ચપટી ઉજાસ..129

ચપટી ઉજાસ..129
ગર્લ કે બોય ?

આજે માલામાસી હોસ્પીટલમાંથી ઘેર આવવાના છે. હું ને ઉમંગી ફૈબા માસીને ઘેર આવ્યા છીએ. ફૈબાએ ઘરના દરવાજાને ફૂલોથી શણગાર્યો છે. આંગણામાં રંગોળી બનાવી છે. એમાં નાનકડી પરી ચીતરી છે.દીવાલ ઉપર ફુગ્ગા લટકાવ્યા છે. મને તો આ બધું જોવાની મજા આવી. પણ આજે ફૈબાએ માસીના ઘરમાં આવું બધું કેમ કર્યું એ મને ખબર ન પડી.

‘ જૂઇ, આજે તારા માલામાસીની પરી આવવાની છે પહેલીવાર એના ઘરમાં..એનું સ્વાગત તો કરવું જોઇને ?

‘ દાદીમા કહે, રહેવા દે..ઉમંગી.. તને ખબર છે. માસાને જરાયે નથી ગમ્યું..દીકરી આવી તે.. એમાં તું આ બધું શણગારીશ એ એમને જરાયે નહીં ગમે. આપણે ન લેવા કે ન દેવા.. નકામા શા માટે ?

મમ્મી, માસાને ન ગમે તો કંઇ નહીં..હું કંઇ એમના માટે નથી કરતી. માસી કેવા ખુશ થશે..આટલા વરસે એમનો ખોળૉ ભરાયો છે.. અને પહેલીવાર બાળક લઇને ઘેર આવે છે. તો એનું સ્વાગત કરનાર કોઇ નહીં ? આમ કેમ ચાલે ?

પહેલું બાળક એ સાચું..પણ એ દીકરો હોય તો વધામણા હોય.. જોયું નહીં ? એના સાસુ ગામડેથી આવ્યા હતા..પણ દીકરી આવી એટલે બીજે જ દિવસે ચાલ્યા ગયા.

હા.માસી બિચારા કેવા રડી પડયા હતા ? તબિયત સારી નહોતી તો પણ ન રોકાયા તે ન જ રોકાયા.. અને એટલે જ એમને ઓછું ન આવે માટે જ હું આ બધું કરું છું. ‘
દાદીમા કહે, આપણે કોઇની પંચાતમાં પડવું નહીં

.. દાદીમા અને ફૈબા આ વળી કેવી વાતો કરતા હતા ?

પણ ત્યાં તો માસી ને માસા આવી ગયા. માસીના ખોળામાં નાનકડું બાબુ હતું. હું તો જોઇ જ રહી. માસા તો સીધા અંદર ચાલ્યા ગયા. પણ માસીને ફૈબાએ બહાર જ ઉભા રાખ્યા.

ત્યાં મમ્મી આવી. મમ્મીએ માસીની ને નાનકડા બાબુની આરતી ઉતારી. ફૈબાએ તેમની ઉપર ફૂલ નાખ્યા.એ જોઇને મેં પણ ફૂલ નાખ્યું..માસી ઉપર..

માસી કેમ રડી પડયા ? એ મને ન સમજાયું.

માસી દાદીમાને પગે લાગ્યા. દાદીમાએ કહ્યું,

‘ માલા, મનમાં ઓછું ન લાવીશ. ધીમે ધીમે બધું ઠીક થઇ જશે.

ફૈબા અને મમ્મી કહે, માસી અંદર આવોને હા. આ તમારી ઢીંગલી અમને લાવો..
‘ ફૈબા, આ ગર્લ છે કે બોય ?
‘ ગર્લ.. છે.

કોણે કહ્યું કે આ ગર્લ છે ? તમને કેમ ખબર પડી ? કે એ બોય નથી ને ગર્લ છે. ? અપણે એને બોયના કપડાં..જય જેવા પહેરાવીએ તો એ બોય બની જાય ને ?

