ચપટી ઉજાસ..130

કડવી દવા..

હમણાં સ્કૂલેથી આવીને હું રોજ માસીને ઘેર પહોંચી જાઉં છું. તેમની નાનકડી આન્યાને રમાડવા માટે.. ફૈબા અને માસીએ નાની બેબીનું નામ “ આન્યા “ પાડયું છે. મને આન્યા બહું ગમી ગઇ છે. હું તો હવે કેવડી મોટી થઇ ગઇ છું. પૂરા ચાર વરસની. હું તો આન્યાના નાનકડા હાથ, નાનકડી આંગળીઓ જોતી રહું છું. માસીને કહું છું, ’ માસી, આન્યાને જલદી જલદી મોટી કરી દો..એટલે હું એને મારી સ્કૂલે લઇ જઇશ તેની સાથે રમીશ.

તું આન્યાનું ધ્યાન રાખીશ ને ?

હા..માસી..મેં તુરત માથું હલાવ્યું. માસી હું પણ આન્યાનું ધ્યાન રાખીશ.. જયને પણ આન્યા બહું ગમે છે. એટલે એ પણ બોલ્યો..કોપીકેટ… .

આન્યાને માસી ઘોડિયામાં સૂવડાવે છે. હું ને જય વારાફરથી એને હીંચકાવીએ છીએ.. એની પાસે મોટેમોટેથી ગીતો, પોએમ્સ ગાઇએ છીએ.. આન્યા ટગર ટગર અમારી સામે જોતી હોય છે. કયારેક હસતી પણ હોય છે. એ હસે એટલે હું ને જય તાળી પાડી ઉઠીએ.. જોકે આન્યાને સૂવાનું વધારે ગમે છે એવું મને લાગ્યું. કેમકે એ દિવસના પણ બહું સૂતી રહે છે. હું કે જય કંઇ દિવસે નથી સૂતા.. ખાલી રાત્રે જ સૂઇએ છીએ.. કયારેક મમ્મી કે દાદીમા બપોરે સૂવાનું કહે છે.. પણ અમને સૂવાનું ગમતું નથી.. રમવાનું વધારે ગમે છે.

આન્યાના નાનીમા પણ આન્યાનું ધ્યાન રાખે છે. આન્યાના મોઢામાં એકે ય દાંત નથી..સાવ બોખી.. એ બ્રશ પણ નથી કરતી. આન્યા કંઇ ખાતી નથી. બસ ખાલી દૂધ પીવે છે.
માસીના ફળિયામાં ઘણાં ઝાડ છે. ફૈબાએ મને એ બધા ઝાડના નામ પણ શીખડાવ્યા છે. એક લીમડો છે.. એક ગુલમહોર છે.. હમણાં એની ઉપર રેડ રેડ ફૂલ આવ્યા છે. હું ને જય કયારેક એ ફૂલ ખાતા પણ હોઇએ છીએ.. અમને બંનેને બહું ભાવે છે. એક વાઇટ ફલાવર..સાવ ટચુકડા..એનું નામ જૂઇ છે.. ફૈબા કહે, જૂઇનું ફૂલ જેમ સુગંધવાળું હોય છે.ને એમ મારી જૂઇ પણ સુગંધિત થશે..એટલે તો તારું નામ જૂઇ પાડયું છે. એટલે જૂઇનું ફૂલ મને બહું ગમે છે. એ તો મારું ફૂલ કહેવાય ને ? હું એ ફૂલ હાથમાં રાખીને ઘણીવાર સૂંઘતી રહું છું. નાક પાસે રાખીને ઉંડા ઉંડા શ્વાસ લેતા મને ફૈબાએ શીખડાવ્યું છે. એ સુગંધ મને બહું સરસ લાગે છે. મારું જોઇને જય પણ ફૂલ સૂંઘે છે. આજે એણે એક ફૂલ લઇને આન્યાના નાક પાસે રાખ્યું..
આન્યા..જો કેવી સુગંધ છે..એને સૂંઘ તો ખરી..

