આપણે જ આપણા અન્ના..!


હમણાં નિલય અને મહિનની ઓફિસમાં મિત્રો વચ્ચે એક જ વાતની જોરદાર ચર્ચા ચાલતી રહેતી. વિષય એક જ..અન્ના હઝારે.. લોકપાલ બીલ. શું સારું ને શું ખરાબ..યોગ્ય કે અયોગ્ય.. વગેરે દલીલો થતી રહેતી. જાણે અચાનક લોકોમાં દેશભક્તિનો જુવાળ પ્રગટયો હતો.

જોકે આમ તો તેની ઓફિસમાં જ નહીં..આજકાલ તો ચોરે ને ચૌટે..ઘર ઘરમાં એજ ચર્ચા કયાં નહોતી ચાલતી? કદાચ ઘણાંને તો પૂરી સાચી વાતની જાણ કે માહિતી ન હોય તો પણ જોરશોરથી કૂદી રહેતા. જાણે કશુંક નવું થઇ રહયું હોય એવું જોશ પ્રગટી રહ્યું હતું. અન્ના હજારેના સમર્થકો અને વિરોધીઓ..બંનેની સંખ્યા કંઇ નાનીસૂની નહોતી. રોજ જાતજાતની અપીલો થતી રહેતી. ટીવી. કે દરેક છાપાઓમાં પણ આ વિષય અંગે રોજ નવા રંગો ફૂટી નીકળતા.. ફેસબુક જેવી સોશયલ સાઇટ પર અનેક ગ્રુપો ઉભા થયા હતા. જુદી જુદી વિચારસરણીના ધોધ ફૂટી નીકળ્યા હતા.

નિલય અને મહિન પણ આવી કોઇ ચર્ચાઓમાંથી બાકાત નહોતા જ.. જોકે નિલય ઓછાબોલો અને મહિન બોલકો હતો. બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. મહિન ઉત્સાહથી અન્નાની વાત…એના વખાણ કરતા થાકતો નહોતો. નિલય કોઇ વિરોધ કે સમર્થન સિવાય ઉદાસીનતાથી મિત્રની વાત સાંભળતો હતો. એને મન આવી કોઇ વાતનો બહું અર્થ નહોતો. કયારેક બહું થાય ત્યારે કહેતો..

‘ મહિન, અન્ના પોતે ભલે સાચી વ્યક્તિ હોય… પણ તેના સમર્થકો બધા કંઇ દૂધના ધોયેલા નથી જ..બધાને અન્નાએ પેટાવેલા અંગારામાં પોતપોતાના રોટલા શેકવામાં રસ છે. એથી વિશેષ કશું નહીં.. બધાને છાને ખૂણે એમ જ છે કે જાણે એમાંથી પોતાને કંઇક લાડવો મળી રહેશે. એથી કોઇ વિચારીને તો કોઇ વગર વિચાર્યે..કોઇ સાચી રીતે, તો કોઇ સમજયા સિવાય ગાડરિયા પ્રવાહની માફક એમાં તણાતા રહે છે. ‘

‘ અરે, શું યાર..તું યે ખરો છે..તને તો દૂધમાંથી પોરા કાઢવાની આદત પડી છે. લોકોના ઉત્સાહને ટેકો આપવાને બદલે આપણે શિક્ષિત યુવાનો જ આમ પાણીમાં બેસી જઇએ તે કેમ ચાલે ?

‘ યાર, પાણીમાં બેસવાની વાત નથી. પણ મને લાગે છે કે આવા કોઇ એકાદ બીલથી કોઇ ભ્રષ્ટાચારનો ભોરીંગ નાથી ન શકાય.. એક કાઢીશું ને બીજા હજાર અનિષ્ટો ઘૂસી જશે.

એટલે આપણે કંઇ ન કરવું એમ ? હાથ જોડીને બેસી રહેવું ? જે થાય તે જોયા કરવું ? ખરો છે તું ! દરેક ક્ષેત્રમાં આટલો ભ્રષ્ટાચાર જોઇને તારા પેટનું પાણીયે નથી હલતું ? તારામાં દેશદાઝ જેવી કોઇ વસ્તુ છે કે નહીં ? અરે, મારું તો લોહી ઉકળી ઉઠે છે. બસ..હવે બહું થયું..હવે તો કંઇક કરવું જ રહ્યું.. કોઇકે તો જાગીને બીજાને જગાડવા જ રહ્યા.. કંઇ જ ન કરવાની આ તે કેવી તામસ હરિફાઇ ?

