i am proud of you..

પપ્પા, આ વેકેશનમાં તો તમારે અમને ફરવા લઈ જવા પડશે હોં. ગયા વરસે પણ તમે અમને પ્રોમિસ આપ્યું હતું, પણ પાળ્યું નહોતું. આ વખતે નહીં લઈ જાવ તો તમારી કીટ્ટા. સાતમા ધોરણમાં ભણતી પુત્રી પારિજાએ પપ્પા પાસે લાડ કરતાં કહ્યું.

આઠ વરસના પુત્ર પલાશે પણ બહેનની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.

મલ્હારે પત્ની સામે જોયું. પત્ની તેની સામે જોતી જોતી હસતી હતી.

મલ્હારે કહ્યું, “બેટા, આ વખતે મને ઓફિસમાંથી કોઈ રીતે રજા મળી શકે તેમ નથી એટલે સોરી, મારી પણ બહુ ઇચ્છા હતી. તમને સિમલા લઈ જવાનું નક્કી પણ કરી નાખ્યું હતું, પણ બેટા, નોકરી એ નોકરી, એમાં કંઈ આપણું ચાલે નહીં.”

“પપ્પા બધાને રજા મળે અને તમને જ નહીં, એ કેમ ચાલે? મારી બહેનપણી મિલિના પપ્પા પણ તમારી જ ઓફિસમાં કામ કરે છે ને? એને તો દર વરસે રજા મળે છે. તમને જ કેમ ન મળે?”

“બેટા, એ તો જેવા જેનાં નસીબ અને મિલિના પપ્પા તો મેનેજર છે. એની વાત જુદી છે.”

“પપ્પા, એ બધું હું કંઈ ન જાણું, અમારે આ વખતે ફરવા જવું છે. વ્હાલસોયી દીકરી આજે મક્કમ હતી અને ભાઈલો તો હંમેશાં તેની બહેન સાથે જ રહેતો હતો.”

અચાનક મલ્હારે દીકરી સામે હાથ લાંબો કર્યો. તેના હાથમાં સિમલાની ચાર ટિકિટ હતી. પારિજા અને પલાશ આનંદથી ઉછળી પડયાં.

“પાપા…યુ ચીટર…!”
કેવી મજા આવીને?
પપ્પા, થેંક… યુ… વાઉ! પલાશ સિમલા… બરફમાં રમવાની કેવી મજા આવશે! ભાઈ-બહેન ખુશીથી પપ્પાને વળગી પડયાં. છોકરાઓ ઉપર વહાલભર્યો હાથ ફેરવતાં મલ્હારે પત્ની સામે જોયું. પ્રાચીની આંખોમાં પણ ખુશીની ઝલક સ્પષ્ટ વરતાતી હતી.

ચાર જણાનો હર્યોભર્યો સુખી સંસાર હતો. મધ્યમવર્ગના આ કુટુંબમાં સ્નેહ, શાંતિ અને સંતોષની કોઈ કમી નહોતી. બે વરસ સુધી બચત કરીને પૈસા ભેગા કરી ક્યાંક ફરવા જવા જેટલી જોગવાઈ પતિ-પત્ની કરી જ લેતાં. અલબત્ત, બહુ દૂર તો નહીં, પરંતુ આસપાસમાં ક્યાંક થોડા દિવસ બધાં સાથે જરૂર ફરી આવતા.

પણ ગયા વર્ષથી છોકરાઓ સિમલા જવાનું નક્કી કરી બેઠા હતા. સ્કૂૂલમાં કોઈ બહેનપણી પાસેથી સિમલાની વાતો સાંભળીને બંનેએ આ વર્ષે પપ્પાને અલ્ટિમેટમ આપી દીધું હતું. પપ્પા આ વર્ષે સિમલા હોં.

આમ પણ બે વર્ષથી મલ્હાર અને પ્રાચી છોકરાંને કોઈ સારી જગ્યાએ લઈ જવાનું પ્લાનિંગ કરતાં જ હતાં. આ વખતે બધો મેળ પડી ગયો અને મહિના અગાઉ રિઝર્વેશન પણ મળી ગયું. વેકેશનને તો હજુ મહિનાની વાર હતી. રજા પણ લેવાઈ ગઈ હતી. બાળકો તો કલ્પનાની પાંખે ઊડતાં હતાં. કેવી મજા આવશે!

