ચપટી ઉજાસ.. 115

નકામા ધોળિયાઓ.. !

આજે ફૈબા અને દાદીમા પાછા આવી ગયા..દાદીમા જરાયે મૂડમાં નહોતા. આ વખતે તો આવીને જયને પણ ન બોલાવ્યો. નહીંતર સૌ પ્રથમ તો એ જયને બોલાવે જ. મને સમજાયું નહીં.. પણ પછી તેમની વાતો પરથી એટલી ખબર પડી કે તેઓ જે વીઝા લેવા ગયા હતા તે તેમને મળ્યા નહોતા. એટલે દાદીમા ગુસ્સે થતા હતા. વીઝા ખલાસ થઇ ગયા હશે ? કેમ નહીં મળ્યા હોય ? ફૈબાએ તો આવીને સીધી મને બોલાવી હતી. વીઝા તો એમને પણ નહોતા મળ્યા એની મને ખબર પડી. તો પણ એ તો ગુસ્સે નહોતા થયા. દાદીમા બોલતા હતા..

’ આ ધોળિયાઓ સાવ નકામા છે.. જાણે કેમ હું એના દેશમાં રહી જવાની હોઉં ? કોઇ નવરું નથી..તમાર દેશમાં રહેવા.. આ તો લાચારી છે.જવું પડે એમ છે એટલે જઇએ…બાકી કોણ ત્યાં આવવા બેઠું છે ? આ તો વહુને જરૂર છે એટલે જવાની વાત હતી. પણ આ ધોળિયાઓ છે જ સાવ નકામા… ફી ના આટલા પૈસા લઇ લીધા અને લો..કંઇ બોલ્યા વિના સીધી ના પાડી દીધી. કંઇ કારણ પણ આપણે નહીં પૂછવાનું. ‘

દાદીમા કેટકેટકેટલું બોલતા રહ્યા …

મને થયું આ ધોળિયાઓ વળી કોણ હશે ? કયાં રહેતા હશે ? કેવા હશે ? એમણે દાદીમાને કેમ વીઝા ન આપ્યા ? મને કંઇ સમજાયું નહીં.

ફૈબા કહે, ‘ બસ..મમ્મી હવે કયાં સુધી તારો આ બબડાટ ચાલુ રહેશે ? બે દિવસથી હું આ બધું સાંભળી સાંભળીને થાકી ગઇ. હવે બંધ કરીશ ? વીઝા ન મળ્યા તો કંઇ આભ નથી તૂટી પડયું..આમ પણ તારે તો જવાનું મન પણ કયાં હતું ? ‘

’ અરે, પણ હવે કુંજ બિચારો શું કરશે ? જેના પાસે કોઇ છે નહીં..પહેલું છોકરું છે..ન કરે નારાયણ ને કંઇ આડુંઅવળું થાય તો ? કોઇ મોટું હોય તો બિચારીને સારું પડે ને ? હવે કોણ કરશે એનું ? શું થશે ? મને એની ચિંતા થાય છે .. મૂઆ એ ધોળિયાઓ.. !

બસ.. મમ્મી, ચિંતા કરીને શું કરવાનું ? હું તને કાલની સમજાવું છું.

કયાંય સુધી ફૈબા દાદીમાને સમજાવતા રહ્યા. પછી માંડ માંડ દાદીમા શાંત થયા. પપ્પા પાછા આજે બહારગામ ગયા હતા. તેથી દાદીમા આવ્યા ત્યારે ઘરમાં નહોતા.

હું તો મને પપ્પા સાથે કેવી મજા આવી હતી એ વાત ફૈબાને કહેવા કયારની ઉતાવળી થતી હતી. પણ મારું અત્યારે કોઇ સાંભળવાનું નહોતું એ મને સમજાઇ ગયું હતું. તેથી હું ચૂપ જ રહી. મમ્મીની જેમ જ. મમ્મી પણ દાદીમાની વાત ચૂપચાપ સાંભળતી હતી.

આજે મમ્મીએ પાછી સાડી પહેરી હતી. કાલની જેમ કંઇ ડ્રેસ નહોતો પહેર્યો. આજે મમ્મી કાલની જેમ હસતી કે ગાતી પણ નહોતી. એવું કેમ ? મમ્મી દાદીમાથી ડરતી હતી ? ખબર નહીં..
સાંજે કુંજકાકાનો ફોન આવ્યો હતો. આજે કાકા સાથે હું વાત ન કરી શકી. મને કોઇ આપે તો ને ? આજે તો ફોનમાં ન જાણે કેવી યે વાતો થતી રહી. જેમાં આપણને કંઇ સમજાય તેમ નહોતું જ. એટલે હું તો ટી.વી.ચાલુ કરીને એમાં જોતી જોતી ડાંસ કરતી હતી. ત્યાં દાદીમાની બૂમ આવી.

એ ય છોડી, અત્યારે નાચવાનું બંધ કરીશ ? બંધ કર આ તારું ટી.વી. જોતી નથી ફોન ચાલુ છે તે ? કંઇ સાંભળવા નથી દેતી. નિશા, આને આઘી લઇ જા.. ‘

પણ મમ્મી આવે એ પહેલાં જ હું જાતે જ ત્યાંથી આઘી ખસી ગઇ. મને ખોટું લાગ્યું હતું. મને થયું આજે મારી સાથે કોઇ નહીં બોલે.. કોઇ મારે માટે નવરું નથી. હું રિસાઇને માલામાસીને ઘેર પહોંચી ગઇ. હવે તો મને તેમને ઘેર એકલા જતા પણ આવડતું જ હતું ને ?

માસી તો હમેશની જેમ મને આવેલી જોઇને ખુશ થયા.

‘ જૂઇ, આવ બેટા.. દાદીમા અને ફૈબા આવી ગયા ? ‘

મેં મોઢેથી કંઇ જવાબ આપ્યા સિવાય ખાલી માથું હલાવ્યું.

‘ કેમ જૂઇ બેનનું મોઢું ચડયું છે ? બોલતા કેમ નથી ? આજે તો તારા વહાલા ફૈબા પાછા આવી ગયા ને ?

’ અરે, હા.. જૂઇ, દાદીમાને ને ફૈબાને વીઝા મળી ગયા કે શું ? તને કંઇ ખબર છે ?

મેં તુરત કહ્યું,

‘નથી મળ્યા એટલે દાદીમા ગુસ્સે થયા છે. ખીજાય છે. માસી, ધોળિયાઓ નકામા છે ને ? મેં તો ધોળિયાઓ નથી જોયા. ધોળિયાઓ એટલે કોણ ? એ કયાં હોય ?

માસી હસી પડયા.. ઓહ..દાદીમા ધોળિયાઓ ઉપર ખીજાતા લાગે છે..વીઝા ન મળ્યા એટલે ..હેં ને જૂઇ ?

મેં હા પાડી. અચાનક મારું ધ્યાન માસીના પેટ તરફ ગયું. આજે એ મને મોટું કેમ લાગતું હતું ?

અરે..હા..એમાં નાનુ બાબુ સૂતુ છે. એટલે. મેં ધીમેથી માસીના પેટ પર હાથ ફેરવ્યો. માસી હસી પડયા.

‘ જૂઇ, તું બાબુને રમાડીશ ને ?

મેં ખુશ થઇને હા પાડી. ને કહ્યું,

’ બાબુ..બાબુ, તું જલદી બહાર આવી જા ને..’ બાબુને મારી વાત સંભળાઇ હશે ?

( જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત થતી કોલમ )

One thought on “ચપટી ઉજાસ.. 115

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s