ચપટી ઉજાસ..120

પાક્કી ખબર !

આજે મારે સ્કૂલમાં નથી જવાનું.કેમકે હું ટેબલ પરથી પડી ગઇ હતી તેથી મને પગમાં લાગી ગયું હતું. એટલે આજે મારે સવારના વહેલું ઉઠવાનું નહોતું. હાશ..! મને આજે તો મજા આવી. મમ્મી જયને ઉઠાડતી હતી..એને પણ નહોતું ઉઠવું..હું સ્કૂલે નહોતી જતી એટલે એને પણ સ્કૂલે નહોતું જવું.. પણ એનો પગ કંઇ નહોતો દુખતો.. એને થોડું મારી જેમ લાગ્યું હતું ? એટલે એને તો સ્કૂલે જવું પડયું. કોઇએ એનું ન સાંભળ્યું. એ રડયો તો પણ દાદીમાએ યે એની વાત ન માની..એની મને બહું નવાઇ લાગી.નહીંતર જય રડે એ તો દાદીમાને ન જ પોષાય. પણ આજે તો દાદીમા પણ બોલ્યા..

’ જય..જો સ્કૂલે તો જવું જ પડે. તું આવીશ ને એટલે હું તને આઇસ્ક્રીમ આપીશ ..બસ.. આ જૂઇ ભલે અહીં ઘેર એકલી એકલી પડી રહેતી.એને આઇસ્ક્રીમ પણ નહીં આપું.. એને સ્કૂલમાં રમવા પણ નહીં મળે.. તું તો મારો ડાહ્યો દીકરો છે ને ? જૂઇ તોફાન કરતી હતી ને એટલે એને લાગી ગયું છે એટલે જો એનાથી સ્કૂલે પણ નથી અવાતું. ‘ કહીને દાદીમાએ અંતે જયને સ્કૂલે મોકલ્યો.

મને દાદીમાની વાત જરા યે ન ગમી. એમણે કેવું ચોખ્ખું કહી દીધું કે જૂઇને આઇસ્ક્રીમ નહીં..ખાલી જયને જ મળશે.. કંઇ નહીં..હું ફૈબાને કે પપ્પા ને જ કહીશ. મમ્મીને કહેવાથી કંઇ નહીં થાય એવું મને હમેશા કેમ લાગતું હોય છે ? ફૈબા , પપા, કુંજકાકા બધા દાદીમાને ખીજાઇ શકે છે. મમ્મી કોઇ દિવસ દાદીમાને કંઇ કહેતી નથી. દાદીમ તો મમ્મીને ખીજાઇ શકે છે. તો મમ્મી તેમને કેમ નથી કહી શકતી ? દાદીમા મોટા છે એટલે ? પણ દાદીમા તો પપ્પાથી યે મોટા છે. ફૈબાથી પણ મોટા છે. તો એ લોકો તો ખીજાય છે. ને દાદીમા ચૂપચાપ સાંભળી લે કે કયારેક હસતા હોય.. ખબર નથી પડતી મને..જે હોય તે…પણ આઇસ્ક્રીમ માટે તો મારે ફૈબા કે પછી પપ્પા હશે તો એને જ કહેવાનું છે.એની મને પાક્કી ખબર છે.

જય સ્કૂલે ગયો. મારે ઉભા થઇને રમવું હતું. પણ હું ઉભી થવા ગઇ તો થવાયું નહીં..ને દુખવા લાગ્યું. મને મજા ન આવી. આમ સૂતા રહેવું કેમ ગમે ?મને તો એમ કે સ્કૂલે નથી જવાનું એટલે મજા આવશે.. પણ મને કંઇ મજા ન આવી. સૂતા સૂતા શું કરું ? ફૈબાએ મને ઘણીબધી બુકસ અને ગેઇમ, મારા રમકડાં બધું આપ્યું. તેમને કયાંક બહાર જવાનું હતું.. એટલે મને કહે,

‘ જૂઇ, સૂતા સૂતા આ બધું જો.. અને આ ગૈઇમસથી રમ.. ત્યાં સુધીમાં હું આવી જઇશ.પછી હું તારી સાથે રમીશ..અને તને વાર્તા પણ કરીશ. ‘

મેં કહ્યું..ટી.વી.

