દીદી વા’લી વા’લી…

‘ તારી આ ગાંડી ઘેલી છોકરીને એક રૂમમાં પૂરીને રાખતી જા..આ જો તેણે શું કર્યું છે ? ‘

પતિનો “ તારી “ શબ્દ ધગધગતા સીસાની જેમ સુજાતાના કાનમાં રેડાયો.

તેની નજર મીલી પર પડી. મીલીના હાથમાં મિહિરની ડાયરી હતી અને મીલીએ તેમાં લિટોડા કર્યા હતાં. અલબત્ત લિટોડા તો બીજાની નજરમાં..મીલીએ તો સરસ મજાનાં ચિતર દોરેલાં..ગુસ્સાના આવેશમાં તેનાથી મીલીને એક લગાવાઇ ગઇ. નાનકડી મીલી થરથર ધ્રૂજતી, ટૂંટિયું વાળીને પલંગ નીચે ઘૂસી ગઇ. ઘરમાં કોઇના પણ ગુસ્સાથી બચવા માટે એની પાસે આ એકમાત્ર હાથવગો ઉપાય..જોકે નિકી હોય ત્યારે તેના ખોળામાં લપાઇ જવાનો વિકલ્પ ખરો…પણ નિકી સ્કૂલે ગઇ હોય ત્યારે તો આ એક જ ઉપાય તેને સૂઝતો..

આવું તો અનેકવાર બનતું રહેતું. અલબત્ત મરાઇ ગયા પછી એક માની પાંપણે ભીનાં ભીનાં અદ્રશ્ય વાદળો ટિંગાઇ રહેતા અને છાતીના ઓરડામાં ડૂમાઓ પડઘાઇ ઉઠતા.

સુજાતા કોનો વાંક કાઢે ? મીલી તો સમજ નામના શબ્દથી કોસો દૂર હતી. વાંક કાઢવો જ હોય તો ભગવાન..કુદરત..નસીબ…જે કહો તેનો જ ..અને છતાં ભોગવવાનું કેટકેટલાને ?

એક તો બીજી દીકરી… અને તે પણ આવી ! પતિ કે સાસુ કોઇ રીતે એને સ્વીકારી ન શકયા..
કયારેક કોઇ પાર્ટીમાં …
‘ તમારે કેટલા બાળકો ? ‘ તેવા કોઇ પ્રશ્ન વખતે મિહિરનો જવાબ..
‘ બસ એક પુત્રી…નિકી…’
મીલીના અસ્તિત્વનો ધરાર ઇન્કાર થતો રહેતો..સુજાતાનું, હૈયુ ચીખતું..વલોવાતું..
પણ….
આવા તો કેટકેટલાં “ પણ “ જીવનમાં જીવાતા રહ્યાં છે…જિરવાતા રહ્યાં છે..અસ્તિત્વ પર અદ્રશ્ય ઉઝરડાઓ પડતા રહ્યાં છે.

આવી દીકરીને જન્મ આપવા બદલ એ જ દોષિત હોય તેમ ઘરમાં, કુટુંબમાં , ઓળખીતા પાળખીતા સૌની નજરનો સામનો કરતી સુજાતા કદીક રડી પડતી.
પુત્રીનો શારીરિક વિકાસ તો બરાબર થશે.. પણ એના મગજના વિકાસની કોઇ શકયતા ભવિષ્યમાં પણ નથી એવું ડોકટર પાસેથી જાણ્યા પછી તો…આ છોકરીથી કયારે છૂટકારો મળશે ? કદીક એવો વિચાર પણ સુજાતાના મનમાં ધરાર ઉગી જતો. સુજાતા તો સામાન્ય સ્ત્રી..પતિ, સાસુ, કુટુંબ, સમાજ બધાના રોષ સામે સામે ટકવાનું એનું ગજુ નહીં…મા કદી હારે જ નહીં, કે થાકે જ નહીં.. એવું તો વાર્તામાં કે ફિલ્મોમાં ચાલે..બાકી તો …

