સંબંધસેતુ..

મહેકે સંબંધ સહુ એકમેકના વિશ્વાસથી
વિશ્વાસનું આવરણ જિંદગી બદલી શકે

સાચી મૈત્રીને કોઇ નાત જાત નથી હોતા..કોઇ ઉચ્ચ નીચ કે ગરીબ અમીરના કોઇ ભેદભાવ નથી નડતા હોતા. મૈત્રીભાવનું આવું પવિત્રઝરણું જેના હ્રદયમાં વહેતું હોય..જેને આવી મૈત્રી સાંપડી હોય એ આ જગતમાં ખરેખર નસીબદાર કહેવાય. આવો સંબંધ મેળવવાની પણ લાયકાત હોવી જોઇએ. મૈત્રી બંને પક્ષે આવી નિર્મળ હોય તો જ મૈત્રીની સુવાસ અનુભવાઇ શકે. મૈત્રીનો સંબંધ જયારે દિલનો હોય તો આ સંબંધમાં સૌથી મોટી વાત એ છે કે તેમાં સાચા ખોટા લાગવાનો કે કોઇ વહેવાર નો કે કોઇ પ્રકારનો ભાર નથી હોતો. ફૂલની હળવાશ અનુભવી શકાય એવો આ મૈત્રી સંબંધ પામવા માટે પહેલા આપણે જાતે એવા મિત્ર બનવું પડે.

આજે આવી જ કોઇ મૈત્રીની વાત ..

બિરવા અને માલા ચાર વરસથી એક જ હોસ્ટેલ અને એક જ કોલેજમાં ભણતા હતા. બને રૂમ પાર્ટનર હતા. હકીકતે માલા ભણતી હતી એ બિરવાના પિતાની મહેરબાનીથી જ.. માલા ગરીબ કુટુંબની છોકરી હતી. જયારે બિરવા શ્રીમંત માતા પિતાની લાડકી પુત્રી હતી. પરંતુ શ્રીમંતાઇની સાથે સાથે તેનામાં સંસ્કારની પણ ઉણપ નહોતી. માલા તેમના બંગલાની બાજુમાં જ રહેતી હતી. અને નાનપણમાં બંને સાથે રમતા હતા. ભણવામાં પણ બંને હોંશિયાર હતા. માલાની સ્કૂલની ફી તથા બીજો ખર્ચો બિરવાના મમ્મી, પપ્પા જ આપતા હતા. દરે વરસે તેઓ બે વિધ્યાર્થીઓને ભણાવતા હતા. એમાં એક માલા હતી. જેના પિતા એક ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરત હતા.

શહેરની કોલેજમાં હોસ્ટેલમાં મૂકીને દીકરીને ભણાવવાની તેમની હેસિયત નહોતી. પરંતુ માલા ભણવામાં હોંશિયાર હતી તેથી બિરવાએ પોતાના મમ્મી, પપ્પાને કહીને માલાની ફી અને હોસ્ટેલના બધા ખર્ચાની જવાબદારી લીધી હતી. આમ માલાનો અભ્યાસ બિરવાને લીધે જ ચાલુ રહી શકયો હતો. પરંતુ બિરવાના વર્તનમાં કયારેય એ વાતનો પરોક્ષ રીતે પણ ઉલ્લેખ નહોતો આવતો. બીજા કોઇને કદી આ વાતની જાણ સુધ્ધાં નહોતી થવા પામી. માલા ઓશિયાળા પણું અનેભવે એવો બિરવાના વર્તનમાં કશું જ નહોતું. બંને વચ્ચે સાચી મિત્રતા પાંગરી હતી. હકીકતે બિરવાને તો પોતાને યે એવો અહેસાસ નહોતો કે પોતે કે પોતાના મમ્મી, પપ્પા માલા માટે કશુંક કરે છે.. બંને બહેનપણીઓ સાથે રહેતી ઝગડતી.. રિસાતી, મનાતી, ભણતી અને સાથે આનંદ કરતી. બંને એકબીજા મટે કંઇ પણ કરવા તૈયાર જ હોય. બંનેને એકબીજા માટે દિલની લાગણી હતી.નિસ્વાર્થ સ્નેહના તંતુથી બંનેના હૈયા જોડાયેલા હતા. કોલેજમાં બંનેની મૈત્રી અતૂટ ગણાતી. ઘણાં એ તેમની વચ્ચે ગેરસમજ કરવાના..બંનેને છૂટા પાડવાના..ઝગડા કરાવવાના પ્રયત્નો કરી જોયા હતા..પણ કોઇ એમાં સફળ નહોતું થઇ શકયું. માલા ગરીબ છે અને બિરવા શ્રીમંત છે એવો પણ કોઇને ખ્યાલ આવે તેમ નહોતો. કેમકે બંને સમાન રીતે જ રહેતા હતા.