‘ ટી.વી. જોવું છે તારે ? ‘

મેં હા પાડી.. એટલે ફૈબા કહે ઓકે..

તેમણે મને તેડીને આગળના રૂમમાં જયાં ટી.વી. હતું ત્યાં સોફા પર સૂવડાવી. જૂઇ, કાર્ટૂન જોશે ને ?

મેં હા પાડી. ફૈબાએ ટી.વી.ચાલુ કર્યું. અને કાર્ટૂન નેટવર્ક ચાલુ કરીને રીમોટ મારા હાથમાં આપ્યું..જૂઇ, થોડીવાર ટી.વી. જોઇને બંધ કરી દેવાનું હોં ને ? પછી આ બુકસ જોવાની. ઓકે ? માનીશ ને મારું કહ્યું ?

મેં માથું હલાવી હા પાડી.

દાદીમા કહે, અરે, આને અહીં કયાં લાવી ? હવે ટી..વી.થી માથું દુખાડી દેશે ..

‘ મમ્મી, એકલી એકલી અંદર શું કરે ?

‘ કેમ આટલા રમકડાં તો આપ્યા છે તેં..

‘ રમકડાથી એકલી એકલી કંટાળી જ જાય ને ? રમી રમીને એકલી કેટલીવાર રમે ? એના કરતાં થોડીવાર ટી.વી. જોશે ને પછી આ બુકસ જોશે.. એને યે ટાઇમ તો પાસ કરવાનો ને ?

અરે..પણ…

પણ..ને બણ..તને વચ્ચે ઠીક નહોતું ત્યારે તું આખો દિવસ ટી.વી. નહોતી જોતી ? તારી પેલી કચરા જેવી સીરીયલો આખો દિવસ ઘરમાં ચાલુ રહેતી હતી એ ભૂલી ગઇ ? કહેતા ફૈબા હસી પડયા..

તે આ છોકરી મારા જેવડી છે ?

‘ તારા જેવડી હોત તો તો હાથમાં માળા પકડાવી દેત..કે લે ભઇ, માળા ફેરવ બેઠી બેઠી..તારા જેવડી નથી એની જ તો વાત છે. એ તો બાળરાજા… હા.. મમ્મી, આ તારો શબ્દ છે હોં.. ચાલ , હવે મારે મોડું થાય છે. આજે અગત્યનું લેકચર છે. એ મીસ થાય તેમ નથી.નહીંતર તો હું જૂઇ પાસે જ રહેત. અને ભાભી, તમે થોડીવાર જૂઇ પાસે બેસીને રમજો હોં.. રસોઇ જલદી જલદી પતાવી લેજો..મેં લોટ બાંધી દીધો છે ને મેથીની ભાજી વીણી લીધી છે. બાકીનું તમે પતાવીને જૂઇને એકાદ વાર્તા કહેજો..

હા..મારી બઇ..હા.. હવે તું જા.. અમે બધું કરશું હોં.. અરે, રસોઇ નહીં કરીએ..ખાલી જૂઇ પાસે બેસીને રમીશું. એક દિવસ નહીં જમીએ તો ચાલશે એમાં શું ? અમારી . રાજકુંવરીને લાગી ગયું છે એટલે..

ફૈબા ખડખડાટ હસી પડયા.વાહ..મમ્મી, બોલવામાં તને કોઇ ન પહોંચે હોં.. જૂઇ, બાય..ટા..ટા..

મેં હસીને ફૈબા સામે હાથ ઉંચો કર્યો. ને ફૈબાને બાય કર્યું.

દાદીમા તેના ભગવાનજી પાસે ગયા.મમ્મી હમેશની જેમ રસોડામાં…અને હું મારું મનગમતું કાર્ટૂન “ ટોમ અને જેરી” … જોવામાં મશગૂલ..

( જનસત્તા..લોકસત્તામાં નિયમિત પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s