મીલી એટલે ખળખળ વહેતું ઝરણું.. જોતા જ ગમી જાય..પરાણે વહાલી લાગે એવી આ મીઠડી દીકરી પર કુદરતનો કેવો અભિશાપ ઉતર્યો હતો એની એને પોતાને તો ભાન પણ કયાં હતી ?
કશું સમજયા વિના એ તો બસ ખિલખિલ હસતી હોય…મીલીનું હસવાનું ભારે.. એ કઇ વાત ઉપર હસતી હોય એની જાણ કોઇને ન થાય..કોઇ ગલૂડિયું, બિલાડીનું નાનકું બચ્ચું, ફળિયાના લીમડાને ગલીપચી કરી ભાગી જતી ખિસકોલી, આંગણામાં કૂદતી, ફૂદકતી ચકલી, ઘૂ ઘૂ કરતું કબૂતર, પીળચટ્ટી ચાંચના અભિમાનથી ફળિયું ગજાવતી કાબર કે પછી કણી જેવડી કીડી કે મંકોડો સુધ્ધાં તેના સાથીદાર…એ બધાને જોયા નથી કે તેનું ખળખળ હસવાનું ચાલુ થાય. મીલીનું મન પતંગિયું બની થિરકવા લાગે.

પ્રેમ અને માત્ર પ્રેમની જ તેને ઓળખાણ…એ સિવાય કોઇ ભાષા સાથે તેને મતલબ નહોતો..કોઇ જરાક તેની સામે હસે કે મીલી આખેઆખી કોળી ઉઠે. હસવું કે રડવું બે જ એની ભાષા..કોઇ ખીજાય એની ખબર મીલીને અચૂક પડે પણ શા માટે ખીજાયા એની ગતાગમ કોઇ રીતે ન પડી શકે..ત્યારે ભય, રૂદન અને થરથર ધ્રૂજારી એના અંગઅંગમાં ઉભરાય.

પણ આ બધા છતાં મીલી નસીબદાર તો ખરી જ.. સુજાતા જનેતા હતી..પરંતુ એની મા તો બની એની મોટી બહેન નિકી..મીલીથી ચાર વરસ મોટી. બે વરસની મીલી માટે છ વરસની નિકી જાણે જશોદામા..
બે બહેનો વચ્ચે આ કયો રૂણાનુબંધ પ્રગટયો હતો..!

સૌની અળખામણી, અબૂધ આ નાનકડી બેન માટે છ વરસની નિકીના રૂંવેરૂંવે હેત ઉભરાતું. મીલી સાથે વહાલની રેશમગાંઠે બંધાયેલી નિકી એની સાથે ગાંડીઘેલી વાતો કરતા કદી થાકતી નહીં..મીલી તેની આ વા’લી..વા’લી દીદીને બિલાડીના બચૂલિયાની જેમ ચોંટેલી જ હોય. ભાંગ્યા તૂટયા જેટલા શબ્દો તે બોલી શકતી એમાં આ “ દીદી “ શબ્દનું રટણ સતત ચાલુ જ હોય.

નિકી જે કંઇ કરે એ બધું મીલીને કરવું હોય.. નિકીની દરેક વસ્તુ પર એનો અબાધિત અધિકાર…નિકીની કોઇ પણ વસ્તુ જોઇને ..
” મારું..મારું.. ” કે “ મને…મને “ …કે પછી “ હું..હું…” એવા શબ્દો મીલીના મોંમાંથી અચૂક નીકળે. એકી સાથે બે શબ્દોથી વધારે બોલી શકવા તે સમર્થ નહોતી..આખા વાકય તેનાથી બહું દૂર હતા.. તેના બે શબ્દો પણ પારકા માટે સમજવા તો અઘરા જ બની રહેતા. પણ નિકી તો શબ્દો વિના પણ મીલીની આંખો વાંચી શકતી. એ મોટી મોટી આંખોમાંથી પોતા માટે નીતરતો અગાધ સ્નેહ તે અનુભવી શકતી…

રાત્રે નિકીના પડખામાં ભરાઇને, એને વળગીને જ મીલી સૂઇ શકે. નિકી એટલે મીલી માટે સલામતી..સુરક્ષાનું અભેદ કવચ.

