સંબંધસેતુ..

નામ તારુ ચુસ્ત મારા નામથી જોડાયું છે

આપણો સંબન્ધ છે, ખડતો કે ઉખડતો નથી

જીવન એટલે અનેક જાણીતા..અજાણ્યા નજીકના દૂરના સંબંધોની વણઝાર… કોઇ સાવ થોડા સમયમાં સાવ પોતીકા બની જાય છે. તો કોઇ જીવનભર પારકા બની રહે છે. કોઇ સંબંધોની પાછળ સ્વાર્થની ભાવના છૂપાયેલી હોય છે.તો કોઇમાં નિસ્વાર્થ સંબંધોનું સૌન્દર્ય સચવાયેલું હોય છે. કોઇ સંબન્ધો ઓફિસ ફલાવર્સ જેવા..અર્થાત સવારે ખીલીને સાંજે કરમાઇ જનારા જેવા હોય છે.એવા સંબંધોનું આયુષ્ય બહું લાંબુ હોતું નથી. જીવનભર ટકી રહે ..અને તે પણ સુવાસથી સભર બનીને એવા સંબંધો જેને મળતા હોય છે..એને ખરેખર નસીબદાર જ કહી શકાય ને ?

સુરભિ મધ્યમવર્ગની યુવતી હતી. નાનપણથી ખૂબ હોંશિયાર હતી. અને ખૂબ ભણીને આગળ આવવાના શમણાં અંતરમાં ઉછરતા હતા. પરંતુ ત્રણ બહેનો અને એક ભાઇ..ચાર સંતાનો..અને આટલી મોંઘવારી.. એમાં મન હોય તો પણ પિતા કયાં સુધી કોને ભણાવે ? તેથી સુરભિએ બારમું ધોરણ પાસ કર્યું અને નાતમાંથી એક સારા કુટુંબનું સામેથી માગુ આવ્યું ત્યારે સુરભિની કોલેજમાં ભણવાની વાત કોણ સાંભળે ? કેમ સાંભળે ? સુરભિ આમ પણ સૌથી મોટી હતી. એટલે સુરભિની કોલેજમાં જવાનું સપનું માત્ર સપનું જ રહી ગયું. જે સાકાર થવાની કોઇ શકયતા નહોતી.

સુરભિ પરણીને સાસરે આવી. સુખી ઘર હતું. સુરભિનો પતિ સુમન સામાન્ય ગ્રેજયુએટ હતો. અને કોઇ ખાનગી કંપનીમાં કલાર્કની નોકરી કરતો હતો. તેને આગળ ભણવામાં બહું રસ નહોતો. આમ તો તેની નોકરી સાધારણ હતી. પરંતુ તેના પિતા સારી એવી મિલ્કત મૂકીને ગયા હતા.એક બહેન હતી. જેના લગ્ન પિતાની હયાતિમાં જ સારા ઘરમાં થઇ ગયા હતા. તેથી ઘર સારી રીતે ચાલતું હતું.ખાસ કોઇ આર્થિક પ્રશ્નો નહોતા.

સુરભિ ધીમે ધીમે ઘરમાં સેટ થતી ગઇ. સંજોગોને અનુકૂળ બનતી રહી. તેના સાસુ.. રાધાબહેનનો સ્વભાવ ખૂબ સારો હતો. સુરભિ પણ સાસુ સાથે સારી રીતે રહેતી. હકીકતે તેના પિયરમાં તેની મમ્મી, પપ્પા જૂનવાણી વિચારના હતા. જયારે અહીં રાધાબહેનનો સ્વભાવ અલગ હતો. તેથી સાસુ સાથે તેને પોતાની મમ્મી કરતા પણ કદાચ વધારે ફાવતું હતું. સુરભિના લગ્નને એક વરસ પૂરું થયું હતું.

