સંબંધસેતુ..

“ એક સહરા આંખમાં ભીનાશને ઝંખી રહે,
અને આજે જુઓ તો હું તમારું આભ થઇ ઊભો..”

વરસોથી વિદેશમાં વસતા છોકરા કે છોકરી પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ કંઇક અલગ જ હોય છે. એમાં પણ લગ્નલાયક યુવક અને યુવતી જો વિદેશમાં રહેતા હોય તો તેની વેલ્યુ આપોઆપ વધી જાય છે. વિદેશ વસવાટને આજે લગ્ન મટેની કદાચ સૌથી મોટી લાયકાત માનવામાં આવે છે. કેમકે વિદેશનો ક્રેઝ કદી ઘટતો નથી. અનેક વાર આ અંગે સમાજ સામે લાલબત્તી ધરવામાં આવે છે. છેતરપિંડીના અનેક કિસ્સા અવારનવાર જાણવા મળતા રહે છે. અને છતાં બીજાની સાથે થયું માટે આપણી સાથે થશે જ એવું થોડું છે ? એવા કોઇ ભ્રમમાં રહેતા માતાપિતાને કે તેમના સંતાનોને વિદેશનો મોહ જલદીથી છૂટતો નથી. પછી ભલે જીવનભર પસ્તાવું પડે.. પણ જાત અનુભવ સિવાય જીવનના અમુક સત્યો સમજાતા નથી હોતા. અને દરેક વખતે જાત અનુભવ કેટલો મોંઘો નીવડી શકે છે એની ખબર તો પાછળથી જ પડે ને ? વિદેશમાં વસતા છોકરા સાથે લગ્ન કરવા એટલે સો ગરણે ગાળીને પાણી પીવું જોઇએ..એવી સલાહ અનુભવીઓ વડે અપાતી હોય છે. પણ એ જલદીથી સ્વીકારાતી નથી હોતી. ઉપરછલ્લી..થોડી ઘણી જે તપાસ શકય હોય તે કરાય છે. અને બાકી નસીબમાં હશે તે જ થશે કહીને છોડી દેવાય છે. અલબત્ત વિદેશમાં રહેતા દરેક છોકરા…છોકરીઓ એવા જ હોય છે એવું નથી હોતું. પણ આવા સંબંધ કરતી વખતે થોડી વધારે સાવચેતી..ઊંડી તપાસ કરવી તો જરૂરી બની રહે જ છે. એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી.

આજે આવી જ કોઇ વાત..

નીરવ અમેરિકાથી વીસ જ દિવસ માટે લગ્ન માટે દેશમાં આવ્યો છે એ જાણીને છોકરીઓની લાઇન લાગી હતી. કેમકે નીરવનું કુટુંબ સારું ગણાતું. સમાજમાં તેનું નામ અને એક ચોક્કસ સ્થાન હતા. સંસ્કારી, ખાનદાન અને શ્રીમંત આવા બધા ગુણૉ એક જ કુટુંબમાં જયારે દેખાતા હોય ત્યારે આવા છોકરા માટે છોકરીઓ અને તેના માત પિતા બંને ઉત્સુક હોય એ સ્વાભાવિક જ ગણાય.

અને શુચિના માતા પિતા તો નીરવના કુટુંબને વરસોથી ઓળખતા હતા. એટલે નીરવ આવ્યો છે એ જાણ થતા તેમણે પણ બીજા માતા પિતાની માફક નીરવના માતા પિતાનો સંપર્ક કર્યો હતો. આમ પણ શુચિ દેખાવે સુંદર, શિક્ષિત અને સંસ્કારી ઘરની હતી. આર્થિક રીતે પણ લગભગ સમોવડિયા જેવા જ હતા. તેથી બધી રીતે બંને કુટુંબ એકબીજાને અનુકૂળ હતા.

નીરવ આવ્યો અને બીજી છોકરીઓ સાથે શુચિને પણ જોવાઇ. બંનેને ગમ્યું. ગોળધાણા ખવાયા.. ખાસ કંઇ તપાસ કરવી પડે તેમ હતું નહીં .. કેમકે વરસોથી બંને કુટુંબ એક જ શહેરમાં રહેતા હતા. દસ દિવસમાં તો રંગે ચંગે લગ્ન સંપન્ન થઇ ગયા. અને પહેલા નીરવ અને પછી એક મહિનામાં શુચિ પણ અમેરિકા ઉપડી ગઇ.