હવે બંને કોલેજના છેલ્લા વરસમાં આવ્યા હતા. પથિક તેમની સાથે જ ભણતો હતો. ત્રણેની મિત્રતા બહું ગાઢ હતી. માલા અને પથિક એકમેક તરફ આકર્ષાયા હતા. મિત્રતાથી એક પગલું આગળ ભરવ અતરફ બંનેની મૈત્રી વધી રહી હતી. પથિકે બે દિવસ પહેલા જ માલા પાસે પ્રેમનો પ્રસ્તાવ મોકયો હતો. પણ ન જાણે કેમ માલાએ તેને પછી જવાબ આપીશ એમ કહીને વિચાર કરવા માટે અઠવાડિયાની મહેતલ માગી હતી. હકીકતે માલાને વિચાર કરવા જેવું કશું નહોતું. તેને પણ પથિક ગમતો હતો.. તેના પ્રેમ માટે તેને ઝંખના હતી.પણ અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે બિરવાને પણ પથિક સાથે સારું બને છે.કયાંક મનમાં તે પથિકને ચાહે છે એવું તો નથી ને ? પથિકને જવાબ આપતા પહેલા તેને એ જાણી લેવું જરૂરી લાગ્યું અને તેથી જ તેણે પથિકને રાહ જોવાનું કહ્યું હતું.
અને તેની ધારણા સાચી પડી. બિરવા સાથે વાત થતા એને ખ્યાલ આવ્યો કે બિરવા મનોમન પથિકને ચાહે છે. આમ પણ બંને બહેનપણીઓ વચ્ચે ખાનગી રાખવા જેવું કશું નહોતું. બિરવાને પૂછતા તેણે તુરત કહ્યું કે પોતે પથિકને પ્રેમ કરે છે.પણ યોગ્ય સમયે જ વાત કરશે. આમ પણ પથિક બિરવાની જ જ્ઞાતિનો છે અને બંનેની આર્થિક સ્થિતી પણ સરખી છે તેથી કોઇ વાંધો આવે તેમ નથી. એવી બધી વાતો બંને બહેનપણીઓ વચ્ચે સહજતાથી થઇ. પછી અચાનક બિરવાએ તેને પૂછયું..
‘ માલા, પથિક માટે તારા મનમાં તો એવી કોઇ ભાવના નથી ને ? હોય તો મને કહેજે હોં..
ના..બાબા..ના હું ને પથિક ? આપણે ત્રણે મિત્રો ખરા..પણ જીવનભર માટે મારો ને પથિકનો મેળ ન ખાય..
માલા, પથિક મારે માટે તો તને બરાબર લાગે છે ને ?
બરાબર..? અરે, પરફેક્ટ મેચ રહેશે તમારા બંનેની જોડી.. અને પછી તો બંને વચ્ચે ઘણી મસ્તી મજાક ચાલી રહી. બંનેના મન હળવા થઇ ગયા હતા. માલાને જે જાણવું હતું તે તેણે જાણી લીધું હતું.
બીજા દિવસે તેણે પથિકને સોરી કહ્યું.

સોરી, પથિક, મેં તારી વાત પર વિચાર કર્યો.પણ જીવનસાથી તરીકે મને નથી લાગતું આપણે એકબીજ માટે યોગ્ય નીવડીશું.. મને તારા માટે એ પ્રકારની કોઇ ફીલીંગ્સ નથી થતી. મને લાગે છે આપણે મિત્ર છીએ અને મિત્ર રહીએ એ જ બરાબર છે.
પથિકે માલાની વાત સહજતાથી સ્વીકારી લીધી.

