દોસ્તીનો ધરમ

કેતનભાઇની કવોલીસ સામેથી પૂરપાટ દોડી આવતા ટ્રક સાથે અથડાઇ… અને એક જોરદાર અકસ્માત.. કેતનભાઇ કયાંય ફંગોળાઇ ગયા. સાથે સોહમ પણ ફંગોળાયો. બંનેમાંથી કોઇને કશું સમજાય તે પહેલાં બંને બેભાન થયા હતા.

કેતનભાઇ અને પરાગભાઇ બંને લંગોટિયા મિત્રો હતા. પરાગભાઇ બે દિવસ પહેલાં તેના ફાર્મ હાઉસે ગયા હતા ત્યારે તેમની સાથે પરાગભાઇનો દીકરો સોહમ પણ ગયો હતો. કેતનભાઇએ જ પરાણે તેને સાથે લીધો હતો. સોહમનું ભણવાનું હજું હમણાં જ પૂરું થયું હતું. અને તેને સારી કંપનીમાં નોકરી મળી ગઇ હતી તેથી બધા ખુશ હતા. પરાગભાઇ રીટાયર થતા હતા..અને માથે દીકરીના લગ્ન આવીને ઉભા હતા..પણ ત્યાં દીકરાને સારી નોકરી મળી જતા બધા પ્રશ્નોના ઉકેલ આવી ગયા હતા..અને હવે પરાગભાઇ નચિંત બન્યા હતા. આવતા અઠવાડિયાથી જ સોહમને નોકરીમાં જોડાવાનું હતું. તેથી કેતનભાઇએ તેને પરાણે સાથે લીધો હતો.

‘ બેટા, હવે તો તું તારી નોકરીમાં બીઝી બની જવાનો..ચાલ , આપણે બે દિવસ ફાર્મહાઉસ પર આંટો મારી આવીશું અને થોડું શોપીંગ કરતા આવીશું..

તેમણે પરાગભાઇને પણ સાથે આવવા બહું આગ્રહ કર્યો હતો. પણ પરાગભાઇ નીકળી શકે તેમ નહોતા તેમણે કહ્યું,

‘ તું સોહમને જ લઇ જા..આમે ય એને બાપ કરતા અંકલ સથે વધારે ફાવે છે. અંકલે નાનપણથી તેના બધા લાડ પૂરા કર્યા છે. એટલે અંકલ જ ગમે ને ? કહેતા પરાગભાઇ ખડખડાટ હસી પડયા હતા.

વાત પણ સાચી હતી. કેતનભાઇને સોહમ ખૂબ વહાલો હતો. અંતે સોહમ અને કેતનભાઇ સાથે નીકળ્યા હતા. સોહમે જીદ કરીને અંકલ પાસેથી ગાડીની ચાવી લીધી હતી. અને પોતે જ ચલાવી હતી. જયારે પણ તક મળે ત્યારે અંકલની ગાડી તે જ ચલાવતો. આજે પણ જતી વખતે યે તેણે જ ચલાવી હતી. ગાડી ઉપર તેનો ક્ંટોલ પણ સારો હતો. તેથી કેતનભાઇ નચિંત હતા. છતાં એક વડીલની હેસિયથી અવારનવાર તેને ટોકતા તો ખરા જ..

’ સોહમ, બેટા..ધીમે..આપણે કોઇ ઉતાવળ નથી.

‘ અંકલ, નચિંત રહો..તમને સહીસલામત આંટી પાસે પહોંચાડી દઇશ..’ કહેતા સોહમ ખડખડાટ હસી પડયો હતો.

બંને વાતો કરતા હતા ત્યાં જ સામેથી એક ટ્રક ધસી આવ્યો..અને કેતનભાઇ અને સોહમ બેમાંથી કોઇ કશું સમજે તે પહેલાં તો ….

કેતનભાઇની આંખ ખૂલી ત્યારે તે હોસ્પીટલમાં હતા. અને અકસ્માત થયે ત્રણ દિવસ વીતી ચૂકયા હતા.

તેમને ભાન આવ્યું ત્યારે તેની પત્ની, બંને પુત્રીઓ અને પરાગભાઇ પણ બાજુમાં જ હતા.કેતનભાઇને માથામાં સારું એવું લાગ્યું હતું..તાત્કાલિક ઓપરેશન કરવું પડયું હતું. પણ સદનસીબે બચી ગયા હતા. હજું પૂરું બોલી શકાતું નહોતું. સંભાળવું પડે તેમ હતું. જોખમ હજુ પૂરું ટળ્યું નહોતું..એમ ડોકટરનું કહેવું હતું.

