સંબંધસેતુ..

ઝૂંપડીમાં ઝળહળતી અમીરાત

મહેલ હોય કે ઝૂંપડી..શ્રીમંત હોય કે ગરીબ, સંબંધોનું પોત તો બધે સરખું જ હોવાનું. શ્રીમંતના દિલમાં લાગણી વધારે હોય અને ગરીબના હૈયામાં ઓછી હોય એવું નથી હોતું. બલ્કે કયારેક તેથી ઉલટું હોઇ શકે. શ્રીમંતો મોટે ભાગે ( અપવાદ તો દરેક જગ્યાએ હોવાના જ. ) સંબન્ધોને પૈસાને ત્રાજવે તોલતા હોય છે. દરેક સંબંધને મૂલવવાની તેની રીત અલગ હોય છે. મોટેભાગે એવું જોવા મળતું હોય છે કે કોઇ અમીર વ્યક્તિને ઘેર જાવ તો તમારું સ્ટેટસ કેવું છે..તમે હીરા મોતીના ઘરેણાં કેવા પહેર્યા છે..કપડાં કેવા પહેર્યા કે કઇ ગાડી લઇને આવ્યા છો કે તેમને માટે શું લઇને ગયા છો…એ બધા પરથી તમારી કિંમત નક્કી થાય છે અને એ મુજબ જ તમારી આગતા સ્વાગતા થાય છે. જયારે સામાન્ય માણસને ઘેર એવું કશું જોવાનો સવાલ ઉઠતો નથી. અને સાવ ગરીબ વ્યક્તિ દિલની અમીર જરૂર હોઇ શકે.

આજે આવી જ કોઇ દિલની અમીરાતની વાત કરવી છે.

ઘણાં વરસ પહેલા અમારે ઘેર એક બેન કામ કરવા આવતા હતા. તેનું નામ સવિતા હતું. સવિતાનો પતિ છૂટક મજૂરીએ જતો હતો અને પોતે ઘરકામ કરતાં હતાં. તેમને એક દીકરો અને એક દીકરી હતા. સવિતા ખૂબ પ્રામાણિક, ચોખ્ખી અને સંસ્કારી હતી. તેના કામમાં કયારેય કશું કહેવાપણુ હોય નહીં. અમારા ઘરની એક ચાવી હમેશા તેની પાસે રહેતી. એટલી વિશ્વાસુ. અમારે ઘેર આખો દિવસ સવારથી સાંજ રહેતી. કદાચ અમારું ઘર સવિતા ઉપર જ આધારિત બની ગયું હતું. એમ કહું તો જરાયે અતિશયોક્તિ નહીં કહેવાય.

તેની દીકરી દસ વરસની હતી. અને દીકરો બાર વરસનો. સ્વાભાવિક રીતે જ બંને બાળકો મ્યુનીસીપાલીટીની શાળાએ ભણતા હતા.કયારેક રવિવારે અમારે ઘેર પણ આવે. હું હમેશા જોતી કે સવિતા દીકરીને વધારે લાડ કરે છે. ગમે તે વસ્તુ આપીએ એટલે પહેલા દીકરીનો ભાગ જ હોય. પછી જ દીકરાનો વારો આવે. દીકરીને શક્ય તેટલા સારા કપડાં પહેરાવે..દીકરી પણ ખૂબ પ્રેમાળ હતી. ભાઇ બહેન વચ્ચે ખૂબ સંપ હતો. કયારેક ઝગડે તો સવિતા દીકરાને જ ખીજાતી. દીકરી વહાલનો દરિયો કહેવાય કે એવી કોઇ જાણ તેને નહોતી..પરંતુ દીકરી પ્રત્યે દરિયા જેટલું વહાલ તેના વર્તનમાં ઘૂઘવતું રહેતું.મને કયારેક નવાઇ લાગતી.સામાન્ય રીતે આ લોકો દીકરાને જ વધારે મહત્વ આપતા હોય છે એવું ઘણાં અનુભવોમાં મેં જોયું હતું. પણ સવિતા દીકરીનો વધારે ખ્યાલ રાખતી હતી એવું મને ઘણીવાર લાગતું હતું.

એકવાર કંઇક વાત નીકળતા મેં તેને કહ્યું,

’ સવિતા, તારો દીકરો એકદમ તારા જેવો જ દેખાય છે. દીકરી સાવ જુદી દેખાય છે. નથી મા જેવી દેખાતી કે નથી તેના બાપ જેવી.

સવિતાએ ધીમેથી જવાબ આપ્યો,

’ ના, બેન, એકદમ એના બાપ ઉપર ગઇ છે. ‘

મેં કહ્યું,’ ના રે, એના બાપને મેં જોયો છે હોં. એ તો એકદમ કાળો છે. ને આ તો રૂના ઢગલા જેવી.’

’ મેં હસતા હસતા કહ્યું.

’ બેન. તમે એના બાપને જોયો નથી. એનો બાપ પણ આવો જ રૂપાળો હતો. ‘

’ કોણે કહ્યું મેં નથી જોયો.? રવિવારે આપણે ઘેર બગીચાનું કામ કરવા તો આવે છે. ‘

’ બેન એ મારો વર આવે છે. આનો બાપ નહીં.’

’એટલે ? ‘

હવે મને સમજાયું નહીં.

’બેન, આ છોકરી મારી નથી..’ હું પ્રશ્નભરી નજરે એને જોઇ રહી. હવે સવિતાએ માંડીને વાત કરી. ’ આમ તો હું કયારેય કોઇને કહેતી નથી. પણ તમારી હારે મન મળી ગયું છે. એટલે પેટછૂટી વાત કરું છું. આ છોકરીના મા ને બાપ અમારી બાજુમાં જ નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. શાકની રેકડી ફેરવતા હતા. આ છોકરી તેમની સાત ખોટની હતી. એક જ દીકરી હતી. દીકરીને રેકડીમાં નીચે કપડાનું પારણુ બાંધીને એમાં સૂવડાવીને ભેગી લઇ જાય. મા ગીત ગાતી જાય અને શાક વેચતી જાય.