ઇટ્સ ઓકે..સારું થયું માલા, આપણા સંબંધની શરૂઆતમાં જ આ સ્પષ્ટતા થઇ ગઇ.. સંબંધોમાં ગૂંચવણ ઊભી થાય તે પહેલા આપણે નિખાલસતાથી વાત કરી લીધી એ સારું થયું.
અને માલા હળવી ફૂલ જેવી બની ગઇ.
અંતે બધાનું ભણવાનું પૂરું થયું. બિરવા અને પથિક વચ્ચે હવે પ્રેમ પાંગરી ચૂકયો હતો. બંને એકમેક માટે બધી રીતે અનુકૂળ હતા. અને એક દિવસ..બિરવાએ તેના માતા પિતાને વાત કરી અને બંનેના માતા પિતા મળ્યા. ના પાડવાનું કોઇ કારણ બંને પક્ષે નહોતું..
અને આજે બિરવાના હાથમાં પથિકે સગાઇની વીંટી પહેરાવી ત્યારે માલાને મનમાં એક સંતોષની લાગણી જરૂર થઇ. પોતે જીવનમાં કદી બિરવા કે તેના માબાપ માટે કશું નહોતી કરી શકવાની..આજે તેને કશુંક કરવાનો મોકો મળ્યો હતો અને સદનસીબે તેણે તે મોકો ગુમાવવાને બદલે ઝડપી લીધો હતો.

બિરવા અને પથિકના લગ્ન થયા ત્યારે સૌથી વધારે ખુશી માલાને જ હતી. બિરવાને વિદાય આપતા તેની આંખો છલકાઇ હતી. બંને બહેનપણીઓને ભેટતા જોઇને બિરવાના પપ્પાએ કહ્યું હતું..

માલા બેટા, આજે એક દીકરીને અમે વિદાય કરી હવે અમારી બીજી દીકરી માલાનો વારો. એ જવાબદારી પણ અમે જ નિભાવીશું
..
અને બિરવાના પપ્પાએ એ જવાબદારી પણ સારી રીતે નિભાવી. થોડા સમયમાં જ માલાના પણ લગ્ન થઇ ગયા. અને આજે પણ બંને બહેપણીઓ વચ્ચેની મૈત્રી અતૂટ છે. બંને પોતપોતાના સંસારમાં ખુશ છે.

સંબંધોના આવા સેતુ પણ રચાતા હોય છે. જેમાં કોઇ વિખવાદને ..કોઇ શંકા, કુશંકાને સ્થાન નથી હોતું. આ તો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.. જેમાં સૌનું શુભ થવાની ભાવના જ હૈયામાં રહેતી હોય છે.

આવી મૈત્રીને સલામ.. આપણે પણ આવા મિત્ર બનીશું તો સામે પણ એવી મિત્રતા મળી જ રહેશે..

( સ્ત્રીમાં પ્રકાશિત થતી નિયમિત કોલમ )

3 thoughts on “સંબંધસેતુ..

 1. Respected nilamdidi,jay shree krishna.have happy n gr8 day as it passes…wow! what a good story!! right now we all need those kind of true n loving friends n most important in our each other relationship.I’m sure if we get this golden key then……world going to be “God’s swarg” n By God’s
  grace I’m so lucky that I’ve good,true friends n relatives too.

  Like

 2. નિલમબેન..પ્રસ્તુત કૃતિ એક મિત્રને અને તેની મિત્રતા વિશે ઘણું બધું કહી જાય છે..એને શબ્દોના સથવારે વ્યક્ત કરી શકાય એના કરતાં અનેક ઘણું કશુંક અવ્યક્ત રીતે જાણે દિલને સ્પર્શતું હોય એવી અનુભૂતિ થઈ!!!!..આપની કલમ… કલમ ઓછી પણ એક પીંછી વડે દોરેલું..કલ્પનાના આછેરા રંગો વડે..જીન્દગીની ધૂપ છાંવની પ્રતિતી કરાવતી એક શબ્દ્ચિત્રની… સર્જક્ના અનુભવ થકી પાંગરેલ એક મિત્રની દાસ્તાન લાગી…ધન્યવાદ..ઉષા

  Like

 3. સામાજીક સંબંધોમાં નિઃસ્વાર્થ મૈત્રીનું બંધન અમુલ્ય છે .. દીદી.. આપની કલમ દ્વારા થયેલુ આલેખન હમેશની જેમ ” હટકે ” જ હોય, ખરુ ને ?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s