ચપટી ઉજાસ..128

નાનું બાબુ આવ્યું..

આજે માલામાસીને પેટમાં બહું દુખતું હતું.. માસા સવારમાં દાદીમાને બોલાવવા આવ્યા હતા. દાદીમા તેની સાથે હોસ્પીટલે ગયા હતા.માસીને બહું દુખતું હશે ને ? એ જલદી સાજા તો થઇ જશે ને ?

‘ માલા, ચિંતા ન કર..થોડું કઠણ થવાનું. આવે સમયે દુખવાનું તો ખરું જ ને ?

દાદીમા તો ન જાણે કેવું યે બોલતા હતા..

મારે તો સ્કૂલે જવાનું હતું. એટલે હું ને જય સ્કૂલે ગયા હતા. મને તો આજે સ્કૂલમાં પણ મજા ન આવી. માલામાસીને વધારે દુ:ખતું હશે ? એ માસી તો મને કેવા વહાલા હતા.

આજે સ્કૂલમાં અમને લેવા માટે મંજુબેન આવ્યા હતા. તેમણે કહ્યું કે મમ્મી અને ફૈબા પણ માલામાસી પાસે હોસ્પીટલે ગયા છે. મારે પણ માસી પાસે જવું હતું. પણ મને કોઇ ન લઇ ગયું. અમને તો કોઇ લઇ જાય ત્યારે અને તો જ જવાય ને ? બાકી તો મોટાઓ ફટ દેતા કહી દે..
‘ ત્યાં છોકરાઓનું કામ નહીં..એમને ન અવાય.’

અમે તો જણે સાવ નકામા..અમને કંઇ આવડે નહીં..અમારાથી આ ન કરાય અને તે ન કરાય… મોટાઓને પૂછયા સિવાય કંઇ પણ કરીએ એટલે અમે તોફાની..

મંજુબેને અમને બંનેને જમાડયા. પણ મને જરાયે મજા ન આવી. મેં તો સાવ થોડુંક ખાધું. જય તો ખાવાને બદલે તોફાન જ કરતો હતો. એનું ધ્યાન તો ખાવામાં હતું જ નહીં. મંજુબેન કહે,
‘ આ જયને જમાડવો એટલે તોબા..એક જગ્યાએ બેસીને જમતા શીખ્યો જ નથી ને ? આ એની દાદીએ ખોટા લાડ લડાવીને બગાડયો છે. કોઇનું સાંભળતો જ નથી. એના કરતા જૂઇ સારી..માને તો ખરી..

‘ મારા કરતા જય તોફાની છે..એમ મને તો ખબર હતી જ.. પણ દાદીમા કયાં માનતા હતા ? એને તો જય ડાહ્યો ને હું તોફાની..

થોડીવાર પછી મમ્મી એકલી આવી.
મંજુબેને મમ્મીને પૂછયું,
‘ શું થયું ? શું આવ્યું માલાબેનને ? અને બા અને ઉમંગીબેન કયાં ?’

‘ બંને માલાબેન પાસે બેઠા છે. તેમને દીકરી આવી છે. લોહી ચડાવવું પડયું. તબિયત બહું બગડી ગઇ હતી. સારું થયું ઉમંગીબેનનું લોહી મેચ થઇ ગયું.. તેથી કયાંય શોધવા ન જવું પડયું.

તે ઉમંગીબેને લોહી આપ્યું ? એમાં એને કંઇ ન થાય ?

‘ ના..રે મંજુબેન એમાં ઉમંગીબેનને કંઇ ન થાય.. આપણું લોહી બીજાને કામ લાગે એ તો બહું સારું કહેવાય ને ?

‘ તે ઉમંગીબેનને નબળાઇ ન આવી જાય ? એમ પોતાનું લોહી આપી દે તો.
ના મંજુબેન, ડોકટર કંઇ બધું લોહી ન લઇ લે.. એમાં કંઇ નબળાઇ ન આવે.
અમને અભણ લોકોને આવી બધી ખબર ન પડે.
‘ એટલે તો કહું છું..તમારા છોકરાઓને ભણાવજો..

‘ બેન ભણાવીએ કે જમાડીએ ? ‘

ન જાણે કેવી કેવી વાતો થતી રહી.. મને સમજાયું નહીં. ત્યાં મમ્મી કહે,

‘ જૂઇ, માસીને ત્યાં તારા જેવડી નાનકડી બેબી આવી.. ‘

‘ કયાંથી આવી ? ‘

‘ કેમ ફૈબાએ તને તે દિવસે નહોતું સમજાવ્યું કે માસીના પેટમાં નાનકડું બાબુ છે ?

‘ એટલે હવે બાબુ પેટમાંથી બહાર આવી ગયું ? ‘ મેં મમ્મીને પૂછયું.

‘ હા..આવી ગયું. ‘

‘ મંજુબેન, માલાબેનને બિચારાને દીકરો આવી ગયો હોત તો સારું હતું. દીકરી આવી એટલે હવે …’ મમ્મી કંઇક બોલતા બોલતા અટકી ગઇ.

‘ મંજુબેન , જય જમ્યો કે નહીં ? કયાં ગયો ? દેખાતો નથી.

‘ ના રે..બેન , એ મારી પાસે જમે ? કેટલું ફોસલાવ્યો..પણ એ મારું થોડું સાંભળે છે ? બેસે જ નહીં ને..દોડીને ભાગી જાય ..

મમ્મી જયને શોધવા…કે બોલાવવા ગઇ. જય બાથરૂમમાં ઉભો ઉભો પાણી ઢોળતો હતો. ને આખો ભીનો થઇ ગયો હતો.

‘ જૂઇ, તેં જમી લીધું કે નહીં ? કે તું યે જયની જેમ તોફાન કરતી હતી ?

મેં માથું હલાવીને હા પાડી..કે મેં તો જમી લીધું છે. હું તો ડાહી છું.. ખાલી જય જ નથી જમ્યો.
‘ માસીના પેટમાંથી બાબુ બહાર આવી ગયું..કોણે કાઢયું હશે ? કેવી રીતે કાઢયું હશે ? મારા પેટમાં નીચે કાણું છે. એવા કાણામાંથી બહાર આવ્યું હશે ? એ કાણાને દુટી કહેવાય.. એમ મમ્મીએ કહ્યું છે. પણ એ તો સાવ નાનકડું કાણું છે.એમાંથી બાબુ કેવી રીતે બહાર આવી શકે ? મારે ફૈબાને કે માસીને જ પૂછવું પડશે. મમ્મીએ મંજુબેનને કહ્યું હતું કે દીકરી આવી..

‘ દીકરી વળી કયાંથી આવી ? દીકરી એટલે ગર્લ કે બોય ?મમ્મીએ કહ્યું હતું..તારા જેવી બેબી આવી..

‘ મારા જેવી બેબી ? હું તો ગર્લ છું..તો માસીને પણ ગર્લ આવી હશે ? હું તેની સાથે રમીશ. મજા આવશે. માસીની ગર્લ ને જોવાનું મને બહું મન થઇ ગયું. પણ મમ્મીએ કહ્યું કે માસી હજુ હોસ્પીટલમાં છે. થોડા દિવસ પછી આવશે..

માસી જલદી આવી જાય તો સારું.. જેથી હું જલદી જલદી તેને જોઇ શકું ને રમી શકું.
કેવી હશે માસીની ગર્લ ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s