ઊંડા અંધારેથી..

“ ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા..”
અસતો મા સદગમયો..

આપણી સનાતન પ્રાર્થના. ઘોર અંધકારમાંથી પરમ ઉજાસ તરફ જવાની જુગજુગની આરત. માનવીમાત્રનું અંતિમ લક્ષ્ય…અસતમાંથી સત્ તરફ પ્રયાણ.. અંધકારમાંથી ઉજાસ તરફ જવાની માનવીની પ્રબળ ઝંખના કયારેય આથમતી નથી. અને એ ઝંખના જ જીવનને ઉર્ધ્વ તરફ ગતિ કરવાનું ભાથેય પૂરું પાડે છે. કોઇ અદીઠ અજવાસને પામવાની આરતમાં એ જીવનભર અંધારા ઉલેચતો રહે છે.

અંધકારના પણ કેટકેટલા પ્રકાર! આત્માનો અંધકાર, અસત્યનો , અજ્ઞાનનો, મોહ, માયાનો, વેરઝેરનો અંધકાર..આવા અનેક અંધકારથી આપણું જીવન વીંટળાયેલું હોય છે. આપણી આસપાસ અંધકારના અગણિત તાણાવાણા ગૂંથાયેલા રહે છે.. એના પડળને ઉકેલવા..એ અંધારાને ઉલેચવા આસાન નથી હોતા.

અંધકાર સામે લડાઇ કરવા માટે હાથમાં તલવાર લઇને ઝઝૂમવું નથી પડતું. એની સામે તો પ્રગટાવવાનો છે માત્ર એક નાનકડો દીપ..પેટાવવાનું છે માત્ર એક માટીનું ટચુકડું કોડિયું.. અને અંધકાર ગાયબ.. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘનઘોર અંધકારને હટાવવા સમર્થ છે. બસ..એક માત્ર શરત.. કોડિયું પેટવું જોઇએ..

હા..ભીતરનું..આતમનું એ કોડિયું પ્રજવલિત કરી શકાય તો અંધકારને અદ્રશ્ય થયે જ છૂટકો..
અંધકાર શબ્દ સાથે જ ભીતરમાં ઝળહળી ઉઠે છે..હીરાજડિત રાત્રિએ પ્રગટ થતાં કવિ શ્રી પ્રહલાદ પારેખના મીઠા , ખુશબુદાર અંધકારના સૌંદર્યની.. એની મીઠી મહેકની યાદ.

આજ અન્ધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી….

માતાના ગર્ભના જીવંત અંધકારમાં નવ મહિના વીતાવ્યા બાદ નવજાત શિશુ ઉજાસના પ્રથમ કિરણની ઝાંખી કરતું હશે ત્યારે કેવા ઝળહળાટનો સામનો કરતું હશે ? કેવી અનૂભૂતિ કરતું હશે ? એને તો પરિચય ગર્ભના એ પાવક અંધકારનો જ ને ? નવ નવ મહિના બાદ અંધકારની આંગળી ઝાલી એ ઉજાસની દુનિયામાં પ્રથમ ડગ ભરે છે. એની ટચુકડી આંખો પહેલીવાર ખૂલે છે અને એની સાથે ઉઘડે છે એના વિસ્મયની દુનિયા.. અને પછી જિંદગી આખી ઉજાસની તેની ઝંખના આથમતી નથી. જીવનભર એક અદીઠ ઉજાસની એને તરસ રહે છે. કોઇને કયારેક એકાદ ઝાંખોપાંખો ઝબકારો, એક આછી ઝલક, એકાદ ક્ષણની ઝાંખી લાધી જાય તો જીવન ધન્ય બની રહે. …વીજળીને ચમકારે પરમનું મોતી પરોવાઇ જાય એ પછી જીવનમાં કશું પામવાની આરત રહેતી નથી.

જીવનમાં દુ:ખ વિના સુખનું મૂલ્ય નથી સમજાતું.એ જ રીતે અંધકાર વિના જીવનમાં પ્રકાશનું મૂલ્ય કેમ સમજાય ? અન્ધારું ઓઢીને રજની આવે છે તો પ્રભાતની પ્રતીક્ષા થાય છે. અને પ્રતીક્ષા પછી જે સાંપડે તેનું એક આગવું મૂલ્ય હોય છે.સાંજ પડે ને સૂર્ય આથમવાનું નામ જ ન લે તો ? જરા કલ્પના તો કરી જુઓ. પ્રકાશનું મૂલ્ય સમજવા માટે અંધકારનો એહસાસ જરૂરી છે.

ગઇ કાલની એક વાત કરું. રાત્રિના દસ વાગ્યા હતાં. ઘરમાં મિત્રોની સંગત સાથે સંગીતની મહેફિલ જામી હતી. એક પછી એક ગીતોની ફરમાઇશ થતી જતી હતી. રાત્રિના ખામોશ વાતાવરણમાં સદાબહાર ગીતોના મધુર ટહુકા પડઘાતા હતા. ઘરમાં રોશનીનો ઝળહળાટ હતો. ત્યાં અચાનક જ મારા પતિદેવે બૂમ મારી.