એક વખત નિકી સ્કૂલની ટ્રીપમાં એક દિવસ માટે બહારગામ ગઇ હતી ત્યારે મીલી આખી રાત રડતી રડતી પલંગ નીચે ભરાઇ રહી હતી..સુજાતાની લાખ સમજાવટ કે પિતા અને દાદીની સોટીનો માર પણ તેને પલંગ નીચેથી હટાવી નહોતો શકયો. ખાધા પીધા વિના એ પોટલું બનીને પડી રહેલી. નિકીએ આવીને કાઢી ત્યારે જ બહાર નીકળી હતી. તે દિવસ પછી નિકી સ્કૂલ સિવાય મીલીને મૂકીને કયાંય જતી નહીં. આ વહાલકુડી બેનને હૈયાસરસી ચાંપીને નિકી ગાતી રહેતી….

“ મીલી વા’ લી..વા’ લી…
મીલી મારી મારી…,
દીદીની પ્યારી પ્યારી.. “

આ સાંભળતા જ મીલીના આખ્ખા યે અસ્તિત્વમાં અજવાળાં ઉતરી આવતાં.

નિકીને સ્કૂલે જવાનું હોય એટલું તે સમજી શકી હતી. તેથી એ સમય દરમ્યાન નિકી ન દેખાય તો તે એકલી એકલી ફર્યા કરતી, ચિતર દોર્યા કરતી કે બિલાડીના બચ્ચાને ખોળામાં લઇ પંપાળ્યા કરતી. ઘડિયાળની કોઇ ગતાગમ સિવાય પણ નિકીના સ્કૂલેથી આવવાના સમયની એ અબૂધને અજબ રીતે ખબર પડી જતી..

જો નિકીને આવતા મોડું થાય તો રઘવાઇ થઇને તે ફળિયામાં આમતેમ ફરતી રહેતી. એ સમયે એને કોઇ બોલાવી ન શકે. નિકી ન દેખાય ત્યાં સુધી એને કોઇ દરવાજા પાસેથી ખસેડી ન શકે. નિકી આવે એટલે મીલી આખ્ખી ઝળાહળાં… નિકીને વળગીને જ અંદર જાય. કદીક તોફાને ચડી હોય ત્યારે નિકી સિવાય કોઇનું ગજું નહીં કે તેને સંભાળી શકે..

એકલી હોય ત્યારે મીલી પોતાની ડ્રોઇંગબુકમાં ચિતર… આડા અવળા લીટા કર્યા કરતી…નિકી આવે એટલે દોડીને તુરત તેની સામે નોટ ધરી દે..નિકી પૂછે,

‘ આ શું દોર્યું છે ?
’દીદી’

અને આ.. ?
મીલી…
ને આ… ?
આડી લીટી એટલે મમ્મી..અને ઉભી લીટી એટલે નિકી..બે લીટીઓ સાથે એટલે મીની…બિલાડીનું બચ્ચું…
અને ઉભી લીટીઓથી અર્થાત્ ..નિકીથી તો મીલીની આખી બુક ભરચક્ક…

એક દિવસ કોઇ કારણસર સુજાતા નિકીને ખીજાઇ હતી. તુરત મીલીએ હાથમાં રહેલો વાટકો સુજાતાને માથે ફટકારી દીધો હતો અને પછી દીદી સામે જોઇને ખિલખિલ હસી પડી હતી. પોતાની દીદીને કોઇ ખીજાય એ મીલીને ન જ પોસાય.

ઘડિયાળના કાંટા ટિકટિક કરતા સમયની છડી પોકારી રહેતા. અને કેલેન્ડરના પાના તારીખ, વાર, મહિના અને વરસો કૂદાવતા રહ્યાં..

પંદર વરસની મીલીના કપડામાં એક દિવસ લાલ લાલ ડાઘ..
’ લોહી..લોહી..’ ગભરાતી મીલીની ચીસાચીસ…
હમેશની જેમ નિકી દોડી આવી..એક ક્ષણમાં વાત પામી ગઇ..પણ મીલીને કેમ સમજાવવું..શું સમજાવવું એની સમજ જલદી ન પડી. તે મીલીને બાથરૂમમાં લઇ ગઇ..
’ જો..મીલી આવું તો થાય..બધાને થાય..
’ બધાને ?
‘ હા..’
‘ તને ? ‘
‘ હા..’
તો બરાબર..
મીલીના મનનું સમાધાન થયું. દીદીને થાય એ એને થવું જ જોઇએ.
‘ જો મીલી, આવું થાય ને ત્યારે આમ આ પેડ રાખવાનું…
સેનીટરી નેપકીન મીલીને બતાવતા નિકીએ સમજાવ્યું..રાખીને બતાવ્યું..
’ છિ..ગંદુ.. નઇ.. …નઇ ..ન ગમે..’
’ મીલી, રાખવું પડે..નહીંતર કપડાં ખરાબ થાય..’
’ તું..તું રાખ્યું ? ‘
’ હા..હું પણ..’
નિકીએ રાખ્યું છે..તો પોતે પણ રાખશે..નિકી કરે એ બધું તો કરવાનું જ હોય..

