ચપટી ઉજાસ.. 118

હવે તું મારી મમ્મી..

આજે સવારે ઉઠતાની સાથે જ દાદીમાએ ફૈબાને કહ્યું,

’ ઉમંગી, આજે સાંજે નિશા સાથે જઇને એના માટે બે ત્રણ પંજાબી ડ્રેસ લઇ આવજે. ઉનાળાની ગરમીમાં સારા રહેશે . સુતરાઉ લેજો.. એટલે રસોડામાં ગરમી ન લાગે.

ફૈબાએ તો તાળી પાડીને કહ્યું,

‘ વાઉ.. ..ગ્રેટ..હવે તું મારી મમ્મી જેવું બોલી..

બસ..બસ હવે મસ્કા મારવાની જરૂર નથી. તો અત્યાર સુધી કોની મા જેવું બોલતી હતી ?
મૉટીબેનની મા જેવું.. .. સીમ્પલ..

અને ફૈબા મોટેથી હસી પડયા. મને કંઇ સમજ ન પડીકે ફૈબા કેમ આટલા બધા ખુશ થઇ ગયા ?

‘ ના.ના.. મમ્મી, મને સાડીમાં કંઇ વાંધો નથી.

‘ બસ..બસ હવે બહું ડહાપણ કરવાની જરૂર નથી. કહયું એટલું કરો.. સાંજે ઉમંગી ભેગા જઇને તમને ગમે એવા લેતા આવજો.. એકવાર કહી દીધું એમાં સમજ નથી પડતી ? ‘

’ હા ભાભી, મમ્મીની સામે દલીલ કરતા કયાંથી શીખ્યા ? ખબર નથી તમારા એકના એક સાસુજી છે ? ફૈબા એવી રીતે બોલ્યા કે બધા હસી પડયા.

દાદીમા કહે,

‘ હવે બેસ ચિબાવલી થતી. ‘

મને બધી વાતની સમજ ન પડી તો યે મજા આવી.

આજે સ્કૂલમાં બધાના મમ્મી, પપ્પાએ આવવાનું હતું. એને પેરેન્ટસ મીટીંગ કહેવાય. સ્કૂલમાંથી કંઇક કાગળ આપ્યો હતો. એ મેં બે દિવસ પહેલાં જ મમ્મીને આપી દીધો હતો.

મમ્મી મને તૈયાર કરતા કરતા કહે,

‘ ઉમંગીબેન, તમે સાંજે મારી સાથે જૂઇની સ્કૂલમાં આવશો ? આજે પેરેન્ટસ ડેની મીટીંગ છે ને ? ‘ તે હું કંઇ જૂઇની પેરેન્ટસ છું ? સમીરભાઇને ઓર્ડર કરી દો..એટલે વહેલા આવી જાય.

‘ આમ તો એમને કાલે જ કહ્યું છે. પણ તમને તો ખબર છે એમના આવવાના સમયનું કંઇ ઠેકાણું ન હોય.

‘ હવે કંઇ એ પહેલાના સમીરભાઇ નથી. હવે તો નવા સમીરભાઇ જન્મી ચૂકયા છે. જોજો. જરૂર સમયસર આવી જશે. ‘

આ ફૈબા પણ ખરા છે. પપ્પા તો પહેલાના જ છે ને ? એ કંઇ નવા થૉડા છે ? પપ્પા , કે મમ્મી કોઇ નવા થોડા હોય ?

મોટા થયા પછી હું યે આવું બધું ન સમજાતું બોલીશ ?

આજે સાંજે મમ્મી, પપ્પા બેઉ મારી સ્કૂલમાં ગયા હતા. પણ મારે સ્કૂલે નહોતું જવાનું. હું તો સવારે જ ગઇ હતી. પપ્પા વહેલા આવી ગયા હતા. પણ એમને સ્કૂલે કેમ જવાનું હોતું હશે ? મીટીંગ એટલે વળી શું ? પેરેન્ટસ એટલે તો મમ્મી ને પપા..બેઉ..એની મને ખબર છે..પણ મીટીંગ વળી કેવી હોતી હશે ? એ મને સમજાયું નહીં. આજે બધાના મમ્મી, પપ્પા આવવાના હતા. ટીચર એમને પણ ભણાવશે ?