એકવાર વાતવાતમાં તેના સાસુને જાણ થઇ કે સુરભિ ભણવામાં બહું હોંશિયાર હતી. અને સંજોગોને લીધે આગળ ભણી શકી નથી. અને તેને આજે પણ આગળ ભણવાની બહું હોંશ છે. તેમણે તુરત સુરભિને કહ્યું.

‘ સુરભિ, તો પછી તું હજુ પણ ભણી શકે છે.

‘ હજુ પણ ? કેવી રીતે ?

‘ કેમ કેવી રીતે એટલે ? અરે લગ્ન થઇ ગયા એટલે ભણવાના દરવાજા બંધ થઇ ગયા એવું કોણે કહ્યું ? તારું મન હોય તો તું ચોક્કસ આગળ ભણ.. તને જેમાં રસ હોય તે ભણી શકે છે.

સુરભિ કહે, તો મમ્મી, હું એક્ષ્ટરનલ કયા કોર્સ થાય છે એની તપાસ કરું ?
‘ એક્ષ્ટરનલ શા માટે ? બેટા, તારે કોલેજમાં જવું હોય તો પણ અમને વાંધો નથી. મને તારામાં વિશ્વાસ છે. બોલ, તારે શું ભણવું છે ?
‘ મમ્મી, સાચું કહું તો મારી ઇચ્છા તો વરસોથી સી.એ.નું ભણવાનું હતી. પણ એ ન થઇ શકે તો કંઇ નહીં. પણ હું કોમર્સ માં જ ભણીશ. પહેલા બી.કોમ તો થાઉં..
‘ અરે, બેટા..સી.એ. પણ થવાશે..કેમ ન થવાય ? મન હોય તો માળવે જવાય.
અને રાત્રે પતિએ પણ સુરભિની ઇચ્છાને હોંશથી વધાવી.

પણ કોલેજની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જાણ થઇ કે સુરભિ પ્રેગનન્ટ બની. હવે ?

પણ સાસુએ તેને હિમત આપી.. એમાં શું ? ભણવામાં એમાં કંઇ નહીં નડે..હું બેઠી છું ને ?

આ સંજોગોને લીધે સુરભિને હવે કોલેજમાં રેગ્યુલર તરીકે ભણવા જવાનું મન ન થયું. તેણે એક્ષ્ટરનલ તરીકેનું ફોર્મ ભર્યું. હોંશે હોશેં પુસ્તકો લાવી.. અને વાચવાનું શરૂ કર્યું. સાસુ અને પતિનો સપોર્ટ બધી રીતે મળી રહેતો. નવ મહિના પછી તેણે દીકરીને જન્મ આપ્યો. અને દીકરી એક મહિનાની હતી ત્યાં જ પરીક્ષા આપી. અને સારા માર્ક્સથી પાસ પણ થઇ.

અને એ રીતે તેણે બી.કોમ. પૂરું કર્યું. . પણ હજુ મંઝિલ દૂર હતી..પણ હિમત હતી..અને એમાં સાથ દેવા માટે સાસુ અને પતિ બંને હાજર હતા.

દીકરી પણ હવે સ્કૂલમાં જતી થઇ હતી. તેની બધી જવાબદારી સાસુએ પહેલેથી સંભાળી લીધી હતી. સુરભિ ઉપર ઓછામાં ઓછો બોજો આવે તે રીતે જ સાસુ રહેતા. જાણે ઘરમાં વહુ નહીં પણ દીકરી ભણતી હતી.. સુરભિએ તો બસ પોતે જાણે કોલેજમાં ભણતી છોકરી હોય તેમ સી.એ.ની એંટ્રંસ ની પરીક્ષાની તૈયારી કરવાની હતી.

સુરભિ રાત દિવસ મહેનત કરતી. ઘરની જવાબદારી પણ શકય તેટલી ઉપાડતી. બાકીનું બધું સન્ભાળી લેવા સાસુ અને પતિ હતા જ.કયારેક સુરભિ ગળગળી થઇ જતી. આવા સાસુ અને પતિ મળવા બદલ.