જોકે પછીથી ડોકટરની સલાહ મુજબ મીલીના સ્ત્રીત્વને સર્જરી દ્વારા મિટાવી દેવામાં આવ્યું. એ સિવાય બીજો ઉપાય પણ કયાં હતો ?

અનેક પ્રશ્નો આવતા રહ્યા..ઉકેલાતા રહ્યા.

પણ સમયદેવતાને જાણે હજુ સંતોષ નથી થયો.

અચાનક એક અક્સ્માતમાં માબાપ બંને બહેનોને અને દુનિયાને અલવિદા કરી ગયા અલબત્ત ત્યારે પણ મીલીને તો ઘરમાં કોઇ દેખાતું નથી..એટલી જ ખબર પડી હતી. નિકી દેખાતી હતી એ એનો એકમાત્ર સધિયારો..એથી એને તો ખાસ કોઇ ફરક ન પડયો.. પણ નિકી…? આ કારમો ઘા સહેવાનું તેને ભાગે જ આવ્યું. કાળદેવતાની આવી થપાટ પણ મીલીનું હાસ્ય નથી છિનવી શકયું. એ જોઇ નિકીના મનમાં કયારેક વિચાર ઝબકી જતો..
કાશ..! પોતે પણ મીલી જેવી હોત તો..? સઘળી વ્યથામાંથી મુક્તિ..

રોજ નવા નવા પ્રશ્નો આવતા રહ્યા. નિકી ઝઝૂમતી રહી. કયારે ? કેમ થયું ? શું થયું ? એનો વિચાર કરવાનો સમય પણ કયાં છે ?

માતાપિતાની વિદાય પછી નિકીએ એક સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી.

એક દિવસ નિકી સ્કૂલેથી આવી ત્યારે પડોશીનો યુવાન દીકરો ઘરમાંથી બહાર નીકળતો હતો..
નિકીને જોઇ એકાદ મિનિટ ખચકાયો…
’ નિકી, ઘરમાંથી કંઇક અવાજ આવ્યો તેથી મને ચિંતા થઇ..મીલીને કશું થયું તો નથી ને ? તેથી દોડીને જોવા આવ્યો હતો…’
આકાશે વગર પૂછયે ખુલાસો કર્યો..
’ નિકી, ગમે ત્યારે કંઇ પણ કામ હોય તો ચોકક્સ કહેજે…’ કહેતા તે ભાગ્યો.
નિકી તેની સામે જોઇ રહી..કોઇ વિચિત્ર ગંધ તેના મનમાં…
નિકી અંદર ગઇ..
મીલી કંઇક અલગ રીતે જ ખુશખુશાલ દેખાઇ..નિકીને આશ્ર્વર્ય થયું..
તેણે પૂછયું.
’ નિકી..આકાશ આવ્યો હતો ?
’ હા..
’ પછી શું કર્યું ?
’ વા’લુ..વા’લુ…અહીં..’
મીલીએ તુરત પોતાના કપડાં ઉંચા કરી છાતી બતાવી..
‘ મજા..મજા..ગમે..આકાશ ગમે..’
નિકી સ્તબ્ધ..
અબૂધ મીલીમાં યૌવનનો છાના પગલે પ્રવેશ… કેમ સમજાવવી મીલીને ? નિકીની આંખોમાં લોહી ઉતરી આવ્યું…
મીલીને ભાન નથી..આકાશે તેનો ગેરફાયદો ઉઠાવ્યો ?
તેણે મીલી સામે જોયું..

તે તો હમેશની જેમ હસતી હસતી..નિકીની પર્સમાં ચોકલેટ શોધવા ખાંખાખોળા કરતી હતી..

