સંબંધસેતુ..

“ સબંધોનુ ગણિત સદા રહ્યું છે અટપટુ
કદી ક્ષણિક તો કદી શાશ્વત બની રહેતા સંબન્ધો.

માનવી અનેક સંબંધોની માયાજાળમાં જીવનભર અટવાતો રહે છે. કદીક કોઇ મધુર સંબંધો એને હાશકારો આપે છે તો કદી કોઇ સંબંધો એને વસમી વેદના પણ આપી જાય છે. અને તેને બધા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જીવન પચરંગી કે સપ્તરંગી નહીં અનેક રંગી હોય છે.. એમાં ધૂપછાંવ ચાલતી રહેવાની. દરિયાના મોજાની જેમ ભરતી, ઓટ આવતા રહેવાના.. અને માનવી કંઇ કોઇ સાધુ સંત નથી કે એ એની અસરથી સાવ જ અલિપ્ત રહી શકે. લાખ ઇચ્છા છતાં લાગણીના તાણાવાણાથી એ સાવ નિર્લેપ ન જ રહી શકે.
એ તાણાવાણા મા દીકરીના હોય શકે , પતિ પત્નીની હોઇ શકે, બે બહેનોના હોઇ શકે કે સાસુ વહુના પણ હોઇ શકે..

આજે એક આવા જ કોઇ જોડાયેલા તાણાવાણી… અંતરથી જોડાયેલા સંબંધની સુવાસની વાત કરવી છે.

ભાવિક અને મિત્વા કોલેજમાં સાથે ભણતા હતા. અને સામાન્ય રીતે થતું આવ્યું છે તેમ પ્રથમ પરિચય, પછી મૈત્રી, અને પછી પ્રેમ…એમ બધા પગથિયા ચડીને અંતે સદનસીબે બંને લગ્નના બંધનથી પણ જોડાઇ શકયા. બંનેની જ્ઞાતિ અલગ હતી તેથી વિઘ્નો તો આવ્યા..ખાસ કરીને ભાવિકની મમ્મીને આ સંબંધ બિલકુલ પસંદ નહોતો. તેની ઇચ્છા દીકરાના લગ્ન પોતાની એક ખાસ સહેલીની દીકરી સાથે કરવાની હતી. પણ દીકરાની મક્કમતા પાસે અંતે નમતું જોખવું પડયું. ભાવિકના પપ્પા વસંતભાઇને કોઇ વાંધો નહોતો. તેમણે હોંશે હોંશે અને સાસુ ભાવિનાબહેને કચવાતે મને વહુને સ્વીકારી.

દીકરાની હાજરીમાં તો માતા ખાસ કશું બોલતી નહીં. પરંતુ ભાવિકને પોતાની નોકરી અંગે બહારગામ રહેવાનું વધારે થતું. અને ત્યારે સાસુને મોકળું મેદાન મળી જતું. એક કે બીજી રીતે તે મિત્વાને સાચું ખોટું સંભળાવવાની કોઇ તક ત્યારે તે નહોતા છોડતા. મિત્વાને હેરાન કરવામાં તેમનો અહમ સંતોષાતો. જોકે એવે સમયે વસંતભાઇ વહુની ઢાલ બનીને ઉભા રહી જતા. મિત્વા બોલી ન શકે ત્યારે વસંતભાઇ વહુનો પક્ષ લઇને અચૂક બોલતા. અને પત્નીને પણ સમજાવતા રહેતા.કે કદીક વહુને કહેતા,

‘ બેટા, તું મારી દીકરી જ છો.. તારી સાસુના બોલવા સામે ન જોતી. થોડા સમયમાં એ શાંત બની જશે. એનો વિરોધ આ રીતે બહાર આવે છે. થોડો સમય બધું ચાલશે.. તું ચિંતા ન કરતી. હું બેઠો છું ને ? અને કંઇ પણ તકલીફ હોય તો મને તારા પપ્પા માનીને જ બેટા, તું કહી શકે છે. સસરાના આ આશ્વાસનથી મિત્વાને થોડી રાહત મળતી.

ભાવિકને બે દિવસની પણ રજા હોય તો વસંતભાઇ સામેથી જ દીકરા વહુને કયાંક ફરવા અચૂક મોકલી દે..

