અત્તર કયારી

સુખનું પતંગિયુ..

સુખની ચાવી તને ય સાંપડશે
એક અમથો નકાર છોડી દે..

કવિ શ્રી નીતિન વડગામાએ કેવી મોટી વાત થોડા શબ્દોમાં કહી દીધી છે. સુખની ચાવી મનના નકારની ગ્રંથિ છોડીએ તો જ મળી શકે..પણ એ છોડવી કંઇ આસાન નથી હોતી. એને જો સમયસર છોડી ન શકાય તો એનું પરિણામ દુ:ખદ જ આવવાનું. સુખ અને શાંતિ મેળવવાની માનવ સહજ ઝંખના છે. સુખ જીવનભર માનવીને હાથતાળી આપતું રહે છે. આમ પણા સુખ સ્વભાવે જ ચંચળ.. એક જગ્યાએ વધારે વખત ઠરી ઠામ થઇને એ બેસતું નથી. કદીક પકડાય છે તો કદીક છટકી જાય છે.
પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુખ એટલે શું ? એની કોઇ ચોક્ક્સ વ્યાખ્યા ખરી ? ઘણી વખત આપણે સગવડોને..સમૃધ્ધિને સુખ માની લેવાની ભૂલ કરતા હોઇએ છીએ..પણ દરેક શ્રીમંત માણસ સુખી નથી હોતો અને દરેક ગરીબ માણસ દુખી નથી હોતો. કોઇએ સુખની વ્યાખ્યા આવી પણ આપી છે. કે સુખ એટલે આપણી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની કલા.દરેક પાસે સરખા ફૂલો નથી હોતા. અને દરેક પાસે ગજરો બનાવવાની કલા પણ સરખી નથી હોતી. આપણી પાસે જે કંઇ હોય એનો ઉત્તમ ઉપયોગ કરીને એમાંથી શકય તેટલો સુન્દર ગજરો બનાવી શકવાની આપણી કુશળતા પર આપણા સુખનો આધાર હોય છે.
ઘણી વખત એવું પણ બને છે કે આપણી પાસે સ્કૂટર હોય પરંતુ કાર ન હોય અને આપણને એનું દુખ પણ ન હોય..પરંતુ જો આપણી બાજુમાં કોઇ કારવાળી વ્યક્તિ..પડોશી આવ્યો તો તુરત આપણા મનમાં કાર ન હોવાનો અફસોસ જાગે છે. આપણા સુખનો આધાર પડોશીની કાર પર હોય તો આપણે કદી સુખી થઇ શકીએ ખરા ?

જીવનભર માનવી સુખની શોધમાં ભટકતો રહે છે. સુખ તો પતંગિયા જેવું.. આપણે એની પાછળ ભાગીએ છીએ ત્યારે એ દૂર ને દૂર રહે છે. અને જેવા ભાગવાનું બંધ કરીને શાંતિથી એક જગ્યાએ બેસી જઇએ ત્યારે હળવેકથી આવીને આપણા ખભ્ભા પર બેસી જાય છે.
સુખ શું છે ? એ કયાં છે ? કેવું છે ? કયાંથી મળે ? એનો જવાબ દરેક માટે અલગ હોઇ શકે. દરેકની સુખની વ્યાખ્યા પોતપોતાની હોય છે.

આ સાથે મુલ્લા નસીરુદ્દીનની એક બહું જાણીતી વાત યાદ આવે છે.