સુમન તેને કહેતો.. સુરભિ, હું તો વધારે ભણી ન શકયો.. હું તારી જેમ હોંશિયાર પણ નહોતો. પરંતુ તું ભણે છે એ જોઇને મને આનંદ થાય છે. તારી પ્રગતિ જોઇને હું ખુશ થાઉં છું. ઇશ્વરે તને શક્તિ આપી છે. તો તું આગળ આવે એમાં જ અમારી ખુશી છે.

વરસો વીતતા ગયા. કયારેક કોઇ પ્રશ્નો પણ આવતા રહ્યા. પરંતુ સમજણ અને સહકારના વાતાવરણને લીધે પ્રશ્નો ઉકેલાતા રહ્યા.

અને અંતે પાંચ વરસની અથાગ મહેનત પછી અંતે એક દિવસ સુરભિ સી.એ.ની ડીગ્રી લઇને આવી ત્યારે બધાની આંખો ભીની હતી. સુરભિ સૌ પ્રથમ સાસુને પગે લાગી.

‘ મમ્મી, આનો બધો યશ તમને જાય છે. તમારા સહકાર અને પ્રોત્સાહન સિવાય આ શકય જ ન બન્યું હોત.

પણ હવે મને તકલીફ થઇ એનું શું ? હસતા હસતા સુમને કહ્યું.

સુરભિ પ્રશ્નભરી નજરે પતિ સામે જોઇ રહી.

‘ અરે, બાબા…હવે મારી પત્ની સી.એ અને હું એક સામાન્ય કલાર્ક ? ‘

‘ ના.. સામાન્ય કલાર્ક નહીં.. અસામાન્ય પતિ..દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એમ કહેવાય છે. પરંતુ હું ગર્વથી કહીશ કે મારી સફળતા પાછળ ..એક પુરૂષ.. મારા પતિ અને મારા સાસુ છે.કોણ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે ?

હવે તો મારી આ દીકરી પણ તેની મમ્મીની જેમ સી.એ બનશે..સુમને ગર્વથી કહ્યું.
હવે તો દીકરી પણ મોટી થઇ ગ ઇ હતી. મમ્મીને ભણતી જોઇને તેને પણ વાંચવાની હોંશ થતી. અને મમ્મી સાથે તે પણ વાંચતી રહેતી.

સુરભિને એક મોટી કંપનીમાં નોકરી મળી હતી. સુરભિની મહેનત અને લગન રંગ લાવી. ઘરમાં સમૃધ્ધિ આવી.

કયારેક સુમનના દોસ્તો કહેતા..

તને લઘુતા ગ્રંથિ નથી થતી ? તું એક સામાન્ય કલાર્ક અને તારી પત્ની……

આ જમાનમાં સ્ત્રી અને પુરૂષ સરખા ગણવા જોઇએ એમ આપણે બધા કહીએ છીએ ને ?

હા.. પણ આ તો આખી વાત અલગ છે.

‘ એમાં અલગ શું થયું ? પુરૂષ આગળ હોય અને સ્ત્રી ઓછી ભણેલી..કે પતિ કરતા ઓછી હોંશિયાર હોવી જોઇ એવો કોઇ કાયદો છે ? અહીં મારે મારી પત્ની વધારે ભણેલી છે..મારા કરતા વધારે હોંશિયાર છે. તો હું એનો ગર્વ લઉ છું. જેમ સ્ત્રી એનો પતિ હોંશિયાર હોય અને ગર્વ લે એમ હું કેમ ન લઇ શકું ? જવા દો..દોસ્ત, એ વાત તમને નહીં સમજાય..

તમે બધા સ્ત્રી સ્વાંતત્રની ફકત વાત જ કરી શકો..અમે એનો પૂરો અમલ કર્યો છે.

