ચપટી ઉજાસ.. 137

એકલપેટા થઇએ નહીં..

આજે ઘરમાં બધા આભા દીદી ઉપર બહું ગુસ્સે થયા. શા માટે એ તો મને ખબર ન પડી. પણ મોટા ફૈબા કેટલું બધું બોલતા હતા અને રડતા હતા.

અત્યારથી આવા ધંધા કરે છે ? પછી ભણવામાં જીવ કયાંથી રહે ? બોલ, આ કાગળ તેં કોને લખ્યો છે ? કોણ છે આ ઉમેશ ? તારો ટાંટિયો ભાંગી નાખીશ. હજુ કોલેજમાં તો પગ નથી મૂકયો.. અત્યારથી આવા લક્ષણ ? પછી તો ન જાણે શું યે કરશે ? મોટા ફૈબાએ તો આભાદીદીને એક લગાવી પણ દીધી.

દાદીમાએ કહ્યું, ‘ હવે બસ કર મોટી.. આવડી છોકરીને મરાય નહીં.. સમજાવીને વાત કર.. ‘
શું સમજાવું આને ? અને મારું નહીં તો શું એની પૂજા કરું ? કુટુંબનું નાક કપાવવા બેઠી છે આ છોકરી.. એના બાપને ખબર પડશે તો …. એ તો.. ‘

દાદીમા પણ દીદીને ખીજાતા હતા. મને નવાઇ એ લાગી કે રોજ તો કોઇ જરાક કંઇ કહે તો દીદી તુરત બધાની સામે બોલે..ખીજાય… પણ આજે તો એચૂપચાપ રડતા હતા. મને કંઇ સમજાયું નહીં.

પછી તો દાદીમા ને મોટા ફૈબા દીદીને ઘણું ખીજાતા રહ્યા.મને થયું જરૂર આભાદીદી કંઇક મોટું તોફાન કર્યું લાગે છે. પણ શું એની સમજ ન પડી.

હું બાજુમાં ઉભી ઉભી બધું સાંભળતી હતી. ત્યાં મમ્મી આવી અને મારો હાથ પકડી મને રૂમની બહાર લઇ ગઇ..

‘ જૂઇ, જો તો માલામાસી તને બોલાવતા હતા.. તારે એની બેબીને રમાડવા જવું છે ? જાવ, તું ને જય ત્યાં જઇને રમો..’

વાહ..આજે તો મમ્મીએ સામેથી મને ને જયને માસીને ત્યાં મોકલ્યા.

હું જયનો હાથ પકડી તેને પણ મારી સાથે લઇ ગઇ.

માસી તો મને જોઇને બહું ખુશ થયા. પણ માસીની નાનકી પરી તો સૂઇ ગઇ હતી. માસી તેને હીંચકાવતા હતા. મેં ને જયે માસીના હાથમાંથી દોરી લઇ લીધી અને ખેંચવા લાગ્યા. જય મોટે મોટેથી ખેંચતો હતો. માસીએ કહ્યું,

‘ જય ધીમે ધીમે હીંચકા નખાય.જો બેબીને લાગી જાય ને ?

હું તો મને આવડતી હતી એ બધી પોએમ્સ મોટેથી પરી પાસે ગાતી હતી.

જૂઇ, આજે તો તું ને જય બંને સાથે આવી ગયા ? દાદીમાએ હા પાડી ?
દાદીમા તો આભાદીદીને ખીજાય છે. મોટા ફૈબા પણ ખીજાય છે અને દીદી કેવા રડે છે એ બધી વાત મેં માસીને કરી. મમ્મીએ જ અમને અહીં આવવાનું કહ્યું.
માસી કહે, આભાને કેમ ખીજાયા બધા ?
પણ એની મને કયાં ખબર હતી ? એટલે મેં કઇ જવાબ ન આપ્યો.
જયે તુરત કહ્યું,
દીદી તોફાન કરતા હતા.. હું તોફાન કરું ત્યારે મને યે બધા ખીજાય છે.ને હું કેવો રડું છું. આજે દીદીને ખીજાયા..એટલે દીદી રડયા.
હા, જયની વાત સાચી હતી. નક્કી આભાદીદીએ કંઇક મોટું તોફાન કર્યું હશે તો જ બધા ખીજાય ને ? પણ શું તોફાન કર્યું હશે ? અમારી જેમ કંઇ તોડયું હશે ? કે દોડાદોડી કરી હશે ? કંઇ બગાડયું હશે ? અમે ઘણીવાર ઘર બગાડી નાખીએ છીએ ને ત્યારે બધા ખીજાય છે.
માસી કંઇક વિચાર કરતા હોય એવું મને લાગ્યું. એ કશું બોલ્યા નહીં.

‘ માસી, ચોકલેટ..’ જયે માસીને હલબલાવીને કહ્યું..

‘ હા..એક મિનિટ હોં આપું.. કહેતા માસી અંદર જઇને ચોકલેટ લાવ્યા અને જયના હાથમાં એક ચોકલેટ મૂકી. જયે તુરત કહ્યું.. બીજી ?

બીજી કોને માટે ?

જયે મારી સામે જોઇને કહ્યું..જૂઇની..

માસી હસી પડયા. વાહ… બહેનનો ભાઇલો ધ્યાન રાખે છે ખરો..કહીને માસીએ જયના હાથમાં બીજી ચોકલેટ આપી. એટલે જયે એક ચોકલેટ મને આપી. અમે બંને હમેશા એકબીજાને આપીને ખાઇએ છીએ..એક ચોકલેટ કોઇએ આપી હોય તો પણ અડધી ભાઇને આપવાની. જયને પણ એમ જ કરવાનું ઉમંગી ફૈબાએ શીખડાવ્યું છે.

‘ જય, એકલા એકલા કયારેય ન ખવાય. શેર કરીને , બહેનને આપીને જ ખવાય. નહીંતર જેજે વાલાને ન ગમે. હું તો આમ પણ કાયમ મારા ભાઇને આપીને જ ખાતી હતી. હવે જય પણ મને આપીને જ ખાય છે. એટલે ફૈબા, મમ્મી,પપ્પા, દાદીમા બધા બહું ખુશ થાય છે. ને બધા ખુશ થાય એ તો મને બહું જ..બહું જ ગમે.

“ એકલા એકલા ખાઇએ નહીં.. એકલપેટા થાઇએ નહીં.. “

એવું ગીત ફૈબાએ અમને બંનેને શીખડાવ્યું છે.

હું ને જય એકબીજાને કંઇ પણ આપીએ પછી અમે બંને જણા એ ગીત ગાઇએ અને એકબીજાના હાથમાં તાળી પાડીએ.
આજે પણ અમે ગાતા રહ્યા અને તાળી પાડવા લાગ્યા.

એકલા એકલા ખાઇએ નહીં.. એકલપેટા થઇએ નહીં..

આ એકલપેટા વળી શું હશે ? એ તો ફૈબાને પૂછવાનું ભૂલાઇ ગયું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s