ચપટી ઉજાસ..121

જૂઇ, આઘી રહે ..

આજે દાદીમા સવારથી માલામાસીને ત્યાં ગયા હતા. મને બહું નવાઇ લાગી કેમકે

દાદીમા તો કયારેય માલામાસીને ઘેર જતા નથી. માસી જ અમારે ઘેર આવે છે. પણ આજે તો સવારમાં દાદીમા ત્યાં પહોંચી ગયા છે. એ પણ ખુશ ખુશાલ થઇને..

હું પણ કાલે માસીને ઘેર ગઇ હતી..પણ મને બહું મજા નહોતી આવી. કેમકે માસી ઘરમાં એકલા નહોતા..તેમના ઘરમાં મેં કયારેય બહું માણ્સો નહોતા જોયા..પરંતુ આજે તો બહું બધા માણસો હતા. માસી એકલા હોય ત્યારે તો મારી સાથે જ વાતો કર્યા કરે. આજે પણ માસીએ મને બોલાવી તો ખરી..

‘ જૂઇ, તું આવી..? આવ બેટા’ હું દોડીને એની પાસે પહોંચું એ પહેલા કોઇ બોલ્યું,
હવે આ બે મહિના છોકરાઓથી આઘા રહેવાનું..કયાંક લગાડી દે તો ઉપાધિ..

મને મજા ન આવી. હું દોડીને પાછી મારા ઘરમાં આવતી રહી. માસી ‘ જૂઇ, જૂઇ ‘ બોલતા હતા.. પણ મને જયાં ન ગમે ત્યાં હું જરા યે ટકું તેમ નથી.
આજે સવારે ઉમંગી ફૈબા કહે,

‘ જૂઇ, આજે તો આપણે બધાએ તારા ફેવરીટ માસીને ઘેર જવાનું છે..ચાલો..ઉઠો જોઇએ.. આજે તો સંડે હતો..તો પણ ફૈબાએ મને જલદી ઉઠાડી દીધી હતી.
માલામાસીને ઘેર ?

ફૈબાએ હા પાડી. તમે પણ આવશો ?

હા..હું..મમ્મ્મી..જય બધા આવીશું. બધા ? મને નવાઇ લાગી.

હા..કેમ માસી પાસે તારો એકલીનો જ હક્ક છે ? અમારે કોઇને નહીં આવવાનું એમ ?
હું હસી પડી..

આજે મમ્મી પણ સરસ તૈયાર થઇ હતી. મમ્મીએ ફૈબાને કહ્યું, , ’ ઉમંગીબેન, આજે તો તમે પણ સાડી પહેરો. સરસ લગશે.’ . ’ ના..ભાભી..એ આપણું કામ નહીં.. પછી મમ્મી ને ફૈબા કંઇક વાત કરતા રહ્યા અને હસતા રહ્યા. પણ મારું ધ્યાન જય તરફ હતું. એ મારી બુકસ લેતો હતો. મેં દોડીને એના હાથમાંથી લઇ લીધી..એ તો પાછો ગમે ત્યારે ફાડી નાખે એવો છે. હવે તો જય પણ થ્રી યર્સનો થઇ ગયો છે. ને હું તો ફોર યર્સની.. પણ જય બહું તોફાન કરે છે..એમ સ્કૂલમાં પણ બધા કહે છે. સ્કૂલમાં બધા મને ડાહી..ગુડ ગર્લ કહે છે. પણ દાદીમા મને હમેશા તોફાની કહે છે..ને જય તો ડાહ્યો છે.. એ તો જૂઇનું જોઇને કયારેક તોફાન કરે.. દાદીમા બધાથી ઉલટું જ કહે છે.

મમ્મી રોજ ફૈબાને ઉમંગીબેન જ કહે છે..એની મને ખબર છે. પણ આજે મને થયું કે પપ્પા, દાદીમા, મોટા ફૈબા, કુંજકાકા , માલામાસી બધા તેમને ખાલી ઉમંગી કહેને બોલાવે છે. મમ્મી કેમ ઉમંગીબેન કહે છે ? મમ્મી તો ફૈબાથી મોટી છે. ખબર નહીં..આ મોટાઓની ઘણી બધી વાતો મને કયારેય સમજાતી નથી હોતી. આજે એક વધારે..