નિકીના મનમાં ચિંતાએ ઘેરો ઘાલ્યો. તે એકલી કેટકેટલા મોરચે ઝઝૂમતી રહેશે ? કેવી રીતે અને કયાં સુધી ?

સમયનો વરસાદ ધોધમાર નહીં..પણ જાણે ટીપું, ટીપું વરસતો હતો.

એક દિવસ નિકીની સ્કૂલમાં જ ભણાવતા, એકલા રહેતા સાગર સાથે નિકીએ પ્રભુતામાં પગલા પાડયા. હાશ.. હવે જીવનના સંઘર્ષો સામે તે એકલી નથી.
પણ…
રોજ રાત્રે નિકી હમેશની જેમ મીલી સાથે સૂવે. મીલી બરાબર સૂઇ જાય એટલે નિકી હળવેથી ઉઠીને બીજા રૂમમાં રાહ જોઇ રહેલા પતિ પાસે …

પણ એક રાત્રે મીલી ભર ઉંઘમાંથી જાગી ગઇ. બાજુમાં નિકી ન દેખાતા તે ભયભીત બની ઉઠી. બેબાકળી બની તે બહાર દોડી અને સામેના ઓરડાના બંધ બારણા ધધડાવવા લાગી..
શું થયું ? ગભરાઇને નિકીએ બારણા ખોલ્યા..આકુળ વ્યાકુળ બનેલી મીલી દીદીને વળગી પડી. આગ ઝરતી નજરે તે સાગર સામે જોઇ રહી.તેની દીદીને તેની પાસેથી ખૂંચવી જનારને મીલી કેવી રીતે માફ કરી શકે ?
સાગરે આવીને પોતાની દીદીમાં ભાગ પડાવ્યો છે. આ માણસને લીધે જ દીદી પોતાને છોડીને અડધી રાતે એની પાસે જતી રહે છે, પોતાના કરતા દીદી એની સાથે વધારે વાત કરે છે. કેટકેટલી મૂક ફરિયાદો ઉઠતી રહી છે મીલીના અબૂધ મનમાં સાગર માટે..
છેલ્લા એક મહિનાથી મીલીના અવિકસિત મગજમાં સતત ઘૂમરાતી આવી કોઇ વણબોલાયેલી વાતથી નિકી કે સાગર અજાણ નહોતા. તેમના લગ્નને એક મહિનો જ થયો હતો અને આ પ્રશ્નનો કોઇ કાયમી ઉકેલ શોધવાની મથામણ ચાલુ હતી. ત્યાં આજે મીલીની સહનશક્તિએ જવાબ દઇ દીધો.
ઉંઘતા સાગરના માથા પર દસ્તો ફટકારવા જતી મીલી પર સદનસીબે નિકીની નજર સમયસર પડી. તેના ગળામાંથી એકસામટી ચીસોના ટોળા ઉતરી આવ્યા.
‘ મીલીલ્લીલી…મીલ્લીલીલીલીલી….. મીલ્લીલ્લીલીલી…’
દોડીને મીલીના હાથમાંથી દસ્તો ઝૂંટવી લઇ પહેલી વાર..જીવનમાં પહેલી વાર ધડાધડ બે લાફા તેણે મીલીના ગાલ પર ખેંચી કાઢયા.. બે ચાર ક્ષણ મોડી પડી હોત તો.. ઉંઘતા સાગરના માથા પર મીલીએ દસ્તો ઝીંકી જ દીધો હોત.
નિકીની ચીસ અને મીલીના રૂદનથી સાગર સફાળો બેઠો થઇ ગયો. નિકીના હાથમાં દસ્તો અને મીલીનું રૂદન….શું બન્યું હશે તેની કલ્પના સાગર માટે અઘરી નહોતી.
નિકીના લાફાની સાથે જ મીલીની આંખો ચકળવકળ.. પોતે કશુંક ખોટું કર્યું છે એટલી ભાન તેને આવી, પણ..દીદીએ તેને માર્યું !? તે દોડીને નાની છોકરીની જેમ પલંગ નીચે ઘૂસીને કોકડું વળી ગઇ. તેના ધ્રૂજતા ડૂસકાંનો ઘેરો, ધીમો અવાજ ઓરડામાં પડઘાતો રહ્યો.
મીલીને પલંગ નીચેથી બહાર કાઢતા નિકીને નાકે દમ આવી ગયો. બહાર નીકળીને હીબકાં ભરતી એ અબૂધ કેવી યે રઘવાઇ બનીને નિકીને વળગી પડી હતી.
પણ એ દિવસે નાદાન મીલીને એક વાત સમજાઇ હતી કે પોતે સાગરને મારે એ દીદીને નથી ગમતું. અને દીદીને ન ગમે એવું તો મીલી ન જ કરે..હવે પોતે સાગરને કયારેય નહીં મારે. પોતે પણ હવે દીદીની જેમ જ સાગરને વા’લુ વા’લુ કરશે. એટલે દીદી ખુશ થશે..! પોતાની વહાલી દીદીને ખુશ કરવા મીલી કંઇ પણ કરી શકે..કંઇ પણ.. હવે તે હરપળે દીદીને ખુશ કરવા મથી રહી.
સમયદેવતાને નિકીની..નિકીના પ્રેમની કસોટી કરવાની જાણે હજુ બાકી રહી ગઇ હોય તેમ એ દિવસથી મીલીના મને યુ ટર્ન લીધો હતો.