નીરવનો સ્વભાવ આમ સારો હતો. ખાસ કોઇ તકલીફ નહોતી. પણ થોડા સમયમાં જ શુચિને ખબર પડીકે નીરવને પોતાના સિવાય એક અમેરિકન છોકરી સાથે પણ આવા કોઇ સંબંધો છે જે ફકત મૈત્રી પૂરતા સીમિત નથી. એ સ્વીકારવું કોઇ પણ છોકરીઓની જેમ શુચિ માટે પણ આસાન નહોતું. નીરવને પૂછતા તેણે કબૂલ કર્યું કે હા.. તેને જેનીફર સાથે સંબંધ છે. અને પોતે તે સંબંધ જીવનભર નિભાવવા માગે છે. અને સાથે સાથે શુચિને પણ હેરાન કરવા નથી ઇચ્છતો. . પરંતુ સ્વાભાવિક રીતે જ શુચિને એ કબૂલ નહોતું.
નીરવે કહ્યું કે જેનીફર તેને સાચો પ્રેમ કરે છે. પણ સંજોગોને લીધે તે તેની સાથે લગ્ન કરી શકે એમ નહોતી. તેથી તેણે શુચિ સાથે લગ્ન કર્યા હતા.અને જેનીફરને એમાં કોઇ વાંધો નહોતો.

શુચિએ બળને બદલે કળથી કામ લેવાનું નક્કી કર્યું. કેમકે નીરવમાં બીજી કોઇ ખામી નહોતી. પત્ની તરીકે તે શુચિને સારી રીતે રાખતો હતો. શુચિ પર કોઇ જાતના કોઇ બંધનો નહોતા.

ધીમે ધીમે શુચિએ જેનીફર સાથે સંબંધો વધારવા માંડયા. અને જેનીફરની ..તેના કુટુંબની દરેક વિગત જાણવાનો પ્રયત્ન કરવા લાગી. ત્યારે તેને ખબર પડી કે જેનીફરને તેના મોજશોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર હતી. અને બાકીના પૈસા વડે તે તેના એક બોયફ્રેંડને ભણવામાં મદદ કરતી હતી. અને તેનું ભણવાનું પૂરું થયા બાદ એ બંને લગ્ન કરી લેવાના હતા. એવો તેમનો પ્લાન હતો. નીરવ સાથે પ્રેમની વાતો કરીને તેને સાચી વાતથી તેણે અજાણ જ રાખ્યો હતો. ફકત નીરવ પાસેથી પૈસા પડાવવા પૂરતો જ તેનો સ્વાર્થ હતો. શુચિએ બધી સાચી વાત જાણીને નીરવને બધી વાત કહી. અને તેને પોતાની રીતે ખાત્રી કરી લેવા કહ્યું.

નીરવને પહેલા તો શુચિની વાત પર વિશ્વાસ ન આવ્યો. શુચિ સ્ત્રી સહજ ઇર્ષાથી આવી વાત કરે છે એવું જ તેને લાગ્યું. જેનીફર પર તેને પૂરો વિશ્વાસ હતો..પણ શુચિની વાત સાંભળી નીરવના મનમં પુરૂષ સહજ શંકાનો કીડો તો ચોક્કસ સળવળ્યો. આ વાતની સચ્ચાઇની ખાત્રી તો કરવી જ જોઇએ એવું તેને લાગ્યું.

હવે તેણે જેનીફરની દરેક હિલચાલની તપાસ કરવાની શરૂ કરી. અને થોડા જ દિવસ પછી તેને એ મોકો અચાનક મળી ગયો. એક દિવસ જેનીફર તેના બોય ફ્રેંડ સાથે વાત કરતી હતી ત્યારે તે છૂપાઇને સાંભળતો હતો.અને તેને શુચિની વાત સાચી છે તેનો અહેસાસ થતા તે સ્તબ્ધ બની ગયો. જેને તે આટલો પ્રેમ કરતો હતો તે ફકત પોતાનો..પોતાના પૈસાનો ઉપયોગ જ કરતી હતી ?