કેતનભાઇને ભાન આવ્યું. બધાને સામે ઉભેલા જોઇ કેતનભાઇના દિલને શાંતિ થઇ.

બોલવામાં તકલીફ પડતી હતી તો પણ પરાગભાઇ સામે જોઇ કેતનભાઇ માંડ માંડ બોલ્યા,
‘ સોહમ… સોહમ..કયાં ?

પરાગભાઇએ તેને શાંત રહેવા સૂચના કરી અને કહ્યું,

‘ સોહમને પગમાં ફ્રેકચર થયું છે. પણ તમે બંને બચી ગયા એ જ મોટી રાહત છે.

સોહમને ચાલવાની મનાઇ છે. પગમાં પ્લાસ્ટર આવ્યું છે. એટલે ઘેર છે. નહીંતર એ તારી પાસે આવ્યા સિવાય રહે ?

કેતનભાઇને થોડું આસ્વાસન મળ્યું. ધ્યાન રાખજે..મારા સોહમનું..

એટલું તો માંડ બોલી શકયા. ત્યાં શ્વાસ ચડવાથી આંખો બંધ કરી ગયા. ડોકટરે આવીને ફરીથી કોઇક ઇંજેકશન આપ્યું.. અને બધાને બહાર જવાનું કહ્યું. થોડા દિવસ કેતનભાઇ જેટલું ઓછું બોલે એ તેમના હિતમાં છે. માટે ધ્યાન રાખજો.. એમ સૂચના આપી ડોકટર ગયા.
કેતનભાઇએ પરાગભાઇનો હાથ પકડી રાખ્યો હતો. થોડીવારે પરાગભાઇ કહે,

‘ હું હવે જાઉં ? પછી પાછો આવીશ.’ પણ કેતનભાઇ મિત્રને જવા દેવા જલદી તૈયાર નહોતા.

તેમના પત્નીએ તેમને સમજાવ્યા. સોહમને લાગ્યું છે એટલે તેમને ઘેર પણ બધા જોવા આવે છે..એટલે તેમણે હવે ઘેર જવું જોઇએ ને ?

નાના બાળકની જેમ પતિને સમજાવીને… ફોસલાવીને કેતનભાઇના પત્ની વિભાબહેને પરાગભાઇને બે હાથ જોડીને ઘેર જવા કહ્યું.

પરાગભાઇ ઉભા થયા.

જલદી આવજે હોં..

માથું ધૂણાવી પરાગભાઇએ હા પાડી.

‘ અરે, આટલા બધા દુખી થવાની જરૂર નથી. મટી જશે.. જોજેને મહિનામાં તો હું ઘોડા જેવો થઇ જવાનો ..અને એમ કંઇ હું કે સોહમ ડરી જઇએ એમ નથી. અમે બંને તો સાજા થઇને પાછા ફરવા ઉપડવાના.. તારું આ દિવેલ પીધા જેવું ડાચું લઇને સોહમ પાસે ન જતો હોં.. તેને કહેજે અંકલની ચિંતા ન કરે..

માથું હલાવી પરાગભાઇ જલદીથી બહાર નીકળી ગયા. કયાંક તેમનાથી એક ધ્રૂસકું મૂકાઇ જવાશે તો ? કયાંક દોસ્તને કોઇ શંકા આવશે તો ?

વિભાબહેન પણ પરાગભાઇની પાછળ બહાર ગયા.
ભાઇ… તમે..તમે.. સોહમ… ‘ વિભાબહેન આગળ કશું બોલી ન શકયા. તેમની આંખો ધોધમાર વરસી રહી હતી.

ભાભી, તમે ઢીલા ન પડો..જે ચાલ્યો ગયો છે એને માટે તો હવે કંઇ થઇ શકે તેમ નથી..જે બચી શકે તેમ છે એને તો બચાવવો રહ્યો ને ? અત્યારે તો મારે અમારી દોસ્તીનો ધરમ બજાવવાનો છે. અને સોહમના આત્માને પણ તો જ શાંતિ મળશે.

ભાભી, હું હવે જઉં ? આજે ઘેર ગીતાપાઠ…..’

વિભાબહેન ભીની આંખે આ દોસ્તને જતા જોઇ રહ્યા.

( સંદેશમાં પ્રકાશિત થતી કોલમ..” વાત એક નાની ” )

2 thoughts on “દોસ્તીનો ધરમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s