ચપટી ઉજાસ.. 141

સારા માણસ બનવું એટલે ?

આજે સ્કૂલમાં પણ મને બહું મજા આવી. મારા કલાસમાં બધાએ મારા માટે હેપી બર્થ ડે નું ગીત ગાયું. ટીચરે મને અને પાર્થને ચોકલેટ આપી. આજે પાર્થનો પણ હેપી બર્થ ડે હતો. પાર્થ મારો ફ્રેન્ડ છે. પણ પાર્થને બધા તોફાની કહે છે. કેમકે તે કલાસમાં આખો દિવસ દોડાદોડી કરતો હોય છે. ટીચર તેને બહું ખીજાતા હોય છે. પણ તે કોઇનું સાંભળે છે જ કયાં ? એને કરવું હોય એમ જ કરે છે. મને તો ખબર છે કે સ્કૂલમાં ટીચર કહે એમ જ કરવાનું હોય. મને તો ઉમંગી ફૈબાએ શીખડાવ્યું છે. પાર્થને તેના ફૈબાએ નહીં શીખડાવ્યું હોય ? જોકે મને પાર્થ બહું ગમે છે કેમકે એ આખો વખત બસ હસતો જ હોય છે. તેની સાથે હસવાની મને બહું મજા આવે.પણ સ્કૂલમાં કંઇ મરજી પડે ત્યારે હસાય નહીં. મમ્મીએ કહ્યું છે કે મારે બહું બધું ભણવાનું છે. બહું બધું એટલે કેટલું ? ફૈબા જેટલું ? ફૈબા મોટા છે તો પણ હજુ ભણે છે. મોટાઓ ભણે એને કોલેજ કહેવાય. ફૈબાને યુનીફોર્મ નથી પહેરવો પડતો. મારે ને જયે તો રોજ યુનીફોર્મ પહેરીને જ સ્કૂલે આવવાનું. નવા નવા કપડાં સ્કૂલમાં ન પહેરાય.પણ આજે તો મારો હીપી બર્થ ડે છે ને ? એટલે આજે મેં સ્કૂલમાં પણ નવું ફ્રોક પહેર્યું છે. આજે તો જાણે હું રાજકુંવરી.. પ્રીન્સેસ હતી. આમ તો ભણવાનું મને બહું ગમે છે.પણ આજે મને જલદી ઘેર જવાનું મન હ્તું. ફૈબાએ સવારે કંઇક કહ્યું હતું. જે મને સમજાયું નહોતું. પણ ફૈબા મને કયાંક બહાર લઇ જવાના હતા. એટલી મને ખબર પડી હતી.

હું ને જય સ્કૂલેથી ઘેર પહોંચ્યા. ફૈબા તો અમારા બંનેની રાહ જ જોતા હતા. હું દોડીને ફૈબાને વળગી પડી.આજે તો મેં જમવામાં પણ કંઇ નખરા ન કર્યા. આમ પણ આજે બધી મને ભાવતી વસ્તુઓ જ હતી. એટલે મેં ફટાફટ જમી લીધું. આભાદીદી કહે,

માસી, હવે પાર્ટીનું શું છે ?

‘ આજે નો પાર્ટી.. નો કેક..
એટલે માસી, આજે તમારી ચાગલી જૂઇનો બર્થ ડે નથી ઉજવવાનો એમ જ ને ?
‘ ના..ઉજવવાનો છે.પણ જુદી રીતે. ‘

મેં, મમ્મીએ દાદીમાએ, મોટા ફૈબાએ બધાએ ઉમંગી ફૈબા સામે જોયું.

હવે સીધી રીતે કહી દે ને કે કરવાનું શું છે ?

દાદીમા હવે થોડા ખીજાયા.. ’ અરે..બાબા કોઇ મોટી વાત નથી. પણ મેં આજે એવું વિચાર્યું છે કે આપણે બધા આજે અહીંના અનાથાશ્રમમાં જઇને અનાથ બાળકો સાથે સાંજ વીતાવીએ..તેમની સાથે રમીએ, તેમને સરસ જમાડીએ.. એનાથી જૂઇ અને જયને પણ ખબર પડશે કે દુનિયામાં આવા બાળકો પણ હોય છે અને એમને મદદ કરવાની આપણા સૌની ફરજ છે. આજે જૂઇ કે જય કદાચ આ બધી વાતો ન સમજી શકે.પણ તેમની ઉપર સારા સંસ્કાર જરૂર પડશે. અને જેમ મોટા થતા જશે તેમ સમજતા પણ જશે દર જન્મદિવસે આવું કશુંક કરવાથી તેમને એવી આદત પડશે અને મોટા થશે ત્યારે એમાં સાચી ખુશીનો અનુભવ પણ કરી શકશે. બોલો, મારી વાતમાં તમને કોઇને વાંધો છે ?
‘ ના..રે ઉમંગીબેન, મને તો તમારી વાત બહું ગમી. આપણે એમ જ કરીશું. મારા છોકરાઓ બીજું ક્શું બને કે ન બને..પણ એક સારા માણસ બને એટલું થઇ શકશે તો પણ ઘણું છે. ‘ મમ્મીએ તુરત જવાબ આપ્યો.

હું તો મમ્મીની સામે જોઇ રહી હતી. મમ્મીનો અવાજ આજે મને રોજ કરતા જુદો કેમ લાગ્યો ? હું કંઇ સમજયા વિના વારાફરથી બધા સામે જોઇ રહી.અને સારા માણસ બનવું એટલે વળી શું ? હું તો સારી જ છું ને ?

‘ પણ માસી, એ બધા ગંદા છોકરાઓ સાથે શું મજા આવવાની ? એ બધી લપ પછી તમે કરજો. મને તો એમ કે તમે કંઇક જુદી રીતે જન્મદિવસ ઉજવવાની વાત કરતા હતા એટલે મને થયું કે તમે પિક્ચર જોવાનો કે કોઇક સરસ રેસ્ટોરન્ટમાં જમવા જવાનો પ્લાન બનાવ્યો હશે તેને બદલે તો તમે કોથળામાંથી બિલાડું કાઢયું. મારે નથી આવવું એવી ગંદી જગ્યાએ..

‘ મોટા ફૈબા ખીજાયા, ’ આભા, તને તો બસ આખો દિવસ પિકચર ને હોટેલ જ યાદ આવે છે. માસી આટલી સરસ વાત કરે છે.. એની પાસેથી કંઇક શીખ.
‘ ચાલો, ચાલો હવે જલદી કરો. આપણે નીકળવાનું છે. મેં અનાથાશ્રમમાં કહી રાખ્યું છે.
‘ અનાથાશ્રમ ? એ વળી શું હશે ? કયાં જવાનું હશે ? પણ મેં જોયું કે આભાદીદી સિવાય દાદીમા અને બધા ખુશ થયા હતા.

‘ બેટા, તારી આ વાત તો મને પણ ગમી.દાદીમાએ કહ્યું.

‘ વાહ..મમ્મી, અને તને જે ગમ્યું એમને બહું ગમ્યું. ચાલો હવે નીકળીશું ? ત્યાં બધા રાહ જોતા હશે. કહીને હસતા હસતા ફૈબાએ બે મોટા થેલા ઉપાડયા.

ફૈબાએ એ થેલામાં શું ભર્યું હશે ? મને જોવાનું મન થયું પણ અત્યારે તો કેમ જોવાય ?
અમે બધા હવે ઘરની બહાર નીકળ્યા..કયાં ? એ તો ફૈબાને ખબર ..હું તો પહોંચીશ ત્યારે જ મને ખબર પડશે ને ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s