અત્તરકયારી..

                                                                                     પ્રેમ એટલે ?   

પોથી પઢિ પઢિ,  પંડિત હુઆ ન કોય,

ઢાઇ અક્ષર પ્રેમકે, પઢે સો પંડિત હોય       

પ્રેમ વિશે કેટકેટલું લખાતું આવ્યું છે..બોલાતું આવ્યું છે.

દુનિયાનો કોઇ પણ કવિ, કોઇ પણ લેખક, ચિંતક  એવો નહીં હોય જેણે પ્રેમ વિશે કશું  કહ્યું ન હોય.. કવિ અને લેખકોની વાત જવા દો.પરંતુ કોઇની હૂંફ પામવાની ઝંખના તો  નાનકડા,  અબોધ શિશુથી માંડીને જીવનના આખરી શ્વાસ લેતા માનવી સુધ્ધાંની રહી છે. અને દરેક વખતે આ પ્રેમ શબ્દના  અર્થની ચિંતા કરવી પણ જરૂરી નથી.પ્રેમ એ અર્થની નહી અનુભૂતિની વાત છે.અને આ અનુભૂતિ દરેક વ્યક્તિની અલગ અલગ હોઇ શકે.. ભીતરનું પોત એક જ પણ એનું બાહ્ય સ્વરૂપ તો સૌનું આગવું જ હોય. પ્રેમના એકાદ નાના શબ્દ.કે એની પૂરી સમજ  સિવાય પણ એને પામી શકાય..

એક સામાન્ય ઉદાહરણ જોઇએ..

અસીમ એક ખાનગી કંપનીમાં સામાન્ય કલાર્ક હતો. આજે સાવ નજીવી બાબતમાં પત્ની  ઉપર  ગુસ્સે થઇ ગયો હતો. પણ એમાં એનો યે દોષ કયાં હતો ? રાત્રે અગિયાર વાગ્યે થાકી પાકીને ઘેર આવેલો. હજુ તો પૂરું જમી લે તે પહેલાં જ અવનીએ પૂછયું,

’ પછી શું થયું ? પૈસાની કંઇ ગોઠવણ થઇ ? કંઇ મેળ પડે તેમ છે ? આજે આભા રડી રડીને સૂતી છે. ‘

’ તો શું કરું હું ? ચોરી કરવા જાઉં ? કોઇનું ખીસ્સું કાપું ? પૈસા કંઇ ઝાડ ઉપર ઉગે છે તે ખંખેરી લાવું ? હું કંઇ પૈસા કમાવાનું મશીન છું ? બધાને બસ એ જ દેખાય છે. પોતાનું જ જોવું છે…અહીં ઓવરટાઇમ કરી કરીને તૂટી પડું છું..રાતે અગિયાર વાગ્યે બે કોળિયા પણ શાંતિથી ખાવા નથી પામતો……’

ગુસ્સાના આવેશમાં અસીમ કયાંય સુધી મન ફાવે તેમ બોલતો રહ્યો.

અવની રડી પડી. હમણાં અસીમ નાની નાની વાતમાં ઉશ્કેરાઇ જતો હતો. પોતે પતિને ન કહે તો કોને કહે ? દસ વરસની વહાલસોયી પુત્રી સ્કૂલમાંથી પ્રવાસે જવાની જીદ લઇને બેઠી હતી. તેની બધી બહેનપણીઓ જતી હતી તેથી સ્વાભાવિક રીતે તેને પણ જવું હતું. પપ્પા તો આખો દિવસ ઓફિસે હોય તેથી મમ્મીનું માથું ખાતી રહેતી હતી. આટલા દિવસો તો અવની બહાના કાઢતી રહી હતી. પરંતુ હવે કાલે પૈસા ભરવાની છેલ્લી તારીખ હતી. અને પૈસાની કોઇ જોગવાઇ નહોતી થઇ. અસીમે કહ્યું હતું કે પોતે કંઇક કરશે. તેથી આજે તેને પૂછી જોયું. પણ….

’ અરે, સગવડ  ન થઇ હોય તો સીધી રીતે ના નથી પડાતી ? આમ ગમે તેમ બોલવાનું ? પોતે કયારેય પોતા માટે કશું માગ્યું છે ? કેટલી કરકસરથી ઘર ચલાવે છે..અસીમ ઓફિસમાં આખો  વખત કામ કરે છે  તો પોતે કંઇ અહીં  ઘરમાં બેસી રહે છે ?  પોતે  બધું કામ પણ જાતે કરે છે. પણ દીકરીને કેમ સમજાવવી ? એને હજુ થોડી મોંઘવારીની ને એવી બધી સમજણ પડે છે ? એ તો છોકરું છે એને તો મન થાય ને ?

રાતભર અવની મનમાં આવા અનેક વિચારોના વમળમાં અટવાતી રહી.

