સંબંધસેતુ..

જ્યાં સામસામા મોરચા મંડાય છે
સંબંધ, ખુદ સંબંધથી છેદાય છે.

મેઘધનુષી જેવા સંબંધોના આકાશમાં કદીક અચાનક કાળા ડિબાંગ વાદળા ઘેરાય છે. અને સંબંધોનો સૂરજ તેની પાછળ છૂપાઇ જાય છે. જીવનનું ઝળહળ આસમાન ફિક્કુ બની જાય છે. એવે સમયે જો એ વાદળાં સમયસર ન હટે તો સંબંધોનું સૌન્દર્ય અદ્ર્શ્ય થતા વાર નથી લાગઈ. સંબંધોની ડાળ બહું નાજુક હોય છે. એને નંદવાતા વાર નથી લાગતી. કે એની પાનખરની કોઇ એક જ ઋતુ નથી હોતી. સંબંધોમાં પાનખર કે વસંત ગમે ત્યારે દેખા દેતા રહે છે.
નૂપુર અને નીરવના લગ્ન થયે બે વરસ થયા હતા. બંનેના માતા પિતાએ જ પરસ્પરની સંમતિથી લગ્ન ગોઠવેલા. અને બંને ખુશ પણ હતા. જોકે બંનેના સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હતું. નીરવ અંતર્મુખ હતો. જયારે નૂપુર બોલકી હતી. નીરવ પોતાની લાગણી કદી જલદીથી વ્યક્ત કરી શકતો નહોતો. એને એવી આદત નહોતી. શરૂઆતમાં એને સમજવામાં નૂપુરને થોડી તકલીફ પડતી. પણ પછી મને ,,કમને એણે સ્વીકારી લીધું હતું. અને જીવન સરળતાથી ચાલ્યા કરતું હતું..ખાસ કોઇ પ્રશ્નો વિના જ..નીરવની અપેક્ષાઓ બહું ઓછી હતી. એથી બહું વાંધો નહોતો આવતો. અલબત્ત નૂપુર કદીક મનમાં અકળાતી. પોતે ગમે તેવી સરસ તૈયાર થઇ હોય..નીરવ કદી વખાણ કરવાનો નહીં. કયારેક એ નીરવને હોંશથી પૂછવા જાય

નીરવ, આજે શું પહેરું ? આ સારું લાગશે ?

નીરવનો જવાબ તૈયાર જ હોય..

એમાં મને શું ખબર પડે ? તને જે ગમે એ પહેરવાનું બીજું શું ? એવી બધી વાતોનું એને મન બહું મહત્વ નહોતું.

કયારેક નૂપુર અકળાય તો એ કહેતો,

તું જેવી છે એવી મને ગમે છે. બસ..પછી બીજું વધારે શું કહેવાનું ?

તેનો નીરસ ઉત્તર સાંભળી નૂપુરને કદીક ગુસ્સો ચડતો. અને તે મૌન બની રહેતી. નીરવ તેને અરસિક લાગતો. જોકે એ સિવાય નીરવનો બીજો કોઇ દોષ કાઢી શકાય તેમ નહોતો.કદીક નૂપુરની તબિયત સારી ન હોય ત્યારે નીરવ જાતે રસોઇ બનાવી લેતો અને પત્નીને પણ જમાડી દેતો. તેની સગવડ જરૂર સાચવતો. નૂપુરને જે ગમે તે એ કરી શકતી હતી. નીરવની ખાસ કોઇ અપેક્ષાઓ જ નહોતી.

હમણાં નૂપુરની બાજુમાં એક પતિ પત્ની રહેવા આવ્યા હતા. ધરા અને નિકેત .. લગભગ તેમની જેવડા જ હતા. નૂપુરને આમ પણ કંપની ગમતી. થોડા દિવસમાં જ નૂપુર અને ધરાની જોડી જામી ગઇ. બંનેને બહું સારું બનતું હતું. ધીરે ધીરે પરિચય વધતા બંને કુટુંબ નજીક આવ્યા. ધરાના પતિ નિકેતનો સ્વભાવ બહું બોલકો હતો. ખાસ કરીને સ્ત્રીઓની પ્રશંષા કરવામાં તેનો જોટો જડે તેમ નહોતો. નૂપુર તો જોઇ જ રહેતી.
બધાની હાજરીમાં પણ તે પત્નીના વખાણ કરતા થાકતો નહીં.

