ચપતી ઉજાસ.. 147

હીરા જેવી દીકરી..

‘ જો. જૂઇ , આપણે માનસી પાસે જઇને તેને બહું હસાવવાની છે હોં.. એને મજા નથી ને એટલે એને ગમે એવું કરવું જોઇએ. આજે તું માનસીને શું આપીશ ? એને માટે આપણે કશુંક લેતા જઇશું ને ?

મેં તુરત મારી પાસે એક ચોકલેટ હતી તે કાઢી.. ’ માનસીને હું મારી ચોકલેટ આપીશ.. ‘
‘ ના..જૂઇ. માંદા હોય એને ચોકલેટ ન અપાય. ‘

તો ? હું મૂંઝવણમાં પડી.હવે માનસીને મારે શું આપવું ?

‘ ભાભી, મને લાગે છે આપણે રસ્તામાંથી એને માટે કંઇક લેતા જશું બરાબર ને ? ‘
મમ્મીએ હા પાડી. ‘ હા..એ જ બરાબર થશે. એને ગમે એવું કશુંક લેશું.’

‘ હવે જલદી નીકળો.. દાદીમાએ બૂમ પાડી. આ જયને હું એક બાજુ લઇ જાઉં છું ત્યાં તમે નીકળી જાજો.. એ પણ તમારી ભેગા આવવાનું કહે છે. જૂઇનું જોઇ જોઇને હવે એ યે બગડતો જાય છે.

‘ લો..બધામાં જૂઇનું નામ તો આવી જ જાય.. હું કંઇ બગડેલી છોકરી છું ? ઘડીકમાં મને ગુડ ગર્લ કહે..ઘડીકમાં બગડેલી .. હું ખરેખર કેવી છું ? ફૈબાને પૂછવું પડશે.
અમે નીકળવા જતા હતા..ત્યાં જય અમને જોઇ ગયો. અને દોડીને અમારી પાસે આવ્યો.
‘ મારે પણ આવવું છે.

‘ બેટા, ત્યાં તારાથી ન અવાય..અમે કંઇ ફરવા નથી જતા.’

પણ જય કોઇનું સાંભળે ખરો ? એણે તો ધમાલ મચાવી મૂકી. મમ્મી મૂંઝાઇ..હવે શું કરવું ? તેણે ફૈબા સામે જોયું.

ફૈબાએ અને દાદીમાએ જયને સમજાવવાની બહું કોશિશ કરી. દાદીમા કહે, જો જય, અહીં મારી પાસે રહીશ ને તો તને આઇસ્ક્રીમ આપીશ..ચોકલેટ આપીશ..જૂઇને જવા દે..નકામો તારો આઇસક્રીમ ખાઇ જશે.. આમે ય એ તો હોસ્પીટલમાં જાય છે.ત્યાં કંઇ મજા ન આવે.
પણ જય આજે બરાબર જિદે ચડયો હતો. એને અમારી સાથે આવવું હતું. એણે મમ્મીની સાડીનો છેડો પકડી રાખ્યો હતો. અને છોડતો જ નહોતો.
દાદીમા કહે,

‘ તો પછી એક કામ કરો..નિશા ભલે ઘેર રહેતી..એ બીજી કોઇ વાર જઇ આવશે. ઉમંગી , તું અને જૂઇ જઇ આવો..બીજું શું થાય ? ‘

પણ મમ્મીને એ ન ગમ્યું એવું મને લાગ્યું. એણે ફૈબા સામે જોયું. અને પછી જયને સમજાવવા લાગી.
‘ જો, જય તું નહીં આવે ને તો હું તારે માટે કંઇક સરસ લેતી આવીશ..
મેં પણ કહ્યું,
‘ જય..તારે મારી પેંસિલ કે બુક જે જોતું હોય એ લઇ લેજે હોં.. હું નહીં ખીજાઉં.’
‘ વાહ મોટીમા.. ‘ કહેતા દાદીમા હસવા લાગ્યા..
હવે એમાં મેં હસવા જેવું શું કહ્યું હતું ? આ મોટા લોકો પણ ખરા છે. અમારી બધી વાત એમને હસવા જેવી જ લાગતી હોય છે. અમે કયારેય હસીએ છીએ એમની વાત પર ? પણ ભાઇ..એ તો મોટા..ને અમે નાના.. દરેક વખતે અમારે આવું જ સાંભળવાનું હોય..

ત્યાં ફૈબા બાજુમાં રહેતા જયના ફ્રેંડ શેતુલને બોલાવી લાવ્યા. જયને શેતુલ સાથે રમવું બહું ગમતું હોય છે.

શેતુલ એની લખોટીઓ લઇને આવ્યો હતો. જય એને જોઇને બહું ખુશ થયો.
ત્યાં ફૈબા કહે,

‘ જય.. અત્યારે શેતુલ સાથે નહીં રમાય.એ ભલે એને ઘેર પાછો જાય અને ત્યાં ચિંતન સાથે રમે. તું તો અમારી સાથે હોસ્પીટલે આવે છે ને ? શેતુલ તું ને ચિંતન રમતા હતા ને ? તમે બંને રમો..જય તો આજે નહીં રમી શકે..

જય એક મિનિટ ચૂપ રહ્યો. પછી કહે,

‘ ના..મારે કંઇ હોસ્પીટલે નથી આવવું. હું તો શેતુલ સાથે રમીશ.. અને બા મને આઇસક્રીમ આપશે હેં ને બા ? જૂઇ ભલે જતી.
‘ ઠીક છે જેવી તારી મરજી. ઓકે..શેતુલ તું ને જય અહીં રમો. અમે હોસ્પીટલે જઇ આવીએ છીએ..
જય ખુશ થયો. મમ્મી પણ ખુશ થઇ. ફૈબા સામે જોઇને હસ્યા.
દાદીમા કહે, ‘ આ ઉમંગી પણ ખરી છે. પટાવી લીધો મારા ભોળિયાને.. ‘ ’ બીજું શું થાય ? કંઇક રસ્તો તો કાઢવો ને ?

‘ બસ….દીકરા ..જીવનમાં પણ આમ જ રસ્તા કાઢતી રહેજે .ખબર નહીં કેમ પણ મને તારી બહું ચિંતા રહે છે. મારી હીરા જેવી છોકરીને પારખનાર કોઇ ઝવેરી મળશે તો ખરો ને ? હીરાપારખું આ જમાનામાં બહું ઓછા હોય છે. ‘ બોલતા બોલતા દાદીમાનો અવાજ કેમ રડવા જેવો થઇ ગયો હતો ?

‘ અરે, મમ્મી, તું યે ખરી છે. તું મારી ચિંતા ન કર.. કયાંની કયાં વાત લઇને બેસી ગઇ ? તને તારી દીકરી પર વિશ્વાસ નથી ? સમય આવ્યે બધું થઇ રહેશે..એકવાર મારું ભણવાનું પૂરું થ ઇ જવા દે.. અને બસ..હવે આમ રોતલ મોં નહીં જોઇએ..ચાલ, હસ જઉં..એટલે જય ફરીથી છટકે એ પહેલાં અમે નીકળીએ..

દાદીમા ધીમું હસ્યા..અને અમે ઘરની બહાર નીકળ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s