એક દિવસ અચાનક એક કાળમુખા ટૃકે રેકડીને હડફેટમાં લઇ લીધી. મા અને બાપ બંને ત્યાં જ મરી ગયા. અને આ નાનકડી છોકરી બચી ગઇ. દૂર ફેંકાઇ ગઇ. પણ બેન, રામ રાખે તેને કોણ ચાખે ? આ ફૂલ બચી ગયું. પણ મા ને બાપ વિનાનું. તેમના સગામાં પણ એવું કોઇ નહોતું. હવે આ આવડી અમથી છોકરીને કયાં મૂકવી ? કોઇએ કહ્યું કે અનાથાશ્રમમાં અનાથ છોકરાઓને રાખે છે. આને પણ ત્યાં મૂકી આવો. પણ બેન, મારો જીવ ન ચાલ્યો. તેની મા મારી બહેનપણી હતી. હવે ચાલી ગઇ તો એની છોકરીને હું અનાથ કેમ થવા દઉં ? આપણે સાવ માણસાઇમાંથી જઇએ ? એટલે પછી અમે જ એને દીકરી કરીને રાખી લીધી. મોટી કરી..અને જે આછું પાતળુ મળે છે તેમાં તેનો પણ સમાવેશ થઇ જાય છે. તેને તો ખબર પણ નથી કે તેને મેં જનમ નથી આપ્યો. અમારા નશીબમાં આ દીકરી ભગવાને લખી હશે. મેં તેને જનમ ભલે નથી આપ્યો.તો યે હું એની મા તો છું જ.હું એને મારા પેટની દીકરીથી વધારે સાચવું છું. જોકે અમે તો હવે ભૂલી પણ ગયા છીએ કે આ અમારી દીકરી નથી. કંઇ જનમ આપીએ તો જ પોતાની કહેવાય એવું થોડું છે ?’

કેટલી મોટી વાત કરી નાખી સવિતાએ..અને તે પણ બિલકુલ સજહતાથી…જનમ આપવાથી દેવકી મા થવાય. પણ સવિતા તો યશોદામા બની હતી. અને યશોદાનું માતૃત્વ દેવકીથી ઉતરતું થોડું જ હતું ?

આ કયો સંબંધ હતો ? કોઇ મોટી મોટી વાતો નહીં. કશું કર્યું છે એવું કોઇ ભાન નહીં. બહેનપણીની દીકરીને આ ગરીબ બાઇએ કેવી સહજતાથી અપનાવી લીધી હતી.એની જગ્યાએ કોઇ શ્રીમંત સ્ત્રી હોત તો ? એની કોઇ બહેનપણીના બાળકની જવાબદારી એ લઇ શકે ખરી ? એવી વેઠ કે લપમાંએ પડે જ નહીં. બહું થાય તો કોઇ અનાથાશ્રમમાં મૂકી આવે. એનાથી વધારે અમીરી એ દાખવી ન શકે. જયારે આ ગરીબ સવિતાને તો પૈસાનો..ખર્ચનો એવો કોઇ વિચાર સુધ્ધાં નથી આવ્યો. અડધામાંથી અડધો આપવાની આપણી સંસ્કૃતિ આવા લોકોથી જ ઉજાગર છે એવું નથી લાગતું ? વગર કહ્યે..એ સંબંધો જાળવી જાણે છે. કોઇ ચર્ચાઓની એને જરૂર નથી. સવિતાના દિલની ગરિમાને હું મનોમન નમી રહી. આની જગ્યાએ હું પોતે હોત તો પણ કાયમ કોઇને ઘરમાં રાખીને જવાબદારી ન જ લઇ શકી હોત. કોઇને પૈસા આપી દેવા કે કોઇ સંસ્થાઓમાં ફંડફાળા આપી દેવા બહું આસાન વાત છે. પણ વગર કહ્યે સંબંધો જાળવીને એનું જતન તો સવિતા જેવી સામાન્ય સ્ત્રી જ કરી શકે. આપણા મોટા લોકોનું એ ગજુ નહીં. આપણે તો આપણા પોતાના સગાઓના સંબંધો પણ કયાં જાળવી શકીએ છીએ ? એમાં પણ બે વ્યક્તિ વચ્ચે દીવાલો જ ઉભી કરીએ છીએ ને ?આપણે સૌ સંબંધો વિશે મોટી મોટી વાતો કરી શકીએ..લખી કે વાંચી શકીએ..જયારે આવા મુઠ્ઠીભર લોકો સંબંધને ઉજાળે છે..સમાજને ઉજાળે છે અને સાર્થક કરી જાય છે..પોતાના માનવજીવનને….

( સ્ત્રીમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ )

One thought on “સંબંધસેતુ..

 1. તમારો લેખ વાચ્યો, મન ને ઝંકૃત કરે છે.
  ભારતીય સંસ્કૃતિ હજુ આવા પરિવારો થી
  ધબકે છે. બાકી લોકો સબંધો ને પૈસા ની જેમ
  વાપરે છે અને પૈસા ને સબંધો ની જેમ સાચવે છે
  શ્રીમંતો ના બંગલામાં શાંતિ સોના અને દાગીના માં
  માથું કૂટે છે. અને ઝુપડી માં રહેનારો સોના વગર
  પણ શાંતિ થી જીવે છે. માનસ પાસે જયારે અછત હોય
  ત્યારે જ તે સબંધ સાચવે છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s