‘ ધરા..વાહ..આજે તો તું કેવી સુંદર લાગે છે. કાજળનું ટપકું કર્યું કે નહીં ? કયાંક મારી જ નજર લાગી જશે ?
કે કદીક..ના.. ધરા આ સાડી નહીં..આજે તો પેલો પંજાબી સુટ જ પહેર..તને એ કેવો શોભે છે ?

ધરા કોઇ પ્રતિભાવ આપતી નહીં. નૂપુરને થતું..જો તો કેવી સ્ત્રી છે ? પતિ આટલા વખાણ કરે છે પણ આને પડી છે કંઇ ? નીરવ મારા આટલા વખાણ કરે તો હું તો ફૂલી ન સમાઉં.

નૂપુર સાંભળી રહેતી. કયારેક મનમાં થતું..કાશ નીરવ પણ આ નિકેત જેવો હોત તો ? આમ પોતાના વખાણ કરતો હોત તો..? પણ નીરવ પાસેથી એવી કોઇ આશા રાખવી નકામી હતી એનો તેને ખ્યાલ હતો જ.

આજે રાત્રે ચારે જણા સાથે ગપ્પા મારતા બેઠા હતા. નીરવ જોકે મોટે ભાગે શ્રોતાની કક્ષામાં જ રહેતો. નૂપુરને આ લોકોની કંપની ગમે છે તેની જાણ હોવાથી જ તે બધા સાથે ભળતો અને બેસતો..

આજે નૂપુરે નવો ડ્રેસ પહેર્યો હતો. નીરવને તો એવી કોઇ જાણ થાય તેમ નહોતું. કેમકે એને એવી બધી વાતોમાં કોઇ રસ નહોતો. પણ નિકેતનું ધ્યાન તુરત ગયું. અને તે બોલી ઉઠયો.

‘ વાહ.. ભાભી, આજે તો તમારો વટ પડે છે હોં. તમે અરીસામાં જોયું કે નહીં ? કે પછી નીરવને આંખોમાં જોયું ? વાહ..આ કલર તમને કેવો શોભે છે ? તમારી પસંદગી એટલે કહેવું પડે હોં..

નિકેતે પ્રસંષાની ઝડી વરસાવી. નૂપુર ખુશ થઇ..ચાલો, કોઇનું ધ્યાન તો ગયું. કોઇએ તો તેની પસંદગીના વખાણ કર્યા.

તે રાત્રે નૂપુરે કહ્યું,

‘ નિકેતભાઇને કેટલી બધી ખબર પડે છે..તમને તો મેં નવો ડ્રેસ પહેર્યો હતો એની ખબર પણ ન પડી. ‘
એ તો જેવો જેનો સ્વભાવ.. મને એવી બધી સમજ નથી.

પછી તો રોજનું થયું. હવે જયારે પણ નિકેત આવતો ત્યારે નૂપુરના વખાણ અચૂક કરતો એને ખબર પડી ગઇ હતી કે નૂપુરને એ ગમે છે. એથી તે નૂપુરના સાચા ખોટા વખાણ કરતા થાકતો નહીં. નૂપુરની દરેક વાતના તે ભરપૂર વખાણ કરતો. નૂપુરને મજા આવતી. નિકેત કેવો રસિક છે. નાની નાની વાતોની પણ તેને કેટલી બધી ખબર પડે છે. ન ઇચ્છવા છતાં કયારેક તેનાથી નીરવ સાથે નિકેતની સરખામણી થઇ જતી. અને એક છૂપો નિશ્વાસ પણ આપોઆપ નખાઇ જતો.

