નવી ક્ષિતિજ..

‘ મમ્મી, તમે યશને સાવ બગાડયો છે હોં..મને કોઇ કામમાં મદદ કરાવતો નથી. નોકરી પરથી અમે બંને થાકીને આવીએ છીએ. પણ એ તો આવીને લાંબા પગ કરીને બેસી જાય અને મારે સીધું રસોડામાં ઘૂસવાનું ? હું સ્ત્રી છું એટલે ? મમ્મી, તમે તો ભણેલા છો..તમે પણ નોકરી કરી છે. બોલો..આ બરાબર કહેવાય ? ‘ ઇલાક્ષીએ સાસુને ફરિયાદ કરી. પતિની ફરિયાદ બીજા કોને કરે ?

હીનાબહેન ત્યારે રસોડામાં નાનકડા અંશુલને લોટ બાંધતા શીખડાવી રહ્યા હતાં. તે જોતા ઇલાક્ષી ભડકી. ’ મમ્મી, તમે અંશુલ પાસે લોટ બંધાવો છો ? એ કંઇ છોકરાનું કામ છે ? તમને બીજી કોઇ થોડી મદદ કરાવે એ અલગ વાત છે. પરંતુ આમ તો તે સાવ છોકરી જેવો બની જશે. આઠ વરસના અંશુલને લોટ બાંધતો જોઇ ઇલાક્ષી સાસુને કહ્યા સિવાય ન રહી શકી.

સાસુ સાથે મનની વાત કરી શકાય એટલી આત્મીયતા કેળવી શકી હતી. હીનાબહેન પણ કોલેજમાં પ્રોફેસર હતા ને હમણાં જ રીટાયર્ડ થયા હતા. વહુને દીકરીનો દરજ્જો આપ્યો હતો. હળવા હૈયે સાસુ, વહુ મનની વાત એકબીજાને કરી શકતા હતા.

આમ તો મોટા ભાગની જવાબદારી હીનાબહેન જ સંભાળી લેતા હતા. તેથી ઇલાક્ષીને ફરિયાદ કરવાની ખાસ કોઇ જરૂર પડતી નહીં. ઓફિસેથી આવે ત્યારે હીનાબહેને મોટા ભાગની રસોઇ બનાવી રાખી હોય. થોડું ઘણું જે બાકી હોય તે ઇલાક્ષી આવીને કરી નાખતી.

પરંતુ હમણાં હીનાબહેનના પગમાં ફ્રેકચર થયું હતું. પૂરા દોઢ મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. જેથી તેઓ લાચાર બની ગયા હતા. તેથી હમણાં બધી જવાબદારી એકલી ઇલાક્ષી પર આવી ગઇ હતી.હમણાં તેને પણ ઓફિસમાં ઘણું કામ રહેતું હતું. ઘેર આવવામાં પણ થોડું મોડું થતું હતું. તેથી આવીને સીધું રસોડામાં ઘૂસવું પડતું હતું. જયારે યશ આવીને સીધું ટી.વી.ચાલુ કરી બેસી જતો હતો. કે મિત્ર સાથે ફોનમાં ગપ્પા મારતો રહેતો અને હવે કેટલી વાર છે ? એમ પૂછયા કરતો. ઇલાક્ષી કોઇ નાનું કામ કરવાનું..થોડી મદદ કરાવવાનું કહે તો પણ.. એ બધું મને ન ફાવે. તને ખબર છે..મને ન આવડે.

‘ પણ યશ, આ પ્લેટ ટેબલ પર લગાવી દે..સલાડ સમારી દે..એવું તો થઇ શકે ને ? ’ હીનાબહેનપણ પુત્રને ખીજાતા.. ’યશ..બહાના ન કાઢ..એટલું કામ તો તું કરાવી જ શકે હોં. ને રોજ રોજ તને કોણ કહે છે ? આ તો અત્યારે હું કરી શકું તેમ નથી અને ઇલાક્ષી એકલી કેટલેક પહોંચે ? એ બિચારી પણ થાકીને આવી હોય. ‘ હીનાબહેન સમજાવવાનો પ્રયત્ન કરતા .

યશ પરાણે થોડું કરતો..પણ તેનું મોં ચડી જતું.

મમ્મી, ન પહોંચાતું હોય તો ઇલાક્ષીને નોકરી મૂકી દેવાની છૂટ જ છે ને ? એને કંઇ પરાણે કરવાનું કોઇ કહેતું નથી. હું કમાઉં જ છું ને ?

‘ તારા એ જવાબની મને ખબર જ છે. પણ એ જવાબ મને માન્ય નથી.

ઇલાક્ષી ધૂંધવાઇને અંદરથી બોલતી..પછી સાસુને કહેતી.

