એક પત્ર ભગવાનજીને નામ..

વહાલા ભગવાનજી,

“ ગાંઠે ચપટીક અજવાળું અને સામે અઢળક અંધાર,
પ્રાગટયની આ પળે ઉગતો ઝળહળ ઉજાસ “

ભગવાનજી, એક અજન્મા બાળકીના આપને આ પ્રથમ પ્રણામ. આ સૃષ્ટિ પર હું અવતરણ પામી શકીશ કે કેમ એ મને જાણ નથી. હું અવતરી શકીશ કે નહીં એનો ફેંસલો આવતી કાલે થવાનો છે. મારા અસ્તિત્વ પર એક પ્રશ્નાર્થચિન્હ આવીને ઉભું છે. એની જાણ મને હમણાં જ થઇ છે. કારણ ફકત એટલું જ કે હું એક દીકરી બનીને અવતરવાની છું. હેં ભગવાનજી એક વાત પૂછું ? ..દીકરીઓ ખરેખર શું એટલી ખરાબ હોય છે ? તો પછી તમારે દીકરીઓનું સર્જન કરવાની જરૂર જ શી હતી ?

ભગવાનજી, અંધકારના ગર્ભમાંથી અજવાસની દુનિયામાં મારા પ્રાગટયની ક્ષણ આવશે કે નહીં ? કેવી હશે આ દુનિયા ? શું હશે ? કેવો થશે અહીં મારો સત્કાર ? મારા આગમનને વધાવનાર કોઇ હશે ? કોઇ આંખોને, કોઇ હૈયાને મારી પ્રતીક્ષા હશે ? કે પછી હું સદાની ઉપેક્ષિતા જ રહીશ ?

એક અજાણ ભાવિ..મનમાં જાગતો એક ફફડાટ…આશંકા…અનેક અનુત્તર પ્રશ્નો… મારી અંદર પરમ શ્રધ્ધાને બદલે આવી શંકા કેમ ? કદાચ એનું કારણ એ હોઇ શકે કે મેં હમણાં જ આવા કોઇ સંવાદો સાંભળ્યા.

‘ હવે જવા દો ને વાત…દીકરીનો પાણો છે..આપણા કુટુંબની પરંપરા મુજબ પહેલે ખોળે તો દીકરો જ જોઇએ.. દીકરો હશે તો વંશ આગળ વધશે. મને તો સ્વર્ગની સીડી ચડાવનાર દેકરો જ જોઇએ.. સમીર, સમજાવી દેજે વહુને. હજુ બહું સમય નથી થયો. હવે તો બધી વાતના ઉપાય હાથવગા છે જ. પહેલો તો દીકરો જ જોઇએ..દીકરી તો સાપનો ભારો…
હું તો થરથરી ઉઠી…હું ..હું સાપનો ભારો ?

દીકરી એટલે સાપનો ભારો…નસીબનો પાણો…રાતોનો ઉજાગરો, લક્ષ્મીજી, તુલસીકયારો, ઘરદીવડી, વહાલનો દરિયો , ખળખળ વહેતુ ઝરણું, દેહલીદીપ…. કેટકેટલા વિશેષણો સંભળાતા રહે છે. કયા સાચા અને કયા ખોટા ? ભગવાનજી, મને અબૂધને તો એની સમજ કેમ પડવાની ? અને મને નવાઇ એ લાગી કે આ બોલનાર પણ કોઇની દીકરી જ હતી.

મને આ ધરતી પર અવતરવા દેવી કે નહીં ? એની ચર્ચાઓ..મારી ભીતર એક ચિત્કાર જગાવે છે. શા માટે ? આખરે શા માટે ? ભગવાનજી, મારા આ કયા દોષની સજા મને આપવામાં આવી રહી છે ? આ સુંદર સૃષ્ટિ પર આવવાનો મારો હક્ક શા માટે છિનવી લેવામાં આવે છે? શા માટે હું બધાને ભારરૂપ લાગું છું ? શા માટે હું અળખામણી લાગું છું ?

મારામાં આટલો અવિશ્વાસ શા માટે ? તમારા સમાજના કોઇ રીતિરિવાજોને લીધે પ્રોબ્લેમ હોય તો એને સુધારો..એને બદલાવો…એના ઉપાય શોધો…મારા અસ્તિત્વને મિટાવવાના આ પ્રયાસો શા માટે ? સમાજને…રિવાજોને નથી બદલી શકતા એટલે મારી હત્યા ?

ભગવાનજી, તમને સંભળાય છે મારો આ આર્તનાદ ? મારું આ આક્રન્દ ? તો દુનિયાને પણ સમજાવોને.. એમને સદબુધ્ધિ આપોને. દીકરીઓની શક્તિની વાત કરો ને..

બની શકે આવતી કાલે કદાચ અમારામાંથી જ એક રાણી લક્ષ્મીબાઇ જન્મે..કોઇ વીરાંગના આકાર લે..કોઇ કોઇ કલ્પના ચાવલા, કોઇ મેડમ કયુરી, કોઇ કિરણ બેદી, અવતરણ પામે…અમારી ભીતર પણ અપાર શકયતાઓ રહેલી છે એનો ઇન્કાર કોઇ કરી શકશે ખરું ?