‘ બેટા, આમ તો તું વહુને બહું સમય નથી આપી શકતો. તો રજા હોય ત્યારે તો મારી આ દીકરીને બહાર લઇ જવાની તારી ફરજ છે. ફકત કહીને ન બેસી રહેતા વસંતભાઇએ બધી સગવડ કરી જ લીધી હોય. અને પત્ની સામે જોતા પાછા ઉમેરે પણ ખરા.. ‘ આ કંઇ તમારે માટે નથી કહેતો. અરે, અમને બુધ્ઢાઓને પણ કદીક તો એકલા રહેવાની તક મળવી જોઇએ ને ? આખો વખત વહુ દીકરો માથે જ ઉભા હોય તે અમને ન પોસાય હોં..
કહેતા વસંતભાઇ ખડખડાટ હસી પડે. સાસુજી કશું બોલવા જાય તે પહેલા તો વસંતભાઇએ દીકરા વહુને બહાર મોકલી જ દીધા હોય.

કે કદીક આજે તો પોતાની વહુના હાથનું નહીં પરંતુ પત્નીના હાથનું જ ખાવું છે.

‘ ભાવિના, તારા હાથની દાળ ઢોકળીની વાત જ કંઇક ઓર છે. મિત્વા, તારા સાસુના હાથની દાળ ઢોકળી ખાઇ જો તો ખબર પડે. અને હા..તું પણ એની પાસેથી શીખી લેજે હોં. કે પછી કયારેક પત્ની જેવા ઢોંસા તો હોટેલવાળાના પણ નથી થતા.. આવું અવારનવાર કહ્યા કરે. ટૂંક્માં ગમે તેમ કરીને વહુને કેમ ખુશ રાખી શકાય તે વિચાર્યા કરે. જુદા જુદા નુસખા શોધ્યા કરે. અને મોટે ભાગે તેમને સફળતા મળે જ.

એમ ધીમે ધીમે ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થાપવામાં વસંતભાઇ સફળ થયા. હવે સાસુએ પણ વહુને સ્વીકારી લીધી. અને ઘરમાં કોઇ પ્રશ્નો ન રહ્યા.

પણ ..બધું સીધું ચાલ્યું ત્યારે જ સમય જાણે આડો ચાલ્યો. સાજા સારા ભાવિનાબેનને અચાનક હાર્ટે એટેક આવ્યો…અને કોઇ કશું કરી શકે તે પહેલાં તે ઉપર પહોંચી ગયા.
વસંતભાઇ ભાંગી પડયા. એક મહિનામાં તો જાણે તેમની ઉમર દસ વરસ વધી ગઇ. અને મન જયારે સ્વસ્થ ન હોય ત્યારે તેની અસર શરીર પર પડતી જ હોય છે ને ?

વસંતભાઇને પગની તકલીફ શરૂ થઇ. ચાલવામાં તકલીફ થવા લાગી. ડોકટરે ચાલવાનું ચાલુ રાખવાનું કહ્યું હતું. પણ વસંતભાઇ હવે મનથી જ કોઇ વાત માટે તૈયાર નહોતા. દીકરા , વહુએ સમજાવવામાં કશું બાકી ન રાખ્યું. પણ એ આઘાતની કળમાંથી વસંતભાઇ જલદી બહાર નીકળી નહોતા શકતા.રોજ સવારે ચાલવા જવા માટે દીકરો, વહુ ઉઠાડે પણ કોઇ ને કોઇ બહાનું કાઢીને વસંતભાઇ ટાળી જ દે.

પણ મિત્વા એમ હાર સ્વીકારે તેમ નહોતી. જે સસરાએ કપરા સમયમાં પોતાને દરેક રીતે સાથ આપ્યો છે તે કેમ ભૂલાય ? હવે આજે પોતાનો વારો છે.. ત્યારે પોતે પાછી નહીં જ પડે.

તે દિવસે સાંજે બધા જમવા બેઠા હતા ત્યારે મિત્વાએ પોતાની ભૂખ હડતાલ જાહેર કરી.
જે દિવસે સવારે પપ્પાજી ચાલવા નહીં ગયા હોય તે દિવસે આપણે સાંજે જમવાનું બંધ. અને આજથી જ એનો અમલ ચાલુ. પપાએ મને દીકરી કહી છે..જોઇએ હવે દીકરી ન જમે તો પપ્પાને કોઇ ફરક પડે છે કે કેમ ?

