યાદોની ખૂલી છે પોથી..

“ ઢળતી સાંજે, નવરા હાથે, પોથી ખોલે બચપણની

યાદો મીઠી છાલકની, વિસરાય નહીં એ ઘટના છે.”

કયાંક વાંચેલી પંક્તિ મનમાં પડઘાય છે, પાંચેક દાયકા એકી સાથે ખરી પડે છે અને નજર સામે તરવરી રહે છે શૈશવની એ કુંજગલી.. શૈશવ એકવાર હાથતાળી દઇને છટકી ગયું હોય એ પછી પણ એની મીઠી યાદો કયારેક તો દરેકની ભીતરમાં ટકોરા મારીને રણઝાણી ઉઠતી હોય છે. સ્કૂલમાં ભણતા હોય ત્યારે તે હિ નો દિવસો ગતા: કે પછી શૈશવના સ્મરણો નિબંધ લગભગ દરેકે લખ્યા જ હશે. અને એ સ્મૃતિઓથી છલકયા હશે. એ વણવિસરાયેલા દિવસોના સ્મરણો વારંવાર વાગોળવા ગમતા હોય છે. શૈશવની એ ગલીઓમાંથી આવતી અત્તરની સુવાસથી મઘમઘ થવું એ એક અદભૂત રોમાંચથી ભરપૂર હોય છે. મિત્રો, આજે મારી સાથે આપ સૌને પણ શૈશવની એ ગલીમાં એક નાનકડી લટાર મારવાનું ઇજન આપું છું. સ્મૃતિની આંગળી ઝાલી આપના શૈશવની ગલીઓમાં ઘૂમવાનું પણ ગમશે. જો આપ સામેલ કરશો તો..

આજે તો મારા શૈશવની એક ગલીમાં.. .

સાત, આઠ વરસની એક છોકરી..વધુ પડતી લાગણીશીલ. નાની નાની વાતો એને હલબલાવી જાય..

ત્રીજા ધોરણમાં ભણતી એ છોકરીને સ્કૂલમાં પરિણામના દિવસે શિક્ષક ખીજાયા કે બીજો નંબર કેમ આવ્યો ? નાદાન મન છટકયું. બસ, હવે મારે જીવવું જ નથી. પણ પ્રશ્ન મોટો આવ્યો. દફતર સાથે કંઇ થોડું મરાય ? ચિંતા થઇ તો ફકત અને ફકત દફતરની. જોકે ઉપાય તુરત જડયો. એના જેવડી જ બહેનપણી નીલાક્ષી…દફતર એને સોંપ્યું. બહેનપણીએ પૂછયું,

‘ તું કયાં જાય છે ?

પૂરી સચ્ચાઇથી જવાબ અપાયો.

‘ દરિયામાં પડીને મરવા જાઉં છું. ‘ બહેનપણી પણ પૂરી વફાદાર ! મૌન રહીને દફતર લીધું. (દફતરની ચિંતા કર્યા સિવાય બહેન, તું તારે સુખેથી સિધાવ..એવું કશું બોલ્યા સિવાય ! )

છોકરી દરિયે પહોંચી. રોજનો પરિચિત માર્ગ.. દરિયો તો બહું બહું વહાલો..સાવ પોતીકો. દરિયાની ભીની રેતીમાં ચાલવાનું શરૂ કર્યું. પાણીમાં થોડે આગળ સુધી જાય.પણ મોટું મોજું આવે એટલે દોડીને દૂર ભાગી જાય. થોડીવાર ઉછળતા મોજાઓ સાથે સાતતાળીની રમત ચાલી. આગળ ન જવાના બહાનાઓ શોધાયા. પાણીમાં માછલી કે મગર હશે તો ? ખડક હશે ને લાગશે તો ? લાગી જવાની બીક લાગી ! મરવું અઘરું લાગ્યું. વિચાર પડતો મૂકાયો. તો હવે ? પરંતુ છોકરી પાસે કલ્પનાઓનો કયાં તૂટો હતો?

સ્કૂલમાં ભકત ધ્રુવની વાત સાંભળેલી. હા..એ બરાબર છે. છોકરીએ દરિયો છોડી જંગલ તરફ મહાપ્રયાણ શરૂ કર્યું. અલબત્ત જંગલ કયાં ? એ કોને ખબર ? એક સડક પકડી. કોઇ દિશાભાન વિના એક ધૂન સાથે જંગલની શોધમાં..

