ચપટી ઉજાસ..112

નવા માસી..નવી વાત ..

આજે પણ મમ્મીએ ફૈબા જેવો ડ્રેસ પહેર્યો હતો. મમ્મી કેવી સરસ લાગતી હતી આમાં. હમણાં મમ્મી જાણે નાનકડી બની ગઇ હોય એવું લાગતું હતું.
આજે સાંજે મમ્મી કહે,

‘ ચાલો, જૂઇ આપણે એક નવા માસીને ઘેર જશું ? ‘

‘ નવા માસી ? એ વળી કોણ ? ‘

મમ્મી, હું અને જય રીક્ષામાં બેસીને ઉપડયા..નવા માસીને ઘેર. વાહ..મમ્મીને બધે એકલું જતા પણ આવડે છે.. ફૈબાની જેમ..મને તો ખબર જ નહોતી. મેં મમ્મીને એકલી જતા કયાં જોઇ હતી ? હમણાં તો જાણે નવી મમ્મી.. મમ્મીને ગાતા પણ આવડે છે એની યે મને ખબર નહોતી. હમણાં મને મમ્મીની રોજ નવી નવી ખબર પડે છે.

‘ જય..જો માસીને ઘેર તોફાન નહીં કરે ને તો ઘેર જઇને આઇસ્ક્રીમ ખવડાવીશ. ‘
મમ્મીએ જયને કહ્યું.

‘ ને જૂઇ, તું તો ડાહી છો ને ? ભાઇનું ધ્યાન રાખજે હોં..એ કોઇને ઘેર કંઇ તોડી ન નાખે. દાદીમાએ ઉપરાણું લઇને બગાડયો છે. મમ્મી બોલતી રહી ને હું ચૂપચાપ સાંભળતી રહી.. જેમાનું મોટાભાગનું હું સમજી ન શકી. મારે ભાઇનું ધ્યાન રાખવાનું હતું..એટલી સમજ મને ચોક્કસ પડી. પણ ભાઇલો કંઇ મારું માને એવો થોડો છે ?
અમે નવા માસીને ઘેર પહોંચ્યા.

‘ હાય..નિશા..વોટ એ પ્લેઝંટ સરપ્રાઇઝ.. તારો ફોન આવ્યો ત્યારથી હું તારી રાહ જોતી હતી. આવ આવ… ઘણાં સમય બાદ નિરાંતે મળવાનો આવો મોકો મળ્યો. મમ્મી અને નવા માસી ભેટી પડયા. હું તો જોઇ જ રહી.
‘ જૂઇ, આ ઉર્વી માસી છે. નમસ્તે કરો..’

મેં ઉર્વી માસીને જે જે કર્યા.

‘ અરે હવે નમસ્તેની છોડ.. હવે તો શેક હેન્ડ કરવાના..મિલાવો હાથ.. ‘ કહેતા માસીએ મારી સામે હાથ ધર્યો. મને કંઇ સમજાયું નહીં. હું મમ્મીની સામે જોઇ રહી.
‘ ઉર્વી, અમે દેશી માણસો છીએ..તને એની કયાં ખબર નથી ? અમને નમસ્તેમાં ખબર પડે. હજુ શેક હેન્ડને વાર છે.

‘ ઓકે..ઓકે..ચાલ અંદર..બાપ રે આ માસી તો કેટલું મોટેથી હસતા હતા. અમે બધા અંદર ગયા. માસીનો બંગલો બહું મોટો અને સરસ હતો. માસી બધું મમ્મીને બધું બતાવતા હતા.

‘ નિશા, યાદ છે ? આપણે કોલેજમાં હતા ત્યારે પેલો બબૂચક અનુરાગ મારી પાછળ પડયો હતો.
‘ હા..કહેતા મમ્મી હસી પડી.

‘ યાદ જ હોય ને ? એને હેરાન કરવામાં તે કંઇ બાકી નહોતું રાખ્યું. બિચારો અનુરાગ..

‘ હા..પણ આજે અચાનક એ કેમ યાદ આવ્યો ? ‘

‘ અરે, આજે એ અમારી કન્પનીમાં જ મેનેજર છે. એકવાર કંઇક કામે ઘેર આવ્યો હતો. મને જોઇને એની હાલત તો… ? મને તો શું હસવું આવતું હતું.. મેડમ..મેડમ કરતો હતો બિચારો.. ‘ ’ તેં હજુ એની મસ્તી કરવાનું છોડયું નથી. ?

‘ જીવનમાં બીજું છે પણ શું ? બસ..ખાઓ..પીઓ ને એશ કરો.. અરે હા..નિશા તારો પેલો મજનૂ.. યાદ છે કે ભૂલી ગઇ ? ’ કોણ મજનૂ ? ‘

‘ બસ..ભૂલી ગઇ ? બિચારો તારી પાછળ આજે પણ દેવદાસ બનીને ફરે છે.’

‘ કોણ નિહારની વાત કરે છે ? ‘

’ હા ..યાદ આવી ગયો ને ? તને ખબર છે એણે આજ સુધી લગન નથી કર્યા. તારા ઘરના બધા દુશ્મન થઇને ઉભા નહીંતર નિહાર તને દેવી માનીને પૂજતો હતો. ‘

‘ છોડ…ઉર્વી..હવે એ એવું સાંભળવું પણ સારું નથી લાગતું. બધા નસીબના ખેલ છે. પણ ઉર્વી, તને કોણે કહ્યું કે નિહારે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ‘

મમ્મીએ ધીમેથી પૂછયું. મમ્મીનો અવાજ રોતલ જેવો કેમ લાગતો હતો ?

‘ અરે.બાબા..હમ સારી દુનિયાકી ખબર રખતે હૈં.. હું કંઇ તારી જેમ ઘરમાં પૂરાઇને નથી બેઠી સમજી ?

‘ ઉર્વી.. બોલતા મમ્મી સાવ રડવા જેવી બની ગઇ. હું તો મમ્મી સામે જોઇ રહી.
મમ્મી કંઇક બોલવા જતી હતી પણ મારી સામે જોઇને કશું બોલી નહીં. થોડું હસીને કહ્યું,
’જૂઇ, જો તો જય તોફાન નથી કરતો ને ? જા..એની સાથે જઇને તું પણ રમ..’

મમ્મીએ એવી રીતે કહ્યું કે મને જરાક ખરાબ લાગી ગયું. હું તો મમ્મી રડવા જેવી લાગતી હતી એટલે એની પાસે આવી હતી. આ ઉર્વી માસી મમ્મીને ખીજાયા હતા કે શું ? પણ મમ્મીએ જ મને ત્યાંથી જવાનું કહ્યું. એટલે હું ફરીથી જય પાસે ગઇને તેની સાથે રમવા લાગી.

ઉર્વી માસીએ મને ને જયને ઘણાં રમકડા આપ્યા હતા. હું ને જય રમતા હતા.પણ મારું ધ્યાન મમ્મીમાં વધારે હતું. પણ પછી થયું કે મમ્મીની કે માસીની કોઇ જ વાત મારા ભેજામાં ઉતરે એવી નથી.. એટલે મને મજા ન આવી. ને હું નવી નવી ગેઇમથી જય સાથે રમવા લાગી. જય દોડાદોડી કરતો બગીચામાં દોડી ગયો. હું પણ તેની પાછળ પાછળ..આજે જય ભાઇ આગળ હતો ને હું તેની પાછળ..

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..112

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s