ચપટી ઉજાસ..135

આવ રે કાગડા કઢી પીવા

હમણાં બે દિવસથી ફૈબા ઘરમાં હોતા જ નથી. અને ફૈબા વિના મને મજા ન જ આવે. હા..મોટા ફૈબા છે પણ મને તો ઉમંગી ફૈબા જ જોઇએ. બે દિવસ પછી આજે મને ઉમંગી ફૈબા ઘરમાં દેખાયા. ને હું સીધી તેમને વળગી પડી. મોટા ફૈબા કહે,
‘ જૂઇને તો જાણે એક જ ફૈબા છે.
‘ મોટીબેન, એ તો હું હમેશા સાથે રહેતી હોઉં..અને તમે તો વરસમાં એકાદ વાર આવતા હો એટલે એને મારી માયા જ વધારે હોવાની ને ?

‘ હા..પણ હવે તું યે કેટલો વખત ? પછી તો તું એ ઉડી જ જવાની ને ?

‘ લે ફૈબા વળી કયાં ઉડવાના ? એમને કંઇ થોડી પાંખ છે તે ઉડી શકે ? આ મોટા ફૈબા પણ ખરા છે..

‘ હા..પછી જૂઇ બેઠી બેઠી ભેંકડા તાણશે.. ‘

કહેતા આભા દીદી મોટેથી હસી પડયા.. જે મને જરાયે ન ગમ્યું.

ફૈબા નહીં ઉડે.. હેં ને ફૈબા તમે ન ઉડો ને ? મેં વહાલથી મારા ફૈબાને પૂછયું.
ના..રે. હું કંઇ થોડી ચકલી છું કે ઉડી જાઉં ?
મેં ખુશ થઇને તાળી પાડી..અને ગૌરવથી મોટી ફૈબા અને આભાદીદી સામે જોયું.
‘ જૂઇને ભાન તો કંઇ પડતી નથી..અને તાળી પાડે છે..સાવ બુધ્ધુ… ‘ આવું તો આભાદીદી જ બોલ્યા હોય ને ?
ત્યાં ઉમંગી ફૈબા કહે,
‘ જૂઇ, આજે તારે મારી સાથે આવવું છે ? તારા જેવા ઘણાં બાળકો ત્યાં હશે..એની સાથે રમવાની તને મજા આવશે.
મેં જલદી જલદી હા પડી..અને દોડીને મારા અને ફૈબાના ચપ્પલ પણ લઇ આવી.
ફૈબા હસી પડયા..
હજુ વાર છે. આપણે બપોરે જવાનું છે.
ઉમંગી, વળી પાછું કયાં જવાનું છે ? હજુ તો ચાલી આવે છે. આખો દિવસ તું તો બહાર જ રખડતી હોય છે.
‘ મોટીબેન, રખડતી નથી.હમણાં અમે અનાથાશ્રમમાં શિબિર કરીએ છીએ..
‘ એટલે ?
‘ એટલે એમ કે ત્યાં જઇને બાળકો સાથે રમીએ છીએ..તેમને વાર્તા કહીએ છીએ.. વગેરે વગેરે..
‘ માસી, અનાથાશ્રમમાં તો કેવા ગંદા..મેલાઘેલા બાળકો હોય..તમે એવાઓની પાસે જાઓ છો ?
હા..બોલ તારે આવવું છે મારી સાથે ? ને બાળકો કદી ગંદા હોતા નથી. એવું ન બોલાય. આભા..
ના..મારે એવી જગ્યાએ નથી આવવું.. હોટેલ કે થિયેટરમાં લઇ જાવ તો આવું..
ત્યાં જઇશ ત્યારે લઇ જઇશ..આજે તો અહીં જ જવાનું છે.
અને બપોરે હું ફૈબા સાથે ઉપડી. ફૈબાની સાથે તેમની બીજી ફ્રેંડસ પણ હતી.
ત્યાં તો કેટલા બધા છોકરાઓ અને છોકરીઓ હતા. મને તો મજા આવી ગઇ.

ફૈબા તેમને માટે ચોકલેટ અને બિસ્કીટના પેકેટ લાવ્યા હતા. તે તેમણે બધાને આપ્યા. મેં પણ બધાને આપ્યા.મને બહું ગમ્યું. ફૈબા કહે, ‘ જૂઇ, આ બધા તારા ફ્રેંડ્સ છે.
વાહ..આટલા બધા મારા ફ્રેંડસ ?

ફૈબાએ અમને કેટલી બધી રમતો રમાડી.. ગીતો ગવડાવ્યા.. અહીં ફૈબાને બધા દીદી કહેતા હતા.

ફૈબાએ અમને બધાને ગોળ સર્કલમાં બેસાડયા.. ને નવી રમત શીખડાવી.
એક છોકરો કાગડો બન્યો.. ને અમે બધા અમારા ગોઠણ ઉપર હાથ રાખીને ગાતા હતા.. ચણ ચણ બગલી ચણાની દાળ ..ઠુમક… ઠુમક.. આવ રે કાગડા કઢી પીવા.. આવરે કાગડા કઢી પીવા…
અમે બધા ફૈબાએ શીખડાવ્યું હતું તે રીતે પગ પછાડતા જતા હતા અને ગાતા જતા હતા. ફૈબા અને તેમની બહેનપણીઓ પણ અમારી સાથે નીચે જ બેસી ગયા હતા..

‘ મારામાં કાંકરી ખખડે છે..મારામાં કાંકરી ખખડે છે..

મને તો એવી મજા પડી ગઇ. પેલો છોકરો આવ્યો.. ફૈબાએ તેને કંઇ પૂછયું.
તે છોકરાએ મારું નામ લીધું. ફૈબા હસી પડયા,,ને સાથે અમે બધા પણ…
જાવ..કાગડાભાઇ પાછા..

કયાંય સુધી અમારી નવી નવી રમતો ચાલી, આવું તો હું કયારેય નહોતી રમી.. આટલા બધા ફ્રેંડસ ..કેવી મજા આવે. મને તો અહીથી જવાનું મન નહોતું થતું. પણ અધારું થઇ ગયું હતું..એટલે અમે બધાને ટા ટા કર્યું.. બધાએ કહ્યું, દીદી, પાછા કયારે આવશો ? જૂઇ પણ આવશે ને ? ‘ હવે બધાને મારું નામ પણ આવડી ગયું હતું.. વાહ..
હા..અમે ફરીથી ચોક્કસ આવીશું.

અમે ઘેર આવ્યા. હું જયને બધી વાત કહેવા માટે આતુર હતી. મેં જે જોયું હોય તે જયને કહેવાની મને બહું મજા આવે. પણ જય તો સૂઇ ગયો હતો.. હું પણ થાકી હતી એટલે જમીને સૂઇ ગઇ..

મારી આંખો બંધ થઇ.. પણ મને તો એક જ અવાજ સંભળાતો હતો.

“ આવ રે કાગડા કઢી પીવા , આવ રે કાગડા કઢી પીવા.. “

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s