ફૈબા કહે, ભાભી, જૂઇને ચણિયા ચોલી પહેરાવીશું ?

ના..ના.. બાજુમાં જ જવું છે ને ? આ ફ્રોક જ પહેરાવી દો ને. દસ વાગ્યાનું તો મહૂરત છે.. મોડું થઇ જશે.. ઓહ..માય ગોડ..નવ તો વાગી ગયા… મને એ તો યાદ જ નહોતું.. હું જલદી જૂઇને તૈયાર કરીને ફટાફટ નાહવા જાઉં છું. તમે તો નાહી લીધું જ હશે બરાબર ને ? તમે તૈયાર થઇને જય ને તૈયાર કરો..

જય ને તૈયાર કરવામાં કયાં વેદ ભણવાના છે ? કપડાં પહેરાવ્યા એટલે વાત પૂરી.
હા..એ વાત સાચી.. નખરા તો બધા છોકરીઓએ જ હોય ને ? પણ એની યે મજા છે ને ?
ફૈબા મારા વાળ ઓળતા ગયા અને મમ્મી સાથે વાત કરતા રહ્યા.

આ નખરા તો મને સમજાયું..કેમકે આ શબ્દ હું અત્યાર સુધીમાં અનેકવાર સાંભળી ચૂકી છું. મને નખરાળી ઘણીવાર કહેતા હોય છે. જોકે એનો અર્થ સારો થાય કે ખરાબ એની ખબર નથી. પણ આ વેદ ભણવાના એટલે શું ? એ તો મને સમજાયું જ નહીં.. અમને સ્કૂલમાં તો આવું કંઇ ભણાવતા નથી. ત્યાં તો વન, ટુ, થ્રી..ને એ.બી.સી.ડી.. અને બહું બધી પોએમસ શીખડાવે છે.

ફૈબ મને તૈયાર કરીને જલદી નહાવા ગયા. ભાભી, આજે તમારા રસોડાને રજા છે ને ? આજે તો માલામાસી ઝિન્દાબાદ..

રસોડાને રજા એ વળી શું ? …એને યે અમારી સ્કૂલની જેમ રજા હોય ? હા..આજે તો રવિવાર છે ને એટલે રજા હશે..પણ અમારે તો દર રવિવારે રજા હોય છે. રસોડાને પણ દર રવિવારે રજા હોતી હશે ? પણ દર રવિવારે તો ફૈબા આવું બોલતા નથી કે આજે રવિવાર ને રસોડાને રજા. રજામાં રસોડાને શું કરવાનું હોય ?

મેં આજે નવું ફ્રોક પહેર્યું હતું.. હું કેવી સરસ લાગતી હતી..! હું તો અરીસામાં જોતી ઉભી રહી ગઇ. જય પણ મારી પાસે આવીને ઉભો રહી ગયો. પણ આવીને એ તો મને ધક્કો મારવા લાગ્યો.. એને અરીસામાં જોવું હતું એટલે.મેં પણ એને ધક્કો માર્યો. અમે બંને એકબીજાને ધક્કા મારવા લાગ્યા..અમને બંનેને મજા આવતી હતી. અમારી મસ્તી ચાલતી હતી. દાદીમા હોત તો ચોક્કસ કહ્યું હોત..

‘ જૂઇ, આઘી રહેને..ભાઇને જોવા દે…’ અને મારે ખસવું જ પડયું હોત..પણ આજે તો એવું કહેવાવાળું કોઇ નહોતું.. એટલે અમારી મસ્તી ચાલુ રહી .

ત્યાં તો મમ્મી અને ફૈબા તૈયાર થઇને આવી ગયા. જૂઇ ચાલો… અને જૂઇબેન ચાલવા લાગ્યા..

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s