અસીમ પણ આખી રાત ધૂન્ધવાતો રહ્યો. પોતે એક સામાન્ય કલાર્ક હતો. ટૂંકા પગારમાં અસહ્ય મોંઘવારીને લીધે બે છેડા ભેગા કરવામાં પણ તકલીફ પડતી હતી. તેથી તો દીકરાની ઇચ્છા પણ જતી કરી હતી. આવનાર જીવની જરૂરિયાતો સારી રીતે પૂરી ન કરી શકાય..ને સતત અભાવમાં જીવવું પડે..એના કરતાં એકમાત્ર પુત્રીને સારી રીતે ઉછેરી શકાય તો પણ ઘણું. એમ સમજી વિચારીને દીકરીના ભવિષ્ય માટે તેને સારી સ્કૂલમાં દાખલ કરી હતી. આજકાલ સ્કૂલનો ખર્ચો..પણ બાપ રે…રોજ નવી નવી માગણીઓ….અસીમ મનોમન વિચારી રહ્યો.

નસીબને કોસતા અસીમની આંખ અંતે થાકીને કયારે મીંચાઇ.તે સમજાયું નહીં.

સવારે તો રોજની ધમાલ..આજે તેને ઓફિસના કામે એક દિવસ માટે બહારગામ જવાનું હતું. રાતનો ગુસ્સો હજુ પૂરો શાંત થયો નહોતો…બસ..પોતાનું કોઇ નથી. બધા સ્વાર્થના જ સગા છે. પોતા પાસે પૈસા માગવાનો સ્વાર્થ જ છે.  કોઇને પોતા માટે પ્રેમ નથી…આવા કેટલાયે નેગેટીવ વિચારો જ મનમાં ઘૂમતા રહ્યાં. અવની પણ ખાસ કશું બોલી નહીં. ત્યાં પુત્રી વહાલથી તેની પાસે આવી. તેને વળગીને ‘ બાય..પપ્પા..’ કહેતી મોડું થવાથી જલદી જલદી સ્કૂલે ભાગી.   

અસીમ પણ જલદી જલદી બધું પતાવી નીકળ્યો. દસ વાગ્યાની ટ્રેનમાં પહોંચવાનું હતું. ઘરની બહાર નીકળ્યો ત્યાં પત્નીએ હાથમાં નાનકડું ટીફીન પકડાવ્યું. તે એકાદ મિનિટ ટીફીન સામે જોઇ રહ્યો. કશું બોલ્યો નહીં. મોડું થતું હોવાથી જલદી  ઘરની બહાર નીકળી ગયો.

અસીમ સાથે  તેનો મિત્ર અર્ણવ પણ હતો. બંને ટ્રેનમાં સાથે જ હતા. બપોરે જમવાનો સમય થતાં અર્ણવે  પૂછયું,

’ ભૂખ લાગી છે. ચાલ, જમી લેશું ?’ ઉદાસ અસીમે માથું હલાવ્યું. તેની ઉદાસી હજુ ગઇ નહોતી. અર્ણવે  સ્ટેશન પરથી ભજિયા લેવા માંડયા.

‘ તું પણ ખાઇશને ?

’ ના, મને બહારનું ભાવતું નથી અને મારી પત્ની બહારનું ખાવા દે તેમ પણ નથી.’ કહેતા અસીમે ટીફીન ખોલ્યું.

ટીફીનમાં સરસ મજાના થેપલા, શાક, દહીં અને સલાડ અને સાથે પોતાનું સ્પેશયલ અથાણું ગળ્યો છૂંદો મૂકતા પણ પત્ની ભૂલી નહોતી. અસીમની નજર અર્ણવ  પર પડી. સ્ટેશન પરના વાસી ભજિયા તે પરાણે ગળે ઉતારી રહ્યો હતો.

‘ નસીબદાર છો યાર..સવારના પહોરમાં ઉઠીને બૈરી પ્રેમથી આવું બધું બનાવી આપે છે ? ‘

અસીમની આંખો પણ છલકી ઉઠી. સાચ્ચે જ પોતે નસીબદાર હતો. કાલે આટલું બધું બોલી ગયો છતાં…

અસીમની ભીની આંખો સામે પત્નીનો પ્રેમ તરવરી રહ્યો.

તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ..

દોસ્તો, પ્રેમ કંઇ કોઇ શબ્દોનો મોહતાજ થોડો જ હોય છે ? શું કહો છો ? 

( ગુજરાત ગાર્ડીયન, સુરત દૈનિલ પેપર માં  દર રવિવારે પ્રકાશિત  થતી મારી નિયમિત કોલમ )

 

 

 

 

 

 

5 thoughts on “અત્તરકયારી..

 1. from upasana achary..
  જીવી લીધી જીંદગી મારી પ્રેમના નામ
  હવે તો મરણનું પણ પ્રસંગ જેવું જ છે!
  _ઉપાસના.(૧૧.૧૦.૨૦૧૨)
  sav sachu kahyu ben prem e sabdo no mohtaj nathi…

  Like

 2. ’ અરે, સગવડ ન થઇ હોય તો સીધી રીતે ના નથી પડાતી ? આમ ગમે તેમ બોલવાનું ? પોતે કયારેય પોતા માટે કશું માગ્યું છે ? કેટલી કરકસરથી ઘર ચલાવે છે..અસીમ ઓફિસમાં આખો વખત કામ કરે છે તો પોતે કંઇ અહીં ઘરમાં બેસી રહે છે ? પોતે બધું કામ પણ જાતે કરે છે. પણ દીકરીને કેમ સમજાવવી ?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s