સંબંધસેતુ..

સંબન્ધની ગાગરથી પાણી ભરીશુ કેમ ?

લાગણીના દોરડા જો ઘસાયા..

જીવનમાં અનેકવાર મનમાં એવી લાગણી જન્મતી હોય છે. કે મારું કોઇ નથી કે કોઇને મારે માટે લાગણી નથી..કોઇને મારી પડી નથી..બધા સ્વાર્થના જ સગા છે. વત્તે ઓછે અંશે નિરાશાની કોઇ પળોમાં આવી ભાવના દરેક માનવીના મનમાં ઉગતી રહેતી હોય છે. એ સહજ પણ ગણી શકાય. કેમકે માનવીનો પિંડ આખરે ભાવનાના અર્કથી ઘડાયેલો હોય છે. એના મનને નંદવાતા વાર નથી લાગતી. ઘણીવાર સાવ નાનકડી વાત પણ એને અજબ રીતે હર્ટ કરી જતી હોય છે. આ નિરાશા ક્ષણિક હોય..ક્ષણિક આવેગનું પરિણામ હોય ને એની કોઇ લાંબી કે કાયમી અસર ન હોય ત્યાં સુધી એને સહજ ગણી શકાય. પરંતુ નિરાશાનો આ ભાવ જો લાંબો સમય ચાલે એમાંથી બહાર ન નીકળી શકાય ત્યારે અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે.અને એવી વ્યક્તિને ડીપ્રેશનમાં સરી જતા વાર નથી લાગતી. માનવીને કોઇની હૂંફની જરૂર પડતી હોય છે ને સતત પડતી રહે છે. એમાં યે કોઇ વ્યક્તિ અતિ સંવેદનશીલ હોય ત્યારે તો તેને કોઇના બે સારા … લાગણીભીના શબ્દોની સતત જરૂર પડતી રહે છે.
સોનાલી મધ્યમવર્ગની યુવતી હતી. ઘરમાં બે બહેનો, એક ભાઇ અને પ્રેમાળ મમ્મી પપ્પા સાથે મુકત કિલ્લ્લોલતા વાતાવરણમાં મોટી થયેલી. વાતેવાતે હસવાની આદત. નાની એવી વાતમાં પણ તેમના ઘરમાં હાસ્ય , રમૂજની છોળો ઉડતી હોય. બંને બહેનોને પણ એકમેકની ખૂબ માયા. ભાઇ, બહેનો લાગણીનો અતૂટ સેતુ રચાયો હતો. સોનાલી નાની હોવાથી બધા ઉપર તેની દાદાગીરી ચાલતી રહેતી. અલબત્ત આ દાદાગીરી સ્નેહની…લાગણીની જ રહેતી.

સોનાલીને કાવ્યો લખવા પણ ખૂબ ગમતા. થોડું કંઇક લખાય એટલે મમ્મી, પપ્પાને કે બહેનને અચૂક બતાવે..અને શાબાશી મેળવે. સોનાલી દેખાવે ખૂબ સુંદર હતી. અને કદાચ તેથી જ તે સાધારણ કુટુંબની હોવા છતાં તેના લગ્ન અતિ શ્રીમંત કુટુંબમાં થયા. ઘરના બધા અને બહેન પણીઓ પણ સોનાલીને નસીબદાર કહેતી રહી. સોનાલીની મોટી બહેનના લગ્ન તેના જેવા જ એક મધ્યમ્વર્ગી કુટુંબમાં થયા હતા. જયારે સોનાલીને આવું શ્રીમંત સાસરું મળવાથી તેના મમ્મી, પપ્પા બધા સ્વાભાવિક રીતે જ ખુશ હતા. દીકરીને રાજરાણી થવાના આશીર્વાદ આપી સાસરે વિદાય કરી.

સાસરે આવીને સોનાલીએ જોયું કે અહીં દરેક વાતના ચોક્કસ નિયમ હતા. મોટા ઘરમાં ખડખડાટ ..મોટેથી હસાય જ નહીં.. તો જાણે પોઝીશનમાં પંકચર પડી જાય. સાસુ, સસરા, જેઠ જેઠાણી, તેમનો એક પુત્ર અને પોતે બંને ..એમ સન્યુકત કુટુંબ હતું. સોનાલી તો માણસભૂખી હતી.તેથી તેને તો હતું કે ઘરમાં આટલા બધા માણસો હોવાથી કેવી મજા આવશે..અને અહીં તો પૈસાની પણ કોઇ કમી કયાં હતી ?

