ચપટી ઉજાસ.. 142

જાદુઇ થેલો

ઓહો..અહીં તો કેટલા બધા બાળકો..આ સ્કૂલ જ હશે. સ્કૂલમાં ઘણાં બધા છોકરાઓ હોય એમ અહીં પણ ઘણાં છોકારઓ હતા. મને તો મજા આવી ગઇ. બધા સાથે રમવાની મજા આવશે. ઉમંગી ફૈબાને જોઇને બધા તેની પાસે દોડયા. દીદી આવ્યા..દીદી આવ્યા “ કહેવા લાગ્યા.

પણ ફૈબાની સાથે દાદીમા, મમ્મી, મોટા ફૈબા બધાને જોઇને થોડા દૂર ઉભા રહી ગયા.
અરે, આવો આવો..જુઓ આજે હું કોને લઇને આવી છું. આજે તમારા જેવડા જૂઇ અને જયને લાવી છું. એ બંને તમારી સાથે રમવા આવ્યા છે. જૂઇ, જય, આ બધા તમારા ફ્રેન્ડઝ છે. તમે બધા સાથે રમશો ને ?

બધાએ હા પાડી. હું તો રાજી રાજી.

વાહ..મારે આટલા બધા ફ્રેંડઝ..? મજા આવી જશે.

‘ ઉમંગી, તું અહીં આવતી લાગે છે. અહીં તને બધા ઓળખતા હોય એવું લાગે છે.

‘ હા, મમ્મી, અમે બધી બહેપણીઓ ઘણીવાર અહીં આ બાળકો સાથે રમવા આવીએ છીએ..
કહેતા ફૈબાએ તેમના થેલામાંથી ફુગ્ગા, ચોકલેટ, બિસ્કીટ એવી કેટલી બધી વસ્તુઓ કાઢી.
ચાલો, જૂઇ, જય બધાને આપો.. મેં અને જયે બધાને ફુગ્ગા, ચોકલેટ બધું આપ્યું. દાદીમા, મમ્મી, મોટા ફૈબા કોઇ આંટીની સાથે કંઇક જોવા માટે અંદર ગયા.

ઉમંગી ફૈબાએ અમને બધાને કેટલી બધી રમત રમાડી. આટલા બધા ફ્રેંડઝ સાથે રમવાની કેવી મજા આવે. ફૈબાને બધાના નામ આવડતા હતા. મને પણ બધાના નામ કહ્યા. એમાં એક ઇરા હતી.. ફૈબાએ ઇરાને ગીત ગાવાનું કહ્યું.

ઇરા, તને સરસ ગાતા આવડે છે ને ? ચાલો, આજે તારો વારો. તે દિવસે મીનાએ ગાયું હતું ને ? આજે ઇરા ગાશે.

ઇરાએ ઉભા થઇને ગીત ગાયું.

અમે તો ધરતીના ફૂલ… એવું કંઇ ગીત હતું. મને સાંભળવું ગમ્યું. ફૈબા બધા માટે ક્રેયોનના કલર અને એક બુક લાવ્યા હતા. બધાને એક એક બુક આપી. અને કહ્યું,
ચાલો, આજે બધાએ આમાં એક સરસ ચિત્ર દોરવાનું છે. જેને જે દોરવું હોય તે દોરવાની છૂટ છે. અને એમાં સરસ મજાના રંગ પણ પૂરવાના છે.જેમના ચિત્રો સરસ હશે એને ઇનામ મળશે. ફૈબાએ મને અને જયને પણ કલર અને બુક આપ્યા.

ચાલો, બધા શરૂ કરો, જેને જે આવડે એ દોરવાનું છે.જુઓ અહીં તમારી સામે જે વસ્તુઓ દેખાય છે એ જોઇને એ પણ દોરી શકાય. આ ઝાડ, આ ફૂલ, પંખીઓ, સૂર્ય, પતંગિયું, જે તમને ગમે એ..

