન ફકત રસોડની રાણીનું નથી જ રહ્યું. એની સાબિતી આપોઆપ મળતી હતી. છોકરીઓ આજે કયા ક્ષેત્રમાં છોકરાઓથી પાછળ રહી છે ?

 

હસી મજાકનો દોર સતત ચાલુ હતો. એવામાં  દ્વારકાથી  યાત્રાનો એક સંઘ અંદર દાખલ થયો. એમાં લગભગ 30 થી 35 જણાં હતા. જેમાંના લગભગ બધા મોટી ઉમરના હતા. પહેલા બે-ચાર માજી ચડયા.અને પછી  આવી સામાનની વણઝાર. નીચેથી કોઇ સામાન આપતું જતુ હતું .પણ આ સ્ત્રીઓ જલ્દીથી અંદર લઇ શકતી નહોતી. માંડ માંડ એકાદ બેગ ખસેડી ત્યાં તેઓ હાંફી ગયા.

પેલી યુવતી અને તેનો મિત્ર એકાદ મિનિટ તો બધું  જોઇ રહ્યા. પછી બંને એકાએક   ઊભા થયા.

 

તેમણે સૌ પ્રથમ માજીને તેમની જગ્યાએ બેસાડી દીધા. અને તે બંને   ફટાફટ બધો  અંદર લેવા માંડયા. ધીમે ધીમે બધા  ચડી ગયા. પેલી છોકરી અને તેનો મિત્ર  બધાનો સામાન ઉંચકી ઉંચકીને અંદર જયાં તેમની જગ્યા હતી ત્યાં મૂકતા રહ્યા. ઘણૉ બધો સામાન હતો. તેમણે બધો સામાન વ્યવસ્થિત  ગોઠવી આપ્યો. યુવતીએ એ વડીલોને  હસીને  કહ્યું,

દાદા,  હવે તમે બધા  નિરાંતે બેસો. બે ચાર મિનિટ તેમની સાથે હસીને વાત કરી તેમને બીજી કોઇ મદદની જરૂર હોય તો તેની પૂછપરછ કરી. અને   પછી બંને પોતાની જગ્યાએ બેસી ગયા.


હવે  અમારા  ત્રણેની  ઓળખાણ થઇ. જાતજાતની વાતો ચાલી. મેં  તેમને   પૂછયુ

 

આટલો બધો સામાન ઉંચકીને થાક નથી લાગ્યો? તેમણે હસીને જવાબ આપ્યો,

 ના,આન્ટી અમે તો  યંગ  છીએ. છું..એમાં થાકી શું જવાય? અને અમારા મમ્મી પપ્પા હોત તો અમે ન કરત?  કામ કરવાથી અમે થોડા ઘસાઇ ગયા છીએ ?  ઉલ્ટુ અમારે તો એ બહાને થોડી એક્ષરસાઇઝ થઇ ગઇ. સ્વાર્થ અને પરમાર્થ બંને સાથે.  કહીને યુવતી હસી પડી. હવે એ યુવતી મને બિન્દાસ ને બદલે મિલનસાર લાગી. પહેલી છાપ ભૂંસાઇ ગઇ હતી. અને જાણે એક નવા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. મને મારી ભૂલનો અફસોસ થયો કે મેં આ લોકો વિશે કશું જાણ્યા  વિના  કેવી ધારણા બાંધી લીધી હતી ?  


પછી તો  આખે રસ્તે બંનેના હેલ્પીંગ અને હસમુખા સ્વભાવનો પરિચય થતો રહ્યો.તેની વાતો અને વર્તનમાં જીવનથી છલકાતું  આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ દેખાતું હતું. તેઓ કેટકેટલી સામાજિક પ્રવૃતિમાં તેઓ જોડાયેલા છે. નવરાશના સમયમાં તેમનું આખું ગ્રુપ  ઝૂંપડપટ્ટીમાં  જઇને ત્યાંના બાળકોને ભણાવવાનું કામ કરતા હતા. એ બધું જાણીને યુવા પેઢી માટે દિલથી આદર થયો. 

 નવી પેઢીના પોષાક પરથી તેના વિષે અનુમાન બાંધી લેવું કેટલું ખોટું છે ? આપણે ધારીએ છીએ તેવી છીછરી નવી પેઢી નથી જ.સાચી દિશા મળે તો આ જનરેશન ઘણું કરી શકે. તેમનામાં  નવું વિચારવાની, કશુંક સારું કરવાની તમન્ના છે. એક ધગશ છે. કદીક એ રાહ ભૂલેલી  જણાય છે. કેમકે તેમને યોગ્ય દોરવણી આપનાર મળ્યું નથી. તેમને યોગ્ય માર્ગદર્શક મળી રહેશે એ શ્રધ્ધા સાથે..

( published in GGN regular column “atargali )

 

 

2 thoughts on “નવી પેઢી..

  1. નિલમબેન આપણા ભારતીય સંસ્કારોને ઉજાગર કરતી ખુબ સુંદર કૃતિ બદલ અભિનંદન… પેલુ ગીત છે ને ! મેર જુત્ત હૈ જાપાની…ફીરભી લાલ ટોપી વાલે મેરા દિલ હૈ હિંદુસ્તાની…

    Like

  2. નવી પેઢી જે ધારે તે કરી શકે છે, જરૂર છે માત્ર તેમને કોઈ દોરવણી આપનાર. જો મોટા ટોળા હોય અને જો એકાદ પણ મદદકર્તા(helping hand) શરૂં કરે, તો પછી બધા શરૂં કરી દયે, માત્ર શરૂઆત કરનાર જોઈએ. કપડાં કે ફેશન એ તો આજની નહીં, જમાનાજુની ચાલી આવે છે, વખતોવખત બદલાયા કરે છે, પણ જો ઘર અને શાળા-કોલેજમાં થોડા પણ સંસ્કાર આપ્યાં હોય તો હર વખત આવ્યે ઉગી નીકળે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s