પણ ના.. એ સોનાલીનો ભ્રમ હતો. અહીં તો નાની નાની વાતમાં પણ પૈસાના હિસાબ કિતાબ હતા. સાસુને પૂછયા સિવાય તો જાણે પાણી પણ નહોતું પીવાતું. તેની જેઠાણી વધારે ભણેલી હતી અને મોટા ઘરમાંથી આવતી હતી.તે સવારે જ પતિ સાથે ઓફિસે જવા નીકળી જતી. સોનાલી કંઇ પણ કહે તો સાસુનો જવાબ તૈયાર જ હોય.. અહીં તમારા ઘરની રીતભાત નહીં ચાલે. મોટા ઘરની તમને ખબર ન પડે. નાની નાની દરેક વાતમાં સાસુની સલાહ સૂચના સતત તેનો જાણે પીછો કરતી હતી. પતિને તેના બીઝનેસમાંથી કયારેય સમય નહોતો મળતો. બીઝનેસના કામ અંગે તેને બહારગામ ફરવાનું પણ વધારે રહેતું. સોનાલીના કાવ્યો તેને મન વેવલાવેડાથી વિશેષ કશું નહોતું. ભાભીની જેમ કંઇક શીખ.. આ વેવલી વાતો બંધ કર..સોનાલીને પતિ પાસેથી પ્રેમને બદલે વ્યવહારૂ શીખામણ મળતી રહેતી. લાગણીને આ ઘરમાં કયાંય સ્થાન નહોતું. જે કંઇ થતું તે દેખાડા કે દંભ માટે..સમાજમાં વાહ વાહ માટે જ થતું.

સોનાલીને પૈસાની જરૂર હોય તો પણ સાસુ પાસે જ માગવાના.. ને એ કયાં વાપર્યા એનો પૂરો હિસાબ પણ આપવાનો જ. તમે બાપને ઘેર પૈસા જોયા હોય તો પૈસાની કીમત સમજાય ને ?

સોનાલીને બધાના સમય સાચવવાના.. રસોઇની , મહેમાનોને સાચવવાની , આવડા મોટા ઘરને સંભાળવાની બધી જવાબદારી માત્ર તેની ઉપર જ રહેતી. અને એ પણ સાસુના કડક સુપરવીઝન નીચે. સોનાલીને કયારેક પિયર જવાનું મન થાય તો પણ એ બે ઓરડીમાં જઇને શું કરવું છે ? તેના માતા પિતાનું કોઇ સ્થાન આ બંગલામાં નહોતું. અલબત્ત તેના જેઠાણીના માતા પિતા આવે ત્યારે સાસુજી અડધા થઇ જતા..કેમકે તેઓ મોટા ઘરના હતા. પૈસાવાળા હતા. જયારે સોનાલીના માતા પિતા આવે ત્યારે તેમની ઉપેક્ષા જ થતી. જોકે એકાદ બે વાર આવા અનુભવ થયા પછી તેમણે દીકરીને ઘેર આવવાનું સાવ બંધ જ કરી દીધું હતું. દીકરીને સોનાના પિંજરામાં પૂરી છે એ ખ્યાલ તો આવી ગયો.પણ હવે કોઇ ઉપાય નહોતો.

એક દિવસ સોનાલીને સખત તાવ હતો. આમ તો તાવ બે દિવસથી હતો. પણ સોનાલી પોતાની જાતે દવા લેતી રહી હતી. પણ હવે ડોકટર પાસે ગયા સિવાય ચાલે તેમ નહોતું. ઘરમાં બધાને ખબર હતી કે સોનાલીની તબિયત સારી નથી. સોનાલીએ પતિને કહ્યું પોતાની સાથે આવવા માટે..પણ પતિએ સીધો જવાબ આપી દીધો..હું કંઇ ડોકટર છું ? હું આવીને શું કરીશ ? તું જઇ આવજે.

સોનાલીને રડવું આવી ગયું. પિયરમાં એકવાર તાવ આવેલો તો ઘરમાં બધાને તેણે કેવા ઉભા પગે રાખેલા..ને ઘરમાં બધા કેવા ચિંતા કરતા હ્તા એ બધું યાદ આવી ગયું. તેને રડતી જોઇ પતિદેવ વધારે ગુસ્સે થયા. આમ જરાક તાવ આવ્યો છે એમાં આટલા નખરા શા ?
તે દિવસે ડોકટર પાસે જવા માટે તેણે ગાડી અને ડ્રાઇવરનું કહ્યું..તો સાસુએ તુરત જવાબ આપ્યો.. આજે એકે ય ગાડી નવરી નથી. મારે પણ બહાર જવું છે. તને તો આમ પણ રીક્ષાની જ ટેવ હશે ને ? રીક્ષામાં જઇ આવજે.. ડોકટર પાસે.. સોનાલી મનમાં સમસમી રહી. શું જવાબ આપવો તે સમજાયું નહીં.