એક છોકરાએ પૂછયું, ‘ દીદી હું ચાંદામામા દોરું ?

‘ હા..બેટા, જે દોરવું હોય એ દોરજે.
અમે બધા દોરતા રહ્યા. ફૈબા ત્યાં આંટા મારતા મારતા અમે બધા શું કરીએ છીએ તે જોતા રહ્યા.
એ ય સંજુ, આ તું શું દોરે છે ?
દીદી હું તમને દોરું છું. મને તો તમે દેખાવ છો.
મેં સંજુની બુકમાં જોયું તો તેણે તો લીટા કર્યા હતા. પણ કહેતો હતો કે તે દીદી દોરે છે.
ફૈબા કંઇ આવા થોડા છે ? મને પણ ફૈબાનું ચિત્ર દોરવાનું મન થયું. પણ આવડતું નહોતું. સ્કૂલમાં ટીચરને કહીશ અને પછી શીખડાવશે એટલે હું સરસ મજાના ફૈબા દોરીને તેમને આપીશ.ફૈબા કેવા ખુશ થશે! હું તો દોરવાનું ભૂલીને બેઠી હતી.
ફૈબાનું ધ્યાન મારી ઉપર પડયું.

‘ કેમ જૂઇ, તારે દોરવાનું નથી ? ઇનામ નથી જોતું ?

હું ઝટપટ દોરવા લાગી. ત્યાં એક ગુલાબનું ફૂલ હતું. મેં એવું ફૂલ દોર્યું. બહું સરસ નહોતું થતું. પણ તો યે દોર્યું.

બધાનું દોરાઇ ગયું એટલે ફૈબાએ બધાના ચિત્રો જોયા, વાહ..આ તો બધાએ બહું સરસ દોર્યા છે. એમ કરીએ આપણે બધાને ઇનામ આપીશું.

કહીને ફૈબાએ થેલામાંથી કેટલા બધા રમકડાં કાઢયા અને બધાને એક પછી એક આપ્યા,
સંજુ, તારે નાનકડી કાર જોતી હતી ને ? આ કાર તારા માટે..
અને આ મારી પિંકીબેનને ઢીંગલી જોતી હતી બરાબરને ? ગયે વખતે તેં ઢીંગલીનું કહ્યું હતું ને ?
દીદી, મેં પણ ઢીંગલીનું.. … એક બીજી છોકરી બોલી. હા..હા..મને યાદ છે. તારા માટે પણ ઢીંગલી લાવી છું. ફૈબાએ થેલામાંથી ઢીંગલી કાઢીને તે બંનેને આપી. ફૈબાએ જયને મોટો બોલ આપ્યો. કોઇને બુક આપી. કોઇને ગેઇમ આપી.ફૈબાનો થેલો તો ભારે જાદુઇ.. કેટલું બધું એમાંથી નીકળતું ગયું. હજુ મારો વારો નહોતો આવ્યો. મને શું મળશે આજે આ થેલામાંથી ?
ફૈબા મારી સામે જોતા જોતા હસતા હતા. હવે તેમનો થેલો તો ખાલી થ ઇ ગયો હતો. બધાને કંઇક મળ્યું. મારે ભાગે તો કંઇ બચ્યું જ નહીં. હું મોઢુ ફૂલાવીને ફૈબા સામે જોઇ રહી.
જૂઇ, સોરી, તારી ગીફ્ટ તો હું ઘેર જ ભૂલી ગઇ. હવે ઘેર જઇને તને આપીશ..બેટા, ચાલશે ને ?

ફૈબાએ સોરી કહ્યું. પછી હું શું બોલું ?

ત્યાં બે ચાર છોકરીઓએ પોતાને મળેલી ગીફટ મને આપવા માંડી.

‘ કંઇ વાંધો નહીં.જૂઇ, તું અમારી ગીફટ લઇ લે..

મેં ફૈબા સામે જોયું. તે તો ચૂપચાપ હસતા હતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s