ચપટી ઉજાસ.. 117

ચાલો, કાન પકડો..

હમણાં ખબર નહીં કેમ પણ દાદીમા મમ્મી ઉપર ખીજાતા રહે છે. દાદીમાને મમ્મી નહીં ગમતા હોય કે શું ? પણ મમ્મી તો બધાની રસોઇ બનાવે છે. દાદીમા કહે એમ જ કરે છે..એ પણ મેં જોયું છે. દાદીમાનું બધું કામ મમ્મી જ કરે છે. તો યે દાદીમાને મમ્મી કેમ નહીં ગમતી હોય ? બીજા બધાને તો મમ્મી બહું ગમે છે.મમ્મી તો દાદીમાને કદી ખીજાતી પણ નથી. ખાલી દાદીમા જ એને ખીજાય છે. દાદીમા મમ્મીને ખીજાય એ મને જરાયે નથી ગમતું. દાદીમા ખીજાય ત્યારે હું દોડીને મમ્મી પાસે પહોંચી જાઉં. અને મમ્મીની સાડી પકડીને ઉભી રહું. શું કરવું એ મને સમજાય નહીં. દાદીમા સામે ખાલી જોઉં તો પણ દાદીમા કહેશે,

‘ જો તો .. આ આવડી અમથી છોકરી પણ મારી સામે કેવા ડોળા કાઢીને જુએ છે. ‘

મને તો કંઇ ખબર જ ન પડે.. પણ પોતાની મમ્મીને કોઇ ખીજાય એ તો ન જ ગમે ને ? મમ્મીની કોઇ ભૂલ હોતી હશે ? પણ દાદીમાની કોઇ ભૂલ કદી હોતી જ નથી ? એમને કોઇ કેમ ખીજાતું નથી ? જોકે ઉમંગી ફૈબા કયારેક દાદીમાને પણ ખીજાય છે.પણ દાદીમા ફૈબા હોય ત્યારે મમ્મીને ખીજાય તો…

હવે પપ્પા અમારી સાથે રોજ રમે છે, બોલે છે. ને કયારેક બહાર ફરવા પણ લઇ જાય છે. મમ્મી સાથે પણ હસતા રહે છે..મને એ બહું જ..બહું જ ગમે છે.

આજે દાદીમા બેઠા હતા ત્યાં ફૈબા મમ્મીને કહે,

‘ ભાભી, આ સાડીમાં તો જુઓ..તમારું પેટ કેવું દેખાય છે ? જુઓ આ મારા ડ્રેસમાં કંઇ દેખાય છે ? આખું શરીર ઢંકાયેલું રહે ..હેં ને મમ્મી ? અને સાડી પહેરીને રસોઇ કરો ને કોઇ દિવસ દાઝી જવાય તો ? છેડો કયાંક અડી જાય તો ? બાપ રે..મને તો સાડી પહેરીને રસોઇ કરતા બીક જ લાગે હોં.. ‘

હા, તું તો મોટી સુધારાવાળી રહી ને ?

દાદીમા ગુસ્સાથી બોલ્યા.

આ સુધારાવાળી એટલે શું ? દાદીમા બહું અઘરું અઘરું બોલે છે..મને ન સમજાય તેવું.
મમ્મી કહે,

‘ ઉમંગીબેન,મને તો સાડીની આદત પડી ગઇ છે. એ તો તમે કદી પહેરી નથી ને એટલે તમને એવું લાગે. ‘

દાદીમા બોલી ઉઠયા ,

‘ જો નિશા, તને કહી દઉં છું..તમારે જે પહેરવું હોય તે પહેરજો.. નકામા મને વગોવતા નહીં.. આમ પણ હું મુંબઇથી આવી ત્યારના તમારા રંગ ઢંગ બદલાઇ ગયા છે..એની મને ખબર છે. ‘

’ ના..મમ્મી, એવું કશું નથી. ‘

મમ્મી ધીમેથી બોલી.
‘ મારા આ વાળ એમ જ ધોળા નથી થયા હોં.. મને બધી સમજણ પડે છે. તું શું મારો સમીર જ બદલાઇ ગયો છે એ શું મને નથી ખબર પડતી ? પણ મારે શું ? મારે હવે કાઢયા છે એટલા બીજા થોડા કાઢવાના છે ? દાદીમા શું કાઢવાની વાત કરતા હશે ?

‘ મમ્મી, પાછું તેં એવું બોલવાનું ચાલુ કર્યુ ? અને સમીરભાઇ વળી શું બદલાઇ ગયા છે ? કયારેક ભાભી સાથે બહાર જાય છે એટલું જ ને ? તો માણસ પોતાની પત્ની સાથે કયારેક બહાર તો જાય કે નહીં ? કે પોતાના છોકરાઓ સાથે રમે કે નહીં ? એમાં બદલાવાની વાત કયાં આવી ? હા..તારી સાથે કોઇએ કંઇ ખરાબ વર્તન કર્યું હોય તો તારી આ દીકરી બેઠી છે હોં.. બાકી મમ્મી, બીજી બધી લપ છોડી દે..કોઇ નથી બદલાયું.. તારી જોવાની રીત બદલ..બસ.. ’

હા..હા.. હું જાણે કેમ લપ કરતી હોઉં. જેને જયાં જવું હોય ત્યાં ભલેને જાય..રોજ રોજ જાય મારે શું ? મારે તો હું ભલી ને મારું મંદિર..મારા ઠાકોરજી ભલા.. જયાં દીકરી જ બધાના ઉપરાણા લેવા બેઠી હોય ત્યાં…

પછી તો ન જાણે કયાંય સુધી ફૈબા અને દાદીમા બોલતા રહ્યા. મમ્મી વચ્ચે કશુંક બોલવા ગઇ તો દાદીમાએ તેને બોલવાની ના પાડી. ને મમ્મી ચૂપ થઇ ગઇ. પણ ફૈબા કંઇ ચૂપ ન થયા.
હું ને જય બાઘાની જેમ સાંભળી રહ્યા હતા. આજે તો જય પણ ત્યાં ઉભો ઉભો સાંભળતો હતો.
ત્યાં દાદીમા રડવા લાગ્યા. મને બહું નવાઇ લાગી. દાદીમા વળી રડે ? ફૈબા તેની પાસે બેસીને ધીમે ધીમે કશુંક કહેતા રહ્યા ને તેના આંસુ લૂછતા રહ્યા.

‘ મમ્મી, સોરી.. જો કાન પકડું છું.બસ.. તું તો મારો સ્વભાવ જાણે છે ને ? મને જે સાચું લાગે એ મારાથી બોલાઇ જવાય છે. છતાં તને ખોટું લાગ્યું હોય તો હવે નહીં બોલું બસ.. જો કાન પકડયા.. જૂઇ, જય ચાલો, તમે બંને પણ તમારા કાન પકડો.’

.હું તો ફૈબાની ચમચી.. દોડીને કાન પકડીને દાદીમાની સામે ઉભી રહી ગઇ. ને મારું જોઇને જયે પણ કાન પકડી લીધા..પણ એણે પોતાને બદલે દાદીમાના કાન પકડયા.

ને બધા ખડખડાટ હસી પડયા. દાદીમાએ જયને પોતાના ખોળામાં ખેંચી લીધો. અને હું તો કાન પકડેલી જ ઉભી રહી ગઇ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s