આવા તો અનેક બનાવો બનતા રહ્યા. આ ઘરમાં કામ સિવાય સોનાલીની કોઇ કીમત નહોતી. ધીમે ધીમે સોનાલી ડીપ્રેશનમાં આવવા લાગી. આ વાતાવરણમાં તે કોઇ રીતે સેટ નહોતી થઇ શકતી. ડીપ્રેશનની હળવી દવાઓથી માંડીને ભારે ..હેવી દવાઓનો ડોઝ લેવા છતાં સોનાલી ધીમે ધીમે માનસિક સમતુલા ખોવા લાગી. એવે સમયે પણ ઘરમાંથી કોઇને તેને માટે સમય નહોતો. તેને સમજવાને બદલે વેવલી ગણીને તેની ઉપેક્ષા થતી રહી. સોનાલીનું ડીપ્રેશન દિવસે દિવસે વધતું ગયું. તેને પોતાને પણ સમજ નહોતી પડતી કે તેને શું થાય છે ? અંતે એક દિવસ સોનાલીએ ડીપ્રેશનમાં જ આત્મહત્યાનો આશરો લીધો. અને મોતને વહાલું કરી લીધું.

સમાજમાં કોઇને સમજાયું નહીં .કે આવા સારા અને સંસ્કારી ઘરની વહુને વળી શું દુ:ખ હતું ? અલબત્ત સોનાલીના માતા પિતાને અવશ્ય સમજાયું હશે પણ આવા મોટા માણસો આગળ બોલવાની તેમની હેસિયત કયાં હતી ?

સુખી ઘરની આવી અનેક સોનાલીઓ વત્તે ઓછે અંશે ડીપ્રેશનથી પીડાતી રહે છે.ને એમાંથી કોઇ કયારેક આવું અંતિમવાદી પગલું પણ ભરી બેસે છે. આવા કિસ્સાઓ કમનસીબે આજે વધતા રહે છે..આપણે અવારનવાર છાપાઓમાં આવા કિસ્સા વાંચતા રહીએ છીએ.. સાંભળતા રહીએ છીએ ત્યારે આવા કિસ્સા પ્રકાશમાં લાવીને સમાજને લાલબત્તી ધરવી એ આપણા સૌનું કર્તવ્ય નથી ?

માનવીને ફકત પૈસાની.ભૂખની પીડા જ નથી હોતી. એના હૈયાની પીડા અનેકગણી વધારે હોય છે. જે કોઇ સમજી શકતું નથી. હૂંહાળા..લાગણી સભર સંબંધોની આજે જરૂર છે તેટલી કદાચ કયારેય નહોતી એવું નથી લાગતું ? સંબંધોના સેતુ બનતા રહેવા જોઇએ..જેથી એના પર ચાલીને જીવન સલામત અને ખુશનુમા બની રહે. શું માનો છો આપ સૌ ? પૈસા ગમે તેવા જરૂરી હોય તો પણ ફકત અને ફકત પૈસાથી સુખ મળી શકે ખરું ?

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

2 thoughts on “સંબંધસેતુ..

  1. Priya nilam didi,aapno din khushrang ho.tamari vaat sathe hu 100% sanmat chu…lagni subhar dil j jane che ghaav kevaa jivlen hoy te…!prem ne saty sikkaani be baju che…!khevvaani ne jirvvaani taakaat,himnat ne sahash hoy to j jivaay.

    Like

  2. અતિસુંદર નિલમ બહેન ..આપની કલમને ખુદાઈ જાદુમાં બોળીને લખો છો કે શું? હરેક કૃતિને વાંચીને જાણે વાંચનાર મનોમન જ એવા ભાવનાના સાગર માં લહેરાતો જ જાય છે..ક્યાં પહોંચ્યો તેય તેને ખબર નથી પડતી!!!..સદા ઈશ્વરની મહેરબાની અને કૃપા આપના લખાણોને ઓર ધારદાર અને ચોટદાર બનાવે એવી મારી અંતરની લાગણી વ્યક્ત કરું છું..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s