અને તે દિવસે વસંતભાઇએ લાખ સમજાવી કે ‘ કાલથી હું જઇશ.. આજે બેટા, તું જમી લે..’ પણ મિત્વા એક ની બે ન થઇ.

‘ આજે તમે ચાલ્યા નથી..મારાથી ન જમાય. અને એ ન જ જમી. ભાવિકને તેણે કહી દીધું.. આ અમારી બાપ દીકરીની વાત છે તમારે એમાં વચ્ચે કશું બોલવાનું નથી.
વસંતભાઇ બીજે દિવસે સવારે પણ ન ગયા. અને બીજે દિવસે પણ મિત્વા ન જ જમી.
ત્રીજે દિવસે મિત્વા ઉઠી ત્યારે વસંતભાઇ હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હતા.

‘ પપ્પા, એક મિનિટ, હું પણ સાથે આવું છું. મારે પણ થોડું ચાલવાની જરૂર છે જ. ‘ કયાંક પપ્પા થોડું ચાલીને બેસી જાય તો ? એ ડરે મિત્વા તેમની સાથ જ નીકળી.
અને બસ..પછી તો એ સિલસિલો હમેશનો બની ગયો. સસરા વહુ..ના..ના એક બાપ દીકરી રોજ સવારે સાથે ફરવા અચૂક નીકળી પડે..બંને વચ્ચે રાજકારણથી માન્ડીને અનેક વિષયોની ચર્ચા થતી રહે. મિત્વા આખે રસ્તે ચહેકતી રહે..

અંતે મિત્વાની મહેનત રંગ લાવી. વસંતભાઇ ધીમે ધીમે પાછા નોર્મલ બની ગયા. પત્નીના મોતના આઘાતમાંથી બહાર નીકળી શકયા. અને ઘરમાં ફરી એકવાર ખુશહાલીનું વાતાવરણ છવાઇ રહ્યું.

આજે તો આ વાતને એક દસકો વીતી ચૂકયો છે. પરંતુ સસરા વહુનો આ ક્રમ આજે પણ જળવાઇ રહ્યો છે. હવે ઉમરને હિસાબે વસંતભાઇ અશક્ત બની ગયા છે. પરંતુ તેમનો હાથ પકડી નાના બાળકની જેમ ધીમે ધીમે ચલાવતી મિત્વાને રોજ સવારે પડોશીઓ જોઇ રહે છે. અને દર રવિવારે સવારે આ પદયાત્રામાં ભાવિક અને આઠ વરસનો પૌત્ર પણ તેમની સાથે અચૂક જોડાય છે. ત્યારે પડોશીઓ આ મંગલ દ્ર્શ્યના સાક્ષી બની રહે છે. કોઇ નવી વ્યક્તિ કદીક પૂછી પણ લે છે..

‘ મિત્વાના પપ્પા તમારી સાથે જ રહે છે ? ‘ જવાબમાં મિત્વા મીઠું હસી દે છે.

ભાવિક આવી પત્ની મળવાથી પોતાને નસીબદાર માનીને ઇશ્વરનો આભાર માની રહે છે. અને વસંતભાઇ પાનખરમાં પણ લીલાછમ્મ છે. અને ઉપરથી આ દ્રશ્ય જો ભાવિના બહેન જોઇ શકતા હશે તો તેમના આશીર્વાદ વહુ ઉપર ચોક્કસ વરસતા હશે.
આવા મધુર સંબંધોને સલામ જ ઘટેને ?

2 thoughts on “સંબંધસેતુ..

  1. આવુ બીજુ એક મંગલ દ્રશ્ય મેં પણ જોયુ છે. ચક્ષુહીન સસરાને પુત્રવધુ એક નાના બાળકની જેમ હાથ દોરતી,
    જમવાની પ્લેટ તૈયાર કરીને હાથમાં મુકી , જમી રહે પછી હાથ પણ ધોવડાવતી પુત્રવધુ તો હું જીવનભર યાદ રહેશે. આવા સંબંધોને હું સાત્વિક સંબંધ ગણુ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s