ત્યાં આન્યાના નાનીમા આવ્યા, જયે આન્યાના નાક પાસે ફૂલ રાખ્યું હતું..એ તેમણે જલદી ઉપાડી લીધું.

‘જય, આન્યા હજુ નાની છે..એની પાસે ફૂલ કે કંઇ ન રખાય.. એને બહું અડાય પણ નહીં..એને લાગી જાય તો ? તને ગમે આન્યાને લાગી જાય તો ? ‘ જયે ના પાડી.
તો બસ..આન્યાને બહું અડયા સિવાય જ રમાડવાની.

પણ અડકયા સિવાય કેમ રમાડાય ? અમે બંને આન્યાને એના રમકડા બતાવીએ છીએ.. એ કંઇ હજુ પકડી શકતી નથી. ખાલી જોતી રહે છે.

આજે હું ને જય એને રમાડવા આવ્યા ત્યારે એ બહું રડતી હતી. કેમેય ચૂપ નહોતી થતી. જયને મજા ન આવી. હું એની પાસે કેવા ઘૂઘરા વગાડતી હતી. તાળીઓ પાડતી હતી..પણ તોયે આન્યા જોતી નહોતી કે ચૂપ નહોતી થતી. માસી એને તેડીને ફરતા હતા. પણ એનું રડવાનું બંધ નહોતું થતું.
જયે માસીને કહ્યું,

‘ માસી એને પાછી તમારા પેટમાં મૂકી દો ને.. કેવી રડે છે. !

માસી હસી પડયા..

‘ મેં કહ્યું, જય, એમ કંઇ પાછી પેટમાં ન મૂકાય. એ તો હોસ્પીટલમાં ડોકટર પાસે જઇએ તો એને જ મૂકતા આવડે..કાઢતા પણ એને જ આવડતી હતીને..માસી આન્યાને પેટમાંથી બહાર કઢાવવા માટે હોસ્પીટલમાં જ ગયા હતા ને ? ‘
મેં જયને સમજાવ્યું.

મને તો કેટલી બધી ખબર પડે છે..હું તો મોટી થઇ ગઇ છું ને..જયને બિચારાને કંઇ ખબર નથી પડતી.

જય કહે,
‘ માસી, આપણે હોસ્પીટલમાં જઇને આન્યાને પાછી પેટમાં મૂકાવી દઇએ..જુઓને કેવી રડે છે.ચૂપ જ નથી થતી. ડાહી થઇ જશે એટલે પાછી કઢાવી લેશું.’

માસી તો હસી પડયા.
‘ જય, એમ પાછી પેટમાં ન મૂકાય. આન્યાને છે ને પેટમાં દુખતું હશે ..એટલે એ રડતી હશે.. એને હજુ તારી જેમ બોલતા નથી આવડતું ને ? એટલે એ રડીને આપણને કહે છે.

ઓહ..આન્યાને બિચારીને પેટમાં દુખતું હશે ? બિચારી બોલી પણ નથી શકતી.મને તો પેટમાં દુખે એટલે હું તુરત મમ્મીને કહું.. મમ્મી કંઇક કડવી ફાકી આપે એ પણ હું ખાઇ જાઉં..

‘ જૂઇ તો ગમે તેવી કડવી દવા પણ પી લે… જયારે જય તો દવાનો સાવ ચોર છે..’ એમ ઘરમાં બધા કહે છે.
ફૈબા તો કયારેક એવું પણ બોલે..

‘ જૂઇ છોકરી છે ને ? ભવિષ્યમાં કડવા ઘૂંટવા ગળવાના તો એને ભાગે જ આવવાના ને ? એટલે અત્યારથી કડવી દવા પણ ચૂપચાપ પી લે છે.’ આનો શું અર્થ થતો હશે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s