’ મમ્મી, મને ખબર છે..હું નોકરી કરું છું…યશને એનું જ પેટમાં દુ:ખે છે. નોકરી કંઇ ફકત પૈસાની જરૂર હોય તો જ અને ત્યારે જ કરવી ? સ્ત્રી માટે એવો કોઇ નિયમ છે ? તો પછી ભણેલી છોકરીનો મોહ શા માટે રાખ્યો ? કોઇ ઘરખ્ખું છોકરી જ શોધવી હતી ને ? સ્ત્રીને વિકસવાનો કોઇ હક્ક જ નહીં ? એને ફકત મા..બહેન, વહુ , ભાભી, મામી એવા બધા લેબલ સાથે જ જીવવાનું ? યશ પણ પિતા છે.. એની કોઇ જવાબદારી નહીં ? આવો અન્યાય શા માટે ? ને કંઇક કહીએ એટલે હવે તો નારીવાદનું લેબલ લગાડાઇ જાય.. ! ભણ્યા છો એની ખબર છે ! મમ્મી, તમે પણ આટલા વરસ નોકરી કરતા જ હતા ને ? ‘ ઇલાક્ષી આજે બરાબરની ઉકળી હતી. જોકે એમાં એનો વાંક કાઢી શકાય તેમ નહોતો. સદનસીબે સાસુ તેને સમજી શકતા હતા.. ઇલાક્ષીને ફકત વહુ તરીકે જોવાને બદલે એક સ્ત્રી તરીકે પણ જોઇ શકતા હતા..સ્વીકારી શકતા હતા.. ‘ અને તેથી જ ઇલાક્ષી સાસુને મોઢે પતિની… તેના દીકરાની ફરિયાદ કરી શકતી હતી. આજે પણ સાસુએ ઇલાક્ષીની વાત શંતિથી સાંભળી અને કહ્યું.

‘ હા બેટા, તારી વાત ખોટી નથી. યશે નાનપણથી એ જ જોયું છે કે મા નોકરી પણ કરતી હતી અને ઘર પણ સંભાળતી હતી… અમારા સમયમાં તો પતિ મદદ નથી કરાવતા..એવી ફરિયાદ પણ કયાં થઇ શકતી હતી ? પુરૂષ રસોડામાં કામ થોડો કરે ? પતિની એ માનસિકતા અમે સૌએ વિના દલીલે..કોઇ ફરિયાદ સિવાય સ્વીકારી પણ લીધી હતી..અને તેથી ખાસ ખરાબ નહોતું લાગતું.

બેટા, હવે સમય પલટાયો છે. તમે જાગૃત થયા છે..ફરિયાદ કરી શકો છો…વિરોધ નોંધાવી શકો છો અને પરિણામે થોડી ઘણી મદદ મેળવી શકો છો. પણ એમાં વાંક પુરૂષનો નથી. સ્ત્રીનો છે..આપણો જ છે.

‘ આપણો ? ‘

ઇલાક્ષી સાસુ સામે જોઇ રહી. કશું સમજાયું નહીં. પુરૂષ મદદ ન કરાવે અને તો પણ દોષનો ટોપલો તો સ્ત્રીને ભાગે જ ?

ત્યાં હીનાબહેને આગળ કહ્યું,

’ દીકરો નાનો હોય ત્યારે આપણે એને કદી રસોડામાં પગ મૂકવા દીધો છે ? એની પર કોઇ જવાબદારી નાખી છે ? દીકરી હોય તો એને કહીએ..પણ દીકરાને તો ‘

ભાઇ, ભલે રમતો..લેશન કરતો.. કે બહાર જતો…’

આવું જ કહેતા રહીએ છીએ ને ? આમાં પરિવર્તન કયાંથી આવે ? મેં યશ પાસે નાનપણમાં કશું નથી કરાવ્યું એ આજે તને નડે છે. પણ મારા સાસુને લીધે હું તો ધારું તો પણ યશ પાસે કરાવી શકું તેમ નહોતી. તું તારા દીકરાને નહીં કરાવે તો એ તારી વહુને નડશે..સમજાય છે મારી વાત ?

અને તું હજુ ફકત ફરિયાદ જ કરે છે. તારી વહુ તારાથી એક સ્ટેપ આગળ જ હોવાની ને ?

અંશુલને લોટ બાંધતા કેમ શીખડાવું છું એ સમજાય છે ? અને એ જોઇને તું જ બોલી કે એને છોકરી જેવો બનાવો છો…સમજાય છે આનો અર્થ ?

તું તો નવી પેઢીની પ્રતિનિધિ છો અને છતાં તને થાય છે કે લોટ બાંધવો એ કામ છોકરાનું નથી. ભેદ તેં જ પાડયો ને ? રસોડાનું કામ છોકરાથી ન કરાય…સદીઓથી ચાલી આવતી આ માનસિકતા તેં પણ સ્વીકારી જ ને ? અને હવે તું મને ફરિયાદ કરે એ કેમ ચાલે ? કયારેક..કયાંક..કોઇએ તો નવી શરૂઆત કરવી જ રહીને ? અને બેટા, એ શરૂઆત શૈશવથી જ થઇ શકે.

ઇલાક્ષી સામે એક નવી જ ક્ષિતિજ ઉઘડી રહી. પરિવર્તનનો રસ્તો તેને દેખાઇ રહ્યો.
તેણે ધીમેથી ઉમેર્યું,

’મમ્મી હવેથી અંશુલને કૂકર મૂકતા પણ શીખડાવજો હોં..મારે મારી વહુની ફરિયાદ નથી સાંભળવી.’

હીનાબહેન ધીમું હસી રહ્યા. એક નવી કેડી કંડારાવાની નાનકડી શરૂઆત થઇ હતી.

( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ” )

One thought on “નવી ક્ષિતિજ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s