ચપટી ઉજાસ.. 150

 

સેન્ડવીચ આવડી ગઇ..

હોસ્પીટલમાંથી અમે ઘેર આવ્યા ત્યારે ખબર નહીં કેમ પણ આખે રસ્તે મમ્મી કે ફૈબા કોઇ કશું બોલ્યા નહીં. હું કંઇ પૂછું તો પણ બેમાથી કોઇ કંઇ જવાબ નહોતું આપતું. મને નવાઇ લાગી. મમ્મી તો આખે રસ્તે આજે મને વળગીને જ બેઠી હતી. ને વહાલુ વહાલુ કરતી હતી. મમ્મી આવું તો કદી નહોતી કરતી. અને આજે જ કેમ ? ફૈબા અમારી વાતનો જવાબ ન આપે એવું તો કદી બન્યું નહોતું. જયારે આજે ? મને હમેશા જવાબ આપનારા ફૈબા પોતે જ આજે મૌન હતા ત્યાં શું થાય ? અને મમ્મી અને ફૈબા કેમ રડયા એ હવે મને કોણ કહે ? મને પણ મજા ન આવી.

અમે ઘેર પહોંચ્યા. દાદીમાએ તુરત પૂછયું. કેમ છે માનસીને ?

ફૈબાએ દાદીમાને કશુંક કહ્યું. પણ બહું ધીમેથી..મને સંભળાય નહીં તેમ..આજે ફૈબા આવું કેમ કરતા હતા ?

ત્યાં જય આવ્યો. એણે મારી આખી સ્કૂલબેગ વીખી નાખી હતે. બધું આડું અવળું કરી નાખ્યું હતું. પણ આજે હું તેને ખીજાઇ નહીં. ને ચૂપચાપ બધું સરખું કરવા લાગી. આજે બધું કંઇક અલગ કેમ લાગતું હતું ? ઘરમાં જાણે કોઇને મજા નહોતી આવતી. પપ્પા તો હમેશની જેમ બહારગામ ગયા હતા. અને બીજું કોઇ કશું બોલતું નહોતું.

રાત્રે ફૈબાએ કહ્યું, જૂઇ, ભગવાનને પ્રેયર કરી માનસી માટે ? તમને સ્કૂલમાં કહ્યું છે ને ?
હું ચૂપચાપ પ્રેયર ગાવા લાગી. મમ્મીએ પણ ભગવાન સામે દીવો કર્યો. ફૈબા, દાદીમા બધા ભગવાનને પગે લાગ્યા. રોજ અત્યારે તો કોઇ ઘરમાં દીવો નથી કરતું. ખાલી સવારે જ કરે છે. રહી રહીને મને એમ જ થતું હતું કે આજે આમ કેમ ? આજે બધું વિચિત્ર જ કેમ થતું હતું ? કે પછી મને કંઇ સમજાતું નહોતું. એટલે એવું લાગતું હતું ? ખબર નહીં. આજે અમે બધા જમીને જલદી સૂઇ ગયા હતા. મને તો સપનામાં પણ આજે માનસી દેખાતી હતી. માનસી કયારે સાજી થશે ? અને સ્કૂલે કયારે આવશે ?
બીજે દિવસે હું ને જય હમેશની જેમ સ્કૂલે ગયા. આજે સ્કૂલમાંથી અમને એક ગાર્ડનમાં લઇ ગયા હતા. ત્યાં બધા ખૂબ રમ્યા. ટીચરે કેટલા બધા નવા નવા ગીતો ગવડાવ્યા. પછી પૃથાએ ડાંસ કર્યો. મેં એક વાર્તા કરી. પરીની વાર્તા.. જે ફૈબાએ મને કરી હતી. બધાએ કંઇક કરવાનું હતું એમ ટીચરે કહ્યું હતું. જેને જે કરવું હોય ..જે આવડતું હોય એ કરવાની છૂટ હતી. કમલે જોક કર્યો. પણ વચ્ચે થી ભૂલી ગયો એટલે “ છે .. ને..છે ને..” બસ એવું કરવા લાગ્યો. બધા હસતા હતા.

પ્રિયાએ ગીત ગાયું. હીનલે સરસ ચિત્ર દોર્યું. કોઇએ ખાલી બેસવાનું નહોતું. પછી ત્યાં અમે બધાએ ભેગા થઇને સેન્ડવીચ બનાવી. કોઇને આવડતી નહોતી. પણ ટીચર કહે એમ અમે બધા કરતા ગયા. ટીચર કાકડી, ટમેતા બધું સુધારીને લાવ્યા હતા. અમારે એ બધું ટીચર કહે એ રીતે બ્રેડ પર ગોઠવવાનું હતું. વાહ..સેન્ડવીચ કેમ બનાવાય એ મને આવડી ગયું. મેં ઘરમાં સેંડવીચ ઘણીવાર ખાધી હતી. પણ કયારેય બનાવી નહોતી. આજે કેમ બનાવાય એ જોવાની, શીખવાની બહું મજા આવી. હવે ઘેર જઇને હું ફૈબાને કહીશ અને મારી જાતે બનાવીશ. ફૈબાને અને મમ્મીને હું બનાવીને ખવડાવીશ. કેવી મજા આવશે.

પછી બધા સાથે ગોળ કૂંડાળું વળીને જમવા બેઠા. બધા સાથે જમવાની કેવી મજા આવે. આજે આમ પણ સેન્ડવીચ અમે બધાએ મળીને બનાવી હતી એટલે જમવાની વધારે મજા આવી. પણ આજે માનસી પણ હોત તો વધારે મજા આવત. મને માનસી યાદ આવી. મેં ટીચરને પણ કહ્યું કે હું માનસીને જોવા કાલે હોસ્પીટલ ગઇ હતી. એટલે ટીચરે મને પૂછયું કે માનસીને કેમ હતું ? મેં કહ્યું ડોકટર એને ઇંજેકશન આપતા હતા. ને પછી એની મમ્મી રડતી હતી એ પણ કહી દીધું. રસ્તામાં મારી મમ્મી અને ફૈબા પણ રડયા હોય એવું મને લાગ્યું. એ પણ મેં ટીચરને કહી દીધું. મારી વાત સાંભળી ટીચર કેમ ચૂપ થઇ ગયા. એ કશું બોલ્યા નહીં. મને એ સમજાયું નહીં. કાલથી મને કેમ બધું સમજાય નહીં એવું જ થતું હતું ?

આજે સ્કૂલમાં બહું મજા આવી. રોજ ભણવાને બદલે આમ રમવા મળતું હોય તો ? ઘેર જઇને આજે જયને પણ બધી વાત કરીશ. આજે ખાલી અમારા ટીચર જ અમને લઇ ગયા હતા. એટલે જય અમારી સાથે નહોતો આવ્યો. આજે મને ઘેર જવાની ઉતાવળ આવી હતી. ઘેર જઇને બધી વાત કરવાની હતી ને એટલે..

 

3 thoughts on “ચપટી ઉજાસ.. 150

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s