આજે સાંજે નૂપુરને થોડો કંટાળો આવતો હતો. નીરવ બે દિવસ માટે ઓફિસના કામે બહારગામ ગયો હતો. તેને થયું થોડીવાર ધરાને ઘેર જઇને બેસશે તો કદાચ સારું લાગશે.
એવું વિચારી તે ધરાને ઘેર પહોંચી. તેના ઘરના બારણા પાસે પહોંચી તો અંદરથી મોટે મોટેથી કોઇ ઝગડતું હોય તેવો અવાજ આવતો હતો. નૂપુરને આશ્ર્વર્ય થયું. ધરાના ઘરમાં તો તે બે જણાં સિવાય કોઇ ત્રીજું નથી. અને નિકેતનો સ્વભાવ તો કેવો હસમુખો છે. થોડાં કુતુહલથી તે ચૂપચાપ બહાર ઊભીને સાંભળી રહી. અરે, આ તો નિકેતનો અવાજ..બાપ રે..કેવા ખરાબ શબ્દો ધરાને કહેતો હતો. ધરાના રડવાનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો. કારણની ખબર તો નૂપુરને ન પડી.. પણ તે વધારે વાર ઊભી ન રહી શકી. મન ખિન્ન બની ગયું. પોતે આ શું સાંભળ્યું ? નિકેત તેની પત્નીને આવી ખરાબ રીતે બોલી શકે ?

નૂપુર ચૂપચાપ ઘેર પાછી ફરી. તેના મનમાં કેટલાયે પ્રશ્નો ઉઠતા હતા.
બીજે દિવસે તેનાથી રહેવાયું નહીં. બપોરે ધરા ઘરમાં એકલી જ હોય છે એની તેને જાણ હતી. તે બપોરે ધરાને ઘેર ગઇ.

અને થોડી વાતચીત પછી ધરાએ આજે પહેલીવાર પોતાનું હૈયું ઠાલવ્યું.

નૂપુર, આપણે તો તમાચો મારીને ગાલ લાલ રાખવાના.. નિકેતના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. તેને બધી સ્ત્રીઓના વખાણ કરી કરીને તેને ફસાવવાની આદત છે. પારકી બૈરી કોને સારી ન લાગે ? બધા કંઇ તારા જેવા નસીબદાર નથી હોતા. નીરવભાઇ જેવી શાંત અને સાલસ વ્યક્તિઓ આ જ્માનામાં કયાં જોવા મળે છે ? નૂપુર, હવે જયારે તને બધી ખબર પડી જ ગઇ છે ત્યારે તને પણ બેન, ચેતવી દ ઉં છું.. નિકેતની નજર તારી ઉપર પણ છે જ.. થોડી સાવચેત રહેજે. મારા પોતાના પતિ માટે મારે આવું બોલવું પડે છે.. પણ …. કહેતા ધરા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. નૂપુર તો સ્તબ્ધ બની સાંભળી રહી. પોતે શું માનતી હતી.શું વિચારતી હતી અને શું નીકળ્યું ? ધરાને આશ્વાસન આપવા સિવાય તો તે શું કરી શકે ? એ પછી તો ધરાએ પોતાની બધી વ્યથા..નિકેતના ચારિત્ર્યની બધી વાત કરી. પહેલાં રહેતા હતા ત્યાંથી પણ આવા કોઇ કારણે કેવી રીતે ઘર છોડવું પડયું હતું. તેની વાત કરી.

નૂપુર, કમનસીબે મારે તો પિયરમાં એવું કોઇ ઠેકાણું નથી જયાં હું શાંતિથી રહી શકું..એટલે આ માણસ સાથે રહ્યા સિવાય મારો છૂટકો નથી.પણ…

નૂપુર વિચારી રહી..પોતે કેવી મૂરખ હતી આવા માણસ સાથે નીરવ જેવી સાલસ વ્યક્તિની સરખામણી કરતી હતી ? તેની નજરમાં એકાએક નીરવની મહાનતા..તેના અનેક ગુણો તરવરવા લાગ્યા. નીરવે કદી પોતાને ઉંચા અવાજે પણ નથી કહ્યું. પોતાની દરેક સાચી ખોટી જિદ પણ પૂરી કરી છે.અને પોતે … ?

બે દિવસ પછી નીરવ આવ્યો ત્યારે ન જાણે કેમ તેને નૂપુરનું વર્તન બદલાયેલું લાગ્યું. એક હકારાત્મક બદલાવ.. અને જિંદગી હસી ઉઠી. હવે નૂપુરને નીરવના સ્વભાવ માટે કોઇ ફરિયાદ નથી.

સબંધનો સેતુ તૂટતો બચી ગયો હતો. અને નવેસરથી મજબૂત બની રહ્યો હતો. જે બીજાના અનુભવ પરથી શીખે તે જ સાચો માનવી ગણાય ને ?

શીર્ષક પંક્તિ..ડો. મહેશ રાવલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s