ચપટી ઉજાસ.. 138

હે ભગવાન…

હમણાં આભાદીદી શાંત બની ગયા છે.કોઇની સાથે બહું બોલતા નથી.ફૈબા અને દાદીમા પણ આખો દિવસ કંઇ ને કંઇ ઘૂસપૂસ કરતા રહે છે. મમ્મી તો રસોડામાં જ વધારે હોય છે. પપ્પા બહારગામ ગયા છે. ઉમંગી ફૈબાએ કોલેજમાં કોઇ નાટકમાં ભાગ લીધો છે એમ બધા કહે છે..એટલે એ ઘરમાં બહું વાર હોતા નથી. નાટક એટલે શું હોતું હશે ? કંઇક સારું જ હશે..જે નામ કે જે વસ્તુ મારા ફૈબા સાથે જોડાયેલી હોય તે બધું મને સારું જ લાગે.
હું ને જય સવારે સ્કૂલમાં જઇએ અને સાંજે એકલા એકલા રમતા હોઇએ છીએ..કયારેક તોફાન કરતા હોઇએ..ને દાદીમાનો ઠપકો સાંભળતા હોઇએ..પણ હવે અમને એની ટેવ પડી ગઇ છે.
આજે જયના હાથમાં ગમની બોટલ આવી હતી. મેં ને જયે ઘણી વખત જોયું છે કે ઉમંગી ફૈબા એનાથી કોઇ કાગળ ચોંટાડતા હોય છે. જયે ગમની શીશી ખુરશી પર ઉન્ધી વાળી દીધી ને બે કાગળ કયાંકથી લઇ આવ્યો. અમે બંને ગમ લગાવી એ કાગળ ચોંટાડવા લાગ્યા.

અમે હજુ એ કામ કરતા હતા ત્યાં બહારથી બિલ્લીનો ‘ મ્યાઉં મ્યાઉં’ એવો અવાજ સંભળાયો. એટલે અમે કાગળ ચોંટાડવાનું કામ પડતું મૂકીને બહાર ભાગ્યા. અમારી આ બિલ્લી તો અમને બંનેને બહું વહાલી હતી.

મેં એક બિલાડી પાળી છે
એ રંગે બહું રૂપાળી છે..”

એ ગીત અમને બંનેને આવડે છે.એટલે અમે બંને એ ગાતા હતા અને એની પાછળ દોડતા હતા.
મીની, દૂધ આપું ? કહેતા જય રસોડામાં મમ્મી પાસે દૂધ લેવા ગયો.
ત્યાં અંદરથી દાદીમાની બૂમ આવી..

‘ અરે, નિશા જો તો ખરી.. આ શું કર્યું ? કોણે કર્યું ? ‘ દાદીમા બૂમાબૂમ કરતા હતા.
દાદીમા મમ્મીને ખીજાતા હતા કે શું ? હું ને જય તો બહાર હતા. અને દાદીમા મોટા ફૈબાને કયારેય ખીજાતા નથી એની મને ખબર હતી..એ ખીજાય તો બસ મને કે મમ્મીને ..કયારેક જ જયને એ બહું તોફાન કરે તો જ કહે. હું અંદર દોડી. મમ્મીને વળી કેમ ખીજાયા ?

‘ નિશા, આ જો છોકરાઓનું જ પરાક્રમ હશે..હું તો ખુરશી ઉપર બેઠી. મને શું ખબર કે જૂઇએ ખુરશી ઉપર ગુંદર ઢોળ્યો હશે. જો મારો આખો સાડલો બગાડી નાખ્યો.. આ જૂઇ સિવાય બીજા કોઇના કામ નહીં. હવે આ ખુરશી પણ ને મારો સાડલો બેઉ ધોવા પડશે. ગુંદરની શીશી એના હાથમાં આવી કયાંથી ? જરાક ધ્યાન રાખીને ઉંચે મૂકતા શું થાય છે ? આખી શીશી ખાલી કરી નાખી.. તોબા પોકારાવી દે છે આ છોકરાઓ તો.. ‘ દાદીમા બોલતા રહ્યા. મોટા ફૈબા આવ્યા તે પણ બોલ્યા.. નાના છોકરાઓ ઘરમાં હોય ત્યારે થોડું ધ્યાન તો રાખવું જ જોઇને ? નહીંતર છોકરાઓ તો કેટલું નુકશાન કરી નાખે..ને જુઓ કામ વધારી દીધું ને ?
ત્યાં મને ઉભેલી જોઇને ફૈબા કહે,

‘ જૂઇ, આમ આવ..આ ગુંદર કેમ ખુરશી ઉપર ઢોળ્યું ? એવા તોફાન કરાય ?
મેં કહ્યું,

‘ ઢોળ્યું નથી . હું ને જય કાગળ ચોંટાડતા હતા..’

કહીને મેં કાગળ બતાવ્યો..

અરે.. આ તો આભાની નોટના પાના ફાડયા લાગે છે. આભા, આ જો તો તારા કામના તો નથી ને ?
પણ આભાદીદી કંઇ આવ્યા નહીં.

‘ બા , હવે આ જૂઇને શું કહેવું ? કોઇ વસ્તુ સરખી રહેવા જ નથી દેતા..કેટલુંક ધ્યાન રાખવું ? બધે પહોંચી જાય છે. લો, સાંભળો બેનબા કાગળ ચોંટાડતા હતા..અડધા તો ઉમંગીએ જ બગડયા છે છોકરાઓને..એ સાસરે જશે ને પછી ખબર પડશે..

‘ ભાભી, હવે પહેલાં આ ખુરશી અહીંથી લઇ જઇને સાફ કરો. ..પાછું કોઇ ભૂલથી એના પર બેસી જશે તો વળી ઉપાધિ..આ છોકરાઓ નહીં કરે એટલું ઓછું.. ભાભી, જરાક ડારો રાખતા જાવ..નહીંતર તમને જ ભારે પડશે…અમારે શું ? અમે તો ચાર દિ આવીને ચાલ્યા જશું..ઉપાધિ તમારે થશે..એટલે હું તો કહું છું.બાકી મારે શું ? નકામું તમને ખરાબ લાગે કે નણંદ આવીને બોલી જાય છે.ના રે, હું તો કોઇને કંઇ કહું જ નહીં ને આજકાલ ભાભીઓને થોડું કંઇ કહેવાય છે ?

ફૈબા બોલતા રહ્યા. હું, દાદીમા, આભાદીદી, મમ્મી બધા સાંભળતા રહ્યા.મને તો આમ પણ આ ફૈબાની વાત કયારેય સમજાઇ નથી.

ત્યાં રૂમમાં મીની દોડતી દોડતી આવી. એની પાછળ જય પણ આવ્યો એના હાથમાં દૂધનો ગ્લાસ હતો.. ’ મીની લે.. દૂધ પીવું છે ને તારે ?

જયે દૂધનો ગ્લાસ બિલાડી પાસે નીચે મૂકયો. બિલાડીએ ગ્લાસ ઉન્ધો વાળ્યો ને ચપ ચપ પીવા લાગી. જય રાજી રાજી થઇને તાળી પાડતો રહ્યો.

દાદીમા.. ‘ હે ભગવાન..’ કરતા પોતાના માથા ઉપર હાથ મૂકી ત્યાં નીચે જ બેસી ગયા.
અત્યારે દાદીમાએ ભગવાનને કેમ યાદ કર્યા હશે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s