ચપટી ઉજાસ.. 146

બહેનપણીને શું કહીશ ?

આજે હું સ્કૂલેથી આવી ત્યારે ફૈબા મમ્મી અને દાદીમાને કંઇક વાત કરતા હતા. કયાંક જવાની વાત કરતા હોય એવું લાગ્યું.

દાદીમા કહે,

‘ ના, જૂઇને લઇ જવાની જરૂર નથી. જવું હોય તો તું ને નિશા જઇ આવો. જૂઇ ગમે તેમ તો યે છોકરું કહેવાય. ડરી જાય.
ફૈબા કહે, ‘ મમ્મી, કંઇ ડરી નહીં જાય. એમાં ડરવાનું શું છે ? ઉલટી એ તો માનસીને જોઇને ખુશ થશે. માનસીને પણ એને જોવાનું બહું મન છે એમ કહેતી હતી. મેં એને કાલે કહ્યું છે કે હું આજે જૂઇને લેતી આવીશ તારી પાસે.. એ બહું ખુશ થઇ હતીને મને કહ્યું હતું..
‘ આંટી, જૂઇને લેતા આવજો.’

’ તે તું વળી કાલે હોસ્પીટલમાં ગઇ હતી ? કયારે જઇ આવી ?

‘ કાલે કોલેજેથી સીધી થોડીવાર ગઇ હતી. કાલે માલાભાભી પાસેથી સાંભળ્યું ત્યારથી જીવ બળતો હતો. મારાથી રહેવાયું નહીં.. એટલે કાલે જઇ આવી.

માનસીને એના દરદની કંઇ ખબર છે ?

‘ ના રે ભાભી, આવડી છોકરીને વળી શું ખબર હોય ? પણ… એને જોઇને આપણે રડી પડીએ.. અલબત્ત એની સામે તો હસતા જ રહેવાનું..હસવાનું અને એને હસાવવાની.. એને બને એટલી ખુશ રાખવાની. બધા એ જ કરે છે. જોવા આવનારને બધાને પણ એ સૂચના આપી દીધી છે.

મને તો થાય છે.. આવડા છોકરાને ભગવાન આવા દર્દ કેમ આપતો હશે ? વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે એમ આપણે સૌ કહેતા હોઇએ છીએ.. પણ અમુક બાબતમાં વિજ્ઞાન પણ કંઇ નથી કરી શકતું. માનસીના મમ્મી, પપ્પાની હાલત તો જોવાતી નથી. નજર સામે છોકરું આમ… અને પોતે કંઇ ન કરી શકે ? છતાં દીકરીની સામે હસતા રહે છે..બિચારા..!
બોલતા બોલતા ફૈબા રડી પડયા.

ઉમંગી, શાંત થા.. આપણે શું કરી શકીએ ? નહીંતર એને તો પૈસાની યે કયાં તાણ છે ? પણ ભગવાનની મરજી આગળ બધા લાચાર..

‘ પણ તારા ભગવાનને એવી મરજી કેમ થાય ? આવડા ફૂલને ઉપાડી લેવાનું ? નેવુ વરસના ડોસા ડગરા બેઠા હોય..મરવાની રાહ જોતા હોય અને આવા ફૂલ…તો ભગવાને જનમ જ નહોતો આપવો ને.? ‘

ફૈબા આજે કેવું કેવું બોલતા હતા ? માનસીની શું વાત હશે ? માનસી તો મારી બહેનપણી છે. મેં ફૈબા અને મમ્મી સામે જોયું. મમ્મી આજે પણ ફરીથી રડતી હતી.

‘ ભાભી, આપણે જૂઇને હોસ્પીટલમાં લઇ જશું ને ? માનસી ખુશ થશે..બીજું તો આપણે શું કરી શકવાના ?
મમ્મીએ માથું ધૂણાવી હા પાડી. અને દાદીમા સામે જોયું.
‘ ઠીક છે.જેવી તમારી મરજી. લઇ જાવ બીજું શું ? જય મારી પાસે રહેશે.

‘ જૂઇ, ચાલ, તૈયાર થઇ જા.. તારે માનસી પાસે આવવું છે ને ? જો, એ હોસ્પીટલમાં છે. એ માંદી છે ને એટલે.. આપણે એને મળવા જશું ને ?

મેં તુરત હા પડી. ને રાજી રાજી થઇ ગઇ. હાશ..આજે માનસીને જોવાશે. પછી હું માનસીને કહીશ કે હવે એ જલદી સાજી થઇ જાય ને સ્કૂલે આવે. મને એના વિના સ્કૂલમાં જરાયે મજા નથી આવતી.એ પણ કહીશ. ને હું રોજ ભગવાનજીને પ્રેયર કરું છું એ પણ કહીશ. અને હમણાં નવા ટીચર આવ્યા છે એ તો માનસીએ જોયા જ નથી. એટલે એની વાત પણ કરીશ. એ ટીચર કેવી રીતે ભણાવે છે. અને અમે બધા એની કેવી મસ્તી કરીએ છીએ..એની વાત પણ કરીશ. એટલે પછી હું ને માનસી કેવા હસીશું
. પેલો પાર્થ કેવો દોઢડાહ્યો થાય છે એની વાત પણ કરીશ. અને ટીચરે એને કેવા કલાસની બહાર ઉભા રહેવાની પનીશમેન્ટ કરી હતી એ બધી વાત માનસીને કહેવાની કેવી મજા આવશે.. એવું વિચારતી વિચારતી હું એકલી એકલી હસતી હતી.
ત્યાં મમ્મી આવી. જૂઇ, ગાંડી થઇ ગઇ છે કે શું ? એકલી એકલી કેમ હસે છે ?
હવે મારે મમ્મીને શું કહેવું ? એ બધી વાત તો માનસીને કહેવાની છે. એમાં મમ્મીને શું ખબર પડે ?
એટલે હું કંઇ બોલી નહીં.

મમ્મી કહે, ચાલ જલદી..વાળ ઓળી આપું અને ફ્રોક બદલાવી લે.. કહીને મમ્મીએ એક ફ્રોક મને આપ્યું.

પણ મેં એ પહેરવાની ના પાડી. અને કબાટમાંથી એક સરસ મજાનું રેડ ફ્રોક કાઢયું. હું તો આ પહેરીશ.

મમ્મીએ ના પાડી. જૂઇ, હોસ્પીટલમાં એ પહેરીને ન જવાય. જો, તું મારી ડાહી દીકરી છો ને ? જો..આ ફ્રોક પહેરી લે.. બસ..? મમ્મીએ કબાટમાંથી એક બીજું ફ્રોક આપીને કહ્યું.

અને માનસી પાસે જવાની હોંશમાં મેં વધારે જિદ કર્યા સિવાય એ ફ્રોક ચૂપચાપ પહેરી લીધું. ત્યાં ફૈબા આવ્યા અને અમે હોસ્પીટલમાં જવા નીકળ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s