હવે તો ફરવા જવાને પંદર દિવસ બાકી રહ્યા હતા. પારિજા અને પલાશે તો પોતાનાં કપડાં પણ ભરી લીધાં હતાં. પોતપોતાની નાની બેગમાં રોજ કશુંક મૂકતાં ને કશુંક કાઢતાં હતાં. તેમની ગડમથલ અને ઉત્સાહને પતિ-પત્ની ખુશીથી જોઈ રહેતાં.ળઆજે મલ્હાર ઓફિસેથી આવ્યો ત્યારે તે કોઈ વિચારમાં ખોવાયેલો હતો. તેને મૌન બેઠેલો જોઈ પ્રાચીએ પૂછયું.

“શું થયું? આજે કેમ આમ ચૂપચાપ બેઠા છો?”

“ના, ખાસ કંઈ નહીં, એમ જ.”

“જુઓ, તમને છુપાવતા કે ખોટું બોલતા નથી ફાવતું એની અમને બધાને ખબર છે. તમારો ચહેરો ચાડી ખાય છે કે તમે કોઈ મૂંઝવણમાં છો. શું વાત છે?”

વાત એમ છે કે તું મારા મિત્ર સોહમને તો ઓળખે છે બરાબર.

“હા.. હા.. કેમ ન ઓળખું? એક વાર આપણા ઘેર પણ આવી ગયા છે. આમ પણ તમે એની વાત ઘણી વાર મને કરી જ છે. તમને કોલેજમાં કેવી મદદ કરી હતી! તમારી ફીના પૈસા પણ એના પપ્પાએ ભરી દીધા હતા. બધી જ વાત મને યાદ છે. તો એનું શું છે?”

“હા પ્રાચી, સોહમની અને તેના ઘરનાની મદદ ન મળી હોત તો મારું ભણવાનું અધૂરું જ રહ્યું હોત ને હું ક્યાંક ઠેબાં ખાતો હોત.”

“તમારી વાત સાચી છે. સોહમભાઈનો આપણી પરનો ઉપકાર કેમ ભુલાય? પરંતુ આજે અચાનક કેમ આ વાત યાદ આવી?”

“પ્રાચી, આજે સોહમનો ફોન આવ્યો હતો. એના દસ વર્ષના દીકરાને અચાનક કેન્સરનું નિદાન થયું છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે. ખર્ચો બહુ મોટો છે. એના એકલાથી પહોંચી વળાય તેમ નથી, તેથી…”

“ઓહ, કેટલાની જરૂર છે?”
“જરૂર તો એની મોટી છે. કોઈ એક વ્યક્તિ પહોંચી વળે એમ નથી. બે-ત્રણ મિત્રો દસ-પંદર હજારની સગવડ કરવાના છે. બાકીની વ્યવસ્થા એ કરી રહ્યો છે.”

“ઓહ, પણ આપણી પાસે તો એટલા પૈસા જ ક્યાં છે? એવી કોઈ બચત પણ નથી, શું કરી શકીએ આપણે?”

મને થયું કે આ વર્ષે ફરવા જવાનું માંડી વાળીએ અને એ પૈસા સોહમને આપીએ. આ તો ઠીક છે એના આપણી ઉપર ઉપકાર છે. નહિતર પણ કોઈની જિંદગી બચાવવામાં આપણે મદદરૂપ થઈ શકતાં હોઈએ તો માણસ તરીકે પણ એ આપણી નૈતિક ફરજ તો ખરી જ ને?

“વાત તો તમારી સાચી છે” પણ… કહેતી પ્રાચી વિચારમાં પડી ગઈ.

“મને ખબર છે. છોકરાંઓ નિરાશ થઈ જશે, પણ ફરવા તો આવતા વર્ષે પણ જવાશે. છોકરાંઓની નિરાશા કરતાં પણ કોઈની જિંદગી વધારે કીમતી છે એવું મને લાગે છે. છોકરાંઓને તો સમજાવી શકાશે.”

