ચપટી ઉજાસ..119

મારે ઉડવું છે..

ઢીંગલી લેવા હું ટેબલ પર ચડી તો ખરી..પણ ગબડી પડી. ને મારાથી ચીસ પડાઇ ગઇ. ફોન મૂકીને દાદીમા મારી પાસે આવ્યા,

‘ હે ભગવાન..આ છોકરીને એક મિનિટ રેઢી મૂકાતી નથી. જરાક ચૂકીએ ને એણે કંઇક પરાક્રમ કર્યું જ હોય.’

ત્યાં જય અને માનસી દોડીને આવ્યા. અને મારા હાથ પકડી મને ઉભી કરવા લાગ્યા. પણ મારાથી ઉભું નહોતું થવાતું.

દાદીમા મને ઉભી કરવા લાગ્યા.

‘છોડી, જોવા દે જોઇએ, કયાં લાગ્યું છે ?

મેં મારો પગ બતાવ્યો. ત્યાં મને બહું દુખતું હતું. મારાથી ઉભુ નહોતું થવાતું.

ઘરમાં મંજુબેન વાસણ ઉટકતા હતા. દાદીમાએ તેને બૂમ પાડી,

‘મંજુ, જરાક અહીં આવ તો.. આ જૂઇને તેડીને અહીં સૂવડાવ તો..

‘ બા..શું થયું ?

‘ અરે, થાય શું ? આ છોકરી કોઇ દિ સખણી રહે છે ? આ જો કંઇક તોડયું યે લાગે છે ને પોતે યે પગમાં લગાડયું. અરે, જય તું આઘો રહે ને બાપલા..કાચ લાગી જશે. ‘તો વળી ઉપાધિ..

મંજુબેને મને તેડીને પલંગ ઉપર સૂવડાવી.હું રડતી હતી.

‘ હવે છાની રહે.. ને જરાક જોવા દે.કયાં લાગ્યું છે ? પણ મારા ડૂસકા ચાલુ જ રહ્યા.

દાદીમા મારા પગમાં જોવા લાગ્યા. મંજુ, સોજો આવી ગયો હોય એવું લાગે છે ?

‘ હા..બા જુઓ અહીં ગોઠણ પાસે સોજો આવ્યી ગયો છે.

જા..જઇને હળદર ગરમ કરી આવ. લગાડી દઇએ..પગમાં મોચ આવે લાગે છે.એની મા આવે પછી બીજી વાત. લે, છોડી હવે રોવાનું બંધ કર.. હમણાં મટી જશે.. કોણે કહ્યું હતું ઉપર ચડવાનું ? ન હોય ત્યાંથી ઉપાધિ કરાવે છે ! મંજુ, પહેલા ત્યાંથી કાચ ઉપાડી લેજે.. ન જાણે શું યે તોડી નાખ્યું મને તો પૂરી ખબર પણ નથી. દાદીમા ઘણું બોલતા હતા પણ મારું ધ્યાન તો મારા પગમાં જ હતું.

થોડીવારમાં મંજુબેન હાથમાં કંઇક લઇને આવ્યા. અને મારો પગ સીધો કરી પગમાં કંઇક બાંધવા લાગ્યા. હું ચીસ પાડતી રહી.

‘ જૂઇ, હમણાં મટી જશે હોં..રડાય નહીં.’ મંજુબેને કહ્યું. દાદીમાએ મારો પગ પકડી રાખ્યો અને મંજુબેને કંઇક બાંધી દીધું. ત્યાં જય કયાંકથી ચોકલેટ લઇ આવ્યો અને મારા હાથમાં મૂકી.

પણ મેં ચોકલેટ ન લીધી.

ત્યાં તો મમ્મી, પપ્પા આવ્યા.

