સંબંધસેતુ..

આગળ પાછળ અનંત રસ્તા, વચ્ચે ગામ અજાણ્યા
નામ વિનાના સંબન્ધોના સુખ દુખ મનભર માણ્યા..

આજના સમયમાં અનેકવાર એવું બનતું અનુભવાય છે કે સગાઓ કરતા મિત્રો ઉપર લોકોને વધારે વિશ્વાસ હોય છે. સગાઓ કરતા તો મિત્રો સારા.. એવી ભાવના આજકાલ વધતી જતી જોવા મળે છે. સગાઓમાં સાચું ખોટું લાગવાનો..વહેવાર સાચવવાનો ભાર લાગે છે. આપણામાં કહેવત છે કે ડાંગે માર્યા પાણી જુદા ન પડે.. પણ આજના સમાજનું ચિત્ર કંઇક અલગ જ કહેતું હોય એવું નથી લાગતું ? કેમકે આપણી આસપાસ આવા અનેક ઉદાહરણો જોવા મળતા રહે છે. અલબત્ત એના કારણો..સંજોગો દરેક માટે અલગ જ હોવાના..
આજે આવી જ કોઇ વાત.. મીનબેન હમણાં તેમની પુત્રી ઇલાક્ષીને લઇને થોડા ચિંતીત હતા. ઇલાક્ષીને અમદાવાદમાં બે મહિના ટ્રેનીંગ માટે જવાનું હતું. બે મહિના માટે રોકાવાનો પ્રશ્ન હતો. બે ચાર હોસ્ટેલમાં અને બીજી પણ ઘણી જગ્યાએ તપાસ કરી જોઇ. પરંતુ કયાંય જગ્યા ન મળી શકી. હવે શું કરવું ? આમ તો શહેરમાં તેમના સગા માસી રહેતા હતા. અને માસીનો મોટો બંગલો હતો. ધારે તો તેઓ બે મહિના માટે જરૂર ઇલાક્ષીને રાખી શકે તેમ હતા. અચકાતા અચકાતા મીનાબેને પોતાની મુશ્કેલીની વાત માસીને કરી. માસીએ મધમીઠા અવાજે કહ્યું,
‘નહીંતર તો હું ચોક્ક્સ ઇલાક્ષીને રાખત..પણ મારે બરાબર હમણાં જ મેહુલનો એક મિત્ર તેના ફેમીલી સાથે અમેરિકાથી આવવાનો છે. એવે સમયે અમે બધા તેનામાં બીઝી રહેવાના..એટલે અત્યારે તો નહીં ફાવે. હા, પાછળથી કંઇક શકય બનશે તો હું જરૂર કહીશ. હું જ સામેથી તને ફોન કરીશ. અત્યારે તો આઇ એમ રીયલી સોરી..બાકી ઇલાક્સી તો મારી દીકરી કહેવાય.. ગમે ત્યારે બીજું કંઇ પણ કામ હોય તઓ જરૂર કહેજે હોં..બેટા.. કહેતા માસી ઉભા થઇ ગયા. “

મીનાબહેન જે સમજવાનું હતું તે મનોમન સમજી ગયા. બોલવાનો કોઇ અર્થ નહોતો.
યુવાન દીકરીને એકલી કેવી રીતે કયાં રાખવી ? સંજોગોને લીધે પોતે એની સાથે રોકાઇ શકે તેમ નહોતા. મા દીકરી બંને એક આખરી જગ્યાએ તપાસ કરવા જતા હતા. ત્યાં અચાનક રસ્તામાં જ તેની જૂની બહેનપણી મેઘલ વરસો પછી મળી ગઇ. બંને વરસો પછી મળ્યા હતા. ખુશ થઇને બંને ભેટી પડયા. મેઘલ કહે,
‘ મારું ઘર બાજુમાં જ છે. થોડીવાર આવવું જ પડશે. બીજી બધી વાત પછી ઘેર જઇને કરીશું. ‘
એમ કહી મીનાબહેનની કોઇ વાત સાંભળ્યા સિવાય તેને પોતાને ઘેર ખેંચી ગઇ.
ઘેર જઇને મીનાબેનની વાત સાંભળી તેણે તુરત કહ્યું,

અરે, ખરી છે તું યે. તારી દીકરી મારે ઘેર ન રહી શકે ? બે જ મહિનાનો તો સવાલ છે. એ માટે વળી હોસ્ટેલ શોધવાની શી જરૂર છે ?
‘ અરે, પણ મેઘલ..

‘ અરે…અરે વળી શું ? તારી દીકરી મારી દીકરી ન કહેવાય ? અને ચિંતા ન કર.. હવે હું પહેલા જેવી તોફાની નથી.’

કોલેજ જીવનના એ મસ્તીભર્યા દિવસો યાદ કરતા બંને બહેનપણીઓ હસી પડી. અરે, આપણે હોસ્ટેલમાં એક રૂમમાં રહ્યા હતા. આજે આપણી દીકરીઓ એક રૂમમાં રહેશે.. હોસ્ટેલને બદલે ઘેર રહેશે.. અરે, યાર..વધારે વિચારવાની જરૂર નથી.. મારી દીકરી પણ લગભગ તેના જેવડી જ છે..તેને પણ કંપની મળશે. કેમ બેટા, મારે ઘેર ફાવશે ને ? મારું ઘર બહું મોટું નથી.પણ તારા આ આંટીનું દિલ મોટું છે. બેટા, જરાયે ચિંતા ન કરીશ..અને ખબરદાર છે કે બઈજે કયાંય જવાની વાત કરી છે તો..
પછી તો ઘણી વાત થઇ.