હવે સાગર ઘેર આવે એટલે મીલી દોડીને સાગરને વા’લુ વા’ લુ કરવા પહોંચી જતી. નિકી બાજુમાં હોય તો એને પણ ખેંચી જાય. રાત્રે નિકીની સાથે સૂવાની જીદ કર્યા સિવાય પોતે જ નિકીને લઇને સાગર પાસે આવીને સાગરને વળગીને સૂઇ જવા લાગી. કયારેક નિકી અને સાગરની વચ્ચે પોતે ગોઠવાઇ જાય છે તો કયારેક નિકીને વચ્ચે સૂવડાવી પોતે દીદીનો હાથ પકડી સૂઇ જાય છે. દરેક ક્ષણે એ અબૂધ દીદીને બતાવવા માગતી હતી કે હવે તે સાગરને કંઇ નહીં કરે. એને પણ દીદીની જેમ સાગર ગમે છે. સાગર મીલીને દૂર કરવા મથે છે. પણ…..
નાદાન મીલીની રગરગથી વાકેફ નિકીના મનમાંથી એક ઉંડો નિ:શ્વાસ સરી પડે છે. તેણે સઘળાં પ્રયત્નો છોડી દીધા છે. બધું નિયતિને હવાલે કરી દીધું છે.બસ..એ તો જે પળ સામે આવે છે એ જીવી નાખે છે કે પછી જીરવી નાખે છે.

આજે નિકી હજુ સ્કૂલેથી આવી નહોતી. સાગરને થોડું તાવ જેવું લાગતું હતું તેથી તે ઓફિસેથી વહેલો આવી ગયો. આવીને સીધો પોતાના રૂમમાં જઇને સૂઇ ગયો. મીલી દોડીને તેની બાજુમાં સૂઇને તેને વળગી પડી. સાગર ચોંકી ગયો. મીલી સાગરને ચોંટીને વા’ લુ વા’ લુ કરી રહી. સાગર જરાવાર તો મૂંઝાઇ ગયો. શું કરવું તે સમજાયું નહીં. મીલીને દૂર કરવાના પ્રયત્નો તેણે કરી જોયા..પણ મીલી વધારે ને વધારે ચોંટતી ગઇ. અને.. થોડી ક્ષણો નિકીનું અસ્તિત્વ વિસરાયું.. કે પછી મીલી નિકીમાં ઓગળી ગઇ. અને…

બરાબર ત્યારે જ નિકી રૂમમાં આવી….

નિકીની આંખોમાં લોહીના ટશિયા ફૂટી નીકળ્યા.

સાગર ચોંક્યો. આવેગ ઓસરી ચૂકયો હતો. મીલીના ચહેરા પર તૃપ્તિની લહેર.. નિકી જોઇ રહી..બસ જોઇ રહી..

‘ નિકી..સોરી..નિકી ..સોરી…’
સાગર કોઇ ખુલાસો કરે તે પહેલાં નિકી રૂમની બહાર….

ત્યાં મીલીની નજર દીદી પર પડી. તે પલંગ પરથી ઉભી થઇને તેની પાસે દોડી.

