ચપટી ઉજાસ.. 116

હું કયાં ના પાડું છું ?

હવે દાદીમા થોડા શાંત થયા હતા. ને વીઝાની વાત નહોતા કરતા. ફૈબા મારા અને જય માટે મુંબઇથી ઘણી બધી વસ્તુઓ લાવ્યા હતા.મને સરસ ફ્રોક, જિંન્સનું પેન્ટ , માળા, એક રેડ કલરનો મોબાઇલ ફોન પણ લાવ્યા હતા. મારા અને જય બંને માટે ઘણી વસ્તુઓ હતી.
પછી ફૈબાએ ધીમેથી મને પૂછયું,

‘ જૂઇ, હું નહોતી ત્યારે શું કરતી હતી ? મને યાદ કરતી હતી કે નહીં ? ‘

હાશ..આખરે મારો મનગમતો પ્રશ્ન આવ્યો. મને કેવી મજા આવી હતી તે વાત કરવા હું કાલની ઉતાવળી થતી હતી. એ મારી વાત કરવાનો મને આજે મોકો મળ્યો.

અને પછી હું કંઇ બાકી રાખું ? મેં જેટલું યાદ હતું એ મારી રીતે બધું કહ્યું. ફૈબાને કેટલું સમજાયું એની તો એને ખબર.. પણ મને કહેવાની મજા આવી.

‘ અરે, વાહ..જૂઇ, પપ્પા તમને બધાને બહાર લઇ ગયા હતા ? ને મમ્મીએ મારા જેવો ડ્રેસ પહેર્યો હતો..? અને મમ્મી પપ્પા સાથે હસતી હતી અને ગાતી હતી ? વાહ.. આ તો બહું સરસ થયું. મારે ભાભીને પૂછવું પડશે.. આ વળી કયો ચમત્કાર ? ‘

ફૈબા તો મારી વાત સાંભળવી અધૂરી મૂકીને સીધા મમ્મી પાસે પહોંચી ગયા. મમ્મી દાદીમા સાથે કંઇક વાત કરતા હતા. ફૈબાએ મમ્મીને કહ્યું,

‘ ભાભી, એક મિનિટ જરા અહીં આવો ને..મારે થોડું કામ છે તમારું.. જરા આમાં મદદ કરો ને.. ’ શું છે ઉમંગી ? તું જ અહીં આવ ને ..

’ અરે, મમ્મી કામ છે મારે..કહીને ફૈબાએ ફરીથી મમ્મીને બોલાવ્યા.

મમ્મી આવી એટલે ફૈબા તો એમને લઇને સીધા બીજા રૂમમાં ઘૂસી ગયા. હું અંદર ગઇ તો ફૈબાએ મને કહ્યું,

‘ જૂઇ, થોડી વાર બહાર રમીશ બેટા ? મારે થોડું કામ છે. ‘ મને બહું ગમ્યું તો નહીં. પણ ફૈબાએ કહયું એટલે હું એમનું માનીને સીધી બહાર નીકળી ગઇ. મમ્મીને ફૈબા કંઇક ઘૂસપૂસ કરતા રહ્યા.

થોડીવાર પછી ફૈબા અને મમ્મી બંને બહાર નીકળ્યા ત્યારે મને ફૈબા અને મમ્મી બંને ખુશ દેખાતા હતા.તેમણે શું વાત કરી હશે એ તો મને કેમ ખબર પડે ? પણ ફૈબા કંઇ મમ્મીને ખીજાયા તો ન જ હોય એટલી તો મને ખબર હતી જ. ફૈબા તો બધાને ખુશ જ કરે.
આજે પપ્પા ઘેર આવ્યા.આવીને સીધા પોતાના રૂમમાં જવાને બદલે મારી પાસે આવ્યા. અને પૂછયું,

‘ જૂઇ, આજે સ્કૂલમાં શું કર્યું ? આજે શું શીખી ? ‘ હું તો હોંશે હોંશે સ્કૂલની વાતો કરવા લાગી.

‘ અરે, જૂઇ, પપ્પાને જરાક આરામ તો કરવા દે.. હજુ તો બહારથી ચાલ્યો આવે છે ને સીધું બડબડ ચાલુ કરી દીધું. જા. બહાર જઇને રમ.’

‘ ના..મમ્મી, જૂઇને મેં જ પૂછયું છે. એની સાથે વાત કરીને તો ફ્રેશ થઇ જવાય. તમે ચિંતા ન કરો. હા, તો જૂઇ, આજે મને એક પોએમ સંભળાવીશ ? મને તો તેં કયારેય નથી સંભળાવી.

દાદીમા તો પપ્પાની સામે જોઇ જ રહ્યા. પણ કંઇ બોલ્યા નહીં. જોકે એમને બહું ગમ્યું નહીં એવું મને લાગ્યું.

સાંજે દાદીમાને મળવા કોઇ આવ્યું હતું. દાદીમા તેની સાથે વાતો કરતા હતા. ત્યાં પપ્પાએ મમ્મીને બોલાવી અને કહ્યું,

‘ નિશા, તૈયાર થઇ જા..આપણે થોડીવાર બહાર બગીચામાં છોકરાઓને ફેરવી આવીએ. હું તો રાજી રાજી થઇ ગઇ. અને તાળીઓ પાડવા લાગી.

‘ અરે, અત્યારે બગીચામાં કયાં જશો ? રસોઇનું મોડું થશે.’

‘ કંઇ મોડું નહીં થાય મમ્મી, અમે થોડી વારમાં આવી જશું.

ત્યાં તો ફૈબા બોલ્યા, અરે, મોડું થાય તો યે ચિંતા ન કરતા..હું છું ને ? રસોઇ આજે મારી ઉપર..તમે લોકો આરામથી ફરીને આવજો. ભાભી આમ તો કયારેય બહાર જતા નથી. ભાભી, જાવ જલદી ઉભા છો શું ? ફટાફટ તૈયાર થઇ જાવ.. અને હા.. હવે સાડી બહું પહેરી હોં..સાવ અઢારમી સદીના મણીબેન જેવા લાગો છો..આજે તો મારો પંજાબી ડ્રેસ પહેરીને જાવ..તમે પાતળા અને લાંબા છો એટલે બહું સરસ લાગશે. મમ્મી કહે ના..ના..પછી કયારેક વાત.. ’

અરે, ના ના શું ? આજે મારું કહેવું માનવું પડશે. આજના જમાનામાં બધા ડ્રેસ પહેરતા હોય ને તમે ન પહેરો એટલે બીજાને તો એવું જ લાગે ને આને એની સાસુ જ નહીં પહેરવા દેતા હોય.. ના..ના..મારી મમ્મી કંઇ એવા જૂનવાણી નથી.શું સમજયા ? હેં ને મમ્મી ? ‘ હા..હા..હું કયાં કંઇ કહું છું ? જેને જે પહેરવું હોય એ પહેરે..કે ન પહેરે..મારે શું ? એના વરને પોસાય એમ કરે..

દાદીમા કંઇક ગુસ્સાથી બોલ્યા એવું મને કેમ લાગ્યું ? અંતે થોડીવારે હું, પપ્પા , મમ્મી ને જય સાથે બહાર નીકળ્યા. પણ મમ્મીએ સાડી જ પહેરી હતી. . જતા જતા મમ્મીએ ફૈબા સામે જોયું. ફૈબા કે પપ્પા કોઇ કશું બોલ્યા નહીં.

મને કંઇક ન સમજાયું.. કંઇક સમજાયું..

(જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s