સંબંધસેતુ..

કઈ ખાસ નહી તો પ્રેમનુ પ્રતિબિંબ નીકળ્યુ.
જીવવા માટેનુ એક જર્જરિત તારણ નીકળ્યુ.

આજે ભૌતિક સાધનોની વધતી જતી સગવડોને લીધે દુનિયા જાણે નાની થતી જાય છે. સ્થળ, કાળના અંતર ઓછા થતા જાય છે. એ આપણે સૌ જાણીએ છીએ.એકમેક સાથેનું ભૌગોલિક અંતર ઘટતું ગયું છે. પણ સાથે સાથે માનવીના મનનું અંતર ઘટયું નથી. એ તો ઉલટાનું જાણે વધી રહ્યું છે. સંબંધો દિલથી નહીં..પણ દિમાગથી બંધાતા રહ્યા છે. હાય અને બાયના સંબંધો વધી રહ્યા છે. દરેક સંબંધમાં જાણે કોઇ ગણતરી થતી દેખાય છે. સંબંધો ઉપયોગિતાને આધારે બંધાતા હોય છે અને જળવાતા હોય છે. આ વ્યક્તિ આપણને કેટલી ઉપયોગી નીવડી શકે તેમ છે કે એનાથી આપણને કેટલો ફાયદો થાય તેમ છે એ વાત ઉપર સંબંધો નિર્ભર કરતા હોય તેવું દેખાય છે.

આજે સંબંધોની આવી જ કોઇ વાત..
અર્ચન અને અંકુર બંને મિત્રો.. છેલ્લા દસેક વરસથી બંને વચ્ચે મિત્રતાના સંબંધો પાંગર્યા હતા. બંને શ્રીમંત હતા. સુખી હતા. વરસમાં બે વાર આખા કુટુંબ સાથે ફરવાનો પ્લાન થતો. આખું કુટુંબ સાથે આનંદ કિલ્લોલ કરતું રહેતું. અર્ચનનો પુત્ર આકાશ અને અંકુરનો પુત્ર સાગર એ બંને પણ સારા દોસ્ત બની ગયા હતા. બંને એક જ સ્કૂલમાં ભણતા હતા. બંને લગભગ દસેક વરસના હતા.

એવામાં સમયનું ચક્ર ફર્યું. દરેક દિવસો કંઇ કોઇના એકસરખા જતા નથી. અચાનક અર્ચનને ધંધામાં બહું મોટી ખોટ ગઇ. અને તેની સ્થિતિ સાવ સાધારણ થઇ ગઇ. અંકુરને મિત્રની આ વાતની જાણ થતા તેને થયું કે હવે જો પોતે અર્ચન સાથે સંબંધ ચાલુ રાખશે તો અર્ચન પોતાની મદદ માગશે..અને પોતે શરમના માર્યા ઇન્કાર પણ નહીં કરી શકે. આમ પણ સંબંધો તો સમોવડિયા સાથે જ શોભે. અને હવે તો અર્ચનના ફેમીલી સાથે ફરવા જવાનું કે એવું કશું શકય નથી બનવાનું. હવે એવી એની હેસિયત કયાં ? પોતે એની સાથે ફરે એ હવે પોતાને શોભે નહીં. આમ આવા કોઇ વિચારે અંકુરે અર્ચન સાથેના સંબંધો કાપી જ નાખ્યા. અર્ચન ફોન કરે તો પણ એકાદ શબ્દમાં ..હા.. કે ના માં જવાબ આપીને મોડું થાય છે..બીઝી છું..એવા કોઇ બહાના કાઢી દેતો. અર્ચનને સમજાતા વાર ન લાગી કે હવે અંકુર પોતાની સાથે સંબંધ રાખવા નથી માગતો. તે પૂરો સ્વમાની હતો. તેને સંબંધોનું સત્ય.. સંબંધોની પોકળતા સમજાઇ ગયા.અને તે જાતે જ ખસી ગયો.તેને દુખ તો અવશ્ય થયું. પરંતુ તેનો કોઇ ઉપાય નહોતો. અને કોઇને પરાણે વળગવા જવાનો તેનો સ્વભાવ નહોતો.
આમ બંને કુટુંબ વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો. સંબંધો વચ્ચે પૈસાની દીવાલ ચણાઇ ગઇ.
અલબત્ત બંનેના પુત્ર વચ્ચે દોસ્તી એવી જ રહી. એમની દોસ્તીમાં કોઇ ફરક નહોતો પડયો. આમ પણ બાળકોની મૈત્રીને પૈસા સાથે કયાં સંબંધ હોય છે ?
સમય તો પોતાની રીતે વહેતો રહ્યો. અન્કુર અને અર્ચનની દોસ્તી તો વરસોથી અદ્રશ્ય થઇ ચૂકી હતી. વરસોથી એકબીજાને મળવાનું પણ નહોતું બન્યુ.

હવે અંકુરની દીકરી મોટી થઇ ગઇ હતી.. તેનું ભણવાનું પૂરું થયું હતું. અને સ્વાભાવિક રીતે જ તેની સગાઇની વાત ચાલતી હતી. છોકરાઓ જોવાતા હતા.

હમણાં શહેરના એક શ્રીમંત કુટુંબના પુત્ર સાથે સગાઇની વાતચીત ચાલુ હતી. અને આજે છોકરાવાળા તેની દીકરી શ્રેયાને જોવા આવવાના હતા. અંકુરના ઘરના બધા આતુરતાથી રાહ જોતા હતા. છોકરાવાળાના સ્વાગતની તૈયારી સ્વાભાવિક રીતે સરસ કરાઇ હતી.
અને અંતે છોકરાવાળાઓ આવ્યા ત્યારે તેમની સાથે અર્ચન પણ હતો. અંકુરના આશ્વર્યનો પાર ન રહ્યો. અર્ચન આ લોકો સાથે ? અર્ચનને પણ નવાઇ લાગી. તેને સ્વપ્ને પણ કલ્પના નહોતી કે પોતે પોતાના કાકા સાથે પોતાના જ એક વખતના મિત્ર અંકુરની દીકરીને જોવા આવ્યો છે.