ઇશ્વર, બે હાથ જોડીને તારું જ એક શિશુ ચીખી ચીખીને તને પૂછે છે આ પ્રશ્ન..મારા જેવી અનેક અજન્મા બાળકીઓ વતી.. હું તારા જ સર્જનનો એક નાનકડો અંશ.. એને દુનિયામાં આવ્યા પહેલા જ તું આમ મિટાવી દઇશ ? મારા જન્મની અનિશ્વિંતતા પર લાગેલ આ પ્રશ્નાર્થ ચિન્હને તું ભૂંસી શકીશ ? કયાંક તારા કાન તો બધિર નથી બની ગયા ને ?

હું દીકરી છું તો શું થયું ? હું વિશ્વને અજવાળવા આવી છું. તમે સૌ સાંભળી શકશો મારો આ સાદ ?

હું..એક દીકરી..સાપનો ભારો નહીં..તમારા આંગણાનો તુલસીકયારો બનવા આવી છું. હું ઘરદીવડી બની તમારા આંગણાને અજવાળીશ.ચપટી ઉજાસ ફેલાવવાની તક મને મળશે ને ? હું ભારરૂપ નહીં બનું મને તમારા અંતરમાં ચપટીક જગ્યા આપી શકશો ?
શું ખરેખર છોકરી હોવું એટલું બધું ખરાબ છે ? અમે શું હમેશા સમાજ માટે ભારરૂપ જ બન્યા છીએ ? યુગે યુગે જનમેલી અનેક ગૌરવવંતી નારીઓને વિસરી ગયા ? અરે, અમે ન હોત તો તમારું અસ્તિત્વ શકય બન્યું હોત ખરું ? અમને જો આમ જ મારતી રહેવામાં આવશે..આ સિલસિલો જો ચાલુ રહ્યો તો એક દિવસ આ સમાજની સ્થિતિ શું થશે એની કલ્પના આવે છે ? અરે, એના ખુદના અસ્તિત્વ સામે એક પડકાર..એક જોખમ ઉભું નહીં થાય ? એ કેમ કોઇ વિચારતું નથી ?

મિટાવવી જ હોય તો મિટાવો સમાજની જૂની..ખોટી માન્યતાઓને.. મિટાવો છોકરા છોકરીઓના ભેદભાવને..મિટાવો તમારા પૂર્વગ્રહોને..નહીં કે મારા અસ્તિત્વને..

ભગવાનજી, મારે અવતરવું છે. આ સુંદર દુનિયા જોવી છે. મને અવતરવા મળશે ને ?
મને આવકાર મળશેને ? વિશ્વની સમસ્ત દીકરીઓની પ્રતિનિધિ બનીને આજે હું ..એક ન જન્મેલી દીકરી આપ સૌને પ્રશ્ન પૂછી રહી છું..

ભગવાનજી, તું મારી સમીપે છો ને ? સંભળાય છે ને મારી વાત તને ?

પરમ આસ્થા સાથે..

એક અજન્મા બાળકીના વંદન.
( દૈનિક ગુજરાત ગાર્ડીયનમાં દર રવિવારે પ્રકાશિત તહતી મારી કોલમ અતરકયારી )

6 thoughts on “એક પત્ર ભગવાનજીને નામ..

  1. આદરણીય પ્રિય નીલમદીદી,જય શ્રી કૃષ્ણ.આજનો તમરો દિન ઉગતાં સૂર્ય જેવો પ્રકાશિત ને દાર્શનિક હો.હવે તો તમે પૂર્ણ રૂપે તોફાની તોખાર જેમ દોડતાં થઈ ગયાં હશો.આપ સર્વદા સ્વસ્થ,ખુશ રહો એ જ દિલથી મારી સુભાવના.વાહ!તમે સદીઓથી પૂછાતો…વણઉકલ્યો..લગભગ હળધુત થયેલો વિચાર..કહેવાતાં ભદ્ર સમાજને હચમચાવી મુકે એ માટે દીવાબત્તી તરીકે મુક્યો એ મને બહુ જ પંસદ આવ્યું….!!!! હરનીશ આવા સુંદર..પ્રેરક લેખો લખતાં રહો એ જ કામના.આવજો.

    Like

  2. ભગવાનજી, એક અજન્મા બાળકીના આપને આ પ્રથમ પ્રણામ. આ સૃષ્ટિ પર હું અવતરણ પામી શકીશ કે કેમ એ મને જાણ નથી. હું અવતરી શકીશ કે નહીં એનો ફેંસલો આવતી કાલે થવાનો છે. મારા અસ્તિત્વ પર એક પ્રશ્નાર્થચિન્હ આવીને ઉભું છે. એની જાણ મને હમણાં જ થઇ છે. કારણ ફકત એટલું જ કે હું એક દીકરી બનીને અવતરવાની છું. હેં ભગવાનજી એક વાત પૂછું ? ..દીકરીઓ ખરેખર શું એટલી ખરાબ હોય છે ? તો પછી તમારે દીકરીઓનું સર્જન કરવાની જરૂર જ શી હતી ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s