સવારે દસેક વાગ્યે ચાલવાનું શરૂ કરેલું.. બપોર થતા પેટે પોકાર પાડયો. ટાંટિયાએ જવાબ દઇ દીધો. પણ..ના એમ તો છોકરી જબરી જિદ્દી.. પૂરી મનચલ્લી. ધૂનની પાક્કી.. પેટ કે પગ કોઇની ફરિયાદ ગણકાર્યા સિવાય ચાલતી રહી. કયાંય જંગલ દેખાય છે ? તો જલદી તપ શરૂ કરી દઉં ! વચ્ચે એકાદ વાર કોઇ પથ્થર પર બેસીને થોડો થાક ખાઇ લીધો. અને એક પગે ઉભા રહીને જોઇ પણ લીધું કે એ રીતે ઉભી શકાય તો છે ને ?

ધીમે ધીમે સૂરજદાદાએ વિદાય લીધી. અંધકારના ઓળાઓ ઉતરવા લાગ્યા.ભય, ભૂખ, થાક, ઘરની યાદ…આંખ તો રડું રડું.. આમ પણ એક એક અંગે જવાબ આપી દીધો હતો. જંગલ મળતું નહોતું અને જંગલ સિવાય તો તપ થાય કેમ ?

અંતે થાકીને છોકરી સડકને કિનારે બેસી પડી. કેટલો સમય વીત્યો હશે કોને ખબર ? ત્યાં સડક પર જતા કોઇ મોટરવાળાનું ધ્યાન પડયું. મોટર ઉભી રાખી. પૂછપરછ કરતા ખબર પડી કે આ બહેનબા તો જંગલમાં તપ કરવા નીકળ્યા છે. કોની દીકરી છે એમ પૂછતા સાચો જવાબ મળ્યો. ઓહ.. તો સાવ જાણીતાની દીકરી. નાદાન છોકરીને સમજાવી
‘ બેટા,ચાલ, તને ઘેર મૂકી જાઉં..’ છોકરીએ પૂરી મક્કમતાથી ના પાડી.. ’ મારે તો જંગલમાં તપ કરવા જવું છે.’

‘ સારું ચાલ, તો જંગલમાં મૂકી જાઉં. ‘

‘ તમે જંગલ જોયું છે ? ‘

‘ અરે, હા..હા.. થોડું જ દૂર છે. ચાલ, બેસી જા..હમણાં જંગલમાં પહોંચાડી દઉં.’
એક હાશકારો પમાયો.અને તન, મનથી થાકેલી, ભૂખથી બેહાલ બનેલી છોકરી મોટરમાં ચડી બેઠી. બેસતાની સાથે જ આંખો ઘેરાણી.. પાંચ મિનિટમાં તો ઘોંટી જવાયું.

બીજે દિવસે આંખો ખૂલી ત્યારે જંગલને બદલે પોતાના ઘરમાં…પોતાની રોજની જગ્યાએ. છોકરીએ આંખો ચોળી. પાસે વહાલા દાદીમા દીઠા. છોકરી દાદીમાને વળગી પડી.
તો જંગલ, તપ, દરિયો.. એ બધું શું કોઇ શમણું હતું ?

યસ.. આજે તો એ બધું શમણાં જેવું જ લાગે છે. પણ તે દિવસે તો એ સત્ય હતું..સો ટચનું સત્ય..એ શહેર હતું મારું વહાલું વતન પોરબંદર. અને એ છોકરી ? એ છોકરી એટલે હું નીલમ દોશી..

અને હું આ ક્ષણે તો ખોવાઇ ગઇ છું શૈશવની એ કુંજગલીમાં. અતીતના આયનામાં દેખાય છે એ નાદાન છોકરી. અને મારા ચહેરા ઉપર ફરકે છે એક આછેરૂં સ્મિત અને મનમાં ગૂંજે છે..આ પંક્તિ..

“ વહી ગયેલ કો ક્ષણ ઓગળે
ભીતર ભીના સ્મરણ ઓગળે ”

( published in global gujarat column ” ataragali )

3 thoughts on “યાદોની ખૂલી છે પોથી..

  1. આ વાંચતા જ નિલમબેન એક કહેવત યાદ આવી ગઈ..”ચકલી નાની ને ફૈડકો મોટો.” અર્થઘટન મારી રીતે મેં કર્યું છેકે શૈશવમાં શરીર તો નાનું હોય..પણ કલ્પના પાંખો તો આજ કરતાંય કંઈ કેટલીય અનેક ઘણી મોટી..તો ય મન કેમ ભૂલી નથી શકતું?!!! છેને એક આઠમી અજાયબી?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s