કયાં સુધી ?

દિવાળીના દિવસો હતા. પાંચ વરસની આશના દોડીને દાદુ પાસે આવી. દાદુ, ફટાકડા લેવા છે..ચાલો..હું પણ બહું બધા ફટાકડાં ફોડીશ. ‘ ના..બેટા, આપણે ફટાકડા નહીં.. સરસ મજાના જાજા બધા દીવા કરીશું. ‘ પણ કેમ દાદુ, ફટાકડા કેમ નહીં ? મારે તો ફટાકડાં જ લેવા છે.દીવા નહીં. મારી બધી બહેનપણીઓ કેટલાબધા ફટાકડાં ફોડે છે.. મારે પણ ફોડવા છે.
‘આશના..એકવાર ના પાડીને ? ‘

દાદુએ જરા મોટેથી કહ્યું. દાદુના ગુસ્સાથી ડરીને નાનકડી આશના રડતી રડતી મમ્મી પાસે અંદર દોડી ગઇ. દાઉની ફરિયાદ કરવા માટે..
આમ તો આશના દાદુની લાડકી પૌત્રી હતી. દાદા, દીકરી બંને ને એક બીજા સિવાય ચાલતું નહોતું. રોજ વહાલ કરનારા દાદુ આજે પોતાને કેમ ખીજાયા એની સમજ પાંચ વરસની આશાનાને કેમ પડે ? અને દાદુ એને સમજાવે પણ કેમ ?
વહાલી પૌત્રીને ખીજાયા બાદ દાદા પણ ઉદાસ બની ગયા. પણ કોને કહે ? ભીતરની વ્યથા આટલા વરસો બાદ પણ અંદર અકબંધ હતી.

અને દાદુની આંખે અતીતની છારી બાઝી.. વરસો પહેલા લાડલી પુત્રી ફટાકડાં ફોડતા ફોડતા ધનતેરસને શુભ દિવસે જ અલવિદા કરી ગઇ હતી. નજર સામે આગની જવાળામાં લપેટાઇ ગયેલી દીકરીને બચાવી નહોતા શકયા.જોકે આજે તો એ વાતને ખાસ્સો સમય વીતી ચૂકયો છે.છતાં આજ સુધી એ ગોઝારી ઘટના ઘરમાં કોઇ વિસરી શકયું નથી. દિવાળીના આ દિવસોમાં એ યાદ વધારે તાજી બની રહે છે. કોઇને ફટાકડાં ફોડતા પોતે જોઇ નથી શકતા.. મનમાં ઊંડે સુધી એક ભય પેસી ગયો છે. કયાંક આશના સાથે પણ એવું કંઇક બની જાય તો ? બસ.. એવા કોઇ વિચારનો અજંપો ઘરમાં ફટાકડા લાવવા નથી દેતો.. પણ કેમ સમજાવવું આ બધું પૌત્રીને ? એ દિવસની વ્યથા.. ગમ ભીતરમાં હજુ પણ જીવંત હતો. તે દિવસથી આ ઘરમાં કયારેય ફટાકડાં નથી આવ્યા..નહીં આવે.

આશના રડતી રડતી દોડીને મમ્મી..કાશ્યપી પાસે પહોંચી.. દાદુની ફરિયાદ મમ્મીને કરી રહી.
કાશ્યપીના ચહેરા પર ઉદાસી ફરી વળી. પોતાની એકની એક દીકરીને આ ઘરમાં કયારેય ફટાકડા નહીં મળે. વરસો પહેલા થયેલ એ હાદસાનો ઓથાર આ દિવસોમાં ઘરમાં ફરી વળતો..પોતે તો ઠીક છે..મોટી છે..સમજે છે પણ આશનાને કેમ સમજાવવી ? અત્યાર સુધી તો બહું વાંધો નહોતો આવતો..પણ હવે આશના પાંચ વરસની થઇ હતી. સ્કૂલે જતી હતી..બધાને ફટાકડાં ફોડતા..આનંદ કરતા જોતી હતી.. અને એટલે સ્વાભાવિક રીતે જ આ વરસે તેણે ફટાકડાની જિદ કરી હતી. બાળકને કેમ સમજાવવું ? શું સમજાવવું ?

