ચપટી ઉજાસ.. 149

હોસ્પીટલમાં…

લિફટમાંથી બહાર નીકળી અમે થોડું ચાલ્યા. મને જલદી જલદી માનસીને મળવાનું મન થતું હતું. માનસી કયાં હશે ? અહીં હોસ્પીટલમાં શું કરતી હશે ? સૂતી હશે ? મને પણ એક વાર તાવ આવ્યો હતો અને હું આખો દિવસ સૂતી રહી હતી..પણ એ તો ઘરમાં જ..કંઇ હોસ્પીટલમાં નહી. તો માનસી કેમ હોસ્પીટલમાં આવી હશે ? તેને ઘેર કેમ નહીં સૂતી હોય ? વિચાર કરતા કરતા હું, ફૈબા અને મમ્મી સાથે એક રૂમમાં અંદર ગઇ.

ત્યાં જોયું તો માનસી પલંગ પર સૂતી હતી. અને સૂતા સૂતા કોઇ બુક જોતી હતી. તેની પાસે તેની બાર્બી ડોલ પણ સૂતી હતી. હું માનસી પાસે દોડી. તેની પાસે તેની મમ્મી પણ બેઠા હતા. અમને જોઇને તે ઉભા થયા.

‘ આવ ઉમંગી, આવો નિશાબેન..સારું થયું તમે આવ્યા..અને જૂઇને પણ સાથે લાવ્યા. માનસી જૂઇને રોજ યાદ કરે છે.’

માનસી મને જોઇને હસી. પણ માનસી કેમ આવી લાગતી હતી ? સાવ જુદી લાગતી હતી. શું જુદુ હતું એ તો મને ન સમજાયું. પણ રોજ જેવી તો નહોતી જ લાગતી.
મેં તેને ટેડી બેર આપ્યું. માનસી કહે,

‘ થેંકયુ જૂઇ..બહું સરસ છે. ‘ પછી મેં તેની સાથે ઘણી વાતો કરી. ફૈબા અને મમ્મી માનસીની મમ્મી સાથે ધીમે ધીમે ..અમને ન સંભળાય એવી રીતે કંઇક વાત કરતા હતા. જોકે મારું ધ્યાન એમની વાતોમાં આજે જરાયે નહોતું. માનસી મને સ્કૂલની ઘણી વાત પૂછતી હતી.અને હું હસીને કહેતી હતી. પછી મેં અમારા નવા ટીચરની કોપી કરી. તે જોઇને માનસી ખૂબ હસી પડી. અમને બંનેને બહું મજા આવી. ત્યાં કોઇ અંકલ આવ્યા..એટલે માનસી જલદી સૂઇ ગઇ. અને ચાદર ખેંચીને માથે ઓઢી લીધી. મને નવાઇ લાગી. માનસી કેમ સૂઇ ગઇ ?
ત્યાં માનસીના મમ્મી પાસે આવ્યા.

‘ ડોકટર, હવે તમને જોઇને જ માનસી સૂઇ જાય છે. તમે ઇંજેકશન આપવ આવો છો એની માનસીને ખબર પડી ગઇ છે. અમારી માનસી કંઇ બુધ્ધુ યે નથી અને ડરપોક પણ નથી હોં.એ તો અમારી બહાદુર દીકરી છે. એને જલદી જલદી સ્કૂલે પણ જવું છે. જુઓ આજે તો તેની આ બહેનપણી જૂઇ પણ તેને મળવા આવી છે. માનસીને ખબર છે કે તે ઇંજેકશન લેશે તો જલદી સાજી થઇ જશે. હેં ને માનસી ? હવે માનસીએ ચાદર તો હટાવી લીધી. પણ ઉભી ન થઇ. ’ ના..મમ્મી..આજે નહીં..બહું દુખે છે. તમે બધા રોજ બહાના કાઢો છો કે હવે આ એક જ બાકી છે..આજે નહીં પ્લીઝ મમ્મી..

માનસીના મમ્મી બોલી ન શકયા. ત્યાં માનસીના પપ્પા આવ્યા.

‘ બેટા, આજે કાર્ટૂન નેટવર્કની નવી સીડી. લઇ આવ્યો છું હું. આજે મારી દીકરીને મજા આવી જશે. તેં જોઇ છે એ નથી હોં..નવી જ.. અને જો આ નવી વીડિયો ગેઇમ..તું અને જૂઇ બંને રમશો ?
અને માનસી, તને ખબર છે..આજે આ ડોકટરને પણ આ સીસ્ટર છે ને એણે ઇંજેકશન આપી દીધું હતું. અને આવડા મોટા ડોકટર સાવ બીકણ.. એ તો રડતા હતા. સાચુંને ડોકટર ?
ડોકટરે કહ્યું..’ તમારી માનસી તો બહાદુર છે..કંઇ મારા જેવી બીકણ થોડી છે ? માનસી, આ જૂઇ મને કહેતી હતી કે માનસી બીકણ છે. એણે તને કયાં કોઇ દિવસ ઇંજેકશન લેતા જોઇ છે ? એને તો કંઇ ખબર જ નથી.

મને કંઇ સમજાયું નહીં. મેં તો એવું કંઇ કોઇને નહોતું કહ્યું. હા, મેં એકવાર ઇંજેક્શન જોયું હતું.

એકવાર માલામાસીને ડોકટરે આપ્યું હતું. અને મારી પાસે ડોકટર રમવાનો સેટ છે એમાં પણ સોય છે. હું ને ભાઇલો ઘણીવાર એકબીજાને ઇંજેકશન આપીએ છીએ.. પણ અહીં આજે તો મને બીક લાગી.
માનસીના પપ્પા માનસી સાથે વાતો કરતા હતા..તેને હસાવતા હતા ત્યાં ડોકટરે માનસીના હાથમાં ઇંજેકશન મારી દીધું. માનસીએ એક ચીસ નાખી. અને પછી ફરીથી માથે ઓઢીને સૂઇ ગઇ.

ડોકટરે માનસીના પપ્પાને કશુંક કહ્યું અને પછી એ બંને બહાર ગયા. મને રડવું આવી ગયું. હું પલંગ પર ચડીને માનસીને બોલાવવા લાગી.

‘ જૂઇ, આ બધા બહું ખરાબ છે. રોજ ખોટું બોલીને મને હેરાન કરે છે. સાજી તો કરતા નથી. મારે સ્કૂલે જવું છે તમારા બધા સાથે રમવું છે. પણ આ બધા જોને.. મને અહીં જરાયે મજા નથી આવતી. મારે ઘેર જવું છે. કોઇ મને નથી લઇ જતું. બધા ખરાબ છે. મમ્મી પણ મારું માનતી નથી.’

માનસીની મમ્મી, ફૈબા અને મારી મમ્મી બધા રડતા હોય એવું મને કેમ લાગ્યું ?

‘ ઓકે. મમ્મી, હવે હવે હું ઇંજેક્શન લઇ લઇશ.. ને ઘેર જવાનું પણ નહીં કહું. હવે તું રડતી નહી. તું રડે એ મને નથી ગમતું.

અચાનક માનસી બોલી. માનસીની મમ્મી માનસી પાસે આવી અને માનસીને વહાલ કરવા લાગી. મમ્મી અને ફૈબા બંને એકદમ જ રૂમની બહાર નીકળી ગયા. હું પણ તેમની પાછળ ગઇ ને જોયું તો બંને રડતા હતા. એમને રડતા જોઇને કશું સમજયા વિના હું પણ રડવા લાગી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s