‘ દીદી.. દીદી.. સાગર વા’લુ વા’લુ… સાગર ગમે.. નઇ મારું.. સાગર તને ગમે..સાગર મને ગમે.. દીદીને ગમે.. મીલીને ગમે..’

મીલી પોતાની ધૂનમાં બબડતી રહી..

પણ નિકી..એક સ્ત્રી આજે મૂળિયાસોતી ઉખડી પડી છે. તે મનોમન વલવલતી રહી.

‘ મીલી, હું દેવ નથી કે ફકત તારી દીદી નથી.. હું એક સ્ત્રી પણ છું..સામાન્ય..સાવ સામાન્ય સ્ત્રી.. તારાથી અલગ મારી પોતાની પણ એક જિંદગી છે. મારા પોતાના પણ ગમા છે, અણગમા છે. કોઇ અરમાન છે.. સપના છે. મીલી, તું કેમ સમજતી નથી ? ’

નિકીના પ્રાણમાં આજે એક અજંપો ઉમટયો છે. આજે પહેલીવાર તે હારી છે..થાકીને સૂનમૂન બેસી રહી છે..સાવ એકલી અટૂલી..

વચ્ચે બેચાર વાર સાગરે તેની પાસે આવીને તેને મનાવવાના, સમજાવવાના, માફી માગવાના પ્રયત્ન કરી જોયા. પણ…
‘ સાગર પ્લીઝ.. મને અત્યારે એકલી રહેવા દે.. પ્લીઝ..’

ક્ષણો મિનિટમાં અને મિનિટ કલાકોમાં સંકેલાઇ રહી.

બારીમાંથી ડોકાતા પ્રકાશના કિરણોની છેલ્લી રેખા નિકીના કોરાધાકોર ચહેરા પર અળપાઇ રહી..સૂરજદાદાએ પોતાના બચ્યાખૂચ્યા કિરણોની બચકી બાંધીને વિદાય લીધી.. અંધકારના કાળામશ ઓળાઓ ધરતી પર ઉતરી આવ્યાં છે.

પણ આજે નિકી ઉપર એની કોઇ અસર નથી થઇ. પલંગ પર માથું ટેકવી નિકી એમ જ બેસી રહી. ધીમે ધીમે તેની આંખો થાકીને ઉંઘરેટી તો બની પણ ઉંઘનું એકે કણસલું આજે ડોકાયું નહીં. પણ…
નિકી કંઇ અમરતકાકી નહોતી.

આટલા વરસોમાં કદી ન વિચારેલા, ન કલ્પેલા અનેક અદીઠ દ્રશ્યોની ભૂતાવળ આજે નિકીની બંધ આંખો સામે નાચતી રહી.

ટ્રાફિકથી ભરચક્ક રસ્તા પરથી એકાએક મીલીનો હાથ છોડી દેતી નિકી..સામેથી પૂરપાટ દોડી આવતો કોઇ ટૃક .. મીલીની ચીસ… અને..
નિકી આઝાદ… પોતાની જિંદગી જીવવા આઝાદ…વરસોનો જાતે સ્વીકારેલો કારાવાસ પૂરો..

બીજે ક્ષણે દ્રશ્ય પલટાયું.. મીલીનો હાથ પકડી તેને ચૂપચાપ “ વાત્સલ્યધામ”માં મૂકીને પાછળ જોયા સિવાય ઝડપથી ભાગી જતી નિકી..
અને નિકી આઝાદ..!

બંધ આંખે ફરી દ્રશ્ય બદલાયું..

મીલીનો હાથ પકડીને પરાણે ક્રૂર કાકાને ઘેર મૂકી આવતી નિકી..
અને નિકી આઝાદ …!
પણ…પણ આ બધા દ્રશ્યમાં મીલીની “ દીદી, દીદી” ની ચીસો તેનો કેડો નહોતી મૂકતી તેનું શું ?

એક પછી એક જાતજાતના દ્રશ્યો નિકીની ભીતરમાં ઉથલપાથલ મચાવતા રહ્યાં.

રાત્રિએ પોતાના તારલાની ગઠરી બાંધી વિદાય લીધી. અંધકારને ખસેડીને ઝાંખુંપાંખું અજવાળું અવનિ પર ઉતરી આવ્યું. રાતનું નામ પ્રભાત થયું. પણ આજે નિકીને સમયનું કોઇ ઓસાણ નથી રહ્યું.