આશના રડતી હતી તેને શાંત કરવાના પ્રયત્ન તે કરતી રહી.એ સિવાય બીજું તે શું કરી શકે ?
તે પરણીને આવી ત્યારથી તે જોતી આવી હતી કે દર ધનતેરસ…દિવાળીના દિવસોમાં આ ઘરમાં ઉત્સાહનું નહીં ઉદાસીનું આવરણ ઘેરી વળતું હોય છે. પતિ મેહુલે તેને બધી વાત કરી હતી. કેવી રીતે પોતાની દસ વરસની બહેન હોંશથી ફટાકડાં ફોડતી હતી અને એમાં એક ફટાકડો કંઇક વિચિત્ર રીતે આડો ફૂટયો હતો. અને સીધો બહેનના કપડાંની અંદર…અને કોઇ બચાવી શકે તે પહેલાં જ….

વાત કરતા કરતા મેહુલની આંખો બહેનની યાદમાં ઉભરાઇ આવી હતી. કાશ્યપી સમજુ હતી. એક ભાઇની વેદના…એક માતા પિતાની વ્યથા તે અનુભવી શકતી હતી.
અને દિવાળીના દિવસો આ ઘરમાં એમ જ ચૂપચાપ પસાર થઇ જતા હતા. હા.. બે ચાર દીવાઓ શુકન પૂરતા જરૂર થતા હતા..પરંતુ એથી વિશેષ કશું નહીં..
દાદીમા અત્યાર સુધી મૌન બનીને બેસી રહ્યા હતા. મનમાં જાતજાતના વિચારો ચાલી રહ્યા હતા.
અંતે તે ઉઠયા. ધીમેથી રડતી આશના પાસે ગયા.

’ આશના. બેટા..તારે ફટાકડાં ફોડવા છે ને ? આજે આપણે ફટાકડા લેવા જઇશું હોં..બહું બધા ફટાકડાં લાવીશું. સાચ્ચે જ દાદીમા…?

આશના ખુશ થઇને ચહેકી ઉઠી.

હા..બેટા..સાચ્ચે જ.. તું આવીશને મારી સાથે ફટકડાં લેવા ?

પણ..બા…
કાશ્યપી વાકય પૂરું કરે એ પહેલા જ … બેટા ..વીતી ગયેલી વાતનો શોક કરીને આ છોકરીની ખુશી કેમ છિનવી લેવાય ?
પણ..

દાદુ પાછળથી બોલી ઉઠયા..

.’
પણ કંઇ નહીં..આપણે વધારે સાવધાન રહીશું. ધ્યાન રાખીશું. બીજું શું ? એકવાર એવું કશુંક થયું એટલે હમેસા એવું થાય એવું થોડું છે ?

દાદુ વાકય પૂરું કરે તે પહેલાં જ દાદીમા ધીમેથી બોલ્યા.

’આપણા અતીતની વેદનાનો ઓથાર બાળકો કયાં સુધી ઝિલ્યા કરશે ? આખરે કયાં સુધી ? રોડ પર કદીક અકસ્માત થાય એટલે આપણે કંઇ ચાલવાનું નથી છોડી દેતા ને ?

‘ આજે આશના ફટાકડાં ફોડશે..આપણે સૌ દિવાળી મનાવીશું. ‘

પૌત્રી અને વહુના ચહેરા પર ફરી વળેલી ખુશીની લહેરખીને નિહાળતા દાદીમાએ કહ્યું.
આશના જોશથી તાળીઓ પાડી રહી.
( સ્ત્રીમાં નિયમિત પ્રગટ થતી કોલમ.. )

( સ્ત્રીમાં

3 thoughts on “કયાં સુધી ?

  1. એક અણધાર્યા અકસ્માતને જીવનભર સાથ રાખી…વગોળ્યા કરવાનો શો અર્થ ?
    જીવન એક વહેતી સરિતા છે…લઘકથા જીવનના એક નાના પ્રસંગાને સુંદર રીતે લઈને આવી છે..

    Like

  2. રોડ પર કદીક અકસ્માત થાય એટલે આપણે કંઇ ચાલવાનું નથી છોડી દેતા ને ? …જીવનને જીરવી ને જીવી જાણવાનો સુંદર સંદેશ…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s