‘ દોસ્ત, લોહી તો મારું યે ઉકળે છે..પણ મારી માન્યતા થોડી અલગ છે..

‘ અલગ ..એટલે ? શું અન્ન્નાની વાત ખોટી છે ?

‘ ખોટી કે સાચી એની મને જાણ નથી..એ નક્કી કરવાની યોગ્યતા પણ મારામાં નથી. પણ મને તો એક જ ઉપાય દેખાય છે.

‘ ઉપાય ? તને ઉપાય દેખાય છે ? કયો ઉપાય ? ‘

‘ સાવ સાદો સીધો ઉપાય.. જેના દિલમાં ખરેખર સાચી દેશ દાઝ હોય.. દેશપ્રેમ હોય..ભ્રષ્ટાચારથી ખરેખર થાકયો હોય અને એ દૂર કરવાની સાચી તમન્ના હોય તો વાતો કરવાને બદલે એક જ પ્રતિજ્ઞા લે કે હું કોઇને લાંચ આપીશ નહીં કે લાંચ લઇશ નહીં. પછી ભલે મારું ગમે તેટલું નુકશાન થાય.. જો દેશની દરેક વ્યક્તિ આવી પ્રતિજ્ઞા લે તો શું ન થઇ શકે ? આપણે જ આપણા અન્ના બનવું જોઇએ.. બાકી બધી વાતો માત્ર.ફીફા ખાંડવાના.. ‘

મહિન મૌન બનીને સાંભળી રહ્યો. શું બોલવું તે તેને સમજાયું નહીં.તેના ચહેરા પર ઉદાસીની ઝલક ઉભરી આવી.

ત્યાં નિલયને અચાનક કશુંક યાદ આવ્યું.

અરે, મહિન, આજે તારે મકાનની કોઇ ફાઇલ માટે મ્યુનીસીપાલીટીમાં જવાનું હતું ને ? તેનું શું થયું ? જઇ આવ્યો ?

હા..જઇ આવ્યો. મહિને ઉદાસ સ્વરે કહ્યું.

‘ કેમ, આજે પણ કામ ન થયું ?

‘ ના..ના..કામ તો થઇ ગયું..

‘ તો પછી આવો ઢીલો અવાજ શા માટે ? ‘

એ કામ પૂરું કાયદેસર હતું અને છતાં એ કરાવવા માટે પાંચસો રૂપિયાનું નૈવેધ્ય ધરવું પડયું..કોઇ ફાઇલને હાથ અડાડવા જ તૈયાર નહોતું.. આટલા ધક્કા ખાધા પછી અંતે ચા પાણીના પૈસા ધર્યા ત્યારે જ..

અને એ પૈસા આપીને સીધો હું અન્ના હઝારેના સમર્થકો સાથે ભ્રશ્ટાચાર હટાવોના સૂત્રોચ્ચાર કરવામાં જોડાયો હતો. ધીમા સાદે મહિન બોલ્યો.

‘ દોસ્ત, મને લાગે છે..તારી વાત સાચી છે. આપણે જાતે જ આપણા અન્ના બનવું રહ્યું. તો કોઇ લોકપાલ બીલની જરૂર જ ન રહે..સૌ પોતપોતાનું આંગણૂં વાળી નાખે તો શેરી આપોઆપ સાફ થઇ જાય એની જેમ જ..

આજે મને તો લાગે છે. અન્નાએ તેના દરેક સમર્થક પાસે પહેલાં આવી પ્રતિજ્ઞા લેવડાવવી જોઇએ..

નિલયે પોતાનો હાથ લંબાવ્યો. મહિને પૂરી મક્કમતાથી એમાં પોતાનો હાથ મૂકયો. આજે બે હાથ મળ્યા..કાલે એમાં બીજા બાવીસ ભળી શકશે એ આશાએ બંને એ મનોમન ઇશ્વરને વંદન કર્યા.

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ ..” જીવનની ખાટી મીઠી )

6 thoughts on “આપણે જ આપણા અન્ના..!

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.