અત્તરગલી.. 1
મંગલાચરણ..

“ અત્તરની આ ગલી મઘમઘતી આવી છે.
સુવાસથી તરબોળ થવાનું નોતરૂ લાવી છે. “

અત્તર… એક નાનું અમથું..સાવ ટચુકડું બુંદ પોતાની આસપાસના વાતાવરણને કેવું મહેકતું કરી શકે છે ! એની સુવાસ. એની એ મહેક એ જ એની પહેચાન છે. અત્તરના ટીપાને પોતાની ઓળખાણ નથી આપવી પડતી…કે હું મોગરાનું છું.. કે ગુલાબનું છે કે કેવડા કે ચંદનનું છે. એનું હોવું એ જ એની પહેચાન છે..એની ખુશ્બુ એ જ એનો પરિચય છે. અને એ મૌન ..સુવાસથી તરબતર પરિચય કદી ખોટૉ ન હોઇ શકે.. એમાં કોઇ દંભ ન હોઇ શકે..

અત્તરના એ ટચુકડા પૂમડાને કોઇ પણ જાતના ભેદભાવ ન હોઇ શકે. નાત જાત, દેશ, કાળ કે ધર્મના સંકુચિત વાડા ન હોઇ શકે. એની પાસે આવતી દરેક વ્યક્તિને એ મહેકાવી શકે..અને પોતાની સુવાસ અર્પીને મઘમઘતા કરી શકે.. અત્તરનું એ ટીપું કદી જોવા નથી બેસતું કે પોતાની પાસે આવનાર વ્યક્તિ હિંદુ છે કે મુસ્લીમ, શીખ છે કે ઇસાઇ.. એને તો ઓળખાણ છે માનવની..અને માત્ર માનવની.. એનો ધર્મ…એનું જીવનકાર્ય છે અન્યને મહેકાવવાનું.. અને બસ.. એ મૌન રહીને ચૂપચાપ પોતાનું જીવનકાર્ય કરતું રહે છે. એના એ મૌન સંદેશને સાંભળવા માટે આપણી પાસે કેળવાયેલા કાન હોવા જોઇએ.. મનની સજ્જતા હોવી જોઇએ.. અને સૌન્દર્ય જોવાની દ્રષ્ટિ હોવી જોઇએ.. એની સુવાસને ફકત નાક દ્વારા જ નહીં..અંતર દ્વારા માણવાની ચેતના હોવી જોઇએ.. ફકત આંખ જ નહીં.. મનના દરવાજા ખુલ્લા હોવા જોઇએ.. તો જ એ સુવાસ આપણને ભીતર સુધી સ્પર્શી શકે..

આજે તો આપણે અત્તરને ભૂલતા જઇએ છીએ..આજે આપણને પરિચય છે તો પરફયુમનો..ડીઓડરંટનો.. જે આપણા પસીનાની ગંધને તો છૂપાવી દે છે.. પણ આપણને ભીતરથી મહેકાવી કયાં શકે છે ? એની કૃત્રિમતા આપણા શરીરને જ મહેકાવી શકે..એના રસાયણૉ મનને સાચી પ્રસન્નતા ન આપી શકે.. ભગવાનને આપણે અત્તર છાંટી શકીએ…પરફયુમ નહીં..ઇશ્વરને કૃત્રિમતા મંજૂર નથી. સુગંધ માટે એણે કેટકેટલી જાતના ફૂલો સર્જયા છે. આખા ને આખા ચંદનના વૃક્ષો આપ્યા છે. એક નાનકડી અત્તરની શીશી ખોલી તો જુઓ.. વાતાવરણમાં કેવો મઘમઘાટ પ્રસરી રહે છે. ! પવનપાવડીએ સવાર થઇને અત્તરની સુવાસ જયારે આપણી ભીતર પ્રવેશે ત્યારે સમગ્ર અસ્તિત્વ મહેકી ઉઠે..અને મનને આનંદ આપી રહે.

અત્તરની સુવાસથી મનને આનંદ આપવા.. સાહિત્ય અને જીવનના મર્મને ઉઘાડવા આવી જ શબ્દોની એક અત્તરગલી આપણે અહીં..આ પાના પર માણીશું. દરેક વખતે અત્તરની આ શીશીમાંથી કઇ સુવાસ નીકળશે.. અને આપણને મહેકાવશે… એ તો રાઝની વાત છે. ..એ રહસ્યને રહસ્ય જ રહેવા દેશું.. પ્રતીક્ષાની પણ એક મજા હોય છે ને ? એ શીશીમાંથી દરેક વખતે કોઇ નવા જ અત્તરની સુવાસ આપને મહેકાવવા આવશે એની ખાત્રી આપું છું. સાહિત્ય એ ફકત શબ્દોની સુંદર માયાજાળ નથી.. સાહિત્ય જીવનને સમૃધ્ધ કરે.. એને નવી દિશા આપે.. નવો રાહ ચીંધી શકે.. પછી એ વાર્તા દ્વારા પ્રગટ થાય કે ટચુકડી કવિતા દ્વારા કે કોઇ એકાદ નાનકડા હાઇકુમાં કે એકાદ પંક્તિમાં પણ પણ જીવનનો મર્મ પામી શકાય..