એકાએક નિકીની આંખ ખૂલી ગઇ. બહાવરી નજર ચારે બાજુ ચકળવકળ ફરી રહી. મીલી…મીલી કયાં ? પોતે..પોતે આ શું કરી બેઠી ?

પરસેવે રેબઝેબ નિકીની નાભિમાંથી એક પ્રચંડ, અસ્ફૂટ સ્વર પ્રગટયો.

‘ મીલીલીલીલી….’

નિકીની ચીસ સાંભળી ત્યાં જ નિકી પાસે નીચે સૂઇ રહેલી મીલી સફાળી જાગી ઉઠી. નીતર્યા વહાલથી તે દીદી પર પાછળથી ઝળૂંબી રહી.

નિકી એકદમ જ પાછળ ફરી. આંખો બે ચાર વાર ઉઘાડ બંધ થઇ. મીલીને અછડતો સ્પર્શ થયો. બે ચાર પળ મીલીની આંખોમાં પોતાનું ઉભરતું પ્રતિબિંબ જોઇ રહી. પછી આંખો બંધ કરી ભીતરમાં ગરકાવ બની રહી. હળુ હળુ ખામોશી..સમાધિ જેવી ક્ષણો વહેતી રહી.

ધીમે ધીમે અંદર કશુંક ઉગી રહ્યું હતું કે શું ? ભીતરમાં કોઇ અદીઠ દિશાનો અણસાર ઉઘડયો હોય તેમ હવે નિકીના ચહેરા ઉપર કોઇ વલવલાટ..કોઇ અજંપાનો આછેરો અણસાર સુધ્ધાં નહોતો..ચહેરા પર છવાઇ હતી માત્ર પરમ શાંતિની એક દિવ્ય આભા..

બરાબર ત્યારે ક્ષિતિજ પરથી સૂર્યના ગભારાની ગાંઠ પૂરેપૂરી છૂટી ગઇ હતી. એમાંથી ઝગમગ સોનેરી કિરણસળીઓ રમવા ઉતરી પડી હતી. સામેના ઝાડ પરના પંખીઓ એકસામટા ટહુકી ઉઠયા..

” દીદી વા’લી વા’લી..”

( શબ્દસૃષ્ટિ જુન 2012માં પ્રકાશિત અને વિવેચકોની પ્રશંષા પામેલી વાર્તા )

3 thoughts on “દીદી વા’લી વા’લી…

  1. માનસશાસ્ત્રમાં વિવિધ વિભાગો આવેલા છે અને પ્રત્યેક વિભાગ ’ વર્તનના’ જુદા-જુદા દૃષ્ટીકોણથી વિશ્લેણ કરતાં હોય છે. સમાજ માનસશાસ્ત્ર એ માનવના વર્તન પર થનાર વિવિધ સામાજિક પરિસ્થિતીનો અભ્યાસ કરે છે. વ્યક્તિમત્તવના તત્ત્વ વિચારકો માનવીના વર્તન પર અબ્યાસ કરે છે. વિકાસ માનસશાસ્ત્રીઓ આયુષ્યમાં કાયમી સ્વરુપે બદલાવ લાવવા માટે આવશ્યક સિંધ્દાતો અને તત્ત્વોનો અભ્યાસ કરે છે. તુલનાત્મક માનસશાસ્ત્રીઓ પ્રાણીઓમાં વિવિધ જાતીઓનો અભ્યાસ કરીને તેઓના વર્તનનો અભ્યાસ કરે છે. ઇંદ્રિયવિજ્ઞાન માનસશાસ્ત્ર એ વર્તનના જીવનશાસ્ત્રથી સંબંધિત હોય છે. જ્ઞાનવિષયક માનસશાસ્ત્ર એ સ્મરણશક્તિ શોધે છે, વિચાર ,સમસ્યા નિવારણ અને શીખવાની માનસશાસ્ત્રીય પાંસાનું અભ્યાસ કરે છે.છતા સમજવાનું કઠીન રહે તે તમારી આ વાર્તાથી સહજ સમજાય છે.અને જે આધુનિક ચિકીત્સા કરતા સારું પરિણામ લાવે.
    આવી બીજી વાર્તાઓ દ્વારા માનસિક અપંગો ની વેદના લખશો

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s