ચપટી ઉજાસ.. 139

અઘરી અઘરી વાતો..

આજે સાંજે માલા માસી તેની નાનકડી પરીને લઇને ઘેર આવ્યા. મેં તો તેનું નામ પરી જ પાડયું છે. હું ને જય તેને પરી કહીએ છીએ..આમ પણ જય તો હું જેમ કહું એમ જ કહે અને એમ જ કરતો હોય છે ને ?
પરીને જોઇ હું હરખાઇને તેને તેડવા દોડી. પણ માસી કહે,

‘ જૂઇ, તું બેસી જા..તો હું તને તારા ખોળામાં આપું. તારાથી એને તેડાય નહીં. એ હજુ બહું નાની છે ને ? લાગી જાય.

હું પટાક દઇને નીચે બેસી ગઇ. અને મારું ફ્રોક સરખું કરીને એનો ખોળો કરી દીધો.
મમ્મીનો ખોળૉ સાડીનો હોય છે એની મને ખબર છે. પણ મારો ખોળૉ તો ફ્રોક નો..મોટી થઇને પછી હું યે મમ્મીની જેમ સાડી પહેરીશ. અત્યારે તો હું મમ્મીની સાડી લઇને ઘણી વખત ફરતી હોઉં છું. પણ કોઇ મને સાડી પહેરાવતું નથી. આમે ય મારે જે કરવું હોય તે કરવા મને કદી મળતું જ નથી.

મારું જોઇને જય પણ નીચે બેસી ગયો. અને પોતે પહેરેલા શર્ટને ખેંચીને તેનો ખોળૉ કરવા લાગ્યો. પણ તેનો ખોળૉ થયો નહીં. એટલે તે દોડીને અંદર ગયો. અને એક નેપકીન લઇ આવ્યો પછી નીચે બેસીને તેણે નેપકીનનો ખોળૉ બનાવી દીધો. માસી હસી પડયા. ‘ વાહ..જય, તું તો હોંશિયાર થઇ ગયો !

પછી માસીએ ધીમેથી પરીને મારા ખોળામાં મૂકી.પરી તો કેવું મજાનું હસતી હતી. તે પોતાની આંગળીઓ મોઢામાં નાખતી હતી. માસીએ તેને રમકડું આપ્યું તો તે પણ તેણે તો રમવાને બદલે સીધું મોઢામાં નાખ્યું. રમકડું કંઇ ખવાય ? પરીને તો કંઇ ખબર નથી પડતી. સાવ બુધ્ધુ છે.પણ મને બહું ગમે છે. જય તો તેના નાનકડા પગ, હાથ બધું જોતો હતો. તે પરીને અડવા ગયો તો પરીએ તેને પગથી લાત મારી. જય હસી પડયો. હું પણ હસવા લાગી.
‘ અરે, માલા, જોજે, જૂઇ, એને કયાંક લગાડી ન દે..સાચવજે..છોકરાઓનો ભરોસો નહીં. રમાડતા રમાડતા લગાડી દે તો ઉપાધિનો પાર નહીં.’ દાદીમાએ કહ્યું.

‘ ના.બા, તમે ચિંતા ન કરો. હું એની પાસે જ બેઠી છું. અને હા,
બા આને હવે બીજું કંઇ અપાય ? કયારથી અપાય ? મને તો કંઇ ખબર નથી પડતી. બીક લાગે છે.એટલે મને થયું કે તમને પૂછી ને જ આપું. એ પૂછવા જ આવી છું.
દાદીમા ખુશ થયા. આમ પણ મેં જોયું છે કે તેમને કોઇ પૂછે એ બહું ગમે છે. કેવડી થઇ તારી દીકરી ?

બા..પાંચ મહિના પૂરા થયા.

ઠીક છે..હજુ એક મહિનો જવા દે.. પછી આપણે એના અબોટણા કરીશું. ત્યારે તને બધું સમજાવીશ..શું આપવું ને શું ન આપવું.. અરે, છોકરા ઉછેરવા કંઇ સહેલા થોડા છે ? એ તો પાણા પકાવવા જેવું કામ છે. આમ અત્યારે કોઇ તકલીફ નથીને ? અને હા, બહારનું દૂધ આપવાની ઉતાવળ કરતી નહીં. છોકરું એનાથી જ જલદી માંદુ પડે. એક વરસની થાય ત્યાં સુધી તો તારું દૂધ જ આપવાનું.
આ વળી તારું દૂધ ને બહારનું દૂધ , અબોટણા… ? એ બધું શું ? દાદીમા આવા અઘરા અઘરા શબ્દો જ બોલતા હોય છે.જેની મને કંઇ ખબર પડે નહીં.ને દાદીમા કયારેય સમજાવે નહીં.

બેસ.. હવે ડાહી થતી..જા રમ.. જરીવાર શાંતિ નથી લેવા દેતી. જંપવાનું તો નામ નહીં.
હું કંઇ પણ પૂછું એટલે દાદીમા મને આવું કશુંક કહેતા હોય છે. જોકે હવે તો દાદીમાને હું બહું કંઇ પૂછતી જ નથી. મારે જે પૂછવું હોય એ મોટે ભાગે ફૈબાને જ પૂછું છું. મમ્મી તો બહું નવરી જ નથી હોતી.

ત્યાં આભાદીદી આવ્યા. તેણે આવીને સીધી મારા ખોળામાંથી પરીને ઉંચકી લીધી. હું તો પરીને રમાડતી હતી. પણ તેમણે તો ખેંચી જ લીધી. મને તો કોઇ પૂછે જ શેનું ? અમને વળી પૂછવાનું શું હોય ? અમારી સાથે તો ગમે તેમ કરી શકાય. અમને તો બસ ઓર્ડર જ છોડવાના હોય..આમ કરો ને આમ ન કરો..મને જરાયે ન ગમ્યું. પણ અભાદીદીને એથી કોઇ ફરક કયાં પડે છે ? એ તો પોતાને ગમે એ જ કરતા હોય છે.

પણ ત્યાં પરી રડવા લાગી. તેણે સૂ સૂ કર્યું.. આભાદીદીના કપડાં ભીના થઇ ગયા. તેમણે મોઢું બગાડીને પરીને માસીને જલદીથી આપી દીધી.

છિ.. માસી, તમે આને ડાયપર નથી પહેરાવતા ?

માસીએ કંઇ જવાબ ન આપ્યો. આભાદીદીની વાતનો જવાબ કોઇ જલદી નથી આપતું. એ મેં ઘણીવાર જોયું છે. એમને જે બોલવું હોય તે બોલતા રહે છે. હા, ઉમંગી ફૈબા કયારેક જવાબ આપે ખરા..મમ્મી તો કયારેય ન આપે.

શા માટે ? કોને ખબર ? મોટાઓની વાતો સમજવી કયાં સહેલી હોય છે ? મારે પણ મોટી થઇને આવી અઘરી અઘરી વાતો કરવી પડશે ?

One thought on “ચપટી ઉજાસ.. 139

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s