અને જીવનનો મર્મ કોઇ ચોક્કસ ફોર્મેટનો મોહતાજ નથી હોતો. અહીં આ ગલીમાં કયારેક આપણે કોઇ સરસ મજાના કાવ્ય.. .ગઝલ… કે કાવ્યની કોઇ પંક્તિનો આસ્વાદ માણીશું.. તો કદીક કોઇ ટચુકડી લઘુકથા માણીશું.. કયારેક જીવનને સભર કરી દેતા કોઇ સુંદર અનુભવને વાગોળીશું.. કદી રહીમ કે કબીરના દોહરા કે અખાના છપ્પાનો પરિચય પામીશું..કદી કોઇ સંસ્કૃતના શ્લોકનો..સુભાષિતની ઓઅળખાણ તાજી કરીશું. કદીક કોઇ સુંદર પુસ્તકની વાત કરીશું.. તો કયારેક કોઇ મજાના પિકચરનો આસ્વાદ કરાવીશું.. કદીક કોઇ મહાનુભાવની વાત કરીશું.. કદીક સંબંધોના સૌન્દર્યની તો કદીક કોઇ ભૂલકાના મનની માવજતની વાત કરી શૈશવને માણીશું.. સંવારીશું.. કદીક કુદરતે આપણી આસપાસ વેરેલા સૌન્દર્યનો પરિચય કરાવીશું.. તો કદીક શબ્દો દ્વારા કોઇ પ્રવાસે લઇ જઇને દેશ કે વિદેશની સંસ્કૃતિ.. ત્યાંના રીતિરિવાજોની ખુશ્બુથી પણ તરબતર બનીશું. જીવનના અનેક પાસાઓ જુદી જુદી અહીં ઉજાગર થતા રહેશે.. શબ્દોની પાંખ તો કેવી લાંબી અને કેવી મજબૂત હોય છે. શબ્દ આપણને કયાંથી કયાં લઇ જઇ શકે છે. કવિ મનોજ ખંડેરિયા એટલે જ ગાઇ ઉઠયા હશે..

“ સારું થયું કે શબ્દો મળ્યા તારે નગર જાવા..
ચરણ લઇ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.. “

હકારાત્મક અભિગમ એ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. જો દ્રષ્ટિ પોઝીટીવ રાખીએ..ગ્લાસ અડધો ખાલી છે એ જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો છે એ જોવાની દ્રષ્ટિ જો કેળવી શકાય તો જીવનના ઘણાં પ્રશ્નો સોલ્વ થઇ શકે.. આખરે સુખ અને દુ:ખ..ખુશી કે ઉદાસી એ મનની અવસ્થા છે. ગુલાબના છોડ પર કોઇને સરસ મજાના મઘમઘતા ફૂલ દેખાય છે..તો કોઇની નજર એના તીક્ષ્ણ કાંટા પર પડે છે. આપણી નજર કઇ તરફ રાખવી એ આપણી ઉપર જ હોઇ શકે ને ? અને અત્તરગલી તો હકારાત્મક અભિગમ હોય તો જ મઘમઘી શકે ને ?

મિત્રો, શબ્દોની પવનપાવડીએ ચડીને આપણે આ અત્તરગલીનો પ્રવાસ શરૂ કરીશું ને ? આપ સૌ મિત્રોને અમારી સાથે આ પ્રવાસ..આ શબ્દયાત્રામાં સામેલ થવાનું ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.. અત્તરગલીની સુવાસ આપને સુરભિત કરી રહેશે એ વિશ્વાસ સાથે અત્તરગલીની આપણી આ સહિયારી યાત્રા શરૂ કરીશું ને ? આપ સૌ જોડાશો ને ? તો મિત્રો, મળીએ છીએ… આ પાનાઓમાં..આ જ જગ્યાએ..

નીલમ દોશી

here is the link..pl. go thro..

http://www.globalgujaratnews.com/column/nilam-doshi-column/

4 thoughts on “

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s