“આપણે એક કામ કરીએ, આપણે જાતે કોઈ નિર્ણય લેવાને બદલે છોકરાંઓને જ આ બધી હકીકતની જાણ કરીએ તો? હવે એ લોકો મોટાં થઈ ગયાં છે. મને ખાતરી છે કે તેઓ સમજી શકશે અને પોતે જાતે નક્કી કરશે એટલે નિરાશ પણ નહીં થાય.”

“હા, તારી વાત બરાબર છે.”
તે દિવસે રાત્રે મલ્હારે છોકરાઓને પોતાની પાસે બેસાડયાં અને ધીમેથી બધી વાત કરી.

“બેટા, અમે તમને બધી સાચી વાત કહી દીધી. હવે નિર્ણય તમારે લેવાનો છે. તમે કહેશો એ મુજબ જ હવે અમે કરીશું. તમે કહેશો તો આપણે જરૂર ફરવા જશું. તમે નિરાશ થાઓ કે ઉદાસ બનો એ અમને નહીં ગમે. તમે ભાઈ-બહેન આવતી કાલે નક્કી કરીને મને કહેજો. અત્યારે જ જવાબ આપવાની ઉતાવળ કરવાની જરૂર નથી.”

“પપ્પા, એમાં વિચારવાનું શું છે?” મલ્હાર અને પ્રાચીના આશ્ચર્ય વચ્ચે પારિજા અને પલાશે જરાયે વિચાર કર્યા સિવાય તુરંત પોતાનો ફેંસલો સંભળાવી દીધો અને તે પણ હસીને. આઠ વર્ષના પલાશે પણ બહેનની વાતને સમર્થન આપતાં કહ્યું,

“પપ્પા, આપણે સોહમ અંકલના દીકરાને બચાવીશું જ. પપ્પા, અમારે ફરવા નથી જવું. અમારે મોરલ સાયન્સમાં આજે જ આવી એક વાત અમારા ટીચરે કહી હતી અને તેની ઉપર ગોડ કેવા ખુશ થયા હતા! પપ્પા, આપણી ઉપર પણ ગોડ ખુશ થશે ને? અમે પણ ગુડ ચિલ્ડ્રન છીએ ને?”

“હા. બેટા, તમે તો મારા ગુડ નહીં, બેસ્ટ ચિલ્ડ્રન છો. અમે તો હજુ વિચાર કરતા હતા, તમે તો વિચાર કરવા પણ ન રોકાયાં બેટા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ.” કહેતાં મલ્હારની આંખો ચમકી ઊઠી.

પારિજા અને પલાશ પપ્પાને હેતથી વળગી રહ્યાં અને પ્રાચીનું અંતર આ મંગલ ત્રિકોણના ગૌરવથી ઝળાંઝળાં…

( સંદેશમાં પ્રકાશિત કોલમ..” વાત એક નાની ” )

8 thoughts on “i am proud of you..

 1. નીલમબેન સંદેશમાં આપની વાર્તા આઈ એમ પ્રાઉડ ઓફ યુ વાંચી એમ કહેવાનું મન થાય છે , ” વી આર પ્રાઉડ ઓફ યુ .” આપે વાર્તામાં માત્ર બાળકોને જ નહિ પણ બધા વાચકોને બોધ મળે તેવો વિષય અને ભાષા પસંદ કરી છે . વાર્તાની શરુઆતથી જ ટાયટલ ક્યાં સિદ્ધ થશે તેની ઉત્સુકતા વધતી જાય છે અને વાર્તા પ્રવાસ પર હોય તેવું લાગે અને આપની અન્ય વાર્તાની જેમ અંત સરસ બોધ સાથે માણવા મળે છે .

  Like

  • thanks to all….
   પપ્પાને વહાલથી..લાડથી ચીટર જરૂર કહેવાય… મારા બાળકો હમેશા આવું કશુંક કહેતા… જયારે પપ્પા તેમને સરપ્રાઇઝ આપવા આવું કશુંક કરે ત્યારે.. ! અને પ્રસન્નતાનું વાતાવરણ સર્જાઇ રહેતું.
   આ મારો અંગત અભિપ્રાય છે..બાકી દરેકનો પોતપોતાનો અભિપ્રાય અલગ જ હોવાનો..અને પોતપોતાની રીતે સાચો પણ હોવાનો..

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s