‘ પ્લીઝ..આ લાઇટો બંધ કરો..આવા મદહોશ વાતાવરણમાં આ ઝળાહળા રોશની ખૂંચે છે. લાઇટો તુરત બંધ થઇ અને ગીત, સંગીતનો ઉજાસ પથરાયો. લાઇટના પ્રકાશને લીધે મહેફિલમાં કશુંક ખૂટતું અનુભવાતું હતું…હવે સઘળું સભર સભર…. અંધકાર હમેશા બે વ્યક્તિને નિકટતા બક્ષે છે. દૂરતાને ઓગાળી નાખે છે.

નવલખ તારલાઓ, ગ્રહો, નક્ષત્રો, ચન્દ્ર, વાદળો, અને આખ્ખું યે આભ એ તો અંધકારનો પરિવાર. કેવડું મોટું સંયુકત કુટુંબ…કોઇ લડાઇ, ઝગડા વિનાનું સદા સંપીને રહેતો એ વિશાળ પરિવાર..એની તો આભા જ અલગ.. કલ્પનાતીત ..અનેક આશ્વર્યો, અનેક રહસ્યો સંઘરીને બેસેલા એ પરિવારનું માનવજાત સાથે કેવું અજબ અનુસંધાન સધાયેલું છે.

અને આ ઘનઘોર અન્ધકારના એક ચમત્કારની વાત કરું ? એનો જાદુ તો જુઓ. એ ચમત્કાર આપણે સૌએ કયારેક જરૂર અનુભવ્યો હશે જ. આપણી કોઇ અતિ પ્રિય વ્યક્તિ દૂર હોય અને અચાનક તેને જોવાની પ્રબળ ઝંખના દિલમાં જાગે તો ? સાવ જ સીધો, સરળ,ત્વરિત અને સચોટ ઉપાય એક જ…બસ આંખો બંધ કરી દો. ઘનઘોર અંધકાર…અને સામે આખું વિશ્વ ઝળાહળાં….

તમારી પ્રિય વ્યક્તિ તમારી સમક્ષ હાજરાહજૂર….પ્રકાશના ઝળહળતા ધોધમાં એ શકય બને ખરૂ ?

અંધકારનો જ તો આ ચમત્કાર. અંધકાર તમને જાત સાથે જોડે છે. તમારી પોતાની સાથે અનુસન્ધાન રચી આપે છે.

ઘણી વખત સાવ અંધકારને બદલે અન્ધકાર અને ઉજાસની વચ્ચેની સન્ધિક્ષણોનો મહિમા વધારે અનુભવાય એવું પણ બની શકે. ઝાંખાપાંખા એ અંધારની મજા વળી અલગ જ છે.
વહેલી સવારે પૂર્વાકાશે હજુ સૂર્યનારાયણના દર્શન થતાં ન હોય..ભળુભાખળું વાતાવરણ હોય ત્યારનો અનુભવ ચિત્તાકર્ષક હોય છે. આપણા ઋષિમુનીઓએ બ્રાહ્મ મૂહુર્તનો મહિમા અમસ્તો નથી ગાયો. એક પરમ દિવ્યતાની આભામંડિત એ ક્ષણોમાં ચિત્તમાં કોઇ કારણ વિના પણ પ્રસન્નતાનો એહસાસ થાય છે. મોર્નીગ વોક વખતે પ્રસન્નતાનો આ અહેસાસ આપણે કરીએ જ છીએ ને ?

જીવનના કેટલાયે સત્યો સુખના ઉજાસમાં નથી જોઇ શકાતા તે દુ:ખના તિમિરમાં આસાનીથી જોઇ શકાય છે. તેથી જ કોઇ કવિએ કહ્યું છે.

” ન દેખાયું તેજ અંબારે
જોયું મેં તે ઘન અન્ધારે. “

એક નાનકડું તૃણ માટીના અન્ધકારને ભેદીને પ્રસવે છે. અને લીલુછમ્મ બની મહોરી ઉઠે છે. અંધકારની માયાજાળમાંથી જીવનના પ્રાર્દુભાવની શરૂઆત થાય છે. પાણીના તળિયે છવાયેલા ગાઢ અંધકારના સળવળાટમાં ચેતનનો સંચાર અને જીવનની શરૂઆત…

મન્દિરના ગર્ભગૃહમાં ઝાંખા દીવાની સંગે થિરકતો પાવન અંધકાર કદી માણ્યો છે ? મીરાની કાળી કામળીનો કૃષ્ણ ઘેલો અંધકાર..તો શ્યામ રંગ સમીપે ન જાવું..કહીને શ્યામ રંગનો મહિમા ગાતી ગોપીઓને કેમ વિસરાય ?

અંતરના અન્ધારા ઉલેચી આપણે સૌ ભીતરના અજવાસની ઝાંખી કદીક પામી રહીએ એ શુભેચ્છાઓ સાથે..

( ગુજરાત ગાર્ડીયનમાં પ્રકાશિત થતી કોલમ અત્તરકયારી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s