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. તેમની પાસે એક બેગ પડી હતી હતી.અને ભાઇ જાણે એકદમ નિરાશ હોય એ રીતે માથા પર હાથ મૂકીને બેઠા હતા. બરાબર ત્યારે મુલ્લા નસીરુદ્દીન એ જ બગીચામાં ટહેલતાં હતા. એ ભાઇને જોઇ મુલ્લા તેમની પાસે આવ્યા અને બોલ્યા,
કેમ ભાઇ આમ માથે હાથ દઇને બેઠા છો ? કોઇ પ્રોબ્લેમ છે ? અહીં નવા છો ? હું તમને કોઇ મદદ કરી શકું ?
પેલા ભાઈ મુલ્લા સામે જોઇને કહ્યું,
હું અહીંનો નથી. બાજુના શહેરમાં રહું છું. આમ તો મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, પરંતુ ન જાણે કેમ મને જીવનમાં કોઇ રસ નથી રહ્યો. કયાંય..કોઇ વસ્તુમાં મજા નથી આવતી. એટલે થોડા દિવસની રજા લઇને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. મને સુખ જોઇએ છે..પણ સુખ મળતું નથી. મારું સુખ કયાંક ખોવાઇ ગયું છે. એને શોધવું છે. મુલ્લા કહે ,
અર્થાત તમે સુખની શોધમાં નીકળ્યા છો ?
પેલા ભાઇએ હકારમાં ડોકી હલાવી. અને પૂછયું,
બોલો, તમે સુખી થવાનો કોઇ ઉપાય મને બતાવી શકો ખરા ?
મુલ્લા તો કંઈ જવાબ આપવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં બહું પાક્કા હતા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. થોડી વાર દોડયા પછી મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. જરા વારમાં પેલો માણસ હાંફતો-હાંફતો મુલ્લાની પાછળ પહોંચ્યો. એણે તરાપ મારીને મુલ્લાના હાથમાંથી પોતાની બેગ લઈ લીધી. હવે એ ભાઇના ચહેરા પર બેગ મળી ગયાનો આનંદ પ્રગટ્યો. હાશ ! આખરે બેગ મળી ખરી. એ રાજી રાજી થઇ ગયો. ખુશીથી એનો ચહેરો ચમકી ઉઠયો.
થોડીવારે એણે મુલ્લાને પૂછયું,
‘ તમે મારી બેગ લઈને કેમ ભાગ્યા હતા ?’
મુલ્લા કહે , હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતો હતો. તમારે સુખ જોઇતું હતું. હું તમને સુખ શોધવામાં મદદ કરતો હતો. બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ?

પેલા ભાઇ બાઘાની માફક મૌન બનીને મુલ્લા સામે જોઇ રહ્યા.કદાચ તેને જવાબ મળી ગયો હતો.
દોસ્તો, નથી લાગતું કે સુખ એ મહદ અંશે મનની અવસ્થા છે.

આવું જ એક બીજું ઉદાહરણ પણ યાદ આવે છે. એક નાની ઓરડીમાં ચાર માણસો માંડ માંડ સૂતા હતા. સૌ અકળાતા હતા. બધાની ફરિયાદ ચાલુ હતી કે ..

આટલી નાની ઓરડીમાં ચાર ચાર જણાંને સૂવું કંઇ સહેલું છે ?

એટલામાં એ ઓરડીમાં બીજા પાંચ માણસો આવીને ભરાયા. હવે તો ઓરડો એકદમ ખીચોખીચ થઇ ગયો હતો. એમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. બધાની અકળામણનો હવે પાર નહોતો. પણ કોઇ ઉપાય નહોતો. અંતે થોડી વારે એમાંથી ચાર માણસો ચાલ્યા ગયા.
તુરત એક માણસ બોલ્યો..
હાશ.. હવે કેવી મોકળાશ થઇ. કેવું સારું લાગે છે !

આપણામાંના મોટા ભાગના લોકો પણ વત્તે ઓછે અંશે પેલા માણસ જેવા નથી હોતા ?
દોસ્તો, એ કદી ન ભૂલીએ કે ગમે તેવી ઘનઘોર રાત પછી યે દિવસનો ઝગમગ ઉજાસ આવતો જ હોય છે ને ?

પાનખર પછી વસંત આવવાની જ છે. શાંત ચિત્તે રાહ જોવાની ધીરજ આપણે કેળવવી જ રહી.

એક બહું જાણીતું ગીત યાદ આવે છે ? ” સુખ કી કલિયા, દુખકે કાંટે મન સબકા આધાર….

( published in Gujarat Guardian date 16th sep. 2012 )

One thought on “અત્તર કયારી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s