આ લોકો તો અર્ચનના કાકા થાય છે. અને યુવક અર્ચનના કાકાનો દીકરો છે. એ જાણ થતા અંકુરના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઇ. હવે દીકરીનું વેવિશાળ અહીં થવાની કોઇ શકયતા તેને ન લાગી. અર્ચનના કાકા આટલા શ્રીમંત છે એની તેને જાણ જ નહોતી.
થોડી ઔપચારિક વાત થઇ. અંકુરની દીકરીને જોઇ અર્ચનને આનંદ થયો. અંકુરને હતું કે અર્ચન અતીતની કોઇ વાત ઉખેડશે..પણ અર્ચને એવી કોઇ વાત કરી નહીં. થોડો સમય સાથે વીતાવી બધા છૂટા પડયા. પછી જવાબ આપીશું કહીને અર્ચનના કાકાએ વિદાય લીધી. અંકુરને કોઇ આશા નહોતી કે હવે જવાબ હકારમાં આવે. પોતાને અને દીકરીને પણ યુવક પસંદ પડયો હતો. પણ હવે અર્ચન બદલો લેવાનો જ ને ? પોતે એની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સમય આવ્યે મદદરૂપ થવાને બદલે પોતે આઘો ખસી ગયો હતો. હવે અંકુરને પોતાની જાત પ્રત્યે શરમ આવતી હતી.. ચપટી ધૂળ પણ કદી ખપમાં આવે એવું પોતે અનેકવાર બોલ્યો હતો પણ પોતે એ પણ વિસરી ગયો ? અને મિત્રતાનો દ્રોહ કર્યો ?જોકે હવે તો પસ્તાવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ? વીતેલો સમય કે ધનુશમાંથી છૂટી ગયેલું તીર કદી પાછું કયાં ફરી શકતું હોય છે ?

દસેક દિવસ એમ જ વીતી ગયા. અંકુરે હવે જવાબની આશા છોડી દીધી હતી.આવું સરસ ઠેકાણું પોતાને ગુમાવવું પડયું એનો અફસો દિલને કોરી રહ્યો હતો. સાથે સાથે મિત્ર પ્રત્યે પોતે આવું કર્યું એ પોતાની ભૂલનો અફસોસ..સાચો પસ્તાવો પણ તેના દિલમાં થતો હતો.
આજે સવારે અંકુર અને તેની પત્ની ચા પીતા બેઠા હતા..બંનેના મનમાં પુત્રીના વિચાર જ ચાલી રહ્યા હતા. ત્યાં જ ફોન રણકયો. સામે છેડે અર્ચનના કાકા હતા.

થોડી ઔપચારિક વાતચીત પછી તેમણે કહ્યું કે તેમને પણ શ્રેયા પસંદ પડી છે. અને આ સંબંધમાં આગળ વધવા ઇચ્છે છે. અને પછી ઉમેર્યું કે.. અરે ભાઇ, અમારે તો હવે તમારા ફેમીલી વિશે કોઇ તપાસ કરવા જેવું પણ નથી રહ્યું કેમકે અમારા ભત્રીજા અર્ચને તમારા કુટુંબ વિશે બહું સારો અભિપ્રાય આપ્યો છે. અને તે તો તમને વરસોથી સારી રીતે ઓળખે છે. તમે બંને બહું સારા મિત્રો હતા અને અચાનક છૂટા પડી ગયેલા.. પણ તમારી શ્રેયાને તો તે દીકરી જેવી માને છે. તો કરીશું કંકુના ? બોલો, કયારની તારીખ પાક્કી કરવી છે ?

અંકુરને તો પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. અર્ચને પોતાને માફ કરી દીધો હતો ?
તે દિવસે રાત્રે અંકુરે વરસો પછી અર્ચનને ફોન જોડયો.

‘ દોસ્ત, મને માફ કરી દે.. મેં.. ..ગળગળા અવાજે અંકુર વાકય પૂરું ન કરી શકયો.
‘ અરે, જવા દે યાર..અતીતની વાતો.. ભૂલ તો કોનાથી નથી થતી હોતી ? એને કંઇ ગણીને ગાંઠે ન બાન્ધવાની હોય. તારી જગ્યાએ હું હોત તો મેં શું કર્યું હોત એની મને પણ જાણ નથી. અને આમ પણ આપણી વચ્ચે જે હોય તે..પણ એનો ભોગ આપણી દીકરી શ્રેયા થોડી જ બને ? એને શૈશવમાં મેં રમાડી છે એ કેમ ભૂલી શકાય ?

‘ દોસ્ત, હું કાલે આવું છું તારે ઘેર…’ કહેતા અંકુરના શબ્દોમાં ભીનાશ ઉતરી આવી.
પાનખરમાં ખરી પડેલા એક સંબંધને વસંત આવતા જ ફરીથી લીલીછમ્મ કૂપળ ફૂટી હતી. અને એમાં કયાંયે પાનખરની કોઇ નિશાની નહોતી. સંબંધોની પણ કદાચ કોઇ મોસમ હોતી હશે ? એ પણ મૂરઝાતા અને ફરી ફરી મહોરતા રહે છે. સંબંધના સેતુ કદીક તૂટતા રહે છે તો કદીક બંધાતા પણ રહે જ છે ને ?

3 thoughts on “સંબંધસેતુ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s