અને ઇલાક્ષી મેઘલને ઘેર રહી. મીનાબહેનની ચિંતા દૂર થઇ. છતાં મનમાં થતું હતું કે બહેનપણીને પોતાને લીધે હેરાન થવું પડશે ..પણ બીજો કોઇ ઉપાય પણ કયાં હતો ? દીકરીને મૂકીને તેઓ રાજકોટ પોતાને ઘેર પાછા ફર્યા.

પૂરા બે મહિના ઇલાક્ષી મેઘલને રહી. વચ્ચે મીનાબહેન ફોન કરીને દીકરીને પૂછતા રહ્યા. દીકરીને ફાવે છે કે કેમ ? કોઇ તકલીફ તો નથી ને ? જવાબમાં ઇલાક્ષી મેઘલ આંટીના વખાણ કરતી રહી. મેઘલની પુત્રી ઇરા અને ઇલાક્ષી તો ખાસ બહેનપણી બની ગયા હતા. મેઘલે કહ્યું..
‘મીના, આપણે આપણી મૈત્રી આપણી દીકરીઓને વારસામાં આપી છે. પૂરા બે મહિના સુધી મેઘલે ઇલાક્ષીની એક એક જરૂરિયાતનું માથી વિશેષ ધ્યાન રાખ્યું. તેને કોઇ વાતે ઓછું ન આવે એની પૂરી કાળજી સ્નેહથી લીધી. સવારે વહેલા ઉઠીને ઇલાક્ષી જાય ત્યારે ટેફિન તૈયાર કરીને તેના હાથમાં પકડાવી દે..ઇલાક્ષી ઘણું કહે,

‘ આંટી, ટિફિનની જરૂર નથી.. હું ત્યાં કેન્ટીનમાં જમી લઇશ.ત્યાં સારું જ મળે છે.
‘ ના..બહાર કયાંય ખાવાની જરૂર નથી. આંટી કંઇ એવું ખરાબ નથી બનાવતા શું સમજી ? ખબરદાર છે કે બહારનું ખાવાનું નામ લીધું છે તો. બે મહિના જેવું તેવું ખાઇને માંદા પડવાનું છે ? માંદા પડીને આંટીને બદનામ કરવાના છે ? મેઘલ પ્રેમથી ઇલાક્ષીને ધમકાવતી.

આ સ્નેહ આગળ ઇલાક્ષીનું શું ચાલવાનું હતું ? કયારેક મીનાબહેન ફોન કરીને કહેતા,
‘ મેઘલ, ઇલાક્ષી મોટી છે.. તારે હેરાન થવાની જરૂર નથી. તારે ઘેર આટલા પ્રેમથી રહે છે એ જ ઘણું છે.

બસ..બસ..ત્યાં બેસીને મારી ઉપર હુકમ ચલાવવાની જરૂર નથી. શું સમજી ? અહીં મારે ઘેર હું કહીશ તેમ જ થશે.

અને બે મહિના તો કયાં પસાર થઇ ગયા કંઇ ખબર ન પણ પડી. ઇલાક્ષી તો મેઘલના ઘરનો જ એક હિસ્સો બની ગઇ હતી. મીનાબહેન તેને તેડવા આવ્યા ત્યારે ઇલાક્ષીને તો આંટી અને ઇરાથી છૂટા પડવાનું બહું આકરું લાગ્યું.
મીનાબહેન મેઘલના ઘરના બધા માટે કોઇ ને કોઇ ગીફટ લાવ્યા હતા. એ જોઇને મેઘલ કહે,

‘ કેમ દીકરીને રાખી એનું ભાડું ચૂકવવું છે કે શું ? સોરી..પણ આ વખતે આ કંઇ હું નહીં રાખું. ચિંતા ન કર.. ગમે ત્યારે અમે તારે ઘેર ધામા નાખવા આવી જ જશું.
બંને બહેનપણીઓ વચ્ચે મીઠી નોકઝોક ચાલતી રહી.

આજે વરસોથી છૂટી ગયેલો એક સંબંધ ફરીથી અતૂટ રીતે જોડાઇ ગયો છે. હેતપ્રીતના આ અણમોલ નાતા આગળ બીજા કોઇ હિસાબ કિતાબ ગૌણ બની જતા હોય છે.
સગાઓ જયારે સહારો ન આપી શકયા.. સહકાર ન આપી શકયા..અને મુશ્કેલીના સમયે જે રીતે પાછળ હટી ગયા ત્યારે કોઇ પણ માણસના મનમાં આ સંબન્ધો અંગે શંકા જાગે એ સ્વાભાવિક નથી ? મૈત્રીનો નાતો ..મૈત્રીનો મહિમા કદાચ સાંપ્રત સમયમાં કયારેક કદાચ લોહીના સંબંધ કરતા ચડિયાતો સાબિત થતો જાય છે એવું લાગ્યા સિવાય રહી શકતું નથી. આવી અણમોલ મૈત્રીને સલામ ..

અને આવા સંબંધો જેને મળ્યા છે.. આવા મજાના સેતુ પરથી ચાલવાનું સૌભાગ્ય જેને મળ્યું છે એ નસીબદાર જ કહેવાય ને ? સંબંધોને નિભાવતા શીખીશું ને ? થોડા ઓછા સ્વાર્થી બનીને કોઇને મદદ કરવા તત્પર બનીશું ને ? આપણા કોઇ સ્વજનો કોઇ પણ પ્રકારની તકલીફમાં હોય તો કોઇ બહાના કાઢયા સિવાય આગળ આવીશું ને ? બની શકે આવતી કાલે તમારે પણ કોઇ સ્વજનના સાથની.. તેના હાથની જરૂર પડી શકે. કાલ કોણે દીઠી છે ? સંબંધો વચ્ચે દીવાલ નહીં સેતુ રચતા રહીશું ને ?

શીર્ષક પંક્તિ.. સોનલ પરીખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s