અને સુરભિ પણ પતિનું સ્વમાન ન ઘવાય એનો પૂરો ખ્યાલ રાખતી.ઘરમાં હોય ત્યારે એ બીજું બધું ભૂલીને ફકત ગૃહિણી બની રહેતી. સાસુને હવે કોઇ રીતે તકલીફ ન પડે..એનો એ પૂરો ખ્યાલ રાખતી. ઘરમાં હવે આખા દિવસની બાઇ હોવાથી સાસુને કામમાં તો કોઇ તકલીફ ન પડતી. પણ બીજી દરેક રીતે પણ સાસુને એ પૂરું માન અને સ્નેહ આપતી. હકીકતે હવે તેમની વચ્ચે સાસુ વહુનો સંબંધ રહ્યો જ કયાં હતો ? હવે તો એક સ્નેહાળ મા દીકરી જ બની રહ્યા હતા ને ? ઘરમાં સુખ, શાંતિ અને સમજણનું ..સમૃધિ નું વાતાવરણ રચાયું હતું.

સંબંધોનો કેવો આગવો સેતુ.. જયાં પુરૂષ જ સ્ત્રીથી આગળ હોવો જોઇએ..એવો કોઇ નિયમ પણ નહોતો. બંને સાચા અર્થમાં સખા હતા.. સહિયારું જીવન સખ્ય જીવન બની શકયું હતું. સમજણ અને સંબંધના અતૂટ સેતુથી.. આવા દાખલા સમાજમાં બહું ઓછા જોવા મળે છે. પરંતુ કયારેક એકલ દોકલ કોઇ કિસ્સા જોવા મળી જાય ત્યારે એક શુભ શરૂઆત થઇ રહે છે એવો મંગલ સંકેત મળે છે. અને કયારેક એક દીપથી પણ અનેક દીપ જલી શકે..અને જયાં સ્ત્રી અને પુરૂષ સાચા અર્થમાં સમાન હોય એવા સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે..

શીર્ષક પંક્તિ.. ..હર્શદ ચન્દારાણા

( સ્ત્રી સાપ્તાહિકમાં નિયમિત પ્રકાશિત થતી શ્રેણી )

1 thoughts on “સંબંધસેતુ..

  1. યાદ આવી ગયાં મને મારી બા ના સંઘર્ષમય દિવસો.

    બાએ સાસરે આવીને બી.એડ અને એમ.એ કર્યું.

    એક બાજુ આખા દિવસનું કામ. અમને બે બાળકોને સાચવવાના અને સાથે સાથે ભણવાનું. અમે મોટા થયા અને ભણતા અને સાથે તે પણ ભણતી. તેની પરીક્ષાનું પરીણામ લેવા જતી વખતે બીક લાગે – કારણ કે આટ આટલી જવાબદારી વચ્ચે તે પીરીયડ તો ભરી જ શકતી નહી એટલે છેલ્લે પરિક્ષા વખતે રાત્રી જાગરણ કરીને વાંચ્યું હોય.

    તે જ્યારે એમ.એ. થઈ ત્યારે અમારી સહુની આંખમાં હરખના આંસુ આવેલા.

    મારા પીતાજીને તો વળી સી,એ. થવાની એક પ્રકારની ઘેલછા જ વળગેલી. બેંકની નોકરી છોડીને સી.એનું ભણવાનું શરુ કરેલું. અલબત્ત તેઓ સી.એ. થઈ નહોતા શક્યાં પણ કોઈ પણ અટપટા કેસમાં સી.એ તેમની સલાહ લેતાં.

    જ્યારે જ્યારે મારા માતા-પિતાએ અભ્યાસ માટે જે સંઘર્ષ કર્યો છે તે યાદ કરું છું અને આજના વિદ્યાર્થીઓને બધી સગવડ હોવા છતાંએ અભ્યાસ પ્રત્યે ઉદાસીન રહેતા જોવું છું ત્યારે થોડી ગમગીની થાય છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.