સાચી વાતની જાણ થતા તેનો મોહ ઉતરી ગયો. એક ભ્રમ હતો તે ભાંગી જતા સત્ય સામે આવ્યું. તેને થયું પોતે શુચિનો ગુનેગાર હતો. પોતે તેને અન્યાય કર્યો હતો એ હકીકત હવે તેને સમજાણી.

હકીકતે નીરવ ખરાબ નહોતો . ફકત જેનીફરના આંધળા પ્રેમમાં વિશ્વાસ મૂકીને તેણે શુચિને અન્યાય કર્યો હતો. તેણે શુચિની સાચા દિલથી માફી માગી. અને હવેથી પોતે આવી ભૂલ કદી નહીં કરે એની ખાત્રી પણ આપી.

અલબત્ત શુચિએ માફ કરતા પહેલા એક વાત જરૂર કરી.

નીરવ, આને હું તારી ભૂલ ગણીને માફ કરી શકીશ.. કોઇ લાચારી કે મજબૂરીથી નહીં.. તને ખબર છે કે હું એકલી પણ સારી રીતે રહી શકું છું..અને આ વાત જાણ્યા પછી મને તારા અને મારા બંને માતા પિતાનો દરેક રીતે સહકાર પણ મળી રહેશે એની પણ આપણને બંનેને ખબર છે. એટલે તને માફ કરવો એને મારી કોઇ મજબૂરી ન સમજીશ. લગ્ન પહેલા એ વાત તેં ન જણાવીને મારો અપરાધ તેં ચોક્કસ કર્યો છે. પણ હું એને ગણીને ગાંઠે બાંધી રાખવા નથી માગતી. જીવનમાં થાકીને બેસી જવા કરતા આગળ ચાલતા રહેવું જોઇએ.. એમ હું માનું છું .. પણ એક વાત યાદ રાખજે.. હવે આ નવા સમાજમાં કદીક સ્ત્રીથી કોઇ ભૂલ થઇ જાય તો પુરૂષે પણ ઉદાર બનીને માફી આપતા શીખવું જોઇશે..ભૂલ કરવાનો હક્ક જો પુરૂષને છે તો સ્ત્રીનો પણ છે જ..અને સાથે સાથે માફ કરવાની ઉદારતા પણ બંને પક્ષે હોવી જોઇએ.. સીતા જોઇતી હોય તો સામે રામ બનવાની તૈયારી રાખવી જ પડશે..

નીરવ તેની વાત સમજીને સ્વીકારી શકયો. અને અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. બેમાંથી કોઇના કુટુંબમાં આ વાતની કદી જાણ ન થવા પામી. આજે તો આ વાતને પૂરા પાંચ વરસ વીતી ચૂકયા છે.નીરવ અને શુચિ વચ્ચે સંબંધોનો મજબૂત સેતુ આજે પણ અડીખમ ઉભો છે. હવે એમાંથી કોઇ કાંકરી ખરે તેમ નથી.

જીવનમાં આવતા પ્રશ્નોને શાંતિથી, ધીરજથી અને સમજણથી ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ હલ થઇ શકે છે. દરેક પ્રશ્નને કોઇ ને કોઇ ઉકેલ હોય જ છે. એ શોધતા આવડવું જોઇએ.. સંબંધો તોડતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ. એવું નથી લાગતું ? અને જયારે કોઇ સંબંધ મૂળમાંથી જ સડી ગયેલો લાગે અને બીજો કોઇ ઉપાય ન જ દેખાય ત્યારે દુખી થવાને બદલે એને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેતા પણ ન અચકાવું જોઇએ. તો જ નવા સંબંધોની કૂંપળ ને ફૂટવા માટે અવકાશ રહે ને ?

શીર્ષક પંક્તિ..હર્ષદ પંડયા..

2 thoughts on “સંબંધસેતુ..

  1. Respected sister,Jay Shree Krishna.wish u a happy n cheerful day as it passes…Wow!!! what a
    gr8 story is…I’m touched!!! can’t said only thanks….u really write a story that teaches n saves so
    many lifes!!! U r truly wonderful.
    Your’s Karttika naa smit-pallav.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s