ડહાપણ ન કર..
હમણાં ચાર દિવસથી ઉમંગી ફૈબા કોઇ દોડાદોડીમાં છે. આખો વખત હાથમાં કંઇક કાગળિયા લઇને ફરતા હોય છે. કુંજકાકાએ પણ કંઇક કાગળ મોકલ્યા છે. કાકાના અને કાકીના સરસ મજાના ફોટા પણ આવ્યા છે. મને ફોટા જોવાની બહું મજા આવી. હું તો ફોટા હાથમાં લઇને ફરતી હતી. પણ દાદીમાએ મારા હાથમાંથી લઇ લીધા.
‘ લાવ, હવે મૂકી દે..બગાડી નાખીશ.’
‘ લો, હું કંઇ મારા વહાલા કાકા, કાકીના ફોટા બગાડી નાખવાની હતી ?
દાદીમા અને ફૈબા કયાંક બહારગામ જવાના છે..એની તૈયારી ચાલે છે. કયાં ? એની હજુ મને ખબર નથી. પણ હમણાં કાકાના ફોન પણ રોજ રોજ આવે છે. દાદીમા અને ફૈબાને વીઝા કે એવું કશુંક લેવા જવાનું છે ? એ વીઝા અહીં નહીં મળતા હોય ? એ માટે બહારગામ જવું પડે ? મને એ ન ગમ્યું. ફૈબા મારાથી દૂર જાય એ મને કેમ ગમે ? હું પણ એમની સાથે જ ઇશ.. પણ મને ખબર છે કે દાદીમા કંઇ મને લઇ જવાના નથી જ. કદાચ જયને લઇ જાય એવું બને. પણ ના.. જય તો તોફાન કરે એવો છે..એટલે દાદીમા એને પણ નહીં લઇ જાય એવું મને લાગે છે.
ઉમંગી, આપણે બે દિવસમાં પાછા આવી જશું હોં.
‘ અરે મમ્મી, જઇએ જ છીએ તો બે દિવસ આમ કે તેમ.. ત્યાં માસી છે જ ને ? અને બિચારા કેટલા વખતથી તેડાવે છે ? આમ તો નથી જવાતું..આ વીઝા લેવાને બહાને જઇએ છીએ..તો થોડું ફરી આવીશું.
‘ માસી તો છે..પણ મુંબઇમાં મને વધારે ન ફાવે.
‘ શું મમ્મી, તું યે આવી કેવી નકામી વાત કરે છે ? એમાં ફાવવા..ન ફાવવા જેવું શું છે ?
મુંબઇ.. ? આ નામ વળી મેં પહેલીવાર સાંભળ્યું. એ શું હશે ? અને માલા માસી તો અહીં છે.. તો મુંબઇમાં વળી બીજા કયા માસી હશે ? હા.મારા સ્વરા માસી એક છે..એ હશે ? આ મોટાઓ સરખી વાત ન કરે.. આપણને કંઇ ખબર ન પડે.ને પૂછીએ તો કહેશે..એ બધી તને હમણાં ખબર ન પડે..ઝાઝું ડહાપણ ન કર.
લો..આમાં વળી ડહાપણ કયાં આવ્યું ? આ બધા અર્થ વિનાના શબ્દો મને સમજાતા નથી. પણ કંઇ સારું બોલ્યા નથી એટલી સમજ તો મને પડી જ જાય છે.
ને પછી હું એ શબ્દો કોઇને કહું છું..તો બધા મને ખીજાય છે..જૂઇ, આવું બોલતા કયાંથી શીખી ? સ્કૂલમાંથી શીખી આવી લાગે છે આવું બધું ?
લો.. પોતે જ આવું બોલતા હતા એ ભૂલી ગયા ? ને એ જ શબ્દો હું બોલું છું તો કોઇને નથી ગમતું. આ તે કેવી વાત ?
મેં કાલે મમ્મીને કહી દીધું..’
કે ઝાઝું ડહાપણ ન કર,…’
તો દાદીમાએ એક લગાવી દીધી. એમ નહીં કહેવાતું હોય ? તો મને એવું કેમ કહે છે ? દાદીમા જ મને કહેતા હોય છે. એનાથી બોલાય અને મારાથી ન બોલાય એવું કેમ હોતું હશે ? મને તો બધા બોલે એ યાદ રહી જાય છે ને પછી હું પણ યાદ આવે ત્યારે બોલી નાખું છું. કયારેક કોઇ હસી પડે છે.. તો કયારેક ખીજાય છે. આજે દાદીમાએ મને માર્યું. હું રડી પડી. મેં કંઇ તોફાન થોડું કર્યું હતું ?
બસ..હવે બંધ થા.. એક જરી અમથો હાથ અડાડયો એમાં ભેંકડો તાણવા બેઠી.એક તો બોલવાની કંઇ ભાન નથી.. મનમાં આવે એ બકબક કર્યા કરે છે. માને એવું કહેવાય ?
દાદીમા તો મને મનાવવાને બદલે વધારે ખીજાતા રહ્યા..ને કેવું યે બોલતા રહ્યા. હું રડતી રહી.
ત્યાં ફૈબા આવ્યા..હું સીધી ફૈબાને વળગી પડી. દાદીમાએ મારી ફરિયાદ કરી. હું મમ્મીને કેવું બોલી હતી એ કહ્યું.
ફૈબા કહે,
‘ શું મમ્મી, જૂઇને એ બધા અર્થની થોડી ખબર હોય ? એ તો આપણે જે બોલીએ.. અને એ જે સાંભળે એ જ બોલવાની ને ? સારા..ખરાબની હજુ એને થોડી ખબર પડવાની ?
તો આપણે ખબર પાડવી પડે ને ?
આમ મારીને કે ખીજાઇને નહીં મમ્મી..આપણે જ એવા શબ્દો બોલવાના બંધ કરવા પડે. કમ સે કમ છોકરાઓની હાજરીમાં તો ન જ બોલાવા જોઇએ. ફૈબા તો કેવું કેવું બોલતા હતા.
દાદીમા કહે.. બસ..હવે તારું લેક્ચર સાંભળવાનું એમ ? અને દાદીમા ખીજાઇને બીજા રૂમમાં ચાલ્યા ગયા.
મને બહું સમજાયું નહેં. પણ ફૈબા કંઇક મારા પક્ષમાં બોલતા હતા એટલી સમજ પડી. હાશ..કોઇક તો મારા પક્ષે બોલનારું છે.
ભવિષ્યમાં આમ જ મારા પક્ષે કોઇ હમેશા હશે ને ?
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )