સંબંધસેતુ..

<stron
“ કોરી આંખો ને તરબતર થવા એક કારણ નીકળ્યું.
ધૂળમાં ઢાંકેલું એક અનોખું સગપણ નીકળ્યું….”

અણધારી વાત..અણધાર્યા જોડાઇ જતા સંબંધો.. જીવનમાં કેટલીયે વાતો સાવ
અણધારી રીતે બનતી હોય છે. જેની કલ્પના પણ ન કરી હોય એવી અનેક ઘટનાઓ..સંભાવનાઓ .. અને એ બધાનો સરવાળો એટલે જ જીવન..
આજે એક એવી જ અણધારી અને સંબંધની કોઇ અલગ ભાત પાડતી વાત..
આજે મનન અને માધુરીના લગ્ન હતા. સગાસંબંધીઓને આ લગ્નથી આશ્ર્વર્ય થયું હતું. પણ આ જમાનાના છોકરાઓનો કોઇ ભરોસો નહીં..કયારે કોની સાથે મન જોડાઇ જાય.. અને માબાપને ગમે કે ન ગમે સ્વીકારવું જ પડેને ? એકનો એક દીકરો.. રાજાને ગમે તે રાણી.. એમાં માબાપ શું કરી શકે ? પ્રેમ તો આમ પણ આંધળો જ કહ્યો છે ને ? આવી બધી ઘૂસપૂસ સગાઓમાં થઇ રહી હતી. જોકે એમાં સગાઓનો દોષ કાઢી શકાય એમ નહોતું. વાત જ કંઇક એવી હતી.

મનન નિત્યા અને નીરવભાઇનો એકનો એક પુત્ર હતો. નીરવભાઇ શહેરના અગ્રણી ઉદ્યોગપતિ હતા. જયારે માધુરી તેમને ત્યાં વરસોથી કામ કરતી, તેમના જ આઉટ હાઉસમાં રહેતી મંજુની પુત્રી હતી. જોકે એ વાત અલગ હતી કે નિત્યાએ મંજુની દીકરી માધુરીને પોતાની સગી દીકરીની જેમ જ રાખી હતી. તેના મા મંજુ બંગલામાં કામ કરતી હતી.જયારે તેને પુત્રી માધુરીને નિત્યાએ પોતાના પુત્ર મનનની જ સ્કૂલમાં ભણવા મૂકી હતી. મનન અને માધુરી સરખી જ ઉમરના હતા. માધુરી પાંચ વરસની હતી ત્યારે તેની મા મંજુ તેને લઇને અહીં આવી હતી. મંજુ સાવ એકલી હતી. તેનો વર તો દીકરીના જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. આમ મનન અને માધુરી લગભગ સાથે જ મોટા થયા હતા એવું કહી શકાય. બંને બાળકો વચ્ચે સ્વાભાવિક રીતે જ મૈત્રી પાંગરી હતી. બાળકોને આમ પણ નાના, મોટાના ભેદભાવ કયાં નડતા હોય છે ? માધુરી અને મનન બંને બાળકોના કિલકિલાટથી આ બંગલો ગૂંજતો રહેતો. માધુરી પણ હતી જ એવી. પરાણે વહાલે લાગે તેવી. નીરવભાઇને પણ આ છોકરી વહાલી હતી. મનન ડેડી કહીને વળગતો.. ત્યારે માધુરી પણ એવા જ પ્રેમથી અંકલ કહીને તેને વળગતી. નિત્યા માટે તો માધુરી દીકરીથી કમ નહોતી.

મંજુ તો દીકરીના નસીબ જોઇને ફૂલી ન સમાતી. આ ઘરની બધી જવાબદારી તેણે ઉપાડી હતી. આવા શેઠ શેઠાણી તેને મળ્યા હતા.જે તેને કામવાળી નહીં..પરંતુ પોતાના ઘરના એક સભ્ય જેવું જ માન આપતા હતા. માધુરીએ સ્કૂલનું ભણવાનું પૂરું કર્યું ત્યારે મંજુએ કોઇ સારું ઠેકાણું જોઇ દીકરીના હાથ પીળા કરી દેવા માટે નિત્યાને વિનંતી કરી. ત્યારે નિત્યાને તેને સમજાવી હતી કે એ બધી ચિંતા તે ન કરે. માધુરીની બધી જવાબદારી પોતે ઉઠાવશે. માધુરીને તો કદાચ પોતાની મા મંજુ કરતા પણ નિત્યા આંટી માટે વધારે મમતા હતી. નાનપણથી જે જોઇએ તે આંટી પાસે મગી લેતા તે અચકાતી નહીં. આ પ્રેમનો હક્ક હતો. જે જોઇએ તે માને નહીં આંટીને જ કહેવાય ..નાનપણથી એ જ તો જોયું હતું તેણે. અને તેની કોઇ ડીમાન્ડ આંતીએ પૂરી ન કરી હોય તેવું બનતું નહીં. કયારેક તો મનન ફરિયાદ કરતો, મમ્મી, આ તારી બહું ચાગલી છે હોં.. નિત્યા ખાલી હસતી રહેતી.
આમ મધુરી કોલેજમાં પણ મનનની સાથે જ ભણી શકી. ધીમે ધીમે શૈશવથી પાંગરેલી મૈત્રી યૌવનને પગથિયે પગ મૂકતા જ સ્નેહમાં પરિણમી.

મનનને હતું કે મમ્મી, પપ્પા આ લગ્ન માટે કોઇ રીતે મંજૂરી નહીં આપે. ઉચ્ચ નીચના..ખાનદાનના કેટલા યે લેકચર સાંભળવા મળશે. અલબત્ત નીરવભાઇએ શરૂઆતમાં થોડો વાંધો જરૂર ઉઠાવ્યો. પરંતુ નિત્યાની સમજાવટ અને મનનનો પ્રેમ જોઇ અંતે તેમણે નમતું જોખ્યું. આમ પણ માધુરીને નાનપણથી તેઓ ઓળખતા જ હતા. કોઇ અજાણી છોકરી આવીને તે કેવી નીવડે.. ..કદાચ સારી ન નીવડે તો ઘરના સુખ શાંતિ છિનવાઇ જાય..એના કરતા … અને આજે માધુરી અને મનનના લગ્ન હતા. બંગલો આખો ઝળહળતો હતો. અને સાથે ઝળહળતું હતું નિત્યાનું મન. તેની નજર સામે હતી વરસો પહેલાની એ ક્ષણ..

ત્યારે પોતાના નવા નવા લગ્ન થયા હતા. પહેલેજ વરસે માધુરી મા બનવાની હતી. અને સાસુ, સસરા દીકરાની ઝંખનામાં ઝૂરતા હતા. દીકરો જ જોઇએ.. દીકરી હોય તો ગમે તેમ કરીને એબોર્શન કરાવી નાખવા મક્કમ હતા,નીરવ પણ એ સમયે માતા, પિતાની વિરુધ્ધ જઇ શકે તેમ નહોતો. નિત્યાને મજબૂરીથી સાસુ સાથે ડોકટર પાસે ચેકીંગ માટે જવું પડયું. પણ સદનસીબે ડોકટર તેની એક બહેનપણીની બહેન નીકળી.. અને તેણે નિત્યાના કહેવાથી પેટમાં દીકરી હોવા છતાં દીકરો છે એમ ખોટું કહ્યું હતું.

નિત્યા ડીલીવરી કરવા પોતાને પિયર ગઇ હતી.મનમાં ડરતી હતી કે ત્યારે તો ખોટું બોલીને દીકરીને બચાવી લીધી હતી. પણ હવે…? હવે બધાને ખબર પડશે કે પોતે ખોટું બોલી છે ત્યારે ?

પણ જાણે ભગવાને કંઇક બીજું જ વિચાર્યું હતું,.. નિત્યાના પિયરમાં કામ કરતી મંજુ ની ડીલીવરી પણ નિત્યાની સાથે જ થઇ હતી. નિત્યાની મમ્મીએ તેને પણ દીકરીની સાથે જ એક પ્રાઇવેટ નર્સીંગ હોમમાં દાખલ કરી હતી. જે તેમના જ એક સગાનું નર્સીંગ હોમ હતું. મંજુની તબિયત સારી નહોતી. તે બેભાન બની હતી.તેણે દીકરાને જન્મ આપ્યો હતો. અને નિત્યાએ દીકરીને… નિત્યાની મમ્મીએ ડોકટરની મદદથી મંજુનો દીકરો નિત્યાની ગોદમાં મૂકી દીધો હતો. અને નિત્યાના દીકરાને મંજુના ખોળામાં…

આ અદલાબદલી નિત્યાને મંજૂર નહોતી.પણ માએ તેને પ્રેકટીલ બનવા સમજાવી. લાગણીઓ ઉપર કાબૂ રાખવા સમજાવી. અને અંતે નિત્યા દીકરાને લઇને સાસરે આવી. સાસુ, સસરા પૌત્રને જોઇ ખુશ ખુશાલ થયા. પણ નિત્યાનું હૈયુ દીકરી માટે ઝૂરતું રહેતું.
પણ એનો યે ઉપાય કદાચ ઇશ્વર પાસે હતો. નિત્યાનો પુત્ર પાંચ વરસનો થયો ત્યાં જ નિત્યાના સાસુ સસરા ઇશ્વર પાસે પહોંચી ગયા. અને એ પછી બે ચાર મહિનામાં જ નિત્યાએ તેના પિયરમાં કામ કરતી મંજુને હમેશ માટે અહીં બોલાવી લીધી. હવે તેની દીકરી તેની નજર સામે હતી. મંજુનો દીકરો પોતે લઇ લીધો છે એ સત્ય જાણતી હોવાથી મંજુનો ઉપકાર તે ભૂલી શકે તેમ નહોતી. મંજુ તો આ બધી વાતથી બિલકુલ અજાણ હતી. દીકરી ઉપર નિત્યાનો આવો સ્નેહ જોઇ તે હરખાતી રહેતી.

નિત્યા દીકરીને ગમે તે સ્વરૂપે હમેશ માટે ઘરમાં લાવી શકી એથી ખુશ હતી. દીકરાને જન્મ ભલે મંજુએ આપ્યો હતો. પણ એ નવજાત શિશુની યશોદામા તો તે જ બની હતીને ?
આને માધુરીને આવકારતા નિત્યા બોલી ઉઠી,
બેટા, તું વહુ નહીં..પણ હમેશ માટે આ ઘરની દીકરી છે. આમ પણ નાનપણથી અમે તને દીકરી જ માની છે ને ?

“ મા..” કહેતા માધુરીની આંખો પણ છલકાઇ હતી.

નિત્યાના પિતા તો હયાત નહોતા. પણ તેની માતા લગ્નમાં આવી હતી. નિત્યા માને ભેટીને રડી પડી.માની આંખો પણ ઉભરાણી હતી.એ આંસુનું રહસ્ય ત્રીજું કોઇ જાણી શકે તેમ નહોતું.
નિત્યાએ મંજુને પણ કહ્યું,

‘ મંજુ, આજથી તું આ ઘરની વેવાણ બની છે. તારું સ્થાન આઉટહાઉસમાં નહીં..આ ઘરમાં જ હમેશ માટે રહેશે. કામ કરવા માટે બીજા ઘણાં છે. તમારે તો મનન અને માધુરીને ઘેર પારણું બંધાય ત્યારે એને રમાડવાના છે.’
સ્નેહનો સાગર ઘરમાં હમેશ માટે છલકી રહ્યો. બે વરસ પછી માધુરીને ત્યાં નાનકડી પરીનો જન્મ થયો ત્યારે નિત્યાએ મંજુને કહ્યું,

‘ જો..મંજુ, અમે દીકરો આપીને દીકરી લીધી છે..એટલે આજથી તું આ ઢીંગલીની દાદી અને હું નાનીમા..સમજી ? તારો જમાઇ એટલે કે મનન તારો દીકરો ને માધુરી મારી દીકરી.
મંજુએ હરખના આંસુ લૂછતા કહ્યું,

‘ બેન, આવા ભેદની કે કોઇ નામની જરૂર જ કયાં છે ? બંને છોકરા આપણા સહિયારા… .’ ઘણીવાર કુદરત કેવા કેવા સંબંધો કેવી કેવી રીતે રચતી હોય છે. એનો પાર કોણ પામી શકે ? પણ જે પણ થયું એ..કોઇ પણ રીતે પરંતુ સંબંધનો સહિયારો સેતુ તો મજાનો જ રચાયો હતો. જેના પર ચાલીને કોઇ દુ:ખી કે ઉદાસ નહોતું જ થયું.

2 thoughts on “સંબંધસેતુ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s