અરે, શું થયું જૂઇને ? ‘

પપ્પાએ પૂછ્યું, અરે, માસીનો ફોન આવ્યો હ્તો તે હું એની સાથે વાત કરતી હતી.. ને આ બેનબા ચડયા હતા આ ટેબલ પર..શો કેસમાંથી ન જાણે શું કાઢવા જતી હશે..ને ઉથલી પડી.. કંઇક તોડયું પણ ખરું.

‘ એ બધું તો ઠીક પણ જૂઇને બહું લાગ્યું છે કે શું ? જોવા દો તો..

હું ફરી એકવાર પપ્પાને વળગી. પપ્પા કહે ડોકટરને બતાવી આવીએ.. અંદર કશું વધારે તો નથી વાગ્યું ને ?

દાદીમા કહે,

‘ હળદરનો લેપ કર્યો છે. પગ મચકોડાઇ ગયો લાગે છે. બે દિવસમાં મટી જશે. પણ શાંતિથી સૂતી રહે તો ને ? એના જીવને જરીયે જંપ કયાં છે ?

હું તો મમ્મીને મારો પગ બતાવવા લાગી,

‘ મમ્મી, બહું દુખે છે. ‘

’ બેટા, મટી જશે હોં.

પપ્પા કહે,
‘ ના એમ માથે નથી મારી રાખવું. મને લાગે છે ડોકટર પાસે જઇ આવવું સારું.

‘ અરે, પણ અત્યારે કયો ડોકટર તમારી રાહ જોઇને બેઠો હશે ? એવું લાગે તો કાલે બતાવી આવજો. અત્યારે એને સૂવા દો.

ત્યાં તો ફૈબા આવ્યા. મેં જલદી જલદી ફૈબાને પણ કહયું,

‘ ફિયા,મને લાગી ગયું છે. બહું દુખે છે. કહીને મારો પગ આખો ઉંચો કરીને બતાવ્યું.
ત્યાં દાદીમા બોલ્યા,

‘ લો, છે કંઇ ? કર્યો ટાંટિયો ઉંચો.. જરા વાર સખણી રહે તો એ જૂઇ શાની ? અરે, નીચો કર..પગ નીચો કર. એક તો લગાડીને બેઠી છે ને પાછો એ જ પગ ઉંચો કરે છે. ઉમંગી, બાપા… તું એનો પગ જોઇ લે એટલે એને શાંતિ થાય.

ફૈબા મારી પાસે બેઠા અને મારા પગ ઉપર હાથ ફેરવ્યો..

‘ ઓહ..મારી જૂઇને લાગી ગયું ? બહું દુખે છે ? ‘

મેં માથું હલાવી હા પાડી.
‘ અરે, એ તો કાલે મટી જશે..એમાં શું ? જૂઇ તો કેવી બહાદુર છે. એ તો કયારેક લાગે પણ ખરું.. ને મટી પણ જાય. એની બહું ચિંતા નહીં કરવાની..ચાલો હસો જોઉં.

હું ખરેખર હસવા લાગી. વાહ..શાબાશ.. ગુડ ગર્લ.. બ્રેવ ગર્લ..
હું રાજી રાજી..!

પપ્પાને કોઇનો ફોન આવ્યો હતો. એટલે પપ્પા ફોનમાં વાત કરતા હતા. મમ્મી હમેશની જેમ રસોડામાં.. દાદીમા જયને લઇને ભગવાન પાસે દીવો કરતા હતા..અને મારા વહાલા ફૈબા મારી પાસે બેસીને એક બુકમાંથી મને વાર્તા કરતા હતા. સોનપરીની વાર્તા..

પરીઓને કેવી મજા પડતી હશે નહીં ? ચાલવાનું જ નહીં..પાંખ ખોલીને ઉડયા જ કરવાનું. મને પણ પાંખ હોત તો ? તો હું યે પરીની જેમ ઉડતી હોત..દૂર દૂર..આકાશમાં.. પરી કેવી રીતે બનાતું હશે ? હું પરી બની શકું ? હું ઉડી શકું ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s