બેસ હવે ડાહી થતી.. દાદીમા ખીજાયા. પણ ફૈબા તો હસી પડયા. જૂઇ, આપણે આનું નામ શું પાડીશું ?..

બેબી સૂતી હતી. ફૈબાએ બેબીના ફોટા પાડયા.. માસીના પણ પાડયા. અમારા બધાના ફોટાઓ પાડયા. પછી માસી અંદર ગયા અને સૂતા. માસી અત્યારે કેમ સૂઇ ગયા એ મને ન સમજાયું.
મારે બેબીને રમાડવી હતી.પણ ફૈબા કહે,

‘ અત્યારે સૂઇ ગઇ છે. જાગશે પછી આપણે પાછા આવીશું. હવે એ કયાંય નથી જવાની. તું રોજ રમાડજે.
મમ્મી માસી માટે કશુંક લાવી હતી અને કંઇક પૂછતી હતી. મારું ધ્યાન તો ખાલી નાનકડી બેબીમાં હતું. કેવી સરસ પીંક પીંક હતી..

‘ જૂઇ, આપણે આ બેબીનું નામ શું રાખીશું ? ફૈબાએ કહ્યું. હું તો મારી બધી ફ્રેંડસ ના નામ બોલવા લાગી.

ફૈબા હસી પડયા.’

જૂઇ, તારી બહેનપણીઓના નામ મેં નથી પૂછયા. ઓકે..આપણે પછી નક્કી કરીશું.. માસીને પૂછીને સરસ નામ શોધીશું.

માસી ધીમેથી કહે,

‘ તમારા બધાનો આભાર કેમ માનું ? એ સમજાતું નથી.તમે ન હોત તો.. અને આ ઉમંગીએ તો મને એનું લોહી આપીને હમેશની ઋણી બનાવી દીધી છે.’

‘ બસ..બસ..હવે અત્યારે ચૂપચાપ સૂઇ રહો.. પાછી તમારી આ પરી ઉઠી જશે ને તો સૂવા નહીં મળે. તમારા મમ્મી કાલે તો આવી જવાના છે.બરાબર ને ? ‘

‘ હા..કાલે તો પહોંચી જશે.’

‘ સરસ ચાલ, માલા, હવે તું આરામ કર.. હું થોડીવાર પછી આવી જઇશ.’

‘ હા..બા..તમે પણ હવે થાકયા હશો.મારી પાછળ આટલા દિવસથી દોડાદોડી કરો છો..’

‘ પહેલો સગો તો પડોશી જ કહેવાય ને ? આવે ટાઇમે કામ ન આવીએ તો સંબંધ શું કામના ? હું કદીક બોલી જતી હઇશ..પણ તમે બધા માનો છો એવી ખરાબ તો નથી હોં..

હા..જૂનવાણી ખરી..પણ એ તો હવે એમાં કાંઇ થાય નહીં. તમારે સૌએ એ નિભાવ્યે જ છૂટકો..’
‘ અરે, બા..તમને કોઇ ખરાબ ન કહે..વડીલ કયારેક બે શબ્દો કહે તો કંઇ ખરાબ થોડા થઇ જાય ?

‘ અરે, આ મારી દીકરીને જ હું ખરાબ લાગું છું એનું શું ?

દાદીમાએ ઉમંગી ફૈબા સમે જોઇને કહ્યું.

ફૈબા હસી પડયા અને દાદીમાને ભેટી પડયા..

‘ મારે જે કહેવું હોય એ મારી માને હું કહી શકું..બાકી બીજા કોઇ કહે જોઇએ.. મારી માને ખરાબ કહેવાની કોઇની હિમત છે ખરી ? હેં ને જૂઇ ?’

હું કશું બોલ્યા સિવાય દોડીને દાદીમાને વળગી પડી..

શું કામ ? એની કોઇ સમજણ વિના..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s