આજે સાંજે માનસી મારે ઘેર આવી. એ મારી બાજુમાં જ રહે છે ને સાંજે મોટે ભાગે અમે બંને સાથે જ રમતા હોઇએ છીએ. આજે એ પોતાની મોટી ઢીંગલી લઇને આવી હતી. અચાનક મને યાદ આવ્યું મારી પાસે પણ એવી મોટી સરસ મજાની ઢીંગલી છે. એને બાર્બી ડોલ કહેવાય ..કુંજકાકા મારે માટે અમેરિકાથી લાવ્યા હતા. પણ કાકા ગયા પછી દાદીમાએ મને રમવા નહોતી આપી. શો કેસમાં મૂકી દીધી હતી..કે બહું મોંઘી છે. ખરાબ થઇ જશે.

આજે મને એનાથી રમવાનું મન થયું હતું.. આમ તો ફૈબા હોય તો હું મારે જે જોતું હોય તે એમને જ કહું.પણ આજે મમ્મી, પપ્પા કે ફૈબા કોઇ ઘરમાં નહોતું ફૈબાને કંઇક ફોર્મ ભરવાનું હતું. એટલે બહાર ગયા હતા.. મમ્મી, પપ્પા મારી સ્કૂલે..ઘરમાં ફકત હું ને દાદીમા ને દાદીમાનો ચાગલો જય.

એટલે મારે દાદીમાને જ કહેવાનું હતું. મેં માનસીને કહ્યું,

‘ ઉભી રહે, હું પણ મારી ઢીંગલી લઇ આવું. દાદીમા કોઇનો ફોન આવ્યો હતો.એટલે વાત કરતા હતા. હવે કરવું શું ? મેં થોડીવાર તો રાહ જોઇ. પણ પછી રહેવાયું નહીં. શો કેસ ઉંચું હતું. મારાથી પહોંચાય એમ નહોતું. પણ અમારા ઘરમાં એક નાનું ટેબલ હતું. કોઇ વસ્તુ ઉન્ચી હોય ને ન પહોંચાતી હોય ત્યારે મમ્મી કે ફૈબા એની ઉપર ચડતા ને જે જોઇતું હોય તે લેતા..એની મને ખબર હતી. હું પણ ટેબલ ઢસડીને શો કેસ પાસે લાવી. ને એની ઉપર ચડી.માંડ માંડ મહેનત કરીને શો કેસ ખોલ્યું. એમાં ઘણાં રમકડા હતા..કાકા લાવ્યા હતા એ મોટી કાર પણ હતી. પણ મારે તો ખાલી ઢીંગલી જોતી હતી. મેં ઢીંગલી લીધી. પણ એ લેવા જતા તેની આગળ રાખેલો એક સાવ નાનકડો કાચનો મોર હતો. તે નીચે પડી ગયો. ને તૂટી ગયો. મેં ધ્યાન તો રાખ્યું હતું. તો પણ તૂટી ગયો. અવાજ થતા જ દાદીમાનું ધ્યાન ગયું. દાદીમાએ ફોન મૂકયો. અને મારી પાસે દોડી આવ્યા.

‘ જૂઇ… આ શું કર્યું ? ‘ એમની બૂમ સાંભળી હું ગભરાઇ ગઇ..મને ખબર હતી કે હવે દાદીમા ખીજાવાના જ.. હું જલદી જલદી ટેબલ ઉપરથી નીચે ઉતરવા ગઇ…અને ધડામ..કરતી નીચે પડી..

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

One thought on “ચપટી ઉજાસ.. 118

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s