ચપટી ઉજાસ.. 148


વાહ ! સીધા ઉપર..

હું, મમ્મી અને ફૈબા જયને પટાવીને અંતે હોસ્પીટલ જવા નીકળ્યા. આજે મને એ બહું ગમ્યું. . કેમકે મને લાગ્યું કે હું સાચ્ચે જ મોટી થઇ ગઇ છું.. જયને ફોસલાવીને કેવો ઘેર રાખી દીધો અને મને તો સાથે લઇ જાય છે. હું મોટી બની ગઇ હોઉં તો જ એમ કરે ને ? વાહ..આપણે તો મોટા મોટા થઇ ગયા. પણ ફૈબા કહે છે એમ મોટા થવામાં કંઇ બહું મજા નથી. મારે એવું તો નહીં થાય ને ? તો તો હું ભલે નાની જ રહેતી.
હું મનમાં આવા કોઇ વિચારો કરતી હતી. ત્યાં ફૈબાએ રીક્ષા એક દુકાન પાસે ઉભી રખાવી. અને અમે અંદર ગયા.

‘ જૂઇ, બોલ આમાંથી માનસી માટે શું લેશું ? એને શું ગમે છે તેની તને ખબર છે ? ‘ મેં એક ટેડી બેર તરફ આંગળી ચીંધી.

‘ ઓકે.. આ માનસીને ગમશે..બરાબર ? મેં હા પાડી. મને બહું સારું લાગ્યું. આજે કોઇ વાતમાં મારો મત પણ પૂછાતો હતો. વાહ..જૂઇબેન ના ભાવ પણ આજે વધ્યા ખરા હોં..અને જૂઇબેનને ફૈબા સિવાય બીજું કોણ ભાવ આપવાનું હતું ?

અમે ટેડી બેર લીધું. બ્લુ રંગનું મોટું સરસ મજાનું ટેડી બેર હતું. મને ખબર હતી કે માનસીને પણ મારી જેમ બ્લુ રંગ બહું ગમે છે. મને થયું કે હું પણ ફૈબાને કહું કે આવું મારે પણ લેવું છે. મને બહું મન થયું તો પણ આજે હું બોલી નહીં. પછી કહીશ.. અત્યારે મને માનસી પાસે જવાનું , એની સાથે વાતો કરવાનું બહું મન થયું હતું. એટલે હું વધારે બોલ્યા સિવાય હાથમાં ટેડી બેર લઇને ફરીથી રીક્ષામાં બેસી ગઇ.

થોડી જ વારમાં અમે હોસ્પીટલમાં અમે પહોંચ્યા. હું પહેલી જ વાર હોસ્પીટલમાં આવી હતી. થોડી બીક લાગી. અચાનક મને યાદ આવ્યું. દાદીમા કહેતા હતા કે જય ભાઇ અને મને મમ્મી હોસ્પીટલમાંથી લાવી છે. અહીં નાના બાળકો મળતા હશે ? હું ચારે બાજુ જોવા માંડી. જોકે મને યાદ હતું કે ફૈબાએ તો એવું કહ્યું હતું કે માલામાસીના પેટમાં નાનું બેબી છે. અને ત્યારે માલામાસીનું પેટ પણ કેવડું મોટું થઇ ગયું હતું એની મને ખબર હતી જ. પછી હોસ્પીટલમાં જઇને માસી પેટમાંથી બેબીને બહાર કઢાવીને ઘેર લાવ્યા હતા. એ બધી વાત મને યાદ હતી. હોસ્પીટલ શબ્દની સાથે મારા મનમાં આવા કેટલાયે વિચારો આવતા રહ્યા. અને ફૈબાની આંગળી જોશથી પકડી હું ચારે બાજુ જોવા લાગી. મને કયાંથી લાવ્યા હશે ? હોસ્પીટલમાં કેટલા બધા માણસો દેખાતા હતા. પણ હજુ સુધી મારા જેવડા કોઇ બાળકો નહોતા દેખાયા. અહીં તો બધા મોટા મોટા લોકો જ દેખાતા હતા. એક ભાઇ ખુરશીમાં બેઠા હતા. એના પગ ઉપર કેવડો મોટો પાટો બાંધ્યો હતો. બિચારાને કેવું દુખતું હશે ? તેની ખુરશી પૈડાવાળી હતી.અને એક બીજા ભાઇ તે ચલાવતા હતા. મેં ફૈબા સામે જોયું. મેં કંઇ પૂછયું નહોતું. તો પણ ફૈબા કદાચ સમજી ગયા હતા. એમણે ધીમેથી મને કહ્યું,
‘ જૂઇ, એને વ્હીલ ચેર કહેવાય. જેનાથી ચાલી ન શકાતું હોય..કંઇ લાગ્યું હોય એમને આવી ચેરમાં બેસાડીને લઇ જવાય.
હું ફરીથી કંઇક પૂછવા જતી હતી..ત્યાં ફૈબા કહે,
‘ જૂઇ, અહીં બહું મૉટેથી ન બોલાય..
મને પણ ફૈબાની વાત સાચી લાગી. પણ અહીં તો કેટલું બધું પૂછવા જેવું હતું. મને કંઇ સમજાતું નહોતું. ફૈબાએ એક ભાઇને કંઇક પૂછયું. તે ભાઇએ ફૈબાને કશુંક સમજાવ્યું. અમે ત્રણે એ તરફ ગયા. ’ ભાભી, ચોથા માળ ઉપર તેનો વોર્ડ છે. આ તરફથી લિફટમાં જવાનું છે. આવો..’
મને કંઇ ખબર ન પડી કે કયાં જવાનું છે. હું તો બસ ચારે બાજુ જોતી જોતી ફૈબાની આંગળી પકડી ચૂપચાપ ચાલતી રહી. મારા ફૈબા મારી સાથે હતા પછી મારે બીજું શું જોઇએ ?
એક બારણા પાસે આવીને અમે ઉભા.. ફૈબાએ બારણું ખોલ્યું. અને અમે અંદર ગયા. ફૈબાએ બારણું બંધ કર્યું અને કોઇ સ્વીચ દબાવી. બાપ રે.. આ શું થયું ? મને થોડી બીક લાગી. મેં ફૈબાનો હાથ જોશથી દબાવ્યો. મારા હાથમાંથી ટેડી બેર પડી ગયું. ફૈબાએ તે ઉપાડી લીધું.
‘ જૂઇ, ડરાય નહીં. આને લિફટ કહેવાય.. આપણે ઝાઝા બધા પગથિયા ચડવા ન પડે માટે આ રાખી છે. પછી ઘેર જઇ તને સમજાવીશ. ભાભી, જૂઇએ પહેલીવાર લિફટ જોઇ છે ને ? આપણે એને હજુ એવી કોઇ જગ્યાએ લઇ જ નથી ગયા ને ? હવે બધું બતાવવું પડશે. તો જ એને દુનિયાની ખબર પડશે ને ?

મમ્મીએ માથું હલાવ્યું. ત્યાં જ ફૈબાએ બારણું ખોલ્યું અને અમે બહાર નીકળ્યા..વાહ..અમે સીધા ઉપર આવી ગયા હતા. આ મને ગમ્યું. હવે ? હવે ? મમ